એનએસઈ : નૅશનલ સ્ટૉક ઍક્સચેન્જનો સૌથી મોટો આઈપીઓ હવે કેમ આવ્યો, આની દેશભરમાં ચર્ચા કેમ થઈ રહી છે?

એનએસઈએ જાહેરાત કરી છે કે તેના આઇપીઓ માટેનું સબ્સ્ક્રિપ્શન 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયું છે અને 21 સપ્ટેમ્બર સુધી ખુલ્લું રહેશે શૅરબજાર સ્ટોક માર્કેટ બીએસઈ એનએસઈ બીબીસી ગુજરાતી સમાચાર ગુજરાત ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એનએસઈએ જાહેરાત કરી છે કે તેના આઈપીઓ માટેનું સબ્સ્ક્રિપ્શન 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયું છે અને 21 સપ્ટેમ્બર સુધી ખુલ્લું રહેશે.
    • લેેખક, કોટેરુ શ્રાવણી
    • પદ, બીબીસી તેલુગુ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 8 મિનિટ

દેશના સૌથી મોટા સ્ટૉક ઍક્સચેન્જ નૅશનલ સ્ટોક ઍક્સચેન્જ (એનએસઈ)નો આઈપીઓ આવી ગયો છે.

આ આઈપીઓ માટેનું સબ્સ્ક્રિપ્શન 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયું છે અને 21 સપ્ટેમ્બર સુધી ખુલ્લું રહેશે. કંપનીએ જણાવ્યું છે કે તેના શૅરોનું 24 સપ્ટેમ્બરે શૅરબજારમાં લિસ્ટિંગ થશે.

આ આઈપીઓમાં એક શૅરની કિંમત રૂપિયા 1,700થી 1,785 વચ્ચે નક્કી કરાઈ છે. રિટેલ રોકાણકારોએ 8 શૅરના એક લોટ માટે રૂપિયા 14,280 ચૂકવવાના રહેશે.

આ આઈપીઓની કુલ ઇસ્યૂ સાઇઝ રૂપિયા 22,562 કરોડ છે.

આ આઈપીઓના સંદર્ભે એનએસઈની સ્થાપના ક્યારે થઈ હતી? એનએસઈનો આઈપીઓ કેવો રહેશે? આ આઈપીઓમાં દસ વર્ષનું મોડું કેમ થયું? તેમજ ટૅક્નૉલૉજીના મામલે એનએસઈ અને બીએસઈ વચ્ચે કેટલો ફરક છે? આ તમામ પ્રશ્નોના જવાબ વેપાર નિષ્ણાત નાગેન્દ્ર સાઈ કુન્ડાવરમે બીબીસીને આપ્યા હતા.

એનએસઈનો જન્મ

1990ના દાયકામાં શૅરબજારનો કારોબાર મોટા ભાગે પરંપરાગત સ્ટોક ઍક્સચેન્જો પર નિર્ભર હતો એનએસઈએ જાહેરાત કરી છે કે તેના આઇપીઓ માટેનું સબ્સ્ક્રિપ્શન 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયું છે અને 21 સપ્ટેમ્બર સુધી ખુલ્લું રહેશે શૅરબજાર સ્ટોક માર્કેટ બીએસઈ એનએસઈ બીબીસી ગુજરાતી સમાચાર ગુજરાત ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1990ના દાયકામાં શૅરબજારનો કારોબાર મોટા ભાગે પરંપરાગત સ્ટૉક ઍક્સચેન્જો પર નિર્ભર હતો.

1990ના દાયકાની શરૂઆતમાં ભારત એક મોટા આર્થિક પરિવર્તનની કગાર પર હતું. તે સમયે શૅરબજારનો કારોબાર મોટા ભાગે પરંપરાગત સ્ટૉક ઍક્સચેન્જો પર નિર્ભર હતો. ખાસ કરીને બીએસઈ (બૉમ્બે સ્ટૉક ઍક્સચેન્જ) સાથે જોડાયેલા દલાલોનો ઘણો પ્રભાવ હતો અને યોગ્ય નિયમન વ્યવસ્થાના અભાવે 'ગેરરીતિ' સામાન્ય બની ગઈ હતી. આ બાબતનો બ્રિટાનિકા મનીમાં ઉલ્લેખ છે.

આ સમસ્યાઓના ઉકેલ માટે નાણાં મંત્રાલયે 1991માં મનોહર ફેરવાણીની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી. બ્રિટાનિકા મની અનુસાર, આ સમિતિ ફેરવાણી સમિતિ તરીકે પણ ઓળખાય છે. સમિતિની ભલામણોના આધારે 1992માં એનએસઈ (નૅશનલ સ્ટૉક ઍક્સચેન્જ)ની સ્થાપના થઈ હતી. જોકે, તે સમયે સરકારે તેને સત્તાવાર માન્યતા આપી નહોતી.

લગભગ એ જ સમયગાળામાં 1992માં હર્ષદ મહેતાનું કૌભાંડ સામે આવ્યું હતું. બીએસઈમાં અન્ય બૅન્કરો અને રાજકારણીઓ સાથે મળીને બજારમાં ગેરરીતિ અને હેરફેર કરવામાં હર્ષદ મહેતાની સંડોવણી રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની હતી. આ કૌભાંડ ભારતીય શૅરબજારના ઇતિહાસમાં સૌથી મોટાં નાણાકીય કૌભાંડો પૈકીનું એક ગણાય છે.

હર્ષદ મહેતાએ બૅન્કો પાસેથી પૂરતી સુરક્ષા વિના ધિરાણ મેળવવા માટે બૅન્ક રસીદોનો ઉપયોગ કર્યો હતો. ત્યાર બાદ તેમણે આ નાણાં શૅરબજારમાં રોકીને કેટલાક શૅરોના ભાવ કૃત્રિમ રીતે વધાર્યા હતા.

કૌભાંડ બહાર આવ્યા પછી સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા સહિત અનેક બૅન્કોને ભારે નાણાકીય નુકસાન વેઠવું પડ્યું હતું.

આ ઘટનાએ નાણાકીય વ્યવસ્થાની ખામીઓને ઉજાગર કરી હતી અને ભારતીય શૅરબજારને વધુ આધુનિક તથા વધુ નિયમનબદ્ધ બનાવવાના પ્રયાસોને વેગ આપ્યો હતો.

આ જ સંદર્ભમાં સેબીએ 1993માં એનએસઈને માન્યતા આપી હતી. એનએસઈનો દાવો છે કે તેણે 1994માં થોક ઋણ બજારની શરૂઆત સાથે પોતાની કામગીરી શરૂ કરી હતી.

ત્યાર બાદ થોડા જ સમયમાં કૅશ માર્કેટ વિભાગ પણ શરૂ કરવામાં આવ્યો હતો.

એનએસઈ અને બીએસઈના ટ્રેડિંગમાં શું તફાવત છે?

દેશના સૌથી જૂના સ્ટોક ઍક્સચેન્જ બીએસઈમાં હાલમાં 5,700થી વધુ કંપની સૂચિબદ્ધ છે એનએસઈએ જાહેરાત કરી છે કે તેના આઇપીઓ માટેનું સબ્સ્ક્રિપ્શન 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયું છે અને 21 સપ્ટેમ્બર સુધી ખુલ્લું રહેશે શૅરબજાર સ્ટોક માર્કેટ બીએસઈ એનએસઈ બીબીસી ગુજરાતી સમાચાર ગુજરાત ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દેશના સૌથી જૂના સ્ટૉક ઍક્સચેન્જ બીએસઈમાં હાલમાં 5,700થી વધુ કંપની સૂચિબદ્ધ છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એનએસઈએ તેના પ્રથમ મૅનેજિંગ ડાયરેક્ટર આરએચ પાટીલના નેતૃત્વ હેઠળ સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ સિસ્ટમ શરૂ કરી હતી. તેનો અર્થ એ છે કે શૅરોની ખરીદી અને વેચાણ સંપૂર્ણપણે સ્વચાલિત ઇલેક્ટ્રોનિક માધ્યમથી થઈ શકે છે. આ સાથે એનએસઈ દેશનું પ્રથમ સંપૂર્ણ ઇલેક્ટ્રોનિક સ્ટૉક ઍક્સચેન્જ બન્યું હતું. ત્યાર બાદ બીએસઈએ પણ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ અપનાવી હતી.

બ્રિટાનિકા મની અનુસાર, એનએસઈએ દેશભરના ટ્રેડિંગ કમ્પ્યુટરોને જોડવા માટે ઉપગ્રહ ટૅક્નૉલૉજીનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે દેશના કોઈ પણ ભાગમાંથી ટ્રેડિંગ કરવાનું શક્ય બન્યું હતું.

હાલમાં એનએસઈમાં ઇક્વિટી, ડેરિવેટિવ્ઝ, ફિક્સ્ડ ઇન્કમ અને ડેટ પ્રોડક્ટ્સ તેમજ જાહેર ઇસ્યૂમાં ટ્રેડિંગની સુવિધા છે.

દેશના સૌથી જૂના સ્ટૉક ઍક્સચેન્જ બીએસઈમાં હાલમાં 5,700થી વધુ કંપની સૂચિબદ્ધ છે, જ્યારે માર્ચ 2025 સુધી એનએસઈમાં 2,700થી વધુ કંપની હતી.

આ પ્લૅટફૉર્મ સોમવારથી શુક્રવાર સવારે 9:15 વાગ્યાથી બપોરે 3:30 વાગ્યા સુધી ચાલુ રહે છે. જોકે, પ્રી-ઓપન સત્ર 15 મિનિટ પહેલાં શરૂ થાય છે. દિવાળી જેવા તહેવારો દરમિયાન એનએસઈ મુહૂર્ત ટ્રેડિંગ જેવાં વિશેષ ટ્રેડિંગ સત્રો પણ યોજે છે.

વેપાર નિષ્ણાત નાગેન્દ્ર સાઈ કુન્ડાવરમે બીબીસીને જણાવ્યું હતું, "એનએસઈએ અનેક ક્ષેત્રોમાં નવીન ટ્રેડિંગ વ્યવસ્થા શરૂ કરી છે. જેમ કે બૅન્ક નિફ્ટી, નિફ્ટી વીકલી, નિફ્ટી મંથલી, ફિન નિફ્ટી, મિડકૅપ ઇન્ડેક્સ, કરન્સી, ઍક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને કૉર્પોરેટ બૉન્ડ્સ. બજારના સહભાગીઓને વ્યાપક રીતે વેપાર કરવાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેણે અનેક ટ્રેડિંગ સાધનો ઉપલબ્ધ કરાવ્યાં છે. જૂનું ઍક્સચેન્જ હોવા છતાં ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ ક્ષેત્રમાં બીએસઈ ઘણી પાછળ રહી ગઈ છે."

તેમણે વધુમાં કહ્યું, "એનએસઈ દેશમાં સૌથી મજબૂત ટૅક્નૉલૉજી આધારિત સિસ્ટમ ધરાવે છે. હાઈ-ફ્રિક્વન્સી ટ્રેડિંગ, વાસ્તવિક સમયના બજાર ડેટા, જોખમ વ્યવસ્થાપન અને નિયમનકારી અનુપાલનનાં ક્ષેત્રોમાં તેણે પોતાની ક્ષમતા સાબિત કરી છે."

એનએસઈની વેબસાઇટ અનુસાર, 23 જુલાઈ, 2024ના રોજ એક જ દિવસમાં 200 કરોડ ઑર્ડરોનું પ્રોસેસિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે 5 જૂન, 2024ના રોજ એક જ દિવસમાં 29 કરોડ ટ્રેડિંગ ઑર્ડરોનું પ્રોસેસિંગ કરવામાં આવ્યું હતું.

આ એક વિશ્વવિક્રમ ગણાય છે. કરોડો વ્યવહારો જે સરળતાથી અને અવરોધ વિના પાર પાડવામાં આવે છે, તે એનએસઈના બજાર માળખાની ક્ષમતાનો અંદાજ આપે છે.

સરેરાશ એનએસઈ પર દરરોજ 500 કરોડથી વધુ કરારો અને ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધુ મૂલ્યના વ્યવહારોનું પ્રોસેસિંગ થાય છે. 15 સપ્ટેમ્બરના રોજ એનએસઈએ વિવિધ ક્ષેત્રોમાં મળીને લગભગ 1,304 કરોડ ઑર્ડરોનું પ્રોસેસિંગ કર્યું હતું.

બીજી તરફ, બીએસઈમાં સરેરાશ દરરોજ આશરે 30 કરોડ કરારો અને 250 કરોડ રૂપિયાનો વેપાર થાય છે.

NSE IPO માટે દસ વર્ષનું મોડું કેમ થયું?

બીએસઈમાં સરેરાશ દરરોજ આશરે 30 કરોડ કરારો અને 250 કરોડ રૂપિયાનો વેપાર થાય છે એનએસઈએ જાહેરાત કરી છે કે તેના આઇપીઓ માટેનું સબ્સ્ક્રિપ્શન 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયું છે અને 21 સપ્ટેમ્બર સુધી ખુલ્લું રહેશે શૅરબજાર સ્ટોક માર્કેટ બીએસઈ એનએસઈ બીબીસી ગુજરાતી સમાચાર ગુજરાત ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બીએસઈમાં સરેરાશ દરરોજ આશરે 30 કરોડ કરારો અને 250 કરોડ રૂપિયાનો વેપાર થાય છે.

વેપાર નિષ્ણાત નાગેન્દ્ર સાઈ કુન્ડાવરમના જણાવ્યા મુજબ, "દસ વર્ષના લાંબા સંઘર્ષ બાદ એનએસઈ હવે આઈપીઓ લઈને આવી રહ્યું છે. હજારો કંપનીઓને લિસ્ટિંગ અને ટ્રેડિંગ માટે પ્લૅટફૉર્મ પૂરું પાડતી આ સંસ્થાને શૅરબજારમાં આવવામાં ઘણો સમય લાગ્યો છે. 2016થી તે કાનૂની, નિયમનકારી અને સુશાસન સંબંધિત મુદ્દાઓનો સામનો કરી રહી હતી. ખાસ કરીને કૉ-લોકેશન કેસનો ઉકેલ લાવવામાં ઘણો સમય લાગ્યો."

એનએસઈ પર આરોપ હતો કે તેણે કેટલાક મોટા ટ્રેડરોને ડાર્ક ફાઇબર ઍક્સેસ આપી હતી અને કેટલાક ટ્રેડરોને સંસ્થાકીય ખરીદી-વેચાણ સંબંધિત માહિતી અગાઉથી ઉપલબ્ધ કરાવી હતી. મુખ્ય આરોપ એવો હતો કે કેટલાક હાઈ-ફ્રિક્વન્સી ટ્રેડરોને પ્રાથમિકતા આધારિત ઍક્સેસ આપવામાં આવ્યું હતું.

એક વ્હિસલબ્લૉઅરની ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેના કારણે કેટલાક ટ્રેડરોને ટ્રેડિંગમાં અયોગ્ય લાભ મળતો હતો. જો તેમને અન્ય લોકો કરતાં થોડા માઇક્રોસેકન્ડ વહેલા ટ્રેડ કરવાની તક મળે, તો પણ તેઓ નફો કમાઈ શકતા હતા. આ કારણે તે સમયે આ મુદ્દો ભારે ચર્ચા અને વિવાદનું કારણ બન્યો હતો.

આ મામલે એવી પણ ચર્ચા ફેલાઈ હતી કે એક હિમાલયના યોગીને અગાઉથી જ કેટલીક માહિતી મળી રહી હતી અને આ સમગ્ર ઘટનાક્રમ તેમની જાણમાં હતો. ત્યાર બાદ આ મામલો અદાલતો અને વિવિધ ટ્રિબ્યૂનલ સુધી પહોંચ્યો હતો અને ઘણાં વર્ષો સુધી ચાલ્યો હતો.

નાગેન્દ્ર સાઈ કુન્ડાવરમે કહ્યું, "અંતે, એનએસઈએ કૉ-લોકેશન અને ડાર્ક ફાઇબર સંબંધિત કેસોના સમાધાન માટે સેબીને 1,491.2 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. ત્યાર બાદ તેને સેબી તરફથી આઇપીઓ લાવવાની મંજૂરી મળી ગઈ."

કૉ-લોકેશન કેસ અંગે આટલી મોટી સમસ્યા કેમ થઈ?

વેપાર નિષ્ણાત નાગેન્દ્ર સાઈ કુન્ડાવરમ કહે છે, "આ કોઈ સામાન્ય કંપની કે સામાન્ય કેસ નથી, તેથી એનએસઈનો કેસ અપવાદરૂપ છે. બજાર પર દેખરેખ રાખતી અને નિયમનકારી ભૂમિકા ભજવતી સિસ્ટમ સામે લાગેલા આરોપો પારદર્શિતા અને જનવિશ્વાસ સાથે સીધા જોડાયેલા હોય છે. તેથી આ મામલાને એટલું મહત્ત્વ મળ્યું."

એનએસઈના આઈપીઓ માટે અરજી કેવી રીતે કરવી?

1992માં એનએસઈ (નૅશનલ સ્ટોક ઍક્સચેન્જ)ની સ્થાપના થઈ હતી એનએસઈએ જાહેરાત કરી છે કે તેના આઇપીઓ માટેનું સબ્સ્ક્રિપ્શન 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયું છે અને 21 સપ્ટેમ્બર સુધી ખુલ્લું રહેશે શૅરબજાર સ્ટોક માર્કેટ બીએસઈ એનએસઈ બીબીસી ગુજરાતી સમાચાર ગુજરાત ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, 1992માં એનએસઈ (નૅશનલ સ્ટોક ઍક્સચેન્જ)ની સ્થાપના થઈ હતી.

આઈપીઓમાં અરજી કરવા માટે રોકાણકાર પાસે ડિમેટ ખાતું હોવું ફરજિયાત છે. જેમના પાસે ડિમેટ ખાતું છે, તેઓ કંપની દ્વારા જાહેર કરવામાં આવેલી તારીખો દરમિયાન પોતાના નેટ બૅન્કિંગ અથવા ટ્રેડિંગ ખાતા મારફતે આઇપીઓ માટે અરજી કરી શકે છે.

જ્યારે રોકાણકાર નેટ બૅન્કિંગથી અરજી કરે છે, ત્યારે આઈપીઓમાં રોકાણ માટે જરૂરી સંપૂર્ણ રકમ તેના ખાતામાં બ્લૉક કરી દેવામાં આવે છે.

ત્યાર બાદ આઈપીઓમાં જેટલા શૅરની ફાળવણી થાય તેના આધારે જરૂરી રકમ કપાઈ જાય છે અને બાકીની રકમ રોકાણકારના ખાતામાં રહી જાય છે.

જો શૅરોની કોઈ ફાળવણી ન થાય, તો રોકાણકારની સંપૂર્ણ રકમ અનબ્લૉક કરી દેવામાં આવે છે.

એટલે કે રોકાણકારને પોતાની આખી રકમ પાછી મળી જાય છે અને તેનો અન્ય વ્યવહારો માટે ઉપયોગ કરી શકાય છે.

શૅરોની ફાળવણી કેવી રીતે થાય છે? લૉટ એટલે શું?

આઇપીઓમાં અરજી કરવા માટે રોકાણકાર પાસે ડિમેટ ખાતું હોવું ફરજિયાત છે એનએસઈએ જાહેરાત કરી છે કે તેના આઇપીઓ માટેનું સબ્સ્ક્રિપ્શન 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયું છે અને 21 સપ્ટેમ્બર સુધી ખુલ્લું રહેશે શૅરબજાર સ્ટોક માર્કેટ બીએસઈ એનએસઈ બીબીસી ગુજરાતી સમાચાર ગુજરાત ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આઈપીઓમાં અરજી કરવા માટે રોકાણકાર પાસે ડિમેટ ખાતું હોવું ફરજિયાત છે.

આઈપીઓમાં શૅરોની ફાળવણી લૉટરી પદ્ધતિથી કરવામાં આવે છે. તેથી અરજી કરનાર દરેક રોકાણકારને શૅર મળશે જ, એવું જરૂરી નથી.

કંપની આઈપીઓ જાહેર કરતી વખતે શૅરોની લઘુતમ સંખ્યા પણ નક્કી કરે છે. તેને લૉટ કહેવાય છે. જો કોઈ રોકાણકાર નક્કી કરેલા લૉટ કરતાં ઓછા શૅર માટે અરજી કરે, તો તેની અરજી નામંજૂર થઈ શકે છે.

ઉપરાંત, તમે લૉટના આધારે અરજી કરો તો પણ તમને તમારી ઇચ્છા મુજબના તમામ શૅર એકસાથે ફાળવવામાં આવશે જ, તેની ખાતરી નથી.

શૅરોની ફાળવણી ઉપલબ્ધ શૅરોની કુલ સંખ્યા અને રોકાણકારો પાસેથી મળેલી અરજીઓની સંખ્યા પર આધાર રાખે છે.

કંપની દ્વારા ફાળવવામાં આવેલા શૅરો, ઇસ્યૂ બંધ થયાના પાંચ દિવસની અંદર રોકાણકારોના ડિમેટ ખાતામાં જમા કરી દેવામાં આવે છે.

કોઈ સમસ્યા થાય તો ફરિયાદ ક્યાં કરવી?

જો શૅરોની ફાળવણીમાં કોઈ ભૂલ થઈ હોય અથવા નાણાં પરત મેળવવામાં કોઈ મુશ્કેલી આવે, તો સૌપ્રથમ આઈપીઓ બહાર પાડનાર કંપનીના ફરિયાદ નિવારણ વિભાગનો સંપર્ક કરવો જોઈએ.

જો ત્યાંથી સમસ્યાનો ઉકેલ ન આવે, તો સેબી સમક્ષ ફરિયાદ કરી શકાય છે.

ફરિયાદ સંપૂર્ણ વિગતો સાથે નીચેના સરનામે મોકલી શકાય છે: ઑફિસ ઑફ ઇન્વેસ્ટર આસિસ્ટન્સ ઍન્ડ ઍજ્યુકેશન, સેબી, સી-4, જી બ્લૉક, કુર્લા કૉમ્પ્લેક્સ, ઇસ્ટ બાંદ્રા, મુંબઈ.

શું આઈપીઓ પછી એનએસઈ પોતાના પ્લૅટફૉર્મ પર જ ટ્રેડ થશે?

આઈપીઓ દ્વારા શૅરબજારમાં આવતી મોટા ભાગની કંપનીઓના શૅર એનએસઈ અને બીએસઈ બંને પ્લૅટફૉર્મ પર લિસ્ટ થાય છે અને ત્યાં ટ્રેડિંગ માટે ઉપલબ્ધ હોય છે.

જોકે, 17 સપ્ટેમ્બરે આઈપીઓ લાવી રહેલી એનએસઈ પોતાના જ પ્લૅટફૉર્મ પર તેના શૅરોના ટ્રેડિંગની મંજૂરી આપશે નહીં.

ઇકૉનૉમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, એનએસઈના મૅનેજિંગ ડાયરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી આશિષ ચૌહાણે ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે એનએસઈએ પોતાના પ્લૅટફૉર્મ પર તેના શૅરોના ટ્રેડિંગ માટે સેબી પાસેથી કોઈ મંજૂરી માગી નથી. તેમણે કહ્યું હતું કે એનએસઈ નિયમનકારી માળખાનું સંપૂર્ણ પાલન કરશે.

વેપાર નિષ્ણાત નાગેન્દ્ર સાઈ કુન્ડાવરમ કહે છે, "સેબીના નિયમો અનુસાર સ્ટોક ઍક્સચેન્જ બજારનું માળખાકીય પ્લૅટફૉર્મ છે. તેથી ઍક્સચેન્જ માટે બજારના સહભાગી અને મધ્યસ્થ તરીકેની પોતાની જવાબદારીઓ સંપૂર્ણ નિષ્ઠા સાથે નિભાવવી મહત્ત્વપૂર્ણ છે. નિયમોના પાલન, ઇનસાઇડર ટ્રેડિંગની દેખરેખ અને નિરીક્ષણ જેવી બાબતો ખૂબ જ સંવેદનશીલ છે. પારદર્શિતાના અભાવનું જોખમ ટાળવું જરૂરી છે અને શૅરની કિંમતને અસર કરતાં પરિબળો પર નિયંત્રણ રાખવું પણ મુશ્કેલ બની શકે છે."

તેમણે વધુમાં જણાવ્યું, "આ કારણસર એનએસઈના શૅરો નૅશનલ સ્ટોક ઍક્સચેન્જ પર ટ્રેડ થઈ શકતા નથી. તે બીએસઈ પર લિસ્ટ થશે અને ત્યાં જ ટ્રેડ થશે. નોંધનીય છે કે હાલમાં બીએસઈના શૅરો એનએસઈ પર ટ્રેડ થાય છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન