'સેક્સ મને ગમે છે કે નહીં, તેની કોઈને પરવા નથી' — ઉત્તર કોરિયાથી આવેલી મહિલા શરણાર્થીઓ સેક્સ અને પ્રેમ વિશે શું કહે છે?

ઉત્તર કોરિયા, સેક્સ, મહિલા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP via Getty Images

    • લેેખક, હાન સુંગ મી
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 9 મિનિટ

"ઉત્તર કોરિયામાં મારે સેક્સ ત્યારે જ કરવું પડતું, જ્યારે મારા પતિ કહે. મને ઇચ્છા હોય ત્યારે નહીં."

"અમારા માટે સેક્સ એટલે પ્રેમ વ્યક્ત કરવાની બાબત નથી. એ અમારા પર લાદવામાં આવેલો એક નિયમ છે. લગ્ન પછી બાળકો પેદા કરવા માટે મહિલાએ તેને પોતાની રોજિંદી જિંદગીનો એક ભાગ માનીને સહન કરવું પડે છે."

આ અનુભવ 60 વર્ષનાં 'A' નામની એક મહિલાનો છે. તે પોતાના જીવનું જોખમ હોવાની બીકે ઉત્તર કોરિયામાંથી ભાગીને દક્ષિણ કોરિયા આવી હતી.

બીજા કેટલાક શરણાર્થીઓ સાથે પણ બીબીસીએ વાત કરી હતી. તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે આ અહેવાલમાં તેમની અંગત ઓળખ જાહેર કરી રહ્યા નથી. બીબીસીએ 20 વર્ષની 'B' અને 40 વર્ષનાં 'C' નામનાં બે મહિલાઓ સાથે પણ વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, "અમને એ જોઈએ છે કે નહીં, એ કોઈ પૂછતું નથી. આપણી ઇચ્છા શું છે એ કેમ નથી પૂછતા?"

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઉત્તર કોરિયાની મહિલાઓ

ઉત્તર કોરિયામાં મહિલાઓ લાંબા સમયથી પોતાનું જીવન સરકારની અને પરિવારની જરૂરિયાતો પૂરી કરવામાં વિતાવતી આવી છે.

તેમની ભૂમિકા આજ્ઞાકારી દીકરી, સમર્પિત પત્ની અને પોતાના પરિવાર માટે બલિદાન આપતી માતા પૂરતી જ મર્યાદિત રહી છે.

મહિલાઓએ કહ્યું કે, "ત્યાં પ્રેમ, લગ્ન અને બાળકો પેદા કરવાં એ વ્યક્તિગત પસંદગી નથી. દેશ અમારી પાસેથી જે જવાબદારીની અપેક્ષા રાખે છે, એ અમારે પૂરી કરવાની હોય છે. 'મારે શું જોઈએ છે?' એવો સવાલ પૂછવા માટે પણ કોઈ અવકાશ નથી."

આ લેખ લખતાં પહેલાં હું ઉત્તર કોરિયાની મહિલાઓમાં સેક્સ અંગેની સમજ અને માન્યતાઓ વિશે જાણવા માગતી હતી. આ પ્રયાસ દરમિયાન મને સમજાયું કે તેમની વાત માત્ર સેક્સ પૂરતી મર્યાદિત નથી; તેની પાછળ બીજી ઘણી બાબતો પણ છે.

"મને લાગતું હતું કે એને અડવાથી હું ગર્ભવતી થઈ જઈશ"

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ બધી કથાઓ અલગ-અલગ લાગતી હશે, પરંતુ એ બધામાં એક બાબત સરખી છેઃ વ્યક્તિને પોતાની મરજી મુજબ જીવન જીવવાનો અધિકાર.

આ લેખ 'જાતીયતા'ના દૃષ્ટિકોણથી એ હકીકત તપાસે છે કે ઉત્તર કોરિયાનો સમાજ મહિલાઓના શરીર અને તેમની ઇચ્છાઓ પર કેટલું નિયંત્રણ રાખે છે અને તેમને પોતાની જિંદગી વિશે નિર્ણય લેવાની કેટલી સ્વતંત્રતા છે.

પરંતુ આ વાત આખરે એક સવાલ પર આવીને અટકે છેઃ "આ શરીર કોનું છે?"

સિઓલ યુનિવર્સિટીના પ્રોફેસર જિઓન જુ-રામ ઉત્તર કોરિયાથી આવેલા લોકોનો અભ્યાસ કરે છે. ઉત્તર કોરિયાની કેટલીક મહિલાઓ સાથે વાત કરતી વખતે તેમને 'ઇચ્છા' શબ્દ સૌથી વધુ આશ્ચર્યજનક લાગ્યો હતો.

ઉત્તર કોરિયામાં લોકોને પોતાની પસંદગીની શાળા, નોકરી કે કામનું સ્થળ પસંદ કરવાની ખરેખર છૂટ નથી. તેઓ સત્તાધિકારીઓના નિર્ણયો અને આદેશો પ્રમાણે જ કામ કરે છે.

પ્રોફેસર જિઓન જુ-રામ સમજાવે છે, "નાનપણથી જ કોઈ કહે, 'અરે, તું ઊંચો છે, દેખાવડો છે, સીધો ઊભો રહે,' અને પછી તેને પકડીને ડિવિઝન 5માં લઈ જાય. કોઈને નોકરી મળશે કે નહીં?"

"કૉલેજમાં જશે કે નહીં? એ બધું તેની સામાજિક પૃષ્ઠભૂમિના આધારે નક્કી થાય છે. આખી જિંદગી તેઓ આ રીતે જ જીવ્યા હોવાથી તેમને એ અસ્વાભાવિક લાગતું નથી."

ઉત્તર કોરિયામાં જાતીય બાબતો અંગે માહિતીનો કેટલો અભાવ છે, એ ત્યાંથી ભાગી આવેલી મહિલાઓએ જણાવેલી વાતોમાંથી પણ જાણવા મળે છે.

એ મહિલાઓએ કહ્યું કે ઉત્તર કોરિયામાં તેમને કદી જાતીય શિક્ષણ મળ્યું નહોતું.

તેમનું કહેવું હતું કે આવી બાબતો વિશે વાત કરવી ન જોઈએ અથવા એ શરમજનક બાબત છે એમ કહીને તેને સહેલાઈથી ટાળી દેવામાં આવતી હતી.

60 વર્ષનાં 'A' કહે છે, "મને ખરેખર કંઈ જ ખબર નહોતી. અંડાણુ ક્યારે છૂટે છે એની પણ મને ખબર નહોતી. મને તો એમ લાગતું હતું કે હાથ પકડવાથી પણ ગર્ભ રહી જાય છે. હું 20 વર્ષની થઈ ત્યાં સુધી મને એવું જ લાગતું હતું. કારણ કે મને જાતીય બાબતોનું સાચું શિક્ષણ મળ્યું જ નહોતું."

ઉત્તર કોરિયામાંથી ભાગીને દક્ષિણ કોરિયા પહોંચ્યાં પછી તેમણે ત્યાંની હનાવન શરણાર્થી શિબિરમાં પહેલી વાર જાતીય બાબતો વિશે જાણ્યું.

20 વર્ષનાં શરણાર્થી 'B'ને પણ હનાવનમાં પહેલી વાર જાતીય શિક્ષણ મળ્યું હતું. પરંતુ તેમણે કહ્યું, "આવી બાબતો વિશે આટલા બધા લોકોની સામે વાત કરતાં મને થોડી શરમ આવતી હતી."

તેમણે કહ્યું, "હું ઊંઘવાનો ડોળ કરતી. મને લાગતું કે આવી વાતો ધ્યાનથી સાંભળીશ તો લોકો મારા વિશે કંઈક ખોટું વિચારશે."

"પુરુષ ઉપર અને મહિલા નીચે... તેઓ એટલું જ જાણે છે"

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઉત્તર કોરિયન મહિલા અને એક યુવાન પુરુષ (ફાઇલ તસવીર)

સિઓલ નૅશનલ યુનિવર્સિટીનાં સમાજશાસ્ત્રનાં પ્રોફેસર પાર્ક ક્યોંગ-સૂકે પોતાના સંશોધનપત્ર 'ગવર્નમેન્ટ, પેટ્રિયાર્કી ઍન્ડ વિમેન ઇન નૉર્થ કોરિયન સોસાયટી'માં ઉત્તર કોરિયામાં જાતીયતા અંગેના સત્તાવાર અભિગમ વિશે લખ્યું છે. આ એક પ્રાથમિક અભ્યાસ છે.

તેમણે કહ્યું, "ઉત્તર કોરિયાના સત્તાવાર વલણ મુજબ જાતીય બાબતો એવી શરમજનક બાબત છે, જેને છુપાવી રાખવી જોઈએ. લગ્ન અને સંતાનપ્રાપ્તિ જેવી દેશની જરૂરિયાતોના માળખામાં જ તેને મંજૂરી આપવામાં આવે છે."

ઉત્તર કોરિયામાંથી ભાગી આવેલી મહિલાઓના અનુભવો પણ આ જ વાત તરફ ઈશારો કરે છે.

'B'એ કહ્યું, "મારા પતિ ઘરે નશામાં પણ આવતા હોય, તો પણ મારે સેક્સ કરવું પડતું. મને માસિક આવતું હોય તો પણ કોઈ ફરક પડતો નહીં."

"મારા પતિ ઇચ્છે તો મારે કરવું જ પડતું. એ પહેલાં કોઈ જાતની તૈયારી કે પ્રેમાળ સ્પર્શ નહોતો. મારા માટે એનો કોઈ ખાસ અર્થ પણ નહોતો."

તેમણે કહ્યું, "કોઈ સ્ત્રી પોતે પહેલ કરીને મને પૂછે કે મારે સેક્સ કરવું છે કે નહીં, એવું મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું."

તેમણે સમજાવ્યું, "સેક્સ પાંચ મિનિટ પણ ચાલતો નથી. ક્યારેક અમે એકબીજાને ચુંબન કરીએ છીએ. પુરુષ જે કરવાનું હોય એ કરે છે અને પછી જતો રહે છે."

"બધું એટલું ઝડપથી પૂરું થઈ જાય છે કે કોઈ ઇચ્છા રાખવાનો પણ અર્થ નથી. મહિલા ખરેખર શું ઇચ્છે છે એ વિશે પુરુષો વિચારતા નથી."

"સેક્સની અલગ-અલગ મુદ્રાઓ વિશે પણ કોઈ વાત નથી. પુરુષ ઉપર અને મહિલા નીચે-તેઓ એટલું જ જાણે છે. અત્યારે વિચારું છું તો મને એ પણ ખબર નથી કે ઓર્ગેઝમ ખરેખર શું હોય છે."

'A'એ કહ્યું, "કંઈ જાણ્યા વિના મારી યુવાની પસાર થઈ ગઈ, એ મારું દુર્ભાગ્ય છે."

"હિંસા વિના રોમાન્સ નથી"

બીજી એક મહિલાએ કહ્યું, "મને મારવામાં આવે તો પણ હું કંઈ કહી શકતી નહોતી. મને લાગતું હતું કે હું એક ગૃહિણી છું અને મારાં બાળકોની માતા છું. તેથી મારા પતિની સારી રીતે સંભાળ રાખવી એ મારી જવાબદારી છે."

તેમણે કહ્યું, "પતિના લગ્નેતર સંબંધો પણ મહિલાએ સહન કરવા પડતા હતા, કારણ કે ઉત્તર કોરિયામાં છૂટાછેડા લેવાની પ્રક્રિયા ખૂબ મુશ્કેલ છે."

"કારણ કે પિતૃસત્તાક સંસ્કૃતિને સ્વાભાવિક માનવામાં આવે છે"

શિનહાન યુનિવર્સિટીના પોસ્ટ-ડિવિઝન બૉર્ડર કલ્ચર ઇન્સ્ટિટ્યૂટનાં ડૉ. ક્વોન ગ્યૂમ-સાંગે કહ્યું કે ભૂતકાળમાં ઉત્તર કોરિયામાં ગર્ભનિરોધક પદ્ધતિઓનો ઉપયોગ વધુ કડક રીતે કરવામાં આવતો હતો.

હિંસા સહન કરવી, છૂટાછેડાનો વિચાર છોડી દેવો અને પોતાનું શરીર પતિને સોંપી દેવું-આ બધાની પાછળ એક વધુ મોટો અને જૂનો સવાલ છે.

સવાલ એ છેઃ "મહિલાઓના શરીરમાં સરકાર આટલી બધી દખલગીરી શા માટે કરે છે?"

ડૉ. ક્વોન ગ્યૂમ-સાંગે સમજાવ્યું, "કારણ કે પિતૃસત્તાક સંસ્કૃતિને સ્વાભાવિક માનવામાં આવે છે."

"એક કૉન્ડોમના પૈસામાં ચાર લોકોનું પેટ ભરાઈ શકે"

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસીએ જે મહિલાઓ સાથે વાત કરી હતી તેમના જણાવ્યા મુજબ, ઉત્તર કોરિયામાં ગર્ભનિરોધકની જવાબદારી સંપૂર્ણપણે મહિલાઓની છે.

સૌથી વધુ વપરાતી પદ્ધતિમાં 'હૂક' તરીકે ઓળખાતા ઇન્ટ્રાયૂટરિન ડિવાઇસ (આઈ.યુ,ડી.)ને ગર્ભાશયમાં મૂકવામાં આવે છે.

મહિલાઓ તાંબાની બનેલી વીંટીઓ પહેરતી હતી. જેમની પાસે થોડા વધારે પૈસા હોય તેઓ ચાંદીની વીંટીઓ પહેરતી. તેઓ બજારમાં ચીનથી આવેલી વસ્તુઓ ખરીદતી અને પછી એ વીંટી મૂકાવવા માટે હૉસ્પિટલ લઈ જતી.

મહિલાઓએ કહ્યું કે ધાતુની બનેલી આ વીંટી સિવાયની ગર્ભનિરોધક પદ્ધતિઓમાં આડઅસર થતી હતી.

ઘણી મહિલાઓને ભારે રક્તસ્રાવ થતો અને મહિનાઓ સુધી કમરમાં ખૂબ દુખાવો રહેતો.

સંશોધક ચોઇ સૉલના જણાવ્યા મુજબ, સમય જતાં ગર્ભનિરોધકનો ઉપયોગ કરવા અંગે પુરુષોનો અભિગમ બદલાયો છે અને 2010 પછી કૉન્ડોમનો ઉપયોગ વધ્યો છે.

'B' નામની એક મહિલાએ કહ્યું, "પુરુષો ખરેખર ગર્ભનિરોધકનો ઉપયોગ કરે છે કે નહીં એ મને ખબર નથી. હંમેશાં મહિલાઓ જ કરે છે."

તેમણે કહ્યું, "હું બજારમાં છુપાઈને કૉન્ડોમ વેચતી હતી. પરંતુ એ બહુ મોંઘા હતા. એક કૉન્ડોમના પૈસામાં ચાર લોકોનું પેટ ભરાઈ શકે. તો પુરુષો એનો ઉપયોગ શા માટે કરે?"

તેમને 2000 સુધી કૉન્ડોમનું અસ્તિત્વ પણ ખબર નહોતું. એ કોણ લાવતું હતું? કેવી રીતે લાવતું હતું? એની તેમને ખબર નહોતી. જોકે, બજારો દ્વારા તેના વિશેની માહિતી ગુપ્ત રીતે મળતી રહેતી હતી.

તેમણે પૂછ્યું, "વારંવાર ગર્ભ રહેતો હોય તો આપણે બાળકોને કેવી રીતે ઉછેરી શકીએ? એટલે જ મહિલાઓને આઈ.યુ.ડી. મૂકાવવાની જરૂર લાગે છે. પુરુષ કોઈ સ્ત્રીને ગર્ભવતી કરીને સરળતાથી જતો રહી શકે, તો પછી આપણું શું?"

મહિલાએ કહ્યું, "ત્યાં આજે પણ મહિલાઓ ગર્ભપાત કરાવે છે. તેઓ પોતે જ ઘરે ગર્ભપાત કરે છે."

મેં જે મહિલાઓ સાથે વાત કરી હતી, તેમાં ઘણી એવી હતી જેમની માતાઓએ પોતાની દીકરીઓને ગર્ભનિરોધકનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવ્યું હતું.

એ પણ કામ ન કરે, તો કેટલીક માતાઓ પોતે જ પોતાની દીકરીઓના શરીરમાં આ વીંટી મૂકી દેતી હતી. એ ખૂબ જ પીડાદાયક બાબત હતી.

સરકારે જાતીય બાબતો અંગે જાગૃતિ ફેલાવવાનું શિક્ષણ આપવાનું હતું, પરંતુ એમ કરવામાં આવ્યું નથી. તેથી ઊભી થયેલી આ ખાલી જગ્યા માતાઓએ પૂરી છે.

આ 'ગુપ્ત જ્ઞાન' પેઢી દર પેઢી બાળકોના ભલા માટે આગળ પહોંચતું આવ્યું છે. જોકે કેટલાક પરિવારોમાં આજે પણ આવી વાતો કરવી શરમજનક અને નિષિદ્ધ માનવામાં આવે છે.

એક મહિલાએ કહ્યું, "માતાપિતા સાથે આના વિશે વાત કરતાં શરમ આવે છે. આવી વાતો તો મિત્રો સાથે જ કરવાની હોય."

'મારી આઝાદી, મારા શરીર પરનો અધિકાર...'

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP via Getty Images

"ઉત્તર કોરિયાથી દક્ષિણ કોરિયા આવતી મહિલાઓ માટે અહીંની ડેટિંગ સંસ્કૃતિ અને પોતાની જાતની સંભાળ રાખવાની રીતો સૌથી વધુ આશ્ચર્યજનક હોય છે," એક મહિલા શરણાર્થીએ કહ્યું.

એક મહિલાએ વારંવાર કહ્યું કે ડેટિંગને લઈને દક્ષિણ કોરિયા આવ્યા પછી તેના જીવનમાં અણધાર્યા ફેરફારો થયા.

"એક વાર તમે દક્ષિણ કોરિયાના પુરુષ સાથે ડેટિંગ કરો, પછી તમને ફરી ક્યારેય ઉત્તર કોરિયાના પુરુષ સાથે ડેટિંગ કરવાનું મન નહીં થાય."

"હું ઉત્તર કોરિયાના પુરુષો સાથે હતી ત્યારે મને એમ લાગતું હતું કે હું તેમની સેવા કરી રહી છું. હું તેમના માટે બધું જ કરતી, પરંતુ બદલામાં મારી કદર તો ઠીક, એની નોંધ પણ ન લેવાતી."

"દક્ષિણ કોરિયાના પુરુષોને મળ્યા પછી જ મને સમજાયું કે બંનેમાં કેટલો મોટો તફાવત છે. અહીંના પુરુષોનો અવાજ પણ ઘણો નરમ હોય છે."

"હું કોઈની સાથે સંબંધમાં હોઉં ત્યારે તેઓ વારંવાર પૂછે છે કે મને કેવું લાગે છે. તેઓ મને પૂછે છે કે મને એ ગમે છે કે નહીં. પહેલી વાર મને લાગ્યું કે સાચો પ્રેમ મળવો એટલે શું."

"ઉત્તર કોરિયાના પુરુષોને લાગે છે કે બધી મહિલાઓએ આમ જ કરવું જોઈએ. મને એ બાબત અસ્વસ્થ કરી દે છે. હું એવી જગ્યાએ રહેવા માગું છું જ્યાં મને પ્રેમ મળે," મહિલાએ કહ્યું.

વીસ વર્ષની એક મહિલાએ દક્ષિણ કોરિયાના પુરુષો સાથેના પોતાના જાતીય અનુભવો વિશે જણાવ્યું. તેણે કહ્યું કે તેઓ તેની માનસિક અને શારીરિક સ્થિતિ સમજતા હતા અને સેક્સ પછી પૂછતા હતા, "તમને ઠીક છે ને?"

"હું દક્ષિણ કોરિયા આવી ત્યારે એક ઉત્તર કોરિયાના પુરુષ સાથે લગ્ન કર્યાં. તે હજી પણ જૂના વિચારો ધરાવતો પુરુષ હતો. તેના કારણે મારું જીવન મુશ્કેલ બની ગયું," ચાલીસ વર્ષની મહિલાએ કહ્યું.

"જાતીય માનસશાસ્ત્રના ચાર તબક્કા છે—ઉત્તેજના, સેક્સ પહેલાંની નિકટતા, ચરમસીમા અને સ્ખલન. દક્ષિણ કોરિયાના પુરુષો સાથે ડેટિંગ કરતી ઉત્તર કોરિયાની મોટા ભાગની મહિલાઓ પોતાના સંબંધથી સંતુષ્ટ જણાય છે," પ્રોફેસર જિઓન જુ-રામે કહ્યું.

પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે મહિલાઓમાં આવેલા આ ફેરફારોના કારણે ઉત્તર કોરિયાથી સાથે ભાગીને આવેલા કેટલાક દંપતીઓ છૂટાછેડા લઈ રહ્યાં છે.

"ઉત્તર કોરિયાથી સાથે ભાગીને આવેલા દંપતીઓ આખરે નોંધપાત્ર સંખ્યામાં છૂટાછેડા લઈ લે છે. અહીં આવ્યા પછી ઉત્તર કોરિયાની મહિલાઓને સમજાય છે કે કંઈક ખોટું છે. ઉત્તર કોરિયાના પુરુષોએ ઝડપથી પોતાનામાં બદલાવ લાવવો જરૂરી છે. પરંતુ શું એ એટલું સહેલું છે? તેઓ બદલાતા નથી," સંશોધક ચોઇ સેઓલે કહ્યું.

"આ કેવળ સાંસ્કૃતિક પસંદગીનો પ્રશ્ન નથી. અલગ-અલગ સમાજોમાં પુરુષો અને મહિલાઓએ શું કરવું જોઈએ, તેની ભૂમિકાઓ પણ અલગ હોય છે. ઉત્તર કોરિયા પિતૃસત્તાને સત્તાના સાધન તરીકે વાપરે છે, જ્યારે દક્ષિણ કોરિયામાં મહિલાઓને સશક્ત બનાવવાના પ્રયાસોથી લિંગ સમાનતા તરફ આગળ વધી શકાયું છે," સેઓલે કહ્યું.

'દક્ષિણ કોરિયાના ગુપ્તચર અધિકારીઓ પ્રત્યે આકર્ષણ...'

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઉત્તર કોરિયાનાં નવદંપતી

દરમિયાન, દક્ષિણ કોરિયા પહોંચ્યા પછી નૅશનલ ઇન્ટેલિજન્સ સર્વિસ (એન.આઈ.એસ.)ના અધિકારીઓ મહિલાઓની પૂછપરછ કરતા હતા ત્યારે પોતાને મળેલા પુરુષો વિશે પણ ઉત્તર કોરિયાની મહિલાઓએ પોતાની લાગણીઓ વ્યક્ત કરી. આ વાત પણ ઘણી રસપ્રદ હતી.

"એનઆઇએસના અધિકારીઓ એટલા આકર્ષક હતા કે તેમને જોતાં જ બધાંના દિલમાં કંઈક થવા લાગે. સાચું કહું તો, હું પણ અહીં પહેલી વાર આવી ત્યારે એવી જ હતી. તેઓ સૂટ પહેરતા હતા, ખૂબ જ દેખાવડા અને નરમ સ્વભાવના લાગતા હતા. તેમને જોતાં જ મારું મન ખુશ થઈ જતું," એક મહિલાએ કહ્યું.

આ નાનકડી ઘટના પરથી દક્ષિણ કોરિયામાં સ્થાયી થયેલી ઉત્તર કોરિયાની મહિલાઓ માટે માન અને કરુણા જેવા ખ્યાલો કેટલા નવા અને મહત્ત્વપૂર્ણ છે, એ સમજાય છે.

"દક્ષિણ કોરિયાના એક પુરુષ સાથે મારે ગાઢ સંબંધ હતો. હવે અમે અલગ થઈ ગયાં છીએ. પરંતુ તે ખૂબ જ દયાળુ હતો. તેણે મારી સાથે પ્રેમથી વર્તન કર્યું. હું ફરી એક વાર દક્ષિણ કોરિયાના પુરુષ સાથે ડેટિંગ કરવા માગું છું. એક દિવસ લગ્ન પણ કરવા માગું છું," 60 વર્ષની મહિલાએ કહ્યું.

ઇન્ટરવ્યૂના અંતે મેં મહિલાઓને સેક્સ વિશે તેમનો અભિપ્રાય પૂછ્યો.

"લોકો સાથે જોડાણ," 'B' નામની મહિલાએ કહ્યું. "જાતીયતા વિશે જાણ્યા પછી મને ઘણા લોકો સાથે જોડાવાની ઇચ્છા થઈ."

"પહેલાં મને ખબર નહોતી કે મારે શું જોઈએ છે. પરંતુ હવે મને લાગે છે કે મારે એવી વ્યક્તિ જોઈએ છે જે મને પ્રેમ કરે અને સમયાંતરે નવી રીતે મારી સંભાળ રાખે."

"મને ફૂલ જેવી લાગણી થાય છે. સેક્સ પછી મને ખૂબ ખુશી અને આનંદ થાય છે. દક્ષિણ કોરિયા આવ્યા પછી મને આ વાત સમજાઈ. એક સ્ત્રી તરીકે ખુશ રહેવાનો અર્થ શું છે, એ હું અહીં શીખી," 'A' નામની મહિલાએ કહ્યું.

ઉત્તર કોરિયાની મહિલાઓને પૂછવામાં આવ્યું, "તમારે શું જોઈએ છે?", ત્યારે તેમને પહેલી વાર લાગવા માંડ્યું કે તેમનું શરીર ખરેખર તેમનું પોતાનું છે. ભલે આ સમજ તેમને મોડી મળી હોય.

સરકાર, સમાજ અને પતિઓના નિયંત્રણને કારણે તેમણે પોતાના શરીર પરનો અધિકાર ગુમાવી દીધો હતો. દક્ષિણ કોરિયામાં મળેલી આઝાદી અને પોતાની જિંદગી અંગે જાતે નિર્ણય લેવાની સ્વતંત્રતા દ્વારા તેમણે આ અધિકાર ફરી મેળવ્યો છે. તેમના માટે આ કોઈ ક્રાંતિથી ઓછું છે?

"મને ફરી એક જિંદગી જીવવાની તક મળે, તો હું દક્ષિણ કોરિયામાં જન્મવા માગું. હું હંમેશાં મુક્તપણે અને નિર્ભયપણે ડેટિંગ કરવા માગતી હતી. હું મારા શરીર સાથે મારી મરજીનું જીવન જીવવા માગું છું. હવે હું સમજું છું કે સાચી આઝાદી એટલે શું," 'A'એ કહ્યું.

તેમની કહાની હજી અધૂરી છે. વર્ષોથી જે શરીર પરનો અધિકાર, પોતાની ઇચ્છાઓ અને પ્રેમથી તેઓ વંચિત રહ્યાં હતાં, તે બધું ફરી મેળવવાની તેમની સફર હજી ચાલી રહી છે. આ જ પ્રક્રિયામાં તેઓ હવે પોતાની વાત ખુલ્લેઆમ કહી રહ્યાં છે.

"હવે મારું શરીર સંપૂર્ણપણે મારું પોતાનું છે. હું ખૂબ ખુશ છું," બીજી એક મહિલાએ કહ્યું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન