અમદાવાદ-મુંબઈ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટમાં 'ભારતને બેજવાબદાર'નો આક્ષેપ કરનાર જાપાનના પૂર્વ મંત્રીએ શું કહ્યું કે વિવાદ થઈ ગયો

ઇમેજ સ્રોત, Getty Images
જાપાનના ભૂતપૂર્વ મંત્રીએ સોશિયલ મીડિયા પર મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટમાં વિલંબ થવા બદલ ભારતને જવાબદાર ઠેરવતી પોસ્ટ કરીને વિવાદનો મધપૂડો છંછેડી દીધો છે.
જાપાનના ભૂતપૂર્વ અર્થતંત્ર, વેપાર અને ઉદ્યોગ નાયબ મંત્રી હિદેકી માકિહારા દ્વારા કરવામાં આવેલી ઉપરોક્ત ટિપ્પણીને ભારતના વિરોધ પક્ષોએ આવકારી છે, તો મોદી સરકાર દ્વારા તેને સખ્ત શબ્દોમાં વખોડી નાખવામાં આવી છે.
કૉંગ્રેસના રાજ્ય સભાના સાંસદ અને પક્ષના મીડિયા પબ્લિસિટી ડિપાર્ટમેન્ટના ચૅરમૅન પવન ખેરાએ શુક્રવારે આ બાબતને શરમજનક ગણાવતાં કહ્યું હતું કે, ભારતની અત્યંત મહત્ત્વની વ્યૂહાત્મક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભાગીદારીનું એટલું કંગાળ રીતે સંચાલન કરવામાં આવ્યું છે કે, હવે વિદેશી અધિકારીઓ સુદ્ધાં સરકારના અસામર્થ્યની ટીકા કરવા માંડ્યા છે.
આ સમગ્ર મામલે ભારતે શુક્રવારે એવો ખુલાસો કર્યો હતો કે, ભારત અને જાપાન વચ્ચેનો સહયોગ સુપેરે પ્રગતિ સાધી રહ્યો છે અને બંને પક્ષો આ પ્રકલ્પનો પ્રથમ તબક્કો 2027માં શરૂ કરવા માટે સંમત થયા છે.
જાપાનના ભૂતપૂર્વ અર્થવ્યવસ્થા, વેપાર અને ઉદ્યોગ નાયબ મંત્રી હિદેકી માકિહારા તેમના કાર્યકાળ દરમિયાન આ રેલ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા હતા. ગત 15મી જુલાઇએ તેમણે સોશિયલ મીડિયા પર એવો આક્ષેપ કર્યો હતો કે, ભારતના પક્ષે દાખવવામાં આવી રહેલી બેકાળજીભરી કાર્યશૈલી પ્રોજેક્ટને લગતી બેઠકો અને વાટાઘાટોમાં સ્પષ્ટપણે નજરે ચઢતી હતી અને ભારતે તેનાં વચનોનું પાલન કર્યું નથી.
ભારતે જાપાનના મંત્રીની ટિપ્પણી પર શું કહ્યું

ઇમેજ સ્રોત, Getty Images
એક સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગ દરમિયાન જ્યારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલને માકિહારા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે જયસ્વાલે કહ્યું કે, "તે એક વ્યક્તિનો અભિપ્રાય હતો અને સત્યથી ઘણો વેગળો છે."
જયસ્વાલે કહ્યું હતું કે, મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ પર ભારત અને જાપાન વચ્ચેની મંત્રણાઓ "સકારાત્મક રીતે પ્રગતિ" સાધી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય "ઝડપથી આગળ વધી રહ્યું છે" અને આયોજન પ્રમાણે, તેનો પ્રથમ તબક્કો 2027માં શરૂ થઈ જશે.
તેમણે કહ્યું હતું કે, ઇ20 ટ્રેન સિરીઝ હજુ વિકાસના તબક્કામાં હોવાથી જાપાન પ્રોજેક્ટ માટે તે ટ્રેન 2030ના દાયકાના પ્રારંભમાં જ પૂરી પાડી શકશે. આથી, બને પક્ષો ભારતીય હાઇ-સ્પીડ ટ્રેન સાથે કામગીરી શરૂ કરવા માટે સંમત થયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જયસ્વાલે કહ્યું હતું, "તે અનુસાર, સિગ્નલ માટેનાં ઉપકરણોનો ઑર્ડર અપાઈ ચૂક્યો છે અને તે આંતરરાષ્ટ્રીય માપદંડોને અનુરૂપ છે. આ સંદર્ભે જાપાન પાસેથી કોઈ દરખાસ્ત મળી ન હતી."
તેમણે આગળ કહ્યું હતું, "પ્રોજેક્ટનું અમલીકરણ શક્ય તેટલી ઝડપથી હાઇ-સ્પીડ ટ્રેન પ્રોજેક્ટ શરૂ કરવાના સમાન લક્ષ્યને અનુરૂપ છે."
જાપાનના ભૂતપૂર્વ મંત્રીએ શું નિવેદન આપ્યું હતું?

ઇમેજ સ્રોત, @hmakihara
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જાપાનના ભૂતપૂર્વ ન્યાય મંત્રી પણ રહી ચૂકેલા માકિહારાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જેમાં ભારતમાં કામ કરી રહેલા જાપાનીઝ એન્જિનીયર ઈસાઓ ત્સુજીમુરા દ્વારા લખવામાં આવેલા એક ઑનલાઇન લેખની લિંક પણ હતી.
તે ઑનલાઇન લેખમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ભારત રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે યુરોપિયન-મૂળની સિગ્નલિંગ સિસ્ટમ અને નવી ભારતીય હાઇ-સ્પીડ ટ્રેનોનો ઉપયોગ કરવા માગે છે, જ્યારે વાસ્તવમાં જાપાન આ પ્રોજેક્ટ માટે મોટાભાગની નાણાંકીય સહાય પૂરી પાડી રહ્યું છે.
ત્સુજીમુરાએ એવો પણ દાવો કર્યો હતો કે, યુરોપિયન મૂળની સિગ્નલિંગ સિસ્ટમ જાપાનની શિંકાનસેન બુલેટ ટ્રેન સાથે અનુકૂળ નહીં હોય અને "ભારતનો શિંકાનસેન પ્રોજેક્ટ લગભગ એક અધૂરું સપનું બનીને રહી જશે, તે નક્કી છે."
માકિહારાએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં જાપાનીઝ ભાષામાં લખ્યું હતું કે, તેઓ ભારતના શિંકાનસેન પ્રોજેક્ટ સાથે વ્યક્તિગત રીતે જોડાયેલા હતા, "આંતરરાષ્ટ્રીય બેઠકો તથા વાટાઘાટોમાં જે બાબત વારંવાર ઊડીને આંખે વળગતી હતી, તે હતી ભારતના પક્ષે વારંવાર દાખવવામાં આવી રહેલી અત્યંત બેકાળજીભરી કાર્યશૈલી."
તેમણે આગળ લખ્યું હતું, "તેઓ કોઈપણ ભોગે તેમનાં વચનો પાળતા નથી. ધારો કે, તે કોઈ વચન આપી ચૂક્યા હોય, તો પણ તરત જ તેમાંથી ફરી જાય છે."
"તેઓ છેક સુધી તેમનાં પોતાનાં હિતો જ સાધે છે. ખાસ કરીને આ પ્રોજેક્ટના ઇન ચાર્જ મંત્રી ઘણા ખરાબ હતા."
"જો ટોચના સ્તરની વ્યક્તિ જ આવી છે, તો પછી કોઈપણ પ્રકારના સારા વર્તનની અપેક્ષા રાખવી નકામી છે."
2023માં બુલેટ ટ્રેન દોડવાની હતી

ઇમેજ સ્રોત, Getty Images
માકિહારાએ એવો પણ આરોપ મૂક્યો હતો કે, તેમને "100 ટકા ખાતરી હતી કે, આ પ્રોજેક્ટ આગળ ન ધપવા બદલ સંપૂર્ણપણે ભારતીય પક્ષ જ જવાબદાર છે."
"પશ્ચિમ ભારતમાં તૈયાર થઈ રહેલો 508 કિલોમીટર લાંબો હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ દેશની આર્થિક રાજધાની મુંબઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતના અમદાવાદ સાથે જોડશે."
અમેરિકન મીડિયા આઉટલેટ બ્લૂમબર્ગે અહેવાલ આપ્યો હતો કે, "જમીન સંપાદનમાં વિલંબ થવાને કારણે આ પ્રોજેક્ટ પાછો ઠેલાઈ ગયો છે."
"જ્યારે ભારત અને જાપાને 2015માં આ પ્રોજેક્ટ માટે કરાર કર્યો, તે સમયે આ પ્રકલ્પ અંદાજે 976.3 અબજ રૂપિયા (આશરે 10.1 અબજ ડોલર)ના ખર્ચે સાત વર્ષની અંદર પૂરો થવાનો હતો."
"જાપાન પ્રોજેક્ટનું 81 ટકા ભંડોળ પૂરું પાડવા માટે સંમત થયું હતું. પ્રોજેક્ટમાં શિંકાનસેન ટેકનૉલૉજીનો ઉપયોગ કરાશે."
ભારતના રેલવે મંત્રાલયના પ્રવક્તાએ બ્લૂમબર્ગને કહ્યું હતું કે, બંને દેશો વચ્ચેની મંત્રણા સકારાત્મક પ્રગતિ સાધી રહી છે.
તેમણે જણાવ્યા મુજબ, "જાપાન 2030ના દાયકાના પ્રારંભમાં ઇ10 સિરીઝની ટ્રેનો પૂરી પાડશે. આ ટ્રેન હાલમાં વિકાસના તબક્કામાં છે."
પ્રવક્તાએ કહ્યું હતું કે, નિર્માણકાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે અને પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો 2027માં શરૂ થઈ જશે.
નૅશનલ હાઇ સ્પીડ રેલ કૉર્પોરેશનની વેબસાઇટ પ્રમાણે, ભારતનો પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 508 કિલોમીટર લાંબો હાઇ-સ્પીડ રેલ કૉરિડોર છે, જે મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે તૈયાર થઈ રહ્યો છે. આ ટ્રેન 320 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપ ધરાવશે, તેમાં 10 સ્ટેશનો હશે તેમજ તે મુંબઈ, વાપી, સુરત, આણંદ, વડોદરા અને અમદાવાદનાં અર્થતંત્રોને જોડવામાં મદદરૂપ બનશે.

ઇમેજ સ્રોત, Getty Images
સુરત અને બીલીમોરા વચ્ચે હાઇ-સ્પીડ રેલ કૉરિડોરનો પ્રથમ તબક્કો 15મી ઑગસ્ટ, 2027 સુધીમાં કાર્યરત થઈ જવાની અપેક્ષા છે.
જોકે, 2017માં શરૂ થયેલા પ્રોજેક્ટ સામે સતત વિલંબ અને ખર્ચ વધી જવાનાં વિઘ્નો આવતાં રહ્યાં છે અને પ્રોજેક્ટ આમ પણ 2023ની તેની સમય મર્યાદા ચૂકી ગયો છે.
જાપાનના વડા પ્રધાન સાનાએ તાકાઇચીએ ચાલુ મહિનાના પ્રારંભમાં ભારતનો ત્રણ દિવસનો પ્રવાસ ખેડ્યો હતો.
આ મુલાકાતનો હેતુ આર્થિક જોડાણો ગાઢ બનાવવાનો અને સુરક્ષા સહયોગ સુદૃઢ કરવાનો હતો.
એવું કહેવાઈ રહ્યું છે કે, બંને દેશો અમેરિકા તથા ચીન સાથેના તેમના સંબંધો સંતુલિત કરવાની કોશીશ કરી રહ્યા છે.
છેલ્લા એક વર્ષમાં ભારત અને જાપાન વચ્ચે આશરે 120 વ્યવસાય કરારો પર હસ્તાક્ષર થયા છે, જે સાથે ભારતમાં 10 અબજ ડૉલર કરતાં વધુના જાપાનના રોકાણનો માર્ગ મોકળો થયો છે.
બ્લૂમબર્ગના મત પ્રમાણે, જાપાન ભારતને સૌથી વધુ પ્રમાણમાં દ્વિપક્ષી વિકાસલક્ષી સહાય પૂરી પાડતો દેશ છે. જાપાને 2024-25માં 439 અબજ યેન (આશરે 2.7 અબજ ડૉલર)ના મૂલ્યની ડેવલપમેન્ટ લોન પૂરી પાડી હતી. આ ભંડોળનો ઉપયોગ નવી દિલ્હી મેટ્રોથી લઈને બુલેટ ટ્રેન સુધીના પ્રોજેક્ટ્સ માટે કરવામાં આવ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



























