ગુજરાત : રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી માટે ભાજપે જાહેર કરેલા ઉમેદવારો કોણ છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, રાજકારણ, રાજ્યસભા, ભાજપ

ઇમેજ સ્રોત, Darshan Thakkar/Ketan Patel

ઇમેજ કૅપ્શન, રાજ્યસભા માટે ભાજપના ઉમેદવાર જિતેન્દ્ર કણઝરિયા અને રાજુ શુક્લ (જમણે)
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ વિભિન્ન પ્રદેશોમાં થનારી રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી માટે પોતાના ઉમેદવારોનાં નામો જાહેર કર્યાં છે.

ભાજપની પ્રેસ રિલીઝમાં જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાંથી ચાર નામોની જાહેરાત થઈ છે. તે પ્રમાણે રાજુભાઈ શુક્લ, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારિયાનાં નામો માટે ભાજપે સ્વીકૃતિ આપી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાંથી ચૂંટાયેલા રાજ્યસભાના ચાર સભ્યોની મુદત આગામી 21-06-2026ના રોજ પૂર્ણ થઈ રહી છે. આ ખાલી બેઠકો ભરવા માટે ભારતના ચૂંટણીપંચ દ્વારા રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

જે સભ્યોની મુદત પૂર્ણ થઈ રહી છે તેમાં રામભાઈ હરજીભાઈ મોકરિયા, નરહરિ અમીન, શક્તિસિંહ ગોહિલ અને રમીલાબહેન બારાનો સમાવેશ થાય છે.

જોકે, રાજ્યસભાની બેઠકો માટે નવા જાહેર કરાયેલા ઉમેદવારો અંગે હાલ ઘણાના મનમાં કુતૂહલ જોવા મળી રહ્યું છે.

ભાજપના ચાર ઉમેદવાર કોણ છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, રાજકારણ, રાજ્યસભા, ભાજપ

ઇમેજ સ્રોત, GUJARATASSEMBLY.GOV.IN

રાજુ શુક્લ: રાજુ શુક્લ મૂળ મહેસાણા જિલ્લાના છે. 62 વર્ષીય શુક્લ હાલ સુરેન્દ્રનગરના ભાજપના જિલ્લા પ્રભારી તરીકેનું કાર્યભાર સંભાળે છે તેમજ પ્રદેશ કારોબારી સભ્ય પણ છે. તેઓ એમ. કૉમ., એલએલ. બી.સુધી ભણી ચૂક્યા છે. તેઓ આરએસએસ સાથે પણ સંકળાયેલા રહ્યા છે. આ અગાઉ તેઓ શહેર અને જલ્લામાં નગર કાર્યવાહ અને એબીવીપીના ઑફિસ બેરર રહી ચૂક્યા છે.

મુકેશ રાઠવા: મૂળ છોટા ઉદેપુરના મુકેશ રાઠવા એક યુવાન નેતા છે. આદિવાસી સમાજમાંથી આવતા 39 વર્ષીય રાઠવા એમ. એ., એમ. ઍડ., આઇટીઆઇ અને એલએલ.બીનો અભ્યાસ કરી ચૂક્યા છે. તેઓ હાલ, છોટા ઉદેપુર ભાજપના જનરલ સેક્રેટરી તરીકેનો કાર્યભાર ચલાવે છે.

જિતેન્દ્ર કણઝરિયા: 39 વર્ષીય જિતેન્દ્ર કણઝરિયાએ ભાજપના ઓબીસી નેતા છે. તેઓ બી. કૉમ અને એમસીએ સુધીનો અભ્યાસ કરી ચૂક્યા છે. દેવભૂમિ દ્વારકાના કણઝરિયા આ પહેલાં જિલ્લા પંચાયત કારોબારી રહી ચૂક્યા છે.

માનસિંહ પરમાર: 45 વર્ષીય માનસિંહ પરમાર પણ ઓબીસી સમાજમાંથી આવતા ભાજપના યુવાન નેતા છે. તેઓ મૂળ ગીર સોમનાથ જિલ્લાના છે. તેઓ ઉચ્ચ શિક્ષિત છે. તેઓ કેમિકલ એન્જિનિયરિંગમાં બી.ઇ. એલએલ. બી. અને એલએલ.એમ સુધી ભણી ચૂક્યા છે. તેઓ હાલ ભાજપ પ્રદેશ ઓબીસી મોરચાના પ્રમુખ છે. આ પહેલાં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સક્રિય સભ્ય રહી ચૂક્યા છે.

આ ઉપરાંત 2022ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ સોમનાથ વિધાનસભા બેઠકથી ભાજપના ઉમેદવાર પણ રહી ચૂક્યા છે.

નોંધનીય છે કે રાજ્યસભાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ 1-06-26, ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ 8-06-26, ઉમેદવારી પત્રકો ચકાસવાની તારીખ 9-06-26, ઉમેદવારી પરત ખેંચવાની તારીખ 11-06-26, મતદાનની તારીખ 18-06-26 રહેશે.

મતદાનનો સમય સવારે 9થી સાંજે 4 કલાક સુધી રહેશે. મતગણતરી 18-06-26ના રોજ સાંજે પાંચ વાગ્યે હાથ ધરાશે અને સમગ્ર ચૂંટણી પૂર્ણ કરવાની આખરી તારીખ 22-06-26 રહેશે.

રાજકીય વિશ્લેષકો શું કહે છે?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલાં આ નામોને લઈને ઘણાને આશ્ચર્ય થયું છે. પરંતુ રાજકીય વિશ્લેષકો માને છે કે આ ભાજપની 2027ની વિધાનસભાની ચૂંટણી માટેની રણનીતિ છે.

ગુજરાતના જાણીતા રાજકીય વિશ્લેષક વિદ્યુત જોશીએ બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખને જણાવ્યું કે, "ભાજપે રાજ્યસભામાં ઉમેદવારોની પસંદગીમાં બે ઓબીસી, એક બ્રાહ્મણ અને એક આદિવાસીને રાખ્યા છે, પણ ગઈ વખતે પટેલ તરીકે નરહરિ અમીનને રાખ્યા હતા. આ વખતે પટેલ ઉમેદવાર નથી, એટલે પટેલની બાદબાકી કરીને ઓબીસીને વધુ પ્રધાન્ય અપાયું છે, આ બતાવે છે કે કૉંગ્રેસ જે રીતે 2027ની વિધાનસભાની ચૂંટણી માટે ઓબીસી કાર્ડ રમી રહી છે, તેના જવાબમાં આ ઓબીસી ઉમેદવારો મુકાયા હોય એમ દેખાય છે."

"જયારે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આદિવાસી પર પકડ વધુ મજબૂત કરવા એક આદિવાસીને છોટા ઉદેપુરથી મુકાયા છે, કારણકે આદિવાસી વિસ્તારમાં ભાજપના જૂના નેતાઓ મનસુખ વસાવા ભાજપ વિરુદ્ધ જતા અચકાતા નથી અને બીજા આદિવાસી નેતાઓનો પ્રભાવ નથી દેખાતો, એટલે ઉત્તર ગુજરાતના આદિવાસી ઉમેદવારને બદલે છોટા ઉદેપુરના આદિવાસીને મૂક્યા છે," વિદ્યુત જોશી જણાવે છે.

તેઓ આગળ કહે છે, "તો સૌરાષ્ટ્રમાં ઓબીસી વધુ મજબૂત કરવા માટે બે ઓબીસી ઉમેદવાર મૂક્યા છે અને એક બ્રાહ્મણને રાખ્યા છે. તેથી 2027ની વિધાનસભાની ચૂંટણીની તૈયારી માટેની શતરંજ ગોઠવાઈ રહી છે."

જાણીતા રાજકીય વિશ્લેષક કૌશિક મહેતા પણ માને છે કે, "ગુજરાતમાં પટેલોનો દબદબો છે, ત્યારે ભાજપ માટે પટેલ મતદાતા ફરજિયાત છે, પણ ઓબીસી મતદાતાઓનો સરવાળો કરીયે તો તે કુલ મતદારોના 51 % ની આસપાસ થાય છે. એટલે રામજી મોકરિયાની જગ્યાએ બ્રાહ્મણ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. સાથે ઉત્તર ગુજરાતના આદિવાસીના બદલે છોટા ઉદેપુરને પ્રધાન્ય આપ્યું છે. આ ભાજપની 2027 વિધાનસભાની ચૂંટણી માટેની રણનીતિ છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન