ભારતના વિખ્યાત શૂટર જસપાલ રાણાનું નિધન – ન્યૂઝ અપડેટ

ભારતના વિખ્યાત શૂટર જસપાલ રાણાનું નિધન – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, @rajnathsingh

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત શૂટર જસપાલ રાણાનું 49 વર્ષની ઉંમરે નિધન થયું છે. વિખ્યાત શૂટર હોવાની સાથે તેઓ ભારતનાં ઑલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકરના કોચ પણ હતા.

તેમના નિધન પર કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઍક્સ પર લખ્યું, "જસપાલ રાણાના આકસ્મિક નિધનથી હું સ્તબ્ધ અને શોકમગ્ન છું. એક ઉત્કૃષ્ટ ખેલાડી અને કોચ હોવાની સાથે-સાથે તેઓ અત્યંત સહજ, સરળ અને નેકદિલ ઇન્સાન હતા. ભારતમાં શૂટિંગને એક રમત તરીકે લોકપ્રિય બનાવવામાં તેમની મુખ્ય ભૂમિકા હતી."

તેમણે લખ્યું, "જસપાલ રાણાએ વર્લ્ડ શૂટિંગ ચૅમ્પિયનશિપ તથા એશિયન ગેમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ જીતાડીને દેશનું નામ વિશ્વમાં રોશન કર્યું હતું. તેમના નિધનથી ભારતીય રમતજગતને મોટી ખોટ પડી છે."

વર્ષ 1994માં પહેલી વખત આંતરરાષ્ટ્રીય જૂનિયર સ્પર્ધામાં સ્વર્ણ પદક હાંસલ કરીને જસપાલ રાણાએ નિશાનેબાજીમાં પોતાનો સિક્કો જમાવ્યો હતો. તેમણે એશિયન ગેમ્સ, કૉમનવેલ્થ ગેમ્સ અને દેશ-વિદેશની સ્પર્ધાઓમાં ઘણા મેડલ જીત્યા હતા.

ટ્રમ્પે ઈરાન પર હુમલો રોક્યો, સમજૂતી અંગે કર્યો આ દાવો

ટ્રમ્પે ઈરાન પર હુમલો રોક્યો, સમજૂતી અંગે કર્યો આ દાવો – ન્યૂઝ અપડેટ બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ પહેલાં પણ ઘણી વખત ઈરાન સાથે સમજૂતી અંગે દાવો કરી ચૂક્યા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે પ્રારંભિક કરાર ટૂંક સમયમાં થવાનો છે. તેમણે દાવો કરતા જણાવ્યું કે આ કારણે ઈરાન પરના હુમલાઓ રોકી દેવામાં આવ્યા છે.

ગુરુવારે ઓવલ ઑફિસમાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું, "અમે ઈરાન સાથે યુદ્ધ અંગે એક શાનદાર સમજૂતી કરી છે."

પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે કહ્યું, "અમારા કરાર અનુસાર ઈરાન પાસે ક્યારેય પણ પરમાણુ હથિયાર નહીં હોય, અને આ હેતુ હાંસલ કરવા માટે અમને ઘણી મહેનત કરવી પડી. તેથી આ ખૂબ મોટી વાત છે."

ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઈલ બકાઈએ સરકારી ટેલિવિઝન પર કહ્યું કે કરાર સંબંધિત સમાચાર "માત્ર અટકળો" છે અને "હજુ સુધી કંઈ પણ નક્કી થયું નથી."

ટ્રમ્પ અગાઉ પણ આવો દાવો કરી ચૂક્યા છે કે બંને દેશો વિવાદ સમાપ્ત કરવા માટે કરારની નજીક છે. આ જાહેરાતના થોડા કલાકો પહેલા જ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ઈરાન પર "ખૂબ જ જોરદાર" હુમલો કરશે.

અમેરિકા અને ઇઝરાયલે 28 ફેબ્રુઆરીએ ઈરાન પર મોટા પાયે હુમલા કર્યા હતા. તેના જવાબમાં ઈરાને ઇઝરાયલ અને ખાડી વિસ્તારમાં અમેરિકાના સાથી દેશોનાં ઠેકાણાં પર હુમલા કર્યા અને હોર્મુઝ સામુદ્રધુની બંધ કરી દીધી.

હોર્મુઝ સામુદ્રધુની વિશ્વભરમાં તેલ અને ગૅસની સપ્લાય માટે એક મહત્ત્વપૂર્ણ સમુદ્રી માર્ગ છે.

એપ્રિલમાં યુદ્ધવિરામ પર સહમતી હોવા છતાં, અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા હુમલા થયા છે.

આ હુમલાઓની વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે શક્ય સમજૂતી અને કરાર વિશે પણ વારંવાર વાત કરતા રહ્યા છે.

અમેરિકન હુમલામાં ત્રણ ભારતીયનાં મોત પર ઈરાને શું કહ્યું?

ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્લાઇલ બકાઈએ ખાડી વિસ્તારમાં ભારતીય કૉમર્શિયલ જહાજો પર થયેલા હુમલા અંગે અમેરિકા પર નિશાન સાધ્યું છે.

ઇમેજ સ્રોત, @FSUIINDIA

ઇમેજ કૅપ્શન, એમટી સેટેબેલો જહાજ પર અમેરિકાના હુમલામાં ત્રણ ભારતીયનાં મોત થયાં છે

ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્લાઇલ બકાઈએ ખાડી વિસ્તારમાં ભારતીય કૉમર્શિયલ જહાજો પર થયેલા હુમલા અંગે અમેરિકા પર નિશાન સાધ્યું છે.

સોશિયલ મીડિયા પોસ્ટમાં બકાઈએ લખ્યું કે ભારતીય કૉમર્શિયલ જહાજો પર અમેરિકાના હુમલામાં કમસે કમ ત્રણ ભારતીય નાગરિકનાં મોત થયાં છે. આ હુમલો અમેરિકાની હથિયાર સાથેની દરિયાઈ લૂંટની નીતિનો સ્પષ્ટ પુરાવો છે.

તેમણે કહ્યું, અમે માર્યા ગયેલા ભારતીય નાવિકોના પરિવારો અને મિત્રો પ્રત્યે સહાનુભૂતિ પ્રગટ કરીએ છીએ અને ભારતના લોકો અને સરકાર પ્રત્યે પોતાની ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.

તેમણે માગ કરીને કે આંતરરાષ્ટ્રીય સમુદાયે અમેરિકાને ગેરકાયદે વ્યવહાર માટે જવાબદાર ઠેરવવો જોઈએ, કેમ કે આ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે ખતરો છે અને સાથે જ અમેરિકન કાર્યવાહી સમુદ્રી અવરજવરની આઝાદીને પણ જોખમમાં નાખી રહી છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકા-ઈરાન સંઘર્ષ દરમિયાન છેલ્લા ચાર દિવસમાં ભારતીય ક્રૂ મેમ્બરોવાળા જહાજો પર હુમલા થયા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન