રમણીય પર્વતો, સાગરતટો અને કુદરતી સૌંદર્ય : દુનિયાના પાંચ દેશો, જે સૌથી સુરક્ષિત છે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લિન્ડસે ગેલોવે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 8 મિનિટ
દુનિયામાં બીજા વિશ્વયુદ્ધ પછીના કોઈ પણ સમયગાળા કરતાં અત્યારે સૌથી વધુ સક્રિય સંઘર્ષો ચાલી રહ્યા છે. આ સ્થિતિમાં આઇસલૅન્ડ, ન્યૂઝીલૅન્ડ અને અન્ય દેશોના રહેવાસીઓ તેમના દેશોને શાંતિપૂર્ણ બનાવનારી કેટલીક ખાસિયતો વિશે વાત કરે છે.
તાજેતરના ગ્લોબલ પીસ ઇન્ડેક્સ અનુસાર, વિશ્વ ગયા વર્ષ કરતાં ઓછું શાંતિપૂર્ણ બની ગયું છે. 99 દેશોની એકંદર શાંતિપૂર્ણતા ઘટી ગઈ છે, જે સળંગ 12મા વર્ષે વૈશ્વિક શાંતિનો ઘટાડો સૂચવે છે. તેમ છતાં, કથળી રહેલા ચિત્રની વચ્ચે પણ કેટલાક દેશોનું નાનું અમથું જૂથ આ સ્થિતિમાં પણ નોખું તરી આવે છે.
2007માં ઇન્ડેક્સની સ્થાપના કરનારી ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઇકૉનૉમિક્સ ઍન્ડ પીસના સ્થાપક તથા એક્ઝિક્યુટિવ ચૅરમૅન સ્ટીવ કિલેલિયાએ જણાવ્યું હતું, "આ વૈશ્વિક ઘટાડો નોંધાયો હોવા છતાં, ટોચના દેશો પર તેની ખાસ કોઈ અસર ઉપજી નથી."
આ ઇન્ડેક્સ લશ્કરી ખર્ચ અને હાલ ચાલી રહેલા સંઘર્ષથી લઈને હત્યાના દર અને સલામતીની ભાવના સહિતના 23 માપદંડોના આધારે 163 દેશોનું રેન્કિંગ કરે છે. શ્રેષ્ઠ દેખાવ કરનારાં સ્થળોમાં સામાન્યપણે હિંસાનું સ્તર ઓછું હોય છે, સંસ્થાઓ સુપેરે કામ કરતી હોય છે, સામાજિક વિશ્વાસનું પ્રમાણ ઊંચું હોય છે, પાડોશી દેશો સાથેના તેમના સંબંધો સારા હોય છે અને જીવનની ગુણવત્તા ઊંચી હોય છે.
આવાં સ્થળોએ રોજિંદા જીવનમાં કેવી સુરક્ષા અનુભવાતી હોય છે, તેને જાળવી રાખવા માટે શું પગલાં લેવાય છે અને કેવી રીતે પ્રવાસીઓ પણ શાંતિ તથા સ્થિરતાનો અનુભવ કરી શકે, તે જાણવા માટે અમે વિશ્વના ટોચના પાંચ સૌથી સલામત દેશોના રહેવાસીઓ સાથે વાત કરી હતી.

આઇસલૅન્ડ

ઇમેજ સ્રોત, Getty Images
આઇસલૅન્ડે 2008થી સતત આ ઇન્ડેક્સમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે અને સળંગ 19મા વર્ષે તે વિશ્વનૌ સૌથી સલામત દેશ બન્યો છે. 2026માં હિંસક દેખાવોમાં થયેલા તીવ્ર ઘટાડાને કારણે તેના કાર્યદેખાવમાં બે ટકાનો સુધારો નોંધાયો છે અને સાથે જ સલામતી, ઓછા પ્રમાણમાં સંઘર્ષો અને મર્યાદિત લશ્કરીકરણ બદલ તેણે તેનું મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે.
2026ના ગ્લોબલ પીસ ઇન્ડેક્સના ટોચના 10 દેશો આ પ્રમાણે છેઃ
1. આઇસલૅન્ડ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
2. ન્યૂઝીલૅન્ડ
3. સ્વિટ્ઝર્લૅન્ડ
4. સ્લોવેનિયા
5. આયર્લૅન્ડ
6. ઑસ્ટ્રિયા
7. પોર્ટુગલ
8. સિંગાપોર
9. ફિનલૅન્ડ
10. જાપાન
વિઝિટ આઇસલૅન્ડનાં વડાં ઓડની અર્નાર્સડોટિરે જણાવ્યા પ્રમાણે, "આઇસલૅન્ડમાં અમારી આસપાસની પ્રકૃતિમાં સર્વત્ર શાંતિ પ્રવર્તે છે, પણ સાથે જ તે અમારા નિકટના સમુદાયોએ સભાનતાપૂર્વક કરેલી પસંદગી પણ છે."
આ શાંતિનું શ્રેય તેઓ સમાનતા પ્રત્યેની ઊંડી કટિબદ્ધતાને આપે છે - જેમાં જાતિગત સમાનતાનો પણ સમાવેશ થાય છે (આ મામલે આઇસલૅન્ડ વિશ્વના અગ્રણી દેશોની હરોળમાં રહ્યું છે). આ ઉપરાંત મજબૂત જાહેર સેવાઓ અને વ્યાપક પુનઃ પ્રાપ્ય ઊર્જા પણ તેમાં મદદરૂપ થાય છે.
આ કટિબદ્ધતા માત્ર નીતિઓ પૂરતી સીમિત નથી. વળી, રહીશો વચ્ચે સામાજિક ઐક્ય અને સહિયારી જવાબદારીની મજબૂત ભાવના પણ પ્રવર્તે છે.
અર્નાર્સડોટિરે કહ્યું હતું, "અમે સારી પેઠે જાણીએ છીએ કે, અમે કેટલાં ભાગ્યશાળી છીએ કે, શાંતિની આ ભાવનાનો અનુભવ કરી શકીએ છીએ. આ બાબત મુક્ત તથા સમાવેશક સમાજની જાળવણી કરવાના મહત્ત્વને દૃઢ કરે છે."
તેનું ભૌગોલિક સ્થાન પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. "આઇસલૅન્ડ ભૌગોલિક રીતે અન્ય દેશોથી દૂર હોવાથી તેનો સીધો અર્થ એ થાય છે કે, વૈશ્વિક તણાવોમાં તે ઓછું ફસાય છે. વિશાળ ખુલ્લાં મેદાનો, મનોરમ્ય પર્વતો, સ્વચ્છ હવા અને અસ્ખલિત તાજું પાણી અહીંની જીવનની ગુણવત્તામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે," એમ હોટલ રંગાનાં માર્કેટિંગ મૅનેજર એયરૂન અનીતા ગિલ્ફડોટિરે જણાવ્યું હતું.
આઇસલૅન્ડની શાંત ગતિનો અનુભવ કરવા માટે અર્નાર્સડોટિર પ્રવાસીઓને ધીમા પડવાની અને આકર્ષણો વચ્ચે દોટ લગાવવાની બદલે બહાર નીકળીને સમય પસાર કરવાની સલાહ આપે છે.
દેશના બાથિંગ કલ્ચરનો અનુભવ કરવો આ યાદીમાં ચોક્કસ સામેલ હોવો જોઈએ. આઇસલૅન્ડમાં 120 કરતાં વધુ જિયોથર્મલ (ભૂગર્ભના ગરમ પાણીના) પૂલ આવેલા છે, લક્ઝરી સ્પાથી માંડીને સામાન્ય સ્વિમિંગ પૂલ આવેલા છે, જ્યાં સ્થાનિકો સમગ્ર વર્ષ દરમિયાન આવતા હોય છે.
અર્નાર્સડોટિરે જણાવ્યું હતું, "આઇસલૅન્ડની શાંતિનો અનુભવ લેવાને સુખાકારી સાથે નિકટનો સંબંધ છે. પછી તે અનુભવ જિયોથર્મલ બાથિંગ કલ્ચર મારફત મેળવવામાં આવે, પ્રકૃતિમાં સમય પસાર કરીને કે પછી વ્યસ્તતામાંથી સમય કાઢીને એકાંતમાં સમય પસાર કરીને મેળવવામાં આવે."
પ્રવાસીઓએ એ પણ ખાતરી કરવી જોઈએ કે, તેઓ દેશનાં જાણીતાં આકર્ષણો સિવાયની જગ્યાઓનો પ્રવાસ ખેડે. અર્નાર્સડોટિર સમગ્ર આઇસલેન્ડમાં આવેલાં 220 કરતાં વધુ સંગ્રહાલયો વિશે વાત કરે છે, જેમાં દેશની રાજધાનીમાં આવેલા નૅશનલ મ્યુઝિયમ તેમજ વેસ્ટફજોર્ડ્ઝમાં આવેલા આઇસલૅન્ડિક સી મોન્સ્ટર મ્યુઝિયમનો પણ સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું, "મને અમારાં અનોખાં સંગ્રહાલયો ખૂબ ગમે છે. આ સ્થળો સ્થાનિક કહાણીઓ અને પરંપરા વિશે માહિતી પૂરી પાડવામાં મદદરૂપ થાય છે અને સાથે જ લોકોને તેમનો પ્રવાસ વધુ વ્યાપક બનાવવા અને આઇસલૅન્ડના જુદા-જુદા ભાગોનો અનુભવ મેળવવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે."

ન્યૂઝીલૅન્ડ

ઇમેજ સ્રોત, Getty Images
2025માં ત્રીજા સ્થાન પર રહેલું ન્યૂઝીલૅન્ડ આ વર્ષે બીજા ક્રમે આવીને એશિયા-પેસિફિક પ્રદેશનું સૌથી સલામત રાષ્ટ્ર બની ગયું છે. અહીં ચાલુ સંઘર્ષનું પ્રમાણ ઘણું નીચું છે. તેના પ્રદર્શનમાં થયેલો આ સુધારો મુખ્યત્વે શસ્ત્રોની આયાતના ઘટાડાને આભારી હતો અને તેને પગલે તે વિશ્વનાં સૌથી સલામત અને ઓછું સૈન્યીકરણ ધરાવતાં રાષ્ટ્રોમાં સ્થાન ધરાવે છે.
આ શાંતિનું કારણ મોટા ભાગે તેનું ભૌગોલિક સ્થાન છે. "તમામ દેશોથી આટલા દૂર હોવાને કારણે ન્યૂઝીલૅન્ડ અન્ય દેશોને સંઘર્ષમાં તાણી જતા ભૌગોલિક તણાવથી બચવા પામ્યું છે," એમ ન્યૂઝીલૅન્ડના નાગરિક અને એનઝેડ ગોલ્ડન વિઝાના સ્થાપક વોરવિક વૂડલીએ જણાવ્યું હતું. પણ તેમને આ પાછળ સંસ્કૃતિ પણ કારણભૂત જણાય છે.
તેમણે કહ્યું હતું કે, અહીંના લોકો સામાન્યપણે શાંત અને સ્પષ્ટવક્તા હોય છે. "સામાન્યપણે લોકો શાંતિ ડહોળવા કરતાં પોતાનું કામ કરવામાં વધુ રસ ધરાવતા હોય છે."
સલામતી અહીં એટલી સામાન્ય બાબત છે કે, લોકોનું ભાગ્યે જ તે તરફ ધ્યાન જતું હોય છે. વૂડલીએ કહ્યું હતું, "મોટા ભાગના લોકો તેના વિશે ખાસ વિચારતા નથી, જે કદાચ એ સૂચવતો શ્રેષ્ઠ સંકેત છે કે, સામાન્ય રીતે તે ચિંતાનો વિષય નથી. ગન (શસ્ત્રો) અહીંના રોજિંદા જીવનનો ભાગ નથી અને ક્રાઇસ્ટચર્ચની ઘટના પછી તો કાયદા વધુ કડક બનાવી દેવાયા છે."
તેમણે ઉમેર્યું હતું કે, પાડોશીઓ હજુયે પાડોશીઓની માફક જ વર્તે છે. લોકો એકબીજાને ઓળખતા હોય છે અને એકબીજાનું ધ્યાન પણ રાખે છે. "50 લાખની વસ્તી ધરાવતા દેશમાં જ્યાં ઓળખ છુપાવી રાખવી મુશ્કેલ છે, ત્યાં ઉત્તરદાયિત્વની એ ભાવના ઘણી ઉપયોગી બની રહે છે."
ન્યૂઝીલૅન્ડની વસ્તી ઓછી હોવાથી અહીં કુદરત સુધીની પહોંચ પણ સરળ છે. વૂડલીએ જણાવ્યા મુજબ, "પર્વતો, સાગરતટો અને જંગલો, આ બધું જ નજીકમાં જ હોય છે. કેટલાક મોટા અને વ્યસ્ત દેશોમાં એવું લાગતું હોય છે કે, જીવન જાણે સતત તમારાથી દૂર ભાગી રહ્યું હોય, પણ ન્યૂઝીલૅન્ડના કિસ્સામાં એવું નથી લાગતું."

સ્વિટ્ઝર્લૅન્ડ

ઇમેજ સ્રોત, Getty Images
ગયા વર્ષના પાંચમા સ્થાન પરથી 2026માં ત્રીજા સ્થાને પહોંચી ગયેલા સ્વિટ્ઝર્લૅન્ડમાં અપરાધ દર નીચો હોવાની સાથે લશ્કરી તટસ્થતાની લાંબા ગાળાની નીતિનો સમન્વય થયો છે, જે બાબત તેને વિશ્વનાં સલામતી રાષ્ટ્રોની યાદીમાં સામેલ કરવામાં ઉપયોગી બને છે.
જીનીવામાં રહેતાં એક્ઝિક્યુટિવ કોચ અને લેખિકા કોર્નેલિયા ચોઇએ કહ્યું હતું, "અહીં લોકો એકબીજાને સમજવાની પરિપક્વતા દાખવતા જોવા મળે છે. તેના કારણે વિશ્વાસની ભાવના કેળવાય છે - એક એવો વિશ્વાસ સ્થપાય છે કે, લોકો સામાન્ય રીતે સાચું કામ જ કરશે અને રોજિંદું જીવન જે પ્રમાણે ચાલવું જોઈએ, તે રીતે જ ચાલશે."
તે વિશ્વાસ ઘણી વખત રોજિંદા વ્યવહારોમાં પ્રગટ થતો રહે છે. ચોઇએ સ્વિટ્ઝર્લૅન્ડમાં બે વખત તેમનું પાકીટ ખોવાઈ જવાની ઘટના યાદ કરી હતી. પહેલી વખત પાકીટ ખોવાયું, ત્યારે એક અજાણી વ્યક્તિએ ગણતરીના દિવસોમાં તે ટપાલ મારફત પરત મોકલાવ્યું હતું. તેની અંદર પૈસા પણ સલામત હતા. તે ઘટનાનાં વર્ષો પછી ચોઇનું ક્રેડિટ કાર્ડ ટ્રેન સ્ટેશન પર પડી ગયું હતું. જે વ્યક્તિને તે મળ્યું, તેમણે ચોઇ સાથે કોઈ છેતરપિંડી ન થાય, તે માટે કાર્ડને રદ કરાવવા માટે સીધા ચોઈની બૅન્કનો સંપર્ક સાધ્યો. ચોઇ કહે છે, "આ નાની-નાની ચીજો છે, પણ તે કાયમી છાપ છોડી જાય છે અને સુરક્ષાની એવી ભાવના ઉત્પન્ન કરે છે, જે અમૂલ્ય છે."
અહીંની શાંતિનો સાચો અનુભવ કરવા માટે મુલાકાતીઓએ સ્વિટ્ઝર્લૅન્ડના મજબૂત વર્ક-લાઇફ બેલેન્સ (કામ અને જીવન વચ્ચેના સંતુલન)ને અપનાવવું જોઈએ. જેમ કે, ઘણા વ્યવસાયો બપોરે બે કલાક માટે બંધ રહે છે. સાથે જ, દેશની ચાર રાષ્ટ્રીય ભાષાઓ અને અલગ-અલગ પ્રાદેશિક ઓળખને પણ બિરદાવવી જોઈએ. "સમાજે મજબૂત બનવા માટે દરેક વાત સાથે સંમત થવું પડતું નથી. મેં સમાધાન કરવાનું અને વ્યવહારુ ઉકેલો શોધવાનું વલણ નોંધ્યું છે, જેના કારણે લોકો સાથે મળીને આગળ વધી શકે છે. કદાચ શાંતિનો અર્થ આ જ છેઃ શાંતિ એટલે મતભેદોનો અભાવ નહીં, બલકે મતભેદોની સાથે પણ સારી રીતે જીવવાના રસ્તા શોધવા માટેની સહિયારી પ્રતિબદ્ધતા."

સ્લોવેનિયા

ઇમેજ સ્રોત, Getty Images
આ ઇન્ડેક્સના ટોચના પાંચ ક્રમોમાં પ્રથમ વખત સ્થાન મેળવનારા સ્લોવેનિયાનું મજબૂત પર્ફૉર્મન્સ લશ્કર પાછળના ઓછા ખર્ચ અને સલામતી તેમજ સુરક્ષાના ઊંચા સ્તરને આભારી છે.
લ્યુબ્લિયાનામાં રહેતાં અને ઇન્ટ્રેપિડ ટ્રાવેલ માટે પૂર્વીય યુરોપમાં કામકાજો સંભાળતાં જેર્નેજા ઝવેરે જણાવ્યા મુજબ, "સ્લોવેનિયાના લોકો સમુદાયને ઘણું મહત્ત્વ આપે છે અને પ્રકૃતિ સાથે વધુ સમય પસાર કરે છે, જે અમારામાં શાંતિ અને સ્થિરતાનું સર્જન કરે છે, એવું મારું માનવું છે."
ઝવેર કહે છે કે, શનિ-રવિની રજામાં તેઓ મોટા ભાગે બહાર હોય છે અને હાઇકિંગ, સાઇકલિંગ અને સ્કીઇંગ જેવી પ્રવૃત્તિઓ કરે છે કે પછી મિત્રો અને પરિવારજનો સાથે સમય ગાળે છે. તેઓ જણાવે છે કે, કામ અને જીવન વચ્ચેના સંતુલનને અપાતા સાંસ્કૃતિક મહત્ત્વને લીધે સંબંધો માટે વધુ અવકાશ રહે છે, જે પોતીકાપણાની ભાવનાને ઉત્તેજન આપે છે.
ઝવેરે આગળ કહ્યું હતું, "વર્તમાન સમયમાં સંઘર્ષો અને અનિશ્ચિતતાઓ વિશ્વના ઘણા ભાગોને પ્રભાવિત કરી રહ્યાં છે, ત્યારે હું સ્લોવેનિયાને મારું ઘર ગણાવતાં સ્વયંને ભાગ્યશાળી માનું છું. એક સમયે મામૂલી ગણવામાં આવેલી નાની-નાની ચીજોની હું કદર કરું છું, કારણ કે હું જાણું છું કે, હું સલામતીપૂર્વક અને કોઈ પણ પ્રકારના ભય વિના મારું રોજિંદું જીવન પસાર કરી શકું છું."
દેશ પાસે જે કંઈપણ છે, તે તમામનો આનંદ માણવા માટે ઝવેર લ્યુબ્લિયાનાની વીકેન્ડ કરતાં લાંબી ટ્રિપ ગોઠવવાનું સૂચન કરે છે. "અહીં આવીને એક અઠવાડિયું વીતાવી જુઓ," એમ તેમણે કહ્યું હતું. તેમાં સોચા નદીમાં વ્હાઇટ વોટર રાફ્ટિંગ, બ્લેડ પાસે વિન્ટગાર ગોર્જ ધોધની મુલાકાત કે પછી દેશનાં પર્વતીય પ્રદેશોમાં આવેલાં ઘાસનાં મેદાનોમાં સાઇકલિંગ કરવાનો સમાવેશ થઈ શકે છે.
"સ્લોવેનિયામાં તમે ચાહે ગમે તે પ્રવૃત્તિ કરો, પણ અહીંના લોકોની ઉષ્માપૂર્ણ મહેમાનગતિ, મંત્રમુગ્ધ કરી દેતાં કુદરતી દૃશ્યો તથા પ્રકૃતિ તમારું મન મોહી લેશે. અને હા, સ્વાદિષ્ટ ભોજન તો ખરું જ," એમ તેમણે કહ્યું હતું.

આયર્લૅન્ડ

ઇમેજ સ્રોત, Getty Images
પાંચમા સ્થાને રહેલા આયર્લૅન્ડે હિંસાના નીચા સ્તર અને આંતરરાષ્ટ્રીય સંઘર્ષમાં સીમિત સામેલગીરીને કારણે ઊંચો સ્કોર પ્રાપ્ત કર્યો છે.
અશાંત ભૂતકાળમાંથી આકાર પામેલા દેશમાં સલામતીની ભાવનાને હળવાશથી લેવામાં નથી આવતી. વેસ્ટ કોર્કમાં આવેલી હોટેલ નેટિવનાં સ્થાપક ડીડી રોનનના જણાવ્યા અનુસાર, "એક દેશ તરીકે આયર્લૅન્ડનો ઐતિહાસિક અનુભવ તેના નાગરિકોને પૂર્વગ્રહોનાં દૂષણો અને અન્યો પ્રત્યે ઉદારતાભર્યું, આવકારભર્યું વલણ દાખવવાના મહત્ત્વ વિશે અત્યંત સભાન બનાવે છે."
રોનન પરોણાગતની આ સંસ્કૃતિનાં મૂળ બ્રેહોન કાયદામાં રહેલાં હોવાનું જણાવે છે, જેનું પ્રથમ સહસ્ત્રાબ્દીના ઘણા-ખરા સમય સુધી આયર્લૅન્ડ પર પ્રભુત્વ રહ્યું હતું અને તેમાં અજાણ્યા લોકો અને મુસાફરોને ખોરાક અને આશરો આપવો ફરજિયાત હતો. રોનન કહે છે, "આ અમારા ડીએનએમાં છે."
તટસ્થતાની આયર્લૅન્ડની પરંપરા શાંતિની તે ભાવનાને આંતરરાષ્ટ્રીય પરિમાણ પૂરું પાડે છે, કારણ કે, આયર્લૅન્ડ વિદેશી યુદ્ધો કે લશ્કરી જોડાણોમાં નથી જોડાતો. "વૈશ્વિક ઊથલપાથલ અને અનિશ્ચિતતાની સ્થિતિમાં એટલાન્ટિક મહાસાગરના કોઈ દૂરના ટાપુના ખડક પર મજાનું સંગીત સાંભળવું, લટાર મારવી અને પુસ્તકો વચ્ચે હોવું ઘણું રાહતભર્યું લાગે છે," એમ તેમણે કહ્યું હતું.
"આજે વિશ્વના ઘણા લોકો જે યાતના અને અન્યાય વેઠી રહ્યા છે, તે અમારા પોતાના જ રાષ્ટ્રીય અનુભવનો પડઘો પાડે છે અને આથી જ અમે અમને મળેલી આ સુરક્ષાનું મહત્ત્વ સમજીએ છીએ."
મુલાકાતીઓ માટે આયર્લૅન્ડની આ શાંતિપૂર્ણ બાજુનો અનુભવ મેળવવાનો સૌથી ઝડપી રસ્તો પ્રકૃતિ છે, પછી તે જંગલમાં ફરવાનું હોય કે દરિયાકાંઠે સમય પસાર કરવાનો હોય. રોનન કેપ ક્લિયર ટાપુ પર જવા માટે ફેરી પકડવાની, થ્રી કૅસલ હેડના મધ્યયુગીન અવશેષો જોવાની કે ગ્લેન્ડોર નજીક આવેલા ડ્રોમબેગ સ્ટોન સર્કલની મુલાકાત લેવાની ભલામણ કરે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















