ઇસરોના કર્મચારીઓને નોકરી ગુમાવવાની બીક કેમ લાગી રહી છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇસરોના ચૅરમૅન વી. નારાયણને કર્મચારીઓની નોકરી જવાનો કોઈ ખતરો નથી એ વાતનો વિશ્વાસ અપાવ્યો છે
    • લેેખક, ઇમરાન કુરેશી
    • પદ, બીબીસી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

ભારતીય સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો) ફરી એક વાર સમાચારમાં છે, પરંતુ આ વખતે ઇસરોના એવા કર્મચારી આના માટેનું કારણ બન્યા છે, જેમને પોતાની નોકરી ગુમાવવાની બીક છે.

ઇસરોના ચૅરમૅન વી. નારાયણનની તરફથી સ્પષ્ટતા આવ્યા છતાં આ લોકોમાં અસંતોષ દેખાઈ રહ્યો છે.

સૌપ્રથમ વાત, ભારતને વિકાસના ક્ષેત્રે નવી ઊંચાઈઓ અપાવનારાં પ્રતિષ્ઠિત સંસ્થાનો પૈકી એક ઇસરો સાથે સંકળાયેલી હાલની ઘટનાઓની.

ગત 21 ઑગસ્ટના રોજ ઇન-સ્પેસ (ઇન્ડિયન નૅશનલ સ્પેસ પ્રમોશન ઍન્ડ ઑથરાઇઝેશન સેન્ટર)ના ચૅરમૅન પવનકુમાર ગોયનકાએ એક ઇન્ટરવ્યૂમાં કહેલું, "અંતે, ઇસરો કોઈ લૉન્ચ વ્હીકલ નહીં બનાવે. આ કામ ખાનગી સેક્ટર કરે પબ્લિક સેક્ટર યુનિટ્સ કરશે."

ઇન-સ્પેસને છ વર્ષ પહેલાં એક સ્વતંત્ર સિંગલ-વિંડો એજન્સી તરીકે બનાવવામાં આવી હતી, જેથી ખાનગી કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સની અવકાશ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓને વેગ આપી શકાય, તેને મંજૂરી આપી શકાય અને તેના પર દેખરેખ પણ રાખી શકાય.

ગોયનકાના લૉન્ચ વ્હીકલવાળા નિવેદનના જવાબમાં, કર્મચારીઓનાં નવ સંગઠનોએ 'ઇસરો પરિવારો' સાથે સંકળાયેલી ચિંતાઓને આધારે ઘણા સવાલ ઉઠાવ્યા અને ડિપાર્ટમેન્ટ ઑફ સ્પેસ પાસેથી લેખિતમાં સ્પષ્ટીકરણ માગ્યું, કારણ કે આ મામલો "એ હજારો યુવાન નાગરિકો માટે પણ જરૂરી હતો જેઓ રાષ્ટ્રીય સ્પેસ પ્રોગ્રામ (ઇસરો)માં કારકિર્દી ઘડવા માગે છે."

આના કારણે વધી ઇસરો કર્મચારીઓની ચિંતા

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ISRO

ઇમેજ કૅપ્શન, એસવીએમ3-એમ6/બ્લૂબર્ડ બ્લૉક-2 મિશન દરમિયાનની તસવીર (લૉન્ચ ડેટ - 24 ડિસેમ્બર 2025)

'બેંગલુરુ સ્પેસ ઍક્સપો 2026'માં પ્રશ્નોનો જવાબ આપતાં નારાયણને કહ્યું, "સ્પેસ સેક્ટરમાં સુધારા છ વર્ષ પહેલાં શરૂ કરાયા હતા. આ સુધારા અંતર્ગત, આપણે ખાનગી ક્ષેત્ર અને અને સ્ટાર્ટઅપ કંપનીઓનો સાથ આપવાનો છે અને સ્પેસ ઇકૉસિસ્ટમને વેગ આપવામાં મદદ કરવાની છે."

"પીએસએલવી કે જીએસએલવીને લૉન્ચ કરવામાં જે બજેટ ખર્ચાય છે, તેના લગભગ 80 ટકા જેટલો ભાગ ખાનગી ઇન્ડસ્ટ્રીઝમાંથી આવે છે. અમારા માટે 450 ઇન્ડસ્ટ્રીઝ કામ કરી રહી છે."

તેમણે આગળ કહ્યું કે, "એક સમય એવો હતો જ્યારે ત્રણ ચાર વર્ષમાં એક વખત ઉપગ્રહ લૉન્ચ કરાતા."

"હવે એક વર્ષમાં 50 લૉન્ચ વ્હીકલનું લક્ષ્ય છે, જેને "ઇસરો એકલું લૉન્ચ ન કરી શકે. આ કામ ભારતમાં ભારતીયો મારફતે જ કરાશે. 50 લૉન્ચ વ્હીકલનું કામ ભારતમાં ભારતીયો દ્વારા પૂરું કરાશે."

તેમણે એવું પણ કહ્યું કે, "ઇસરોનું ખાનગીકરણ નથી થઈ રહ્યું, ઇસરો એક સરકારી સંગઠન છે અને અમે કામ કરી રહ્યા છીએ."

"આ એક સરકારી રોકાણ છે, પરંતુ વાત માત્ર એટલી છે કે અમે ઘણી પ્રવૃત્તિઓમાં સામેલ છીએ. ઇકોસિસ્ટમને વિસ્તારવી પડશે."

કર્મચારીઓની પરેશાની

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચંદ્રયાન-3ના સૉફ્ટ લૅન્ડિંગની રાહ જોઈ રહેલા ઇસરોના કર્મચારી (ફાઇલ તસવીર)
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કર્મચારી સંઘે પ્રથમ ચિંતા એ છે કે "ઇસરોના લૉન્ચ વ્હીકલ અને સૅટેલાઇટ બનાવવાના કામથી ધીરેધીરે પાછા હઠવાથી સંશોધન બાદ થનારા પ્રયોગો પર અસર પડશે, ઇનહાઉસ કામ ઓછું થશે, મંજૂર પદોની સંખ્યા ફ્રીઝ કે ઓછી થશે અને તકનીકી, સાયન્ટિફિક, ઍડમિનિસ્ટ્રેટિવ, સ્ટોર, પરચેઝ ક્વૉલિટી, સેફ્ટી અને ઇન્ડસ્ટ્રિયલ કૅડરમાં પ્રમોશન અને સ્કિલ ડેવલપમૅન્ટના રસ્તા બંધ થઈ જશે."

તેમના નિવેદનમાં કહેવાયું, "ગ્રૂપ એ, બી અને સીનાં પદો પર નિયમિત ભરતી, જે પહેલાંથી જ ખાલી પદો અને કર્મચારીઓની નિવૃત્તિ કે નોકરી છોડવાના કારણે સીમિત છે, એ વધુ ઘટશે."

"આનાથી એ કાબેલ યુવાનોને તક નહીં મળે, જેઓ ઇસરોને સન્માનજનક સરકારી કારકિર્દી તરીકે જુએ છે, ના કે કોઈ પ્રાઇવેટ કૉન્ટ્રેક્ટરની વર્કફોર્સ તરીકે."

કર્મચારી સંઘોએ એ વાત પણ સ્પષ્ટ કરી કે તેમની ચિંતા "ભારતીય ઇન્ડસ્ટ્રી પ્રત્યે દુશ્મનાવટ કે નક્કી કરાયેલા પ્રમાણમાં એનએનઆઇએલ (ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ) મારફતે યોગ્ય વ્યવસાયીકરણનો વિરોધ નથી."

"ચિંતા એ વાતની છે કે 'ડિપાર્ટમેન્ટ ઑફ સ્પેસ'નો એવો કોઈ આધિકારિક પૉલિસી દસ્તાવેજ નથી, જે ખાનગી ભાગીદારાને વેગ આપવા અને ઇસરોની પોતાની વસ્તુઓ બનાવવાની ક્ષમતાને ખતમ કરવા વચ્ચે સ્પષ્ટ ભેદ જણાવે."

કર્મચારી સંઘોના પત્રમાં કહેવાયું, "ચર્ચા વિના એવી પૉલિસી સ્વીકારી ન શકાય કે જે ઇસરોને માત્ર રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ સુધી જ સીમિત કરી દે, અને બીજી તરફ, દેશનાં લૉન્ચ-વ્હીકલ બનાવવાનું અને લૉન્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચલાવવાનું કામ સરકારી હાથમાંથી સરકી જાય."

તેમનો તર્ક હતો કે, "ઇસરો વડે વિકસિત કરાયેલી તકનીક દેશની સંપત્તિ છે, તેની ટ્રાન્સફર પારદર્શક, જવાબદાર અને વ્યૂહરચનાત્મક, સુરક્ષા અને રોજગાર સાથે સંકળાયેલી બાબતો પ્રમાણે થવી જોઈએ, ના કે અખબારના અહેવાલો દ્વારા કર્મચારીઓ સામે રજૂ કરાવવી જોઈએ."

ઇસરોના ચૅરમૅનનો જવાબ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વી. નારાયણનના જવાબને કેટલાક કર્મચારીઓએ 'દેખાડાવાળો' ગણાવ્યો

ઇસરોના ચૅરમૅન વી. નારાયણનો આ મામલે જવાબ કંઈક આવો હતો, "એક કે બે લોકોના પત્ર લખવાથી તરત જવાબ ન આપી શકાય."

"મહેરબાની કરીને સમજો, અમે 20 હજાર કર્મચારીઓ છીએ, પરંતુ અમે કર્મચારીઓ સાથે વાત કરીશું."

તેમણે એવું પણ કહ્યું કે જો "અમારા સાથીઓની કોઈ વાજબી ચિંતા છે, તો તેને દૂર કરવી એ અમારી જવાબદારી છે."

તેમણે કહ્યું, "અમે સતત અમારા કર્મચારીઓ સાથે વાત કરતા રહ્યા છીએ."

જોકે, કર્મચારી સંઘના સભ્યોનું કહેવું છે કે ચૅરમૅન અને કર્મચારી સંઘના સભ્યો વચ્ચે થનારી નિયમિત મીટિંગ્સ પાછલાં અમુક વર્ષથી બંધ થઈ ગઈ છે.

કર્મચારી સંઘ સાથે સંકળાયેલા કેટલાક લોકોને ઇસરો ચૅરમૅનનો જવાબ "દેખાડાભર્યો" લાગ્યો.

ખરેખર તો, કૅમેરા પર વાત ન કરવાનું એક કારણ એ વાતનો ડર પણ હતો કે તેમના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે.

ઇન-સ્પેસ ચૅરમૅનની સ્પષ્ટતા

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, IN-Space

ઇમેજ કૅપ્શન, ઇન-સ્પેસ ચૅરમૅન પવનકુમાર ગોયનકા

'બેંગલુરુ સ્પેસ એક્સપો 2026'ની એક કૉન્ફરન્સમાં ઇન-સ્પેસના ચૅરમૅન પવનકુમાર ગોયનકાએ કહ્યું, "આ રૂમમાં કે બહાર મોજૂદ જે લોકો એવું વિચારે છે કે આ બધામાં ઇસરોની ભૂમિકા ઘટી જશે, તો તેમણે ફરીથી વિચારવું જોઈએ."

ચંદ્રયાન સિરીઝ, ગગનયાન, ઇન્ડિયન સ્પેસ સ્ટેશન, ચંદ્ર પર ભારતીયોનું જવું, શુક્ર અને મંગળ મિશન, ફરી વાર ઉપયોગમાં લઈ શકાય તેવું હેવી-લિફ્ટ વિહિકલ, નેવઆઇસી (નેવિગેશન વિધ ઇન્ડિયન કૉન્સ્ટેલેશન)ને મજબૂત કરવું, એસડીએસ સિરીઝના સેટેલાઇટ્સ સાથે, મને નથી લાગતું કે ઇસરો પાસે ક્યારેય આટલું બધું કામ એક સાથે રહ્યું છે."

"ઇસરો આ બધાં કામોનાં કરોડરજ્જુ અને આધાર તરીકે જળવાયેલી છે."

તેમણે કહ્યું, "પરંતુ આપણામાંથી દરેકની એક ભૂમિકા છે, સમગ્ર વ્યવસ્થા ત્યારે જ આગળ વધે છે જ્યારે આપણે બધા સાથે મળીને કામ કરીએ છીએ."

આખરે સવાલ એ હતો કે જો ઇસરો પાસે આટલું બધું કામ છે, તો પછી આટલા બધા લોકો સ્ટાર્ટઅપ્સમાં સામેલ થવા માટે સંગઠન કેમ છોડી રહ્યા હતા?

ગોયનકાએ કહ્યું, "જુઓ, જ્યાં સુધી મને ખ્યાલ છે, ડેટા પ્રમાણે, 12,500 વૈજ્ઞાનિકોમાંથી 125 એ નોકરી છોડી દીધી છે. આ કુલ સંખ્યાના એક ટકા છે. કોઈ સંસ્થામાં લોકો નોકરી નથી મૂકતા? ખાનગી ક્ષેત્રમાં તો આ દર દસ, 12 અને 15 ટકાનો હોય છે."

ઇસરોના તમામ પ્રોજેક્ટ નક્કી સમય પ્રમાણે ચાલી રહ્યા છે. કામમાં કોઈ ઢીલાશ નથી. આ ઇસરો વિરુદ્ધ ઇન્ડસ્ટ્રીની વાત નથી, બલકે ઇસરો અને ઇન્ડસ્ટ્રી સાથે મળીને વિશ્વનો મુકાબલો કરી રહ્યા છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન