BAPS : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ મહિલાઓથી અંતર કેમ જાળવે છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Kenzo TRIBOUILLARD / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, સ્વામિનારાયણ સંસ્થા બીએપીએસના કેટલાક સદસ્યોએ પેરિસમાં સીન નદી પર આયોજિત ધાર્મિક ઝાંખી પહેલાં ઍફિલ ટાવર સામે એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો
    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 8 મિનિટ

પેરિસના ઍફિલ ટાવર ખાતે તાજેતરમાં બનેલી એક ઘટનાને લઈને વિવાદ સર્જાયો છે. આ વિવાદને પગલે વિશાળ સ્વામિનારાયણ સંપ્રદાયનો એક હિસ્સો એવી બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)માં મહિલાઓની ભૂમિકા અંગે પ્રશ્નો ઊભા થયા છે.

આ સંપ્રદાય લગભગ 200 વર્ષ જૂનો છે. તેની સ્થાપના ભગવાન સ્વામિનારાયણે કરી હતી. તેમનો જન્મ ઉત્તર પ્રદેશમાં ઘનશ્યામ પાંડે તરીકે થયો હતો.

પેરિસ વિવાદે ફરી એક વાર આ સંપ્રદાયની સદીઓ જૂની ધાર્મિક પરંપરાને ચર્ચામાં લાવી છે. બીબીસીએ આ મુદ્દા સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નોની તપાસ કરવાનો પ્રયાસ કર્યો, જેમ કે, સ્વામિનારાયણ સંપ્રદાયના ધાર્મિક ગ્રંથોમાં મહિલાઓ વિશે ખરેખર શું લખાયું છે, અને સાધુઓ મહિલાઓથી એટલું કડક અંતર કેમ જાળવે છે?

સ્વામિનારાયણ મંદિરોમાં નિયમિત આવતા ભક્તોના જણાવ્યા અનુસાર, મહિલાઓને આશીર્વાદ લેવા માટે સંતોના ચરણસ્પર્શ કરવાની મંજૂરી આપવામાં આવતી નથી. આ મુદ્દે બીબીસીએ બીએપીએસ (BAPS)ના સત્તાવાર પ્રવક્તા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે આ વિષય પર વાત કરવાનો ઇનકાર કર્યો હતો.

ભારતમાં ધાર્મિક સ્થળોએ મહિલાઓને દૂર રાખવાની પરંપરા કોઈ નવી વાત નથી. કેરળનું સબરીમાલા મંદિર મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધને લઈને લાંબા સમયથી વિવાદના કેન્દ્રમાં રહ્યું છે.

ભારતના સર્વોચ્ચ ન્યાયાલયે આ પ્રતિબંધ દૂર કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ આ મામલે અંતિમ ચુકાદો હજુ પણ બાકી છે.

બીબીસી સાથે વાત કરતાં સામાજિક કાર્યકર, લેખિકા અને રૅશનલિસ્ટ સરૂપ ધ્રુવે કહ્યું, "મારા મતે દરેક ધર્મે મહિલાઓને કોઈને કોઈ રીતે અસ્પૃશ્ય ગણાવી છે, પરંતુ કેટલાકે તેને પોતાની વિશિષ્ટતા તરીકે રજૂ કરી છે, જેમ કે સ્વામિનારાયણ સંપ્રદાયે."

જો આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસની વાત કરીએ, તો સમાજશાસ્ત્રી અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંશોધક ગૌરાંગ જાનીએ શોધ્યું છે કે સ્વામિનારાયણ પરંપરાની રચના સમાજના વંચિત અને હાશિયે રહેલા વર્ગોના લોકોને આકર્ષવાના હેતુથી કરવામાં આવી હતી.

ઓગણીસમી સદીની શરૂઆતમાં, જ્યારે હિંદુ ધર્મની અંદર અનેક સંપ્રદાયો પહેલાંથી જ પ્રચલિત હતા, ત્યારે ઘનશ્યામ પાંડેએ 1801માં એક નવી પરંપરાની શરૂઆત કરી અને તેને સ્વામિનારાયણ સંપ્રદાય નામ આપ્યું.

ત્યારેથી આ સંપ્રદાયનું મુખ્ય મથક ભારતના પશ્ચિમ રાજ્ય ગુજરાતમાં રહ્યું છે.

1801માં તેની સ્થાપના થઈ ત્યારથી સ્વામિનારાયણ પરંપરામાં શિષ્યો માટે, ખાસ કરીને તેના સંતોએ પાળવાના બ્રહ્મચર્ય અંગે, કડક નિયમો રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણે લખેલા સંપ્રદાયના પ્રાચીન ગ્રંથ 'શિક્ષાપત્રી' અનુસાર, સંતો કોઈ સ્ત્રીને સ્પર્શી કે જોઈ શકતા નથી.

બીએપીએસે પેરિસ વિવાદ મામલે શું કહ્યું?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/AFP/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે BAPSના સાધુઓના પ્રતિનિધિમંડળે તેમના કડક બ્રહ્મચર્યના વ્રતોને કારણે મહિલાઓ સાથે મર્યાદિત સંપર્ક રાખવાની વિનંતી કરી હતી.

તેના પગલે, ટાવર મૅનેજમેન્ટે મહિલા કર્મચારીઓને તેમના કાર્યસ્થળ પરથી હટવાની સૂચના આપી હતી, તેમની જગ્યાએ પુરુષ સહકર્મચારીઓને મૂકવામાં આવ્યા હતા અને કેટલાક વિસ્તારોમાં તેમને "દૃશ્યથી દૂર રહેવા" અથવા "પોતાને અદૃશ્ય રાખવા" માટે કહેવામાં આવ્યું હતું.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ વિવાદ અંગે પ્રેસ બ્રિફિંગ દરમિયાન પ્રતિસાદ આપતાં કહ્યું હતું કે, "અમને પેરિસમાં BAPS મંદિરના ઉદ્ઘાટન અંગે જાણ છે. જોકે, ટાવર સાથે સંબંધિત જે વિશિષ્ટ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, તે સંબંધિત પક્ષો વચ્ચેનો સંપૂર્ણપણે આંતરિક અને પરસ્પર બાબતનો મુદ્દો છે."

BAPSની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે, "પેરિસમાં સાધુઓની મુલાકાતનું એફિલ ટાવરના સંચાલન તંત્ર સાથે અગાઉથી સંકલન કરવામાં આવ્યું હતું અને મુલાકાતનો સમય સામાન્ય કામકાજના સમયની શરૂઆતનો રાખવામાં આવ્યો હતો, જેથી ત્યાંના કર્મચારીઓ, અન્ય મુલાકાતીઓ અને સ્થળની સામાન્ય કામગીરીમાં શક્ય તેટલી ઓછી ખલેલ પડે."

યાદીમાં વધુમાં જણાવાયું હતું, "અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે આ સંકલન ટાવરની કામગીરી અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું."

"મોટી સંખ્યામાં લોકોની મુલાકાત કોઈ પણ અસુવિધા વિના સરળતાથી થાય અને ટાવરના કર્મચારીઓ કે જનતાને કોઈ મુશ્કેલી ન પડે તે તેનો હેતુ હતો."

"કોઈપણ તબક્કે લિંગના આધારે કોઈ વિનંતી કરવાનો હેતુ નહોતો."

"તેનાથી વિપરીત કોઈ પણ સૂચન અમારા સંપ્રદાય અથવા પ્રતિનિધિમંડળની ભાવનાને કે મૂલ્યોને પ્રતિબિંબિત કરતું નથી."

તેમાં એમ પણ જણાવાયું હતું કે બીએપીએસ લિંગ, પૃષ્ઠભૂમિ કે માન્યતાને ધ્યાનમાં લીધા વિના સૌ સાથે સમાનતા, પરસ્પર આદર અને સેવાના સિદ્ધાંતો પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

આ મૂલ્યો તેમની પરંપરાના ઉપદેશોના કેન્દ્રમાં છે અને વિશ્વભરમાં તેમના સમુદાય દ્વારા કરવામાં આવતાં કાર્યોમાં પણ પ્રતિબિંબિત થાય છે.

શું કહે છે સમાજશાસ્ત્રી?

બીબીસી ગુજરાતી, સ્વામિનારાયણ મંદિર, બીએપીએસ, પેરિસ, ઍફિલ ટાવર

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/AFP/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ગાંધીનગરસ્થિત અક્ષરધામ મંદિર

જોકે, બીએપીએસ પરંપરાના નિયમિત અનુયાયીઓ માટે આ કશી નવી વાત નથી.

ઉદાહરણ તરીકે, ગૌરાંગ જાનીનાં માતા સ્વામિનારાયણ મંદિરોમાં નિયમિતપણે દર્શન કરવા જતાં હતાં.

જાની જાણીતા સમાજશાસ્ત્રી અને ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના ભૂતપૂર્વ વડા છે.

તેમણે જોયું હતું કે તેમનાં માતાને ભગવાનનાં સામાન્યપણે દર્શન કરવાની કે મંદિરમાં સામાન્ય રીતે પ્રવેશવાની પણ મંજૂરી નહોતી; મહિલાઓને મંદિરમાં પ્રવેશ મળતો હતો ખરો, પરંતુ તેમને હંમેશાં પુરુષોથી અલગ રાખવામાં આવતી હતી.

બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું, "ધર્મની વાત આવે ત્યારે આપણો સામાજિક ઇતિહાસ દર્શાવે છે કે મહિલાઓએ તેને ઈશ્વરની નિશાની તરીકે સ્વીકારી હતી."

"શરૂઆતથી જ આપણને શીખવવામાં આવે છે કે ધાર્મિક વિધિઓ અને પરંપરાઓ અંગે કોઈ પ્રશ્નો ન કરવા જોઈએ."

"તેથી સ્વામિનારાયણ મંદિરોમાં પણ ધીમે ધીમે આ પ્રથા વ્યાપકપણે સ્વીકારાઈ ગઈ, જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓ નિયમિતપણે દર્શન કરવા આવે છે."

જોકે, આ બધું કેવી રીતે શરૂ થયું તે જાણવું રસપ્રદ છે.

ઓગણીસમી સદીની શરૂઆતમાં, હિંદુ ધર્મમાં અનેક સંપ્રદાયો પહેલેથી જ ઊભા થઈ ચૂક્યા હતા ત્યારે, ઘનશ્યામ પાંડેએ એક નવી પરંપરા શરૂ કરી અને 1801માં તેને સ્વામિનારાયણ સંપ્રદાય નામ આપ્યું. ત્યારથી આ સંપ્રદાયનું મુખ્ય મથક ભારતના પશ્ચિમ રાજ્ય ગુજરાતમાં જ રહ્યું છે.

સંપ્રદાયનો અભ્યાસ પણ કરી ચૂકેલા જાની માને છે કે બ્રહ્મચર્યના આ કડક નિયમો અન્ય ધાર્મિક પરંપરાઓથી પોતાને અલગ પાડવાના પ્રયાસનો એક ભાગ હતા.

તે સમયે આ પરંપરાઓ વચ્ચે અનુયાયીઓ મેળવવા માટે સ્પર્ધા ચાલતી હતી.

તેમણે કહ્યું, "સંપ્રદાયે હિંદુ ધર્મના અન્ય સંપ્રદાયો, જેમ કે વૈષ્ણવ સંપ્રદાય (હિંદુ સંસ્કૃતિનો એક એવો સંપ્રદાય જેમાં ભગવાન કૃષ્ણની ઉપાસના કરવામાં આવે છે), સાથે સ્પર્ધાનો સામનો કરવો પડ્યો હતો. તેથી પોતાને અલગ પાડવા માટે તેમણે કડક બ્રહ્મચર્ય પર ભાર મૂક્યો અને સંપ્રદાયના સાધુ બનવા માટે લોકોને બ્રહ્મચર્યનું પાલન કરવા પ્રેરિત કરવાનું શરૂ કર્યું."

સ્વામિનારાયણ સંપ્રદાયનો આરંભ કેવી રીતે થયો?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/AFP/GETTY IMAGE

ઇમેજ કૅપ્શન, ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ મૂર્તિની પાસે રાખવામાં આવેલું પ્રમુખ સ્વામીનું જીવંત ચિત્ર

પશ્ચિમ ભારતમાં 19મી સદીની શરૂઆતમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉદય થયો. તેના સ્થાપક સ્વામિનારાયણનો જન્મ 1781માં આજના ઉત્તર પ્રદેશમાં આવેલા છપૈયા ગામમાં ઘનશ્યામ તરીકે થયો હતો.

સમગ્ર ભારતમાં સાત વર્ષ સુધી યાત્રા કર્યા પછી તેઓ ગુજરાત આવ્યા અને 1801માં સંપ્રદાયનો આરંભ કર્યો.

વંચિત અને હાંસિયામાં ધકેલાયેલા વર્ગોના લોકોમાં જે ખાલીપો હતો, તેને ભરવા અને તેમને પોતાની તરફ આકર્ષવા માટે આ સંપ્રદાયની શરૂઆત કરવામાં આવી હતી. આગળ જતાં, દુનિયાના વિવિધ ભાગોમાં જઈને વસેલા ગુજરાતના પાટીદાર સમુદાયો આ સંપ્રદાયના સૌથી મોટા અનુયાયી બન્યા. પરિણામે, ભારતની આઝાદી પહેલાં જ 1945માં નૈરોબીમાં આ સંપ્રદાયનું પહેલું આંતરરાષ્ટ્રીય મંદિર બનાવવામાં આવ્યું.

સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ રાજકીય નેતાઓ સાથે સારા સંબંધો ધરાવે છે. તેમાં કોઈ પણ શહેરના મેયરથી લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ સુધીના નેતાઓનો સમાવેશ થાય છે.

આ સંપ્રદાયના સૌથી લોકપ્રિય સંત પ્રમુખસ્વામી મહારાજના નામે દુનિયાભરમાં સૌથી વધુ મંદિરોનું નિર્માણ કરવાનો ગિનિસ વર્લ્ડ રેકૉર્ડ છે. દુનિયાભરમાં આશરે 1,300 મંદિરો બનાવવામાં આવ્યાં છે.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં બ્રહ્મચર્યનું પાલન શા માટે કરવામાં આવે છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

સ્વામિનારાયણે લખેલા સંપ્રદાયના પવિત્ર ગ્રંથ 'શિક્ષાપત્રી'માં અનુયાયીઓ માટે આચારસંહિતા આપવામાં આવી છે. 212 શ્લોક ધરાવતા આ ગ્રંથમાં ગૃહસ્થો, મહિલાઓ, સાધુઓ અને કડક બ્રહ્મચર્યવ્રત લીધેલા સંન્યાસીઓ માટે વિવિધ નિયમો આપવામાં આવ્યા છે.

આ પરંપરાનું પાલન કરનારાઓને માર્ગદર્શન આપવા માટે શિક્ષાપત્રી લખવામાં આવી હતી. શિક્ષાપત્રીમાં મહિલાઓ માટે પણ ચોક્કસ નિયમો આપવામાં આવ્યા છે.

તેમાં જણાવવામાં આવ્યું છે કે માસિક ધર્મ દરમિયાન મહિલાએ ત્રણ દિવસ સુધી કોઈ વ્યક્તિ, કપડાં કે વાસણને સ્પર્શ ન કરવો જોઈએ. ચોથા દિવસે સ્નાન કર્યા પછી તે તેમ કરી શકે છે.

જોકે, મહિલાઓ સાથેના સંપર્ક અંગેના સૌથી કડક નિયમો મહિલાઓ માટે નહીં, પરંતુ સાધુઓ કે આજીવન બ્રહ્મચર્યવ્રત લીધેલા સંન્યાસીઓ માટે છે.

તેમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે તેમણે જાણીજોઈને કોઈ મહિલાને સ્પર્શ કરવો નહીં, તેની સાથે વાત કરવી નહીં કે તેની તરફ જોવું નહીં.

સંસ્થાની વેબસાઇટ અનુસાર, આ નિયમનો હેતુ મહિલાઓને નીચી કે અપવિત્ર માનવાનો નથી. તેનો હેતુ સાધુને આધ્યાત્મિક સાધના કરતી વખતે સાંસારિક ઇચ્છાઓ અને આસક્તિથી મુક્ત રહેવામાં મદદ કરવાનો છે.

આ પ્રથાના વિવેચકોનું કહેવું છે કે, તેની પાછળ ભલે ધાર્મિક કારણો આપવામાં આવતાં હોય, પરંતુ વ્યવહારમાં તેનો ભાર ઘણીવાર મહિલાઓ પર મૂકવામાં આવે છે, કારણ કે પુરુષ સાધુના બ્રહ્મચર્યના વ્રતનું પાલન કરાવવાની જવાબદારી મહિલાઓએ સહન કરવી પડે છે.

ઘણી મહિલા કાર્યકરો માને છે કે સંપ્રદાયમાં મૂળ પ્રશ્ન પુરુષોની લાગણીઓ અને તેમના સંયમ અંગેનો હતો, પરંતુ અંતે તેની અસરો અને મુશ્કેલીઓનો સામનો મહિલાઓને કરવો પડ્યો.

સ્વામિનારાયણ પરંપરાની કેટલીક અન્ય શાખાઓથી અલગ, વડોદરા, ગુજરાતમાં આવેલા હરિધામ સોખડામાં મહિલાઓને સાધુઓના સંઘમાં પ્રવેશવાની પરંપરા છે.

તેની સ્થાપના સ્વર્ગસ્થ હરિપ્રસાદ સ્વામીએ કરી હતી, જેઓ બી.એ.પી.એસ.થી અલગ થયા હતા. ત્યારથી હરિધામમાં સંન્યાસ લીધેલી મહિલાઓ એટલે કે સાધ્વીઓ એટલે કે સાધ્વીઓ પણ છે.

બીબીસીએ તેના સત્તાવાર પ્રવક્તા સાધક સ્વામી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

મહિલાઓ શું કહે છે?

સામાજિક કાર્યકર, લેખિકા અને વિવેકબુદ્ધિવાદી સરૂપ ધ્રુવે બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "સાધુઓની પોતાની લાગણીઓ અને ઇચ્છાઓ પર નિયંત્રણ રાખવાની નબળી ક્ષમતાને કારણે જ આ સંપ્રદાયમાં મહિલાઓ સાથે આ પ્રકારનો વ્યવહાર કરવામાં આવે છે."

તેઓ કહે છે, "સાધુઓ મહિલાઓ પ્રત્યેની પોતાની લાગણીઓ અને ભાવનાઓને નિયંત્રિત કરી શકતા નથી, તેથી તેમને મહિલાઓ તરફ જોવાની, તેમને સ્પર્શ કરવાની કે મહિલાનો ફોટોગ્રાફ જોવા સુધીની પણ મંજૂરી નથી. એટલે સમસ્યા મહિલાઓમાં નથી, પરંતુ આ સંપ્રદાયના સાધુઓમાં છે."

રેશનાલિસ્ટ અને સામાજિક કાર્યકર તરીકે, ધ્રુવે પોતાના લેખન અને રસ્તા પરના નાટ્યપ્રયોગો (સ્ટ્રીટ પર્ફૉર્મન્સ) દ્વારા ધર્મોમાં મહિલાઓ પ્રત્યે અપનાવવામાં આવતા ભેદભાવપૂર્ણ વલણ સામે સતત અવાજ ઉઠાવ્યો છે.

જાણીતાં કલાકાર અને સામાજિક કાર્યકર મલ્લિકા સારાભાઈનું માનવું છે કે જે બન્યું છે અને જે બની રહ્યું છે તે સંપૂર્ણપણે ખોટું છે.

બીબીસી સાથે વાત કરતાં તેમણે પણ કહ્યું કે સમસ્યા પુરુષોમાં છે, મહિલાઓમાં નહીં. "જો કોઈ મહિલા દેખાય ત્યારે પુરુષો પોતાની લાગણીઓ અને ભાવનાઓ પર નિયંત્રણ ન રાખી શકતા હોય, તો સજા મહિલાઓને શા માટે મળવી જોઈએ?"

"તેમણે પોતાની આંખો બંધ કરી દેવી જોઈએ અથવા જ્યાં મહિલાઓ હોય એવી જગ્યાએ જવું નહીં. આ તો એવું થયું કે હું શાકાહારી છું એટલે બહાર જાઉં ત્યારે મારી આસપાસની બધી માંસાહારી વાનગીઓની દુકાનો બંધ કરી દેવાની માગણી કરું."

ફ્રાન્સ અને મહિલાઓના અધિકારોનો ઇતિહાસ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, KEYSTONE-FRANCE/Gamma-Rapho via Getty Images

ઇમેજ કૅપ્શન, ફ્રાન્સના પેરિસના 'ચેમ્સ-એલીસીસ એવન્યૂ' ખાતે લા ફેમ નુવેલ દ્વારા '' મહિલાઓને મતાધિકારની માગ સાથે વર્ષ 1934માં યોજાયેલ પ્રદર્શન

એક તરફ, ભારતમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહિલાઓ સાથેના વ્યવહારને કારણે થોડો વિરોધ જોવા મળ્યો હતો; પરંતુ પેરિસમાં પણ આવું જ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો થતાં ભારે હોબાળો થયો.

ઘણા લોકો માને છે કે ફ્રાન્સમાં મહિલાઓના અધિકારો માટે અવાજ ઉઠાવનારી મજબૂત નારીવાદી પરંપરાને કારણે આ મુદ્દો ત્યાં વધુ ચર્ચામાં આવ્યો.

તેમાં કર્મશીલ ઓલિમ્પ દ ગૂઝનું નામ નોંધપાત્ર છે. તેમણે 1791માં 'ડિક્લેરેશન ઑફ ધ રાઈટ્સ ઑફ વુમન એન્ડ ઑફ ધ ફિમેલ સીટીઝન' નામનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું.

તેમાં તેમણે કહ્યું હતું કે જો મહિલાઓને ફાંસીના માંચડે ચઢવાનો અધિકાર હોય, તો તેમને રાજકીય મંચ પર ઊભા રહેવાનો અધિકાર પણ હોવો જોઈએ.

1789ની ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન આધુનિક યુરોપીય લોકશાહીના પાયાના વિચારોનો જન્મ ફ્રાન્સમાં થયો હતો. જોકે, મહિલાઓને એક સદી કરતાં પણ વધુ સમય સુધી વ્યવસ્થિત રીતે રાજકીય ક્ષેત્રથી દૂર રાખવામાં આવી હોવાના આક્ષેપો થાય છે.

મહિલાઓને પણ મતાધિકાર મળે એવી સાચી લોકશાહી 20મી સદીના મધ્ય સુધીમાં જ સ્થાપિત થઈ શકી. ત્યાર પછી મહિલાઓને પોતાના શરીર અને આર્થિક સ્વતંત્રતા અંગેના અધિકારો અપાવવા માટે દાયકાઓ સુધી કાયદાકીય લડાઈઓ ચાલી.

લુઇઝ વેઇસ જેવી અગ્રણી મહિલાઓએ 1930ના દાયકામાં 'La Femme Nouvelle/લા ફેમ નુવેલ' (ધ ન્યૂ વુમન) નામનું આંદોલન શરૂ કર્યું હતું.

તેમણે કાયદાનો અહિંસક વિરોધ કર્યો, મોટા જાહેર કાર્યક્રમોમાં વિરોધ-પ્રદર્શનો યોજ્યાં અને ચૂંટણીમાં પણ ઊભાં રહ્યાં, જોકે તે સમયે કાયદા મુજબ તેમને કોઈ પણ પદ પર ચૂંટાવાની મંજૂરી નહોતી.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ફ્રેન્ચ પ્રતિકાર આંદોલનમાં મહિલાઓના પ્રચંડ યોગદાનને ધ્યાનમાં લઈને જનરલ ચાર્લ્સ દ ગોલે 21 એપ્રિલ, 1944ના રોજ મહિલાઓને મત આપવાનો અને ચૂંટણી લડવાનો અધિકાર આપતો વટહુકમ મંજૂર કર્યો.

ફ્રાન્સની મહિલાઓએ 29 એપ્રિલ, 1945ના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પહેલી વાર મતદાન કર્યું.

હાલમાં ફ્રાન્સમાં મહિલા-પુરુષ સમાનતાની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે.

યુરોસ્ટેટના સત્તાવાર આંકડા મુજબ, રાષ્ટ્રીય સરકારોમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ 48.6 ટકા છે.

તેમાં વરિષ્ઠ અને જુનિયર પ્રધાનોનો પણ સમાવેશ થાય છે. આમ, ફ્રાન્સ સ્ત્રી-પુરુષ સમાનતાની લગભગ સંપૂર્ણ સ્થિતિની નજીક છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન