એ માણસ, જે દરિયામાં હતો અને 26 સ્વજનોનાં મોતના સમાચાર મળ્યા, છતાં આંખમાંથી એક આંસુ ન પડ્યું

વિક્ટર કાલડેરોન
ઇમેજ કૅપ્શન, વિક્ટર કાલડેરોન
    • લેેખક, વિલ ગ્રાન્ટ
    • પદ, લા ગુઇરા, વેનેઝુએલાથી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

વિક્ટર કાલડેરોન માટે આ તેમની જિંદગીનો સૌથી ખરાબ દિવસ હતો. એક મહિના અગાઉ આ બધું બન્યું ત્યારે તેઓ દરિયામાં હતા.

વેનેઝુએલાના ઉત્તર કાંઠે જ્યારે બે શક્તિશાળી ધરતીકંપ આવ્યા ત્યારે 49 વર્ષના વિક્ટર આ બોટમાં 18 દિવસ સુધી ફસાયેલા રહ્યા હતા.

તેમને એ સમયે રેડિયોથી માહિતી મળી હતી કે જેમાં તેઓ તેમના પરિવાર સાથે રહેતા હતા એ બિલ્ડિંગ પડી ગઈ છે.

જ્યારે તેઓ દરિયાકિનારે પરત ફર્યા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેમના પરિવારના 26 સભ્યો ગુમ છે.

તેમાં તેમનાં બહેનો, ભત્રીજા સહિત નવ પિતરાઈ પણ હતાં. તેમની ઉંમર બે વર્ષથી લઈને 70 સુધીની હતી.

તેમની પાસે વાત કરવા શબ્દો નથી. માંડમાંડ બે શબ્દ બોલતાં તેઓ કહે છે, "આ ખરેખર ભયાનક, ભયાનક હતું."

તેઓ કહે છે, "હું ત્યારે રડ્યો નહોતો, કારણ કે મારા પરિવારના લોકો હજુ મળ્યા નહોતા."

વિક્ટરનો આખો પરિવાર ઓપીપીઇ 26 નામે ઓળખાતા એક પબ્લિક હાઉસિંગ કૉમ્પ્લેક્સમાં રહેતો હતો. આ હાઉસિંગ કૉમ્પ્લેક્સ એ લા ગુઈરા રાજ્યના કારાબલેડા શહેરમાં આવેલું છે.

નસીબજોગે તેમનાં પુત્રી અને પૌત્રીનો જીવ બચી ગયો છે. તેમનો પરિવાર હવે ગોલ્ફ કોર્સ પાસે એક તંબુમાં રહે છે.

અત્યાર સુધીમાં 5300 લોકોનાં મોત થયાં

વેનેઝુએલાની એક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વેનેઝુએલાની એક તસવીર

આ ભયાનક આપત્તિ પછી વિક્ટર હજુ પણ તેમના પરિવારજનોને શોધી રહ્યા છે.

સરકાર દરરોજ મોતના આંકડા અપડેટ કરી રહી છે જેમાં અત્યાર સુધીમાં 5300 લોકોનાં મોત થયાં છે. આ ધરતીકંપમાં 16500થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે.

સરકારે હજુ સુધી એ સ્પષ્ટ કહ્યું નથી કે કેટલા લોકો હજુ પણ ગુમ છે, પરંતુ આ આંકડો હજારોમાં હોઈ શકે છે.

સાંજ ઢળી એ પછી વધુ ત્રણ મૃતદેહને ઓપીપીઇ 26 બિલ્ડિંગમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં 11 વર્ષની એક છોકરી પણ હતી.

તેના પિતા ધ્રૂસકે ધ્રૂસકે રડી રહ્યા હતા અને મહિના પછી મળેલા દીકરીના મૃતદેહ પછી શોકમાં હતા.

રૅસ્ક્યૂ કરનારા લોકોએ કામ બંધ કરી દીધું હતું અને પ્રાર્થના કરી રહ્યા હતા. છોકરીનો મૃતદેહ બ્લૅક પ્લાસ્ટિક બેગમાં વીંટાઈ રહ્યો હતો અને આસપાસ ભારે મશીનરીનો અવાજ આવી રહ્યો હતો.

એક બચાવકાર્ય કરી રહેલી ટુકડીના સભ્ય માગિન હર્નાન્ડીઝે કહ્યું હતું કે, "આ દિલ તોડી નાખનારું છે." તેઓ પણ બોલતાં બોલતાં વચ્ચે ડૂસકું ભરી જાય છે.

તેઓ કહે છે, "બચાવકાર્ય કરનારા લોકો માટે, પરિવારો માટે, મિત્રો માટે સૌ કોઈ માટે આ હૃદયદ્રાવક છે."

સત્તાવાળાઓ સામે નારાજગીની સ્થિતિ

સરકાર દરરોજ મોતના આંકડા અપડેટ કરી રહી છે જેમાં અત્યાર સુધીમાં 5300 લોકોનાં મોત થયાં છે. આ ધરતીકંપમાં 16500થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે.

ઇમેજ સ્રોત, Juan Baretto / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, સરકાર દરરોજ મોતના આંકડા અપડેટ કરી રહી છે જેમાં અત્યાર સુધીમાં 5300 લોકોનાં મોત થયાં છે. આ ધરતીકંપમાં 16500થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મોટા ભાગના બચી ગયેલા લોકો અને પીડિતોના સંબંધીઓમાં આ વિનાશક પીડા સાથે અધિકારીઓ પ્રત્યેનો વધતો ગુસ્સો પણ જોડાયેલો છે.

રોષ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. કારાબાલેડાના હાઉસિંગ કૉમ્પ્લેક્સમાં મેં જેમની સાથે વાત કરી તે લગભગ દરેકને સમાન પ્રશ્નો પૂછ્યા હતા.

બારમાંથી 10 એપાર્ટમેન્ટ બ્લૉક કેવી રીતે તૂટી પડ્યા હોઈ શકે? શું બાંધકામ યોજનાઓ ખામીયુક્ત હતી? સંસાધનોમાં કાપ મૂકવામાં આવ્યો હતો? ખરાબ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? શું બેદરકારીના પુરાવા છે?

મેં મિનિસ્ટર ઑફ પબ્લિક વર્ક્સ જુઆન જોસ રામિરેઝને તેમની સ્થળની મુલાકાત દરમિયાન તેમાંથી કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા.

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ઇમારતો સારી સ્થિતિમાં હતી. તેમણે ઉમેર્યું કે કોઈ પણ રાષ્ટ્ર આ આપત્તિની તીવ્રતાનો સામનો કરી શક્યું ન હોત.

મંત્રીએ દલીલ કરી કે, "તે ફક્ત એક જ ભૂકંપ નહોતો, પરંતુ એક સાથે આવેલા બે ભૂકંપ હતા. બંને અલગ-અલગ દિશામાં આવ્યા હતા."

તેમણે શેરીની પેલે પાર અન્ય નાશ પામેલા એપાર્ટમેન્ટ બ્લૉક્સ તરફ ઇશારો કરતા કહ્યું કે, "આપણી આસપાસ તમે જોઈ શકો છો કે જાહેર અને ખાનગી બંને પ્રકારની ઇમારતો તૂટી ગઈ છે. "

"ભૂકંપથી બંને વચ્ચે કોઈ ભેદ દેખાયો નથી."

'અમારાં બાળકો તો ગયાં'

મિનિસ્ટર ઑફ પબ્લિક વર્ક્સ જુઆન જોસ રામિરેઝ
ઇમેજ કૅપ્શન, મિનિસ્ટર ઑફ પબ્લિક વર્ક્સ જુઆન જોસ રામિરેઝ

દરિયાકાંઠાના શહેર કાટિઆ લા મારમાં અનેક પ્રાઇવેટ બિલ્ડિંગ્સ ધ્વસ્ત થઈ ગઈ છે.

ત્યાં ભૂકંપના આઠ દિવસ પછી એક અસામાન્ય રૅસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

અંડરગ્રાઉન્ડ પાર્કિંગ ગૅરેજમાંથી ત્યાં કૉંક્રિટ સ્લૅબ્સની નીચેથી સિક્યૉરિટી ગાર્ડ હરનાન ગિલને જીવતા બચાવાયા હતા.

આ દૃશ્યોએ વેનેઝુએલાના લોકોમાં ઉત્સાહનો સંચાર કર્યો હતો.

લૌરા બેરિઓસ એ જ બિલ્ડિંગમાં તેમના સાળાની શોધ કરી રહ્યા છે, જેમનો મૃતદેહ એ જ પાર્કિંગ ગૅરેજમાં ફસાયેલો હતો.

ગિલને મદદ કરવા માટે મોકલવામાં આવેલી મોટા ભાગની આંતરરાષ્ટ્રીય ટીમો પહેલાંથી જ પરત ફરી ચૂકી છે અને કાટમાળ દૂર કરી રહેલા ખોદકામ કરનારા લોકોને પણ અન્યત્ર મોકલવામાં આવ્યા છે.

લૌરાના પરિવારે જાતે શોધ ફરી શરૂ કરી હોવાના સમાચાર મળ્યા એ પહેલાં જ તેમનાં ભાભી અને 10 તથા ત્રણ વર્ષનાં બાળકોના મૃતદેહ તેમના બેડરૂમમાં એકસાથે મળી આવ્યા હતા.

"એ પછીનો દિવસ એ વેનેઝુએલામાં બાળદિન હતો."

લૌરા રડતાં રડતાં કહે છે કે, "અમારી પાસે ઉજવણી કરવા માટે બાળકો નથી. અમારાં બાળકો તો ગયાં."

અધિકારીઓની ધીમી પ્રતિક્રિયા બદલ તેઓ ગુસ્સામાં છે.

તેઓ કહે છે કે જ્યારે તેમના પરિવારને હજુ પણ જરૂર છે ત્યારે જ ભારે મશીનરી દૂર કરવામાં આવી રહી છે. આ સમાચાર મળતાં જ તેમની ઇચ્છાશક્તિ ઘટી રહી છે.

તેઓ કહે છે કે, "આ ખંડેર જે કહી રહ્યા છે તેનાથી વધુ બીજું અમે શું કહી શકીએ? ખોવાયેલાં ટીશર્ટ્સ, કટલેરી, થાળીઓ, રમકડાં, આખી જિંદગી, બધું જ 39 સેકન્ડ્સમાં નષ્ટ થઈ ગયું હતું."

અનિશ્ચિતતા અને આશા

લૌરા બેરિઓસ
ઇમેજ કૅપ્શન, લૌરા બેરિઓસ

કેટિયા લા મારમાં કાર્યરત્ અમેરિકાસ્થિત હ્યુમેનિટેરિયન એજન્સીઓ પૈકી એક વર્લ્ડ સેન્ટ્રલ કિચન ત્યાં કાર્યરત્ છે.

અહીં ગરમાગરમ ભોજન મેળવવા માટે લાઇનમાં ઊભા છે. લોકો અહીં એકબીજાને જાણતા નથી, તેમ છતાં રમૂજ કરી રહ્યા છે.

જ્યારે લોકોને ખોરાક અને પાણીની જરૂર હોય છે, ત્યારે તેઓ સ્મિત કે પછી ભેટવા જેવી ક્રિયાઓને પણ બિરદાવતા હોય છે. આ માનવતા, કરુણાનું પ્રતીક છે.

લોકો ફૂટપાથ પર ગોઠવાયેલા સસ્તા નાયલોન તંબુઓમાં પાછા ફરી રહ્યા છે. થોડા સમય માટે તો એ જ તેમનાં કામચલાઉ ઘરો હશે.

આ અઠવાડિયે ડેલ્સી રોડ્રિગ્ઝની સરકારે અસરગ્રસ્ત પરિવારોને 200 ઘર આપ્યાં છે.

જોકે, લોકોની કુલ જરૂર તો તેનાથી 100 ગણી વધારે હોઈ શકે છે. પુનર્નિર્માણમાં વર્ષો લાગશે અને અબજો ડૉલરનું રોકાણ થશે. વિશ્વ બૅન્કે અંદાજ લગાવ્યો છે કે બે ભૂકંપથી લગભગ 19.6 અબજ અમેરિકી ડૉલરનું નુકસાન થયું છે.

વેનેઝુએલામાં ભૂકંપ પછી કાટમાળની એક તસવીર

ઇમેજ સ્રોત, Federico Parra / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, વેનેઝુએલામાં ભૂકંપ પછી કાટમાળની એક તસવીર

જાન્યુઆરીમાં અમેરિકાના દળોએ વેનેઝુએલાના નેતા નિકોલસ માદુરોની ધરપકડ કરી અને તેમને 'નાર્કો-આતંકવાદ'ના આરોપો પર ટ્રાયલ માટે ન્યૂ યૉર્ક લઈ ગયા હતા. તેના થોડા દિવસો પછી રોડ્રિગ્ઝે વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.

તેમને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રનું સમર્થન છે, પરંતુ અમેરિકા જ વેનેઝુએલાના ઑઇલ ઉદ્યોગને નિયંત્રિત કરી રહ્યું છે. ઑઇલથી સમૃદ્ધ દેશ માટે આવકનો આ મુખ્ય સ્રોત છે. તેથી પુનર્નિર્માણ કેવી રીતે આગળ વધી શકાશે તે બિલકુલ સ્પષ્ટ નથી.

તંબુઓમાં રહેતા ઘણા લોકો પાઇરેટ બીચ પર રહેતા હતા. આ બીચનો એક નાનો ભાગ રજાઓ દરમિયાન ભૂકંપ આવ્યો ત્યારે મુલાકાતીઓથી ભરેલો હતો.

તેઓ નિરાશામાં તેમનાં ઘરો તેમની નજર સમક્ષ તૂટી પડતાં જોઈ રહ્યા હતા. તેઓ અંદર ફસાયેલા પરિવારના સભ્યો અને પાલતુ પ્રાણીઓને બચાવવા માટે તેમના એપાર્ટમેન્ટ્સ તરફ દોડી ગયા.

આ હજારો ભયાનક કહાણીઓમાંથી થોડી છે જેને વેનેઝુએલાના લોકો હજુ પણ પચાવી શક્યા નથી. આવી સ્થિતિનો સામનો કરવા તૈયાર ન હોય તેવા રાષ્ટ્ર સામે તેમણે કદી વીસરી ન શકાય તેવી છાપ છોડી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન