કચ્છ : રાજસ્થાનથી લવાયેલા ઈંડાથી જન્મેલા ઘોરાડ પક્ષીના બચ્ચાનો કોણે શિકાર કર્યો, બચાવી કેમ ન શકાયું?

કચ્છ, ઘોરા, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, The Corbett Foundation

ઇમેજ કૅપ્શન, કચ્છના નલિયા નજીક લેવાયેલ આ ફોટોમાં એક ઘાસના મેદાનમાં એક ઘોરાડ પક્ષી દેખાઈ રહ્યું છે
  • વાંચવાનો સમય: 7 મિનિટ

કચ્છમાં ઘોરાડ પક્ષીઓની વસ્તીને પુનઃજીવિત કરવાના ગુજરાત સરકારના પ્રારંભિક પ્રયાસોને ફટકો પડ્યો છે. રાજસ્થાનથી લાવેલા ઈંડામાંથી એક મહિના પહેલા કચ્છમાં જન્મેલું ઘોરાડ છેલ્લા કેટલાક દિવસોથી દેખાઈ રહ્યું નથી તેવા મીડિયામાં છપાયેલા અહેવાલો વચ્ચે ગુજરાતના વન વિભાગે બુધવારે પુષ્ટિ કરી કે તે નાનકડું અને ખાસ પક્ષી ખરેખર દેખાઈ નથી રહ્યું અને કોઈ શિકારીએ તેને પકડી લીધું હોય તેવી સંભાવના છે.

આમ, આશરે એક દાયકા પછી કચ્છમાં જન્મેલું ઘોરાડ એક મહિનાની અંદર જ ગુમ થઈ જતાં 'જમ્પ સ્ટાર્ટ' મેથડથી જન્મેલા તે પક્ષીથી કચ્છમાં ઘોરાડ પક્ષીના અસ્તિત્વ માટેની લડાઈમાં સફળતાનો એક નવો અધ્યાય શરૂ થશે તેવી આશા ઠગારી નીવડી છે. વન વિભાગના અધિકારીઓ કહે છે કે બચ્ચા પર સેટેલાઇટ અને કર્મચારીઓની ટીમો દ્વારા નજર રખાઈ રહી હતી. પરંતુ એ એક મહિનાનું થાય તે પહેલાં જ દેખાવાનું બંધ થતાં નિષ્ણાતો કચ્છમાં ઘોરાડ પક્ષીઓ માટે પૂરતા પ્રમાણમાં સુરક્ષિત રહેઠાણો છે કે નહીં તે બાબતે તર્ક-વિતર્ક કરી રહ્યા છે.

નવજાત પક્ષી કઈ રીતે ગુમ થયું?

કચ્છ, ઘોરા, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, State Information Department, Gujarat

ઇમેજ કૅપ્શન, નલિયામાં 26 માર્ચ, 2026ના રોજ જન્મેલું બચ્ચું તેની માતા સાથે

28 માર્ચે કેન્દ્ર સરકારે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે રાજસ્થાનના જેસલમેરથી ઘોરાડના એક ઈંડાને 22 માર્ચના રોજ કચ્છ જિલ્લાના નલિયામાં આવેલા એક ઘાસિયા મેદાનમાં લાવવામાં આવ્યું હતું. ત્યાં એક માદા ઘોરાડએ મૂકેલા અફલિત ઈંડાની જગ્યાએ તેને મૂકી દેવામાં આવ્યું હતું અને અફલિત ઈંડાને માળામાંથી હટાવી દેવાયું હતું. માદાએ રાજસ્થાનથી લવાયેલા ઈંડાને પણ સેવવાનું ચાલુ રાખતાં તે ઈંડામાંથી 26 માર્ચના રોજ એક પક્ષી જન્મ્યું હતું. આ રીતે જન્મ આપી કોઈ પક્ષીની વસ્તીને વધારવાની કોશિશને 'જમ્પ સ્ટાર્ટ એપ્રોચ' એટલે કે વસ્તી વધારાનો કૂદકાભેર પ્રારંભ કરવાની પદ્ધતિ કહેવાય છે.

તે જ દિવસે ગુજરાત સરકારે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે લગભગ એક દાયકા બાદ કચ્છમાં કોઈ ઘોરાડ પક્ષીનો જન્મ થયો હોય તેવી આ પ્રથમ ઘટના હતી.

આખી દુનિયામાં ઘોરાડ પક્ષીઓ મુખ્યત્વે ભારતના રાજસ્થાન અને ગુજરાત રાજ્યોમાં જ નિયમિત જોવા મળે છે. પરંતુ છેલ્લા ત્રણ-ચાર દાયકામાં તેની વસ્તીમાં કડાકો બોલી ગયો છે.

. ઉત્તરાખંડ રાજ્યના દહેરાદૂન શહેરમાં આવેલી વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા(WII)ના 2020ના અહેવાલ અનુસાર ભારતમાં પણ તેની વસ્તી 150 જ હોવાનો અંદાજ છે. ગુજરાતમાં તો આ પક્ષીઓ નામશેષ થવાના આરે આવી ગયાં છે અને હવે માત્ર કચ્છમાં જ જોવા મળે છે અને ત્યાં પણ આ પક્ષીની વસ્તી 2007માં 48 હતી તે 2024માં ફક્ત ચાર જ થઈ ગઈ છે.

રાજસ્થાનથી લવાયેલા ઈંડામાંથી જન્મેલા પક્ષી પર કચ્છ વન વર્તુળના કર્મચારીઓ સતત ફેરા કરીને અને WIIના વૈજ્ઞાનિકો સેટેલાઇટની મદદથી નજર રાખી રહ્યા હતા. પરંતુ કચ્છ વન વિભાગના વન સંરક્ષક ડૉ. ધીરજ મિત્તલે બુધવારે એક અખબારી યાદીમાં જણાવ્યું કે એ પક્ષી કોઈ શિકારીનો ભોગ બની ગયું હોય તેમ લાગે છે.

ડૉ. મિત્તલે કહ્યું, "છેલ્લા ત્રણ-ચાર દિવસથી વન વિભાગ કે WIIના નિષ્ણાતોને બચ્ચું જોવા મળ્યું નથી. વધારાની તપાસ દરમિયાન પણ હજુ સુધી બચ્ચું દેખાયું નથી. (બચ્ચું જે વિસ્તારમાં હતું) તે વિસ્તાર અને તેની આજુબાજુનો વિસ્તાર વિવિધ શિકારીઓનું કુદરતી રહેઠાણ છે તે બાબતને લક્ષમાં લેતા કોઈ નાના શિકારીએ તેનો શિકાર કરી લીધો હોય તેવી સંભાવના છે."

નવજાત પર કેવી રીતે નજર રાખવામાં આવતી હતી?

કચ્છ, ઘોરા, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Desert National Park

ઇમેજ કૅપ્શન, રાજસ્થાનના એક ઘોરાડ સંવર્ધન કેન્દ્રમાં જન્મેલ એક ઘોરાડના બચ્ચાની તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઘોરાડ જમીન પર રહેનાર પક્ષી છે અને નિષ્ણાતો કહે છે કે તેને ઊડવાનું પસંદ નથી. જમીન પર રહેનાર પક્ષીઓની અન્ય કેટલીય પ્રજાતિઓની જેમ ઘોરાડનાં બચ્ચાં પણ ઈંડામાંથી બહાર આવે એટલે તુરંત ચાલવાની ક્ષમતા કેળવી લે છે. ઘોરાડનું બચ્ચું તેની માતા સાથે ફરે છે અને ફરતા-ફરતા ખોરાક માટે કીટકો વગેરે શોધે છે.

બચ્ચા અને માતા પર નજર રાખી શકાય તે માટે વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટે ઑગસ્ટ, 2025માં માતાને સેટેલાઇટ ટેગ લગાડી દીધેલ. સેટેલાઇટ ટેગ એક એવી ચિપ છે, જે પક્ષી જે સ્થળ પર હોય તે લોકેશનની માહિતી તેમ જ તેના ઉડ્ડયન કે ચાલવાની માહિતી ઉપગ્રહ કે મોબાઈલના ટાવર પરથી મળતા સિગ્નલની મદદથી નક્કી કરેલા કંટ્રોલ રૂમમાં સતત મોકલતી રહે છે.

વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના નિવૃત્ત ડીન, ડૉ. યાદવેન્દ્રદેવ ઝાલા કહે છે કે બચ્ચું જન્મ્યા બાદ એકાદ મહિનામાં ટૂંકા અંતર સુધી ઊડવાની ક્ષમતા પ્રાપ્ત કરી લે છે પરંતુ તેને લાંબા અંતર સુધી ઉડવાની ક્ષમતા મેળવવા માટે ઘણા મહિનાનો સમય લાગે છે. પરિણામે બચ્ચું એકથી દોઢ વર્ષ સુધી તેની માતા સાથે જ રહે છે, તેમ તેઓ ઉમેરે છે.

ડૉ. મિત્તલે તેમની અખબારી યાદીમાં જણાવ્યું, "બચ્ચું ઈંડામાંથી બહાર આવ્યું ત્યારથી વન વિભાગના કર્મચારીઓ, WII ટીમના સભ્યો અને ચોકીદારો સઘન પેટ્રોલિંગકરીને તેના પર સતત નજર રાખી રહ્યા હતા."

વધારે માહિતી માટે બીબીસીએ ડૉ. મિત્તલનો સંપર્ક સાધવા પ્રયાસ કર્યો હતો પરંતુ તે થઈ શક્યો ન હતો. જો કે આ કામગીરી સાથે જોડાયેલી એક વ્યક્તિએ પોતાનું નામ જાહેર ન આપવાની શરતે બીબીસી ન્યૂઝ ગુજરાતીને જણાવ્યું, "વન વિભાગના કર્મચારીઓની ચાર ટીમો બચ્ચા અને માતા ઘોરાડ પર નજર રાખી રહી હતી. રાત્રે પણ ટીમો ફિલ્ડમાં રહેતી અને બચ્ચા અને માતાની દેખરેખ કરતી રહેતી."

વનવિભાગે ક્યાંય ચૂક કરી?

કચ્છ, ઘોરા, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, કચ્છ ઘોરાડ અભયારણ્યમાં દેખરેખ રાખી રહેલ એક મહિલા વનકર્મચારીની ફેબ્રુઆરી 2025માં લેવાલેલ તસવીર

ડૉ. મિત્તલે જણાવ્યું કે ઘોરાડ જમીન પર માળો કરી તેમાં ઈંડાં મૂકતાં પક્ષી હોવાથી શરૂઆતના દિવસોમાં જ તેના બચ્ચાઓનાં મૃત્યુ થઈ જવાનો દર ઊંચો રહે છે. અખબારી યાદીમાં તેમણે કહ્યું કે માત્ર 40 ટકા ઈંડાંમાંથી જ બચ્ચા બહાર નીકળે છે અને તે બચ્ચાઓમાંથી પણ માત્ર 60 ટકા બચ્ચા જ બે મહિનાની ઉંમર સુધી પહોંચી શકે છે.

તેમણે ઉમેર્યું કે ઘોરાડ માતા તેના બચ્ચાનું ઘાસના મેદાનોમાં રહેનાર શિયાળ, લોંકડી, જંગલી બિલાડીઓ, નોળિયા, ઘો, સાપ, બાજ અને ગરુડ કુળના શિકારી પક્ષીઓ વગેરે જેવા પરભક્ષી જીવોથી રક્ષણ કરતી રહે છે અને જો બચ્ચું બે મહિનાની ઉંમરે પહોંચી જાય અને બરાબર ઉડવાની ક્ષમતા મેળવી લે તો ત્યાર બાદ તે યુવાવસ્થાએ પહોંચવાની શક્યતામાં ઘણો વધારો થઈ જાય છે.

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વાત કરતા ડૉ. ઝાલાએ કહ્યું, "ઈંડામાંથી બહાર આવ્યા પછીના થોડાક જ અઠવાડિયામાં બચ્ચું મરી જવાની શક્યતા 40થી 45 ટકા રહે છે. એ અવસ્થામાં બચ્ચું એક રીતે નિર્બળ રહે છે. બચ્ચું એકાદ મહિનામાં ઉડતું તો થઈ જાય છે પરંતુ તે અમુક ફૂટ સુધી ટૂંકી ઉડાન જ ભરી શકે છે. તેથી, તેને માતાના રક્ષણની એકથી દોઢ વર્ષ સુધી જરૂર રહે છે. ઘોરાડના બચ્ચા પર શિયાળ, બિલાડી, લોંકડી જેવા શિકારી પ્રાણીઓ અને ઘુવડ જેવા પક્ષીઓ દ્વારા રાત્રે પણ હુમલા થવાની શક્યતા રહે છે અને રાત્રી દરમિયાન માતા થોડી વિવશ રહે છે. તેને બચ્ચાને સંતાડવા માટે એવી જગ્યાની જરૂર રહે છે કે જ્યાંથી તે આજુબાજુના વિસ્તારમાં શિકારીઓને દૂરથી જ જોઈ શકે."

તેમણે કહ્યું કે બચ્ચાનું મૃત્યુ એવો સંકેત આપે છે કે કચ્છમાં ઘોરાડ માટે સુરક્ષિત રહેઠાણનો અભાવ છે.

કચ્છ, ઘોરા, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, કચ્છ ઘોરાડ અભયારણ્ય નજીક વીજલાઇનોનું એક જાળ બની ગયું છે

ઘોરાડના જતન માટે કામ કરતી સંસ્થા 'ધ કોર્બેટ ફાઉન્ડેશન'ના ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ. દેવેશ ગઢવી પણ ડૉ. ઝાલાની વાતમાં સૂર પૂરાવે છે. ડૉ. ગઢવી કહે છે, "કોઈના ઘરે બાળકનો જન્મ થવાનો હોય તો તે ઘોડિયું તૈયાર રાખે છે. પરંતુ અહીં બચ્ચા માટે ઘોડિયું તૈયાર ન રખાયું. કચ્છની નલિયા ગ્રાસલૅન્ડનો 16 ચોરસ કિલોમીટરનો વિસ્તાર બે ભાગમાં જાળીઓથી સુરક્ષિત કરવામાં આવ્યો છે. તેમાં બચ્ચું જન્મતા વન વિભાગે તે ગ્રાસલૅન્ડની વચ્ચેથી પસાર થતો રસ્તો બંધ કરી દીધો હતો અને પશુઓનું ચરિયાણ પણ બંધ કરાવ્યું. પરંતુ માદા ઘોરાડ પક્ષીને ગત વર્ષે ઑગસ્ટ મહિનામાં સેટેલાઇટ ટેગ લગાડવામાં આવ્યું હતું. તેનો અર્થ એ થાય કે 'જમ્પ સ્ટાર્ટ'નું આયોજન ત્યારથી જ ચાલતું હતું. તેમ છતાં, આ ગ્રાસલૅન્ડમાં 4000 પશુઓનું ચરિયાણ પહેલાથી જ નિયંત્રણમાં ન લેવામાં આવ્યું. તેના પરિણામે પશુઓ બધું ઘાસ ચરી ગયા અને ઘોરાડને સંતાવા માટે જરૂરી ઘાસ બહુ જ ઓછું થઈ ગયું.

બચ્ચાનો શિકાર થઈ ગયો છે તે હકીકત પણ સૂચવે છે કે શિકારી-રહિત રહેઠાણ તૈયાર નથી. અને ઘોરાડ માટે જે સૌથી મોટી સમસ્યા છે તે વીજલાઇનો તો યથાસ્થિતિમાં જ છે. સુપ્રીમ કોર્ટે તેનો ઉકેલ કરવાનો હુકમ તો ગયા વર્ષે ડિસેમ્બરમાં કર્યો હતો પણ તે સંદર્ભે હજુ કંઈ થયું નથી."

"ઘોરાડને વિલુપ્તી તરફ ધકેલનાર પરિબળો ઉકેલાયાં?"

કચ્છ, ઘોરા, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, નલીયા ગ્રાસલેન્ડમાં ગાયો ચરાવી રહેલ એક માલધારીની ફેબ્રુઆરી, 2025માં લેવાયેલ તસવીર

ડૉ. ઝાલા કહે છે ઘોરાડ પક્ષીઓના પાવર ટ્રાન્સમિશન લાઇન્સ એટલે કે વીજળીનું વહન કરતા તાર સાથે ઉડ્ડયન દરમિયાન અથડાઈને થતા મોત રોકવા માટે સરકારે ઘોરાડના રહેઠાણોમાંથી પસાર થતી વીજલાઇનોને ભૂમિગત કરવી પડશે, અન્યત્ર ડાઇવર્ટ કરવી પડશે કે બર્ડ ફ્લાઇટ ડાઇવર્ટર લગાડી તેમના પર નિશાન કરવા પડશે જેથી ઘોરાડ પક્ષીઓને તે દૂરથી નજરે ચડી જાય.

તેમણે કહ્યું, "ઘોરાડનું બચ્ચું બાલ્યાવસ્થામાં જ મરી જાય તે અસામાન્ય ઘટના નથી. પરંતુ જે પરિબળોએ ઘોરાડને વિલુપ્તિના આરે ધકેલી દીધા છે તે પરિબળોનું નિવારણ કર્યા વગર 'જમ્પ સ્ટાર્ટ' મેથડથી બચ્ચાને જન્મ આપવો કે રાજસ્થાનથી પુખ્ત ઘોરાડ પક્ષીઓને કચ્છમાં લઈ આવવા સલાહભર્યું પગલું ન કહેવાય કારણ કે તે પરિબળો નવા પક્ષીઓને પણ મારતા રહેશે."

"કચ્છમાં પાવરલાઇન્સને મિટિગેટ કરવી પડશે અને ઘોરાડ માટે શિકારી-મુક્ત વાડાઓ તૈયાર કરવા પડશે. જેના પર વિલુપ્તિનો ભારે ભય છે તેવી પ્રજાતિને બચાવવા માટે આ પગલાં લેવા પડશે. અને આવા પગલાં હજુ કચ્છમાં થોડાં પક્ષીઓ બચેલાં છે ત્યારે જ લેવાય તે જરૂરી છે કારણ કે એક વાર તે મરી ગયાં પછી અહીં ઘોરાડની નવી વસ્તી સ્થાપિત કરવી બહુ જ મુશ્કેલ કાર્ય સાબિત થશે."

ઘોરાડના પ્રજનન માટે કેવા સુરક્ષિત રહેઠાણોની જરુર છે?

કચ્છ, ઘોરા, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, નલીયા ગ્રાસલેન્ડ વચ્ચેથી પસાર થતા રસ્તાનું એક પ્રવેશદ્વાર

ડૉ. ઝાલા કહે છે, "ઘોરાડને વિલુપ્ત થતા રોકવા તેમના પ્રજનનના પ્રયાસ સફળ રહે તે ખૂબ જરૂરી છે. જો આ પક્ષીઓને શિકારીઓથી મુક્ત વાતાવરણમાં પ્રજનન કરવાની તક મળે તો સફળતાની ટકાવારી વધે છે. તેથી, ઘાસિયા મેદાનોના કેટલાક ભાગોને તાર-ફેન્સિંગ કરી, તે રીતે જાળીથી સુરક્ષિત કરાયેલા વિસ્તારની અંદરથી વરુ, શિયાળ, લોંકડી, જંગલી બિલાડીઓ, કૂતરાં, ઘો તેમ જ ઘોરાડ માટે ખતરારૂપ અન્ય સરિસૃપોને દૂર કરવા જોઈએ. એ રીતે શિકારીઓને દૂર કરવા છતાં બચ્ચાનો શિકાર નહિ થાય તેની કોઈ સો ટકા ગૅરંટી નથી આપી શકાતી.

અમે રાજસ્થાનમાં એક પુખ્ત માદા ઘોરાડ પક્ષીને 'બોનેલીઝ ઈગલ' (સસલાખોર તરીકે ઓળખાતું ગરુડ)નો શિકાર બનતું જોયું છે. તેથી શિકારીઓનો ખતરો પૂરેપૂરો નિવારી શકાતો નથી. પરંતુ ફેન્સિંગ કરી તેમાંથી શિકારીઓને દૂર કરવામાં આવે તો બચ્ચા પુખ્ત વયના પક્ષી થવાની શક્યતા 40-45 ટકાથી વધીને 60થી 70 ટકા થઈ જાય છે."

ડૉ. મિત્તલે કહ્યું કે કચ્છના નલિયાનાં ઘાસિયા મેદાનો ઘોરાડ પક્ષીઓ માટે વધારે સુરક્ષિત બને તે માટે ગાંડા બાવળ કાઢવાનું, જાળીવાળા વાડાઓને મજબૂત કરવાનું, શિકારીઓને અન્યત્ર ખસેડવાનું અને પાણીની વ્યવસ્થા કરવાનું કામ ચાલી રહ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન