મણિપુર : 'ચાર વર્ષની દીકરી વારંવાર પૂછે છે કે પિતા ક્યાં છે', હિંસામાં અચાનક આટલો વધારે કેમ થયો?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, 21 ઑક્ટોબર 2026ના રોજ મણિપુરના ઇમ્ફાલ ખાતે મશાલ જુલૂસ દરિયાન તકતીઓ લઈને પ્રદર્શન કરતાં મહિલા. આ મહિલાઓ ઇમ્ફાલના પૂર્વમાં આવેલા જિલ્લાના સુુનુરોકમાં ત્રણ મૈતેઈ નાગરિકોની હત્યાના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યાં છે
    • લેેખક, દિલીપકુમાર શર્મા
    • પદ, ગૌહાટીથી, બીબીસી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

મણિપુરના ઇમ્ફાલ ઈસ્ટ જિલ્લામાં આવેલા ઉયુમ્પોક ગામમાં 32 વર્ષના ક્ષેત્રીમયુમ સુશીલના ઘરે શોકનો માહોલ છે.

19મી ઑક્ટોબરના રોજ ઇમ્ફાલ ખીણપ્રદેશમાં ઉગ્રવાદીઓના એક કથિત હુમલામાં જે ત્રણ મૈતેઈ લોકોનાં મોત નીપજ્યાં હતાં, તેમાં સુશીલનો પણ સમાવેશ થતો હતો.

સુશીલ લાકડાં લેવાં ગામના કેટલાક લોકો સાથે નજીકના જંગલમાં ગયા હતા, તે સમયે તેમના પર આ હુમલો થયો હતો.

આ બનાવ પછી ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ઓકરમ ઇબોબીસિંહ સહિત ઘણા લોકો સાંત્વના પાઠવવા માટે સુશીલના ઘરે પહોંચી રહ્યા છે. બહારથી આવનારા લોકોને જોતાંવેંત સુશીલના વડીલ પિતા ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડે છે.

આંખોમાંથી વહેતાં આંસુ સાથે સુશીલના પિતા દેબેન જણાવે છે, "તે હત્યારાઓએ મારા પરિવારનો સહારો છીનવી લીધો. મારો દીકરો જંગલમાંથી લાકડાં લેવાં ગયો હતો. પણ એ ઘરે પાછો જ ન ફર્યો. તેની ચાર વર્ષની દીકરી વારંવાર પૂછે છે કે, પિતા ક્યાં છે, હું એ બાળકીને શું જવાબ આપું?"

પોતાની સલામતી અંગે ચિંતિત દેબેને જણાવ્યું હતું, "પહાડી વિસ્તારોની તળેટીમાં રહેનારા લોકો માટે આજીવિકા રળવાનો એકમાત્ર માર્ગ લાકડાં લાવવાનો અને ડાંગરનાં ખેતરોમાં કામ કરવાનો છે. જો તે સમય દરમિયાન કોઈ ગોળી મારી દેશે, તો લોકો ઘરોમાંથી બહાર જ નહીં નીકળી શકે. તમામ લોકોના મનમાં ડર બેસી ગયો છે. આવી સ્થિતિમાં અમે કેવી રીતે જીવીશું?"

દસ દિવસની હિંસામાં ઓછામાં ઓછા 14 લોકોનાં મોત

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, મળી આવેલાં હથિયારોની તસવીર

મણિપુરના પર્વતીય વિસ્તારોમાં ચાલી રહેલી હિંસા અચાનક જ વધી ગઈ છે. ચાલુ મહિનાની નવમી ઑક્ટોબરથી ફક્ત 10 દિવસની અંદર ઓછામાં ઓછા 14 લોકોની હત્યા કરવામાં આવી છે.

9 અને 10 ઑક્ટોબર દરમિયાન કામજોંગ, કાંગપોકપી અને ઉખરુલ જિલ્લામાં 12 કલાકની હિંસામાં નવ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલામાં કુકી અને નાગા લોકો માર્યા ગયા હતા.

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એ પછી 17મી ઑક્ટોબરના રોજ કામજોંગ જિલ્લાના કુકી બહુલ ચસ્સાદ ગામમાં એક માણસને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો.

ત્યાર બાદ 18મી ઑક્ટોબરની રાત્રે થૌબલ જિલ્લાના ખંગાબોકમાં વધુ એક વ્યક્તિને મારી નાખવામાં આવી. તે પછી 19મી ઑક્ટોબરે ઇમ્ફાલ ઈસ્ટ જિલ્લામાં મૈતેઈ સમુદાયના ત્રણ લોકોની હત્યા કરવામાં આવી.

ત્રીજી મે, 2023થી મૈતેઈ સમુદાય અને કુકી આદિવાસી સમુદાયની વચ્ચે સતત ચાલી રહેલી અથડામણમાં આ વર્ષે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.

પણ એ પછી ગયા વર્ષે ઉખરુલ જિલ્લામાં કુકી અને નાગા આદિવાસી સમુદાયના કેટલાક યુવાનો વચ્ચે કથિત રીતે શરાબના નશામાં થયેલી ઝપાઝપી વ્યાપક હિંસામાં ફેરવાઈ ગઈ હતી.

માત્ર આઠ મહિના પહેલાં શરૂ થયેલા નાગા-કુકી સંઘર્ષમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 22 નાગા અને 31 કુકી નાગરિકોનો ભોગ લેવાયો છે.

પરંતુ ત્રણ દિવસ પહેલાં મૈતેઈ લોકો પર થયેલા હુમલા પછી આ પ્રદેશમાં ચાલી રહેલી હિંસાનો એક નવો દોર જોવા મળ્યો છે.

અર્થાત્, પહેલાં જાતીય હિંસા બે સમુદાયોની વચ્ચે હતી, પણ હવે તે ત્રિકોણીય સંઘર્ષમાં બદલાઈ ગઈ છે. એક તરફ મૈતેઈ અને કુકી લડી રહ્યા છે અને બીજી તરફ નાગા સમુદાય કુકી જનજાતિ સાથે ટકરાઈ રહ્યો છે.

રાજ્યની હિંસાની તાજેતરની ઘટનાઓ અંગે પોલીસે શું કહ્યું?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, હિંસા બાદ મણિપુરના ડીજીપીએ પોલીસ અધિકારીઓ સાથે રિવ્યૂ મીટિંગ કરી

મણિપુર પોલીસે નોંગશુમમાં મૈતેઈ લોકો પર થયેલા હુમલાની ઘટનામાં ત્રણ શકમંદોની ધરપકડ કરી છે.

પોલીસે જણાવ્યું કે, ઇમ્ફાલ ઈસ્ટ-કાંગપોકપી જિલ્લાની સીમા પર આવેલી નોંગશુમ હિલ પાસેના જંગલમાં 19મી ઑક્ટોબરની સવારે લગભગ 14 મૈતેઈ લોકો ઈંધણ માટેનાં લાકડાં એકઠાં કરી રહ્યા હતા.

બરાબર ત્યારે જ સંદિગ્ધ ઉગ્રવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ગોળી વાગવાથી ત્રણ લોકોનાં કરુણ મોત નીપજ્યાં હતાં અને અન્ય ચાર લોકોને ઈજા થઈ હતી.

સગોલમાંગ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ આ હુમલામાં માર્યા ગયેલા લોકોની ઓળખ 32 વર્ષના ક્ષેત્રીમયુમ સુશીલ, અરુબમ રોનિલ (35) અને લૈરેનલાકપમ ઈનાઓબી (44) તરીકે કરી છે.

આ દરમિયાન, મણિપુરના ઍડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ લાહિરી દોરજી લહાતુએ એક પત્રકારપરિષદમાં જણાવ્યા અનુસાર, "મણિપુર પોલીસ, ભારતીય સેના, આસામ રાઇફલ્સ અને સીઆરપીએફ કોબ્રાની સંયુક્ત ટીમે ઘટનાસ્થળની આસપાસ સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું અને લાકડાં એકઠાં કરનારા લોકોની હત્યાના મામલામાં ત્રણ લોકોની ધરપકડ કરી છે."

પોલીસ અધિકારી લહાતુએ જણાવ્યું હતું, "ધરપકડ કરાયેલા ત્રણમાંથી બે લોકોએ સ્વીકાર્યું છે કે, તેઓ તે હુમલાખોર જૂથમાં સામેલ હતા. સુરક્ષા અધિકારીઓએ આ પ્રદેશમાં ઑપરેશન દરમિયાન 12 અત્યાધુનિક હથિયારો (જેમાં આઇએનએસએએસ રાઇફલ્સ, એકે-47 રાઇફલ, એમ-16, સ્નાઇપર રાઇફલ્સ અને ટાઇપ 81 રાઇફલો સહિત) હેન્ડ ગ્રૅનેડ, પોમ્પી બૉમ્બ અને એક હજાર કરતાં વધારે જીવતા કારતૂસ સહિતના વિસ્ફોટકો જપ્ત કર્યા છે."

રાજ્યમાં ચાલી રહેલી હિંસાને લગતા એક સવાલનો જવાબ આપતાં પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, મણિપુરના લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં ભરાઈ રહ્યાં છે.

પરિવારોએ હજુ સુધી મૈતેઈ સમુદાયના મૃતકોના મૃતદેહો સ્વીકાર્યા નથી

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ન્યાયની માગ સાથે ઇમ્ફાલમાં વિરોધમાં બેઠેલી મૈતેઈ મહિલાઓ

આ વર્ષની સાતમી એપ્રિલ પછી આ પહેલી ઘટના છે, જ્યારે ખીણપ્રદેશમાં રહેનારા મૈતેઈ લોકો પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા પછી મૈતેઈનું વર્ચસ્વ ધરાવતી ઇમ્ફાલ ખીણના લોકોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે.

રોષે ભરાયેલા સ્થાનિકોએ હત્યાઓનો વિરોધ કરતાં પીડિતોના મૃતદેહોને ઇમ્ફાલસ્થિત મુખ્ય મંત્રી યુમનામ ખેમચંદસિંહના સરકાર નિવાસસ્થાનની સામે રાખી દીધા હતા, જે પછીથી સુરક્ષાકર્મીઓએ હઠાવ્યા હતા.

અત્યારે ત્રણ મૃતદેહો ઇમ્ફાલસ્થિત એક સરકારી હૉસ્પિટલના મડદાઘરમાં રાખવામાં આવ્યા છે. પીડિતોના પરિવારજનોએ જ્યાં સુધી ન્યાય ન મળે અને જ્યાં સુધી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત ન થાય, ત્યાં સુધી મૃતદેહોને લેવાનો ઇનકાર કર્યો છે.

મૈતેઈ સમુદાય સાથે જોડાયેલી નેટિવ પીપલ્સ કમિટી મણિપુરે આ હત્યાઓ વિરુદ્ધ ગત મંગળવારે 48 કલાકના બંધનું એલાન કર્યું હતું, જેની અસર ખીણપ્રદેશના તમામ જિલ્લાઓમાં જોવા મળી હતી.

આ બંધ બુધવારે સાંજે પાંચ વાગ્યે સમાપ્ત થયો હતો, પણ ઇમ્ફાલનાં બજારો અને દુકાનોએ ગુરુવારે પણ બંધ જ પાળ્યો હતો. મૈતેઈ નાગરિક સમાજ જૂથો અને મીરા પૈબી હજુ પણ ઇમ્ફાલમાં ધરણાં પર બેઠેલાં છે.

મૈતેઈ લોકોની હત્યાથી નારાજ ઇમ્ફાલના રહીશ કિરણ જણાવે છે, "છેલ્લા છ મહિનાથી ખીણમાં શાંતિનું વાતાવરણ હતું, પણ કુકી ઉગ્રવાદીઓએ અમારા નિર્દોષ લોકોની હત્યા કરીને વાતાવરણને ફરી તંગ બનાવી દીધું છે."

રાજ્યમાં અત્યારે ચાલી રહેલી હિંસા વિશેના પ્રશ્નનો જવાબ આપતાં કિરણે જણાવ્યું હતું, "સરકારના કેટલાક લોકો કહી રહ્યા હતા કે, પરિસ્થિતિમાં સુધારો થયો છે અને મુક્તપણે અવરજવર કરી શકાય છે. આ ખાતરી અપાઈ હોવા છતાં અમારા લોકો લાકડાં એકઠાં કરવા માટે નજીકના જંગલમાં ગયા અને તેમની હત્યા કરી દેવામાં આવી, હવે આ માટે કોણ જવાબદાર છે?"

હિંસાની તીવ્રતા કેમ વધી?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, મણિપુરના મુખ્ય મંત્રી યુમનામ ખેમચંદસિંહે ડીજીપી સહિત સૈન્યના અધિકારીઓ સાથે બેઠક યોજી

મણિપુરમાં ચાલી રહેલી હિંસામાં એકાએક વધારો થવા પાછળ શંકાસ્પદ ઉગ્રવાદીઓની સંડોવણી જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે.

કુકી જનજાતિના મુખ્ય નાગરિક સંગઠન એવા કુકી ઈનપિએ તેનાં નિવેદનોમાં પર્વતીય જિલ્લાઓમાં થઈ રહેલા હુમલા અને આગ લાગવાની ઘટનાઓ પાછળ નાગા ઉગ્રવાદી સંગઠન નૅશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઑફ નાગાલૅન્ડ અર્થાત એનએસસીએન (ઇએમ)નો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે.

તો બીજી તરફ, મણિપુરમાં નાગા જનજાતિઓના સર્વોચ્ચ સામાજિક અને રાજકીય સંગઠન યુનાઇટેડ નાગા કાઉન્સિલે આ હુમલા માટે 'સસ્પેન્શન ઑફ ઑપરેશન્સ'માં ચાલી રહેલા વિવિધ સશસ્ત્ર કુકી જૂથોને જવાબદાર ઠેરવ્યાં છે.

મણિપુરમાં સતત વધી રહેલી હિંસાની ઘટનાઓ વિશે વાત કરતાં ભારતીય સેનાના નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ હિમાલયસિંહે બીબીસી ન્યૂઝ હિંદીને જણાવ્યું હતું, "રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂરતાં સલામતી દળો હાજર છે, તેમ છતાં હિંસાની ઘટનાઓ બની રહી છે."

"એવું લાગે છે કે, સંયુક્ત અભિયાન હાથ ધરવા મામલે તમામ સુરક્ષા સંસ્થાઓ વચ્ચે સંકલનનો અભાવ છે. સખ્ત કાર્યવાહી ન હોવાથી હિંસા ભડકાવનારાં તત્ત્વોની હિંમત વધી ગઈ છે."

મણિપુરના સ્થાયી નિવાસી લેફ્ટનન્ટ જનરલ હિમાલયસિંહનું માનવું છે કે હિંસા સતત વધવા પાછળ બાહ્ય તાકાતોનો પણ હાથ રહેલો છે.

તેમણે કહ્યું હતું, "હિંસાની વધી રહેલી ઘટનાઓને એવાં બાહ્ય તત્ત્વો દ્વારા ઈજન આપવામાં આવી રહ્યું છે, જેઓ ઇચ્છે છે કે અહીં શાંતિ ન પ્રવર્તે. મણિપુર મ્યાનમાર સાથે સરહદથી જોડાયેલું છે અને તાજેતરની હિંસાના સંદર્ભમાં સીમા પાર ગતિવિધિ કરી રહેલાં કેટલાંક ઉગ્રવાદી જૂથોનાં નામ સપાટી પર આવ્યાં છે. હકીકતમાં મણિપુર હવે ભૂરાજકીય બાબતોનો અખાડો બની ગયું છે. જાતીય હિંસાનું વધુ એક કારણ ધર્મ અને સમૂહવાદ સાથે જોડાયેલું છે. કેટલાક લોકો આવા વિભાજનકારી મુદ્દાઓને વેગ આપીને સમસ્યાને વધુ ગંભીર બનાવી રહ્યા છે."

મણિપુરમાં લાંબા સમયથી માનવ અધિકારો માટે કામ કરી રહેલા કે. ઓનિલનું માનવું છે કે, સરકાર કુકી આદિવાસી સમુદાયની માગણીઓ પર ધ્યાન નથી આપી રહી, તે પણ આ હિંસા માટેનું એક જવાબદાર કારણ હોઈ શકે છે.

માનવ અધિકાર કાર્યકર ઓનિલે હિંસાના બનાવોમાં તાજેતરમાં થયેલા વધારા વિશે વાત કરતાં કહ્યું હતું, "આ જમીનની લડાઈ છે. જો રાજ્યમાં શાંતિ સ્થપાઈ જાય છે, તો અલગ વહીવટી તંત્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ માટેની કુકી સમુદાયની માગણીઓ કોરાણે મૂકી શકાય છે."

"જે ઉગ્રવાદી જૂથો ભારત સરકાર સાથે સંઘર્ષ વિરામમાં છે, તેમના પર જ હિંસા ભડકાવવાનો આરોપ છે. હિંસા એટલા માટે વધી છે, કારણ કે આ સશસ્ત્ર સમૂહો સંઘર્ષ વિરામના નિયમોનું પાલન નથી કરી રહ્યાં."

નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલસિંહે પણ મણિપુરમાં વધેલી હિંસામાં 'સસ્પેન્શન ઑફ ઑપરેશન્સ' જૂથોની સંડોવણી અંગે સમાન વિચારો વ્યક્ત કર્યા હતા. ભૂતપૂર્વ લશ્કરી અધિકારીએ કહ્યું હતું, "હિંસાના જે તમામ બનાવો નોંધાયા છે, તેમાં ઉગ્રવાદી જૂથો પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે. તેનો સ્પષ્ટ અર્થ એ છે કે, આ ઉગ્રવાદીઓ શાંતિવિરામના તમામ મૂળભૂત નિયમોનો ભંગ કરી રહ્યા છે."

વધેલી હિંસા પર સરકારે શું કહ્યું?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, મણિપુરના ગૃહમંત્રી ગોવિંદાસ કોંથૌજમની તસવીર

મણિપુર સરકાર જણાવે છે કે હિંસાને અટકાવવા માટે સૈન્ય કાર્યવાહી કરતાં જાતીય સમુદાયો વચ્ચે સંવાદ થાય, એ વધુ જરૂરી છે.

માધ્યમો સાથે વાત કરતાં રાજ્યના ગૃહમંત્રી ગોવિંદાસ કોંથોજમે કહ્યું હતું, "શાંતિ માત્ર સંવાદથી જ આવે છે, બંદૂકના નાળચેથી નહીં. કોઈ પણ પ્રકારના તફાવતોનો કેવળ વાતચીત અને ચર્ચા થકી જ ઉકેલ લાવી શકાય છે."

તેમણે કહ્યું હતું, "સરકાર હિંસામાં ફસાયેલા લોકો વચ્ચે આંતરિક સમજૂતી સ્થાપવાનો પ્રયત્ન કરી રહી છે. એક મોટો વર્ગ સમજે છે કે આપણે શાંતિ પ્રસ્થાપિત કરવા માટે વાતચીત કરવી પડશે. માત્ર સુરક્ષા દળોના ભરોસે સમસ્યાઓનું સમાધાન ન લાવી શકાય."

હિંસામાં સંડોવાયેલા ઉગ્રવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી અંગેના એક સવાલનો જવાબ આપતાં ગૃહમંત્રીએ કહ્યું હતું, "હિંસા ફેલાવનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઘણા સ્તરે ચાલી રહેલા આતંકવાદ વિરોધી અભિયાનમાં અપરાધીઓને પકડવામાં આવ્યા છે અને તેમની પાસેથી મોટાપાયે શસ્ત્રો તથા વિસ્ફોટકો કબજે કરવામાં આવ્યાં છે."

ગૃહ વિભાગના અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું, "જે પર્વતીય જિલ્લાઓમાં હિંસા આચરવામાં આવી છે, ત્યાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓને રવાના કરવામાં આવ્યા છે. કામજોંગ જિલ્લામાં વધી રહેલી હિંસાને નિયંત્રિત કરવા માટે ડીજીપી મુકેશસિંહ સ્વયં ગયા છે. તેમણે ત્યાંના કુકી-નાગા લોકોની ફરિયાદો સાંભળી છે. તે પછી 11 આસમ રાઇફલ્સ અને બીએસએફના પ્રતિનિધિઓ સાથે પણ એક સંયુક્ત સુરક્ષા સમન્વય બેઠક પણ યોજવામાં આવી હતી. સરકાર શાંતિ અને સામાન્ય સ્થિતિ પુનઃ સ્થાપિત કરવા માટે તમામ શક્ય પ્રયત્નો કરી રહી છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન