જ્ઞાનેશકુમાર અને SIR વિરુદ્ધ ધરણાં પર બેસેલા રાહુલ ગાંધીની અટકાયત, કૉંગ્રેસ કહ્યું "બધું યાદ રાખવામાં આવશે"

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે આકાશવાણી ભવનમાં ધરણા પર બેઠેલા કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પોલીસે ત્યાંથી હટાવી દીધાં છે. સમાચાર એજન્સી PTI મુજબ, પોલીસે રાહુલ ગાંધીને અટકાયતમાં લીધા છે.
ઘટનાસ્થળ પર હાજર બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશાએ માહિતી આપી છે કે રાહુલ ગાંધીને અટકાયતમાં લઈને કિંગ્સવે કૅમ્પ લઈ જવાયા હતા.
કૉંગ્રેસે રાહુલ ગાંધીને "જબરદસ્તી" લઈ જતી પોલીસનો વીડિયો શેર કરીને X પર લખ્યું છે, "બધું યાદ રાખવામાં આવશે."
આ પહેલા કૉંગ્રેસેન ઍક્સ પર પોસ્ટ કરીને લખ્યું હતું, "મોદી-શાહે આકાશવાણી ભવનમાં પોલીસ મોકલી છે, જે જબરદસ્તીથી વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધી અને સાંસદોને ઉઠાવી રહી છે. મોદી પોલીસીયા દમનના સહારે અવાજ દબાવવા માગે છે, પરંતુ યાદ રાખો - હવે આ હંકાર દબાવાની નથી, ગદ્દાર જ્ઞાનેશને જવું જ પડશે."
ચૂંટણીપંચ સુધીનો માર્ચ રોકી દેવામાં આવ્યા બાદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા છેલ્લા ઘણા કલાકોથી આકાશવાણી ભવન પરિસરમાં ધરણા પર બેઠાં હતાં.
ધરણાં પર બેઠેલા રાહુલ ગાંધીએ તેમના ફેસબુક પેજ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેઓ અને પ્રિયંકા ગાંધી એક પોલીસ અધિકારી સાથે વાતચીત કરતા જોવા મળે છે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને હટાવવાની માંગ સાથે ધરણાં પર બેઠેલા લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિરાસતમાં લેવામાં આવ્યા બાદ પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે.
તેમણે કહ્યું છે, "લોકશાહીના ગદ્દારોને બચાવવા માટે બચેલી લોકશાહીને ઘસેડવામાં આવી છે. હિસાબ થશે - એકપણ દેશદ્રોહીને બક્ષવામાં નહીં આવે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, ANI
પોલીસે તેમને ત્યાંથી હટી જવા માટે કહ્યું, પરંતુ બંને ત્યાં જ અડગ રહ્યા. વિરોધ પક્ષના નેતાઓનો વિરોધ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગને લઈને છે.
પોલીસ અધિકારીને રાહુલ ગાંધી કહે છે, "હું તો ફક્ત બેઠો છું." તેના જવાબમાં પોલીસ અધિકારી તેમને કહે છે, "સર, ઘરે ચાલી જાઓ."
રાહુલ જવાબ આપે છે, "શું હું ફક્ત ઘરે જ જઈ શકું? દેશમાં ક્યાંય બીજે જઈ શકતો નથી? હું રાજકીય વ્યક્તિ છું. હું ઘરમાં બેસી શકતો નથી. તમે મને એવી કોઈ જગ્યા બતાવી દો જ્યાં જઈને હું બેસી શકું."

ઇમેજ સ્રોત, ANI
તેમની સાથે હાજર પ્રિયંકા ગાંધીએ કહ્યું, "આ દેશનો કોઈપણ વ્યક્તિ જો વિરોધપ્રદર્શન માટે બેસવા માંગતો હોય તો તેને એ કરવાનો અધિકાર છે. આ સામાન્ય પ્રક્રિયા છે. તમે તે બંધારણ માટે લડી રહ્યા છો. તે બે વ્યક્તિઓ માટે નહીં, જે સત્તાની ગાદી પર બેઠા છે."
આ પહેલાં બંને ચૂંટણીપંચના મુખ્યાલય પહોંચવા માટે આકાશવાણી ભવન પરિસરમાં દાખલ થયા હતા.
પોલીસે રોક્યા હોવા છતાં બંને નેતાઓ ત્યાં પહોંચ્યા હતા.
રાહુલ ગાંધીએ કહ્યું, "દેશ સાથે જે કરવામાં આવ્યું છે તે દેશદ્રોહ છે. ભલે વડા પ્રધાન મોદી હોય, અમિત શાહ હોય, RSS પ્રમુખ હોય કે જ્ઞાનેશકુમાર, કોઈને પણ બખ્શવામાં આવશે નહીં."
રાહુલ ગાંધીએ વિપક્ષના સાંસદોની ચૂંટણી આયુક્તો સાથે મુલાકાત ન થવા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા.
તેમણે કહ્યું, "આજે 300થી વધુ વિપક્ષી સાંસદો સંસદથી ચૂંટણીપંચ સુધી માર્ચ કરીને ચૂંટણી કમિશનરોને મળવા પહોંચ્યા હતા. અમે કરોડો ભારતીયોનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. ચૂંટણી કમિશનર અમને મળતા કેમ નથી? પોલીસ અમને રોકી કેમ રહી છે અને ધમકી કેમ આપી રહી છે?"
ભાજપે શું કહ્યું?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇન્ડિયા બ્લૉકના માર્ચ અને રાહુલ ગાંધીના આરોપો પર ભાજપે વળતો પ્રહાર કર્યો છે.
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે આ માર્ચ કૉંગ્રેસ અને તેના સાથી પક્ષો તરફથી "અરાજકતા ફેલાવવાનો અને રાહુલ ગાંધીને ફરીથી લૉન્ચ કરવાનો" વધુ એક પ્રયાસ છે. તેમણે રાહુલ ગાંધી પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણીને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ પણ લગાવ્યો.
પાત્રાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે ફૉર્મ-6ને ગેરકાયદેસર ગણાવ્યું નથી, પરંતુ આ મામલે નોટિસ જારી કરી છે અને આગળ તેની તપાસ કરવામાં આવશે. તેમણે રાહુલ ગાંધી પર આ મુદ્દે દેશમાં "ભ્રમ" ફેલાવવાનો આરોપ લગાવ્યો.
તેમણે કહ્યું, "SIRનો વિરોધ કરીને શું કૉંગ્રેસ 2.8 કરોડ મૃતકોના નામ મતદારયાદીમાં જાળવી રાખવા માગે છે? શું રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી 'વોટ ચોરી'થી સાંસદ બન્યા? જો SIR ગેરકાયદેસર છે, તો શું કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને હિમાચલની કૉંગ્રેસ સરકારો પણ ગેરકાયદેસર છે?"
ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ પણ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી એસઆઈઆરને લઈને "ભ્રામક, બેબુનિયાદ અને અસંગત" વાતો કરી રહ્યા છે.
તેમણે કહ્યું, "ગેરહાજર, પોતાના સરનામેથી સ્થળાંતર કરી ચૂકેલા લોકો, મૃતકો અને ડુપ્લિકેટ મતદારોને કોઈ તપાસ વિના મતદાનનો અધિકાર આપીને કોંગ્રેસ કોને ફાયદો પહોંચાડવા માગે છે?"
વિરોધ પક્ષનો આરોપ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
વિપક્ષી ઇન્ડિયા બ્લૉકના સાંસદો મતદારયાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયામાં અનિયમિતતાઓના આરોપ લગાવી રહ્યા છે. તેમની માગ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની અને SIR સંબંધિત નિર્ણયોની સમીક્ષાની છે.
વિપક્ષનો આરોપ છે કે મતદાર યાદીમાં ફેરફાર અને ફૉર્મ-6 સંબંધિત નિર્ણયો લેવામાં નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી.
સોમવારે સુપ્રીમ કોર્ટમાં ફૉર્મ-6 સંબંધિત મામલાની સુનાવણી થઈ હતી. ત્યારબાદ રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે ફોર્મ-6માં "ગેરકાયદેસર અને એકતરફી" ફેરફાર કર્યો છે. ભાજપે આ દાવાને નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે ફૉર્મ-6ને ગેરકાયદેસર ગણાવ્યું નથી.
સંસદથી ચૂંટણીપંચ સુધી માર્ચ
ઇન્ડિયા બ્લૉકના સાંસદો મંગળવારે સંસદના મકર દ્વારથી ચૂંટણીપંચના મુખ્યાલય તરફ માર્ચ કરી રહ્યા હતા.
આ માર્ચમાં કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, TMC સાંસદ અભિષેક બેનરજી અને અન્ય ઘણા વિપક્ષી સાંસદો જોડાયા હતા.
માર્ચને ધ્યાનમાં રાખીને સંસદ, સંસદ માર્ગ, આકાશવાણી ભવન અને ચૂંટણીપંચના મુખ્યાલયની આસપાસ ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. અનેક સ્થળોએ બૅરિકેડ લગાવવામાં આવ્યાં હતાં અને રેપિડ ઍક્શન ફોર્સના જવાનો પણ તહેનાત કરવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા રોકવામાં આવ્યા બાદ વિપક્ષી સાંસદોએ રસ્તા પર બેસીને વિરોધપ્રદર્શન કર્યું હતું.
ત્યારબાદ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અન્ય ઘણા નેતાઓને અટકાયતમાં લેવામાં આવ્યાં હતાં.
વિપક્ષે આ પ્રદર્શનનો નિર્ણય 30 સપ્ટેમ્બરે 19 વિપક્ષી પક્ષોની બેઠક પછી કર્યો હતો.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























