એ ચાર કારણો જેના લીધે લૉર્ડ્ઝમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમનો ઐતિહાસિક વિજય થયો

ભારતની ટીમની જીત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતની મહિલા ક્રિકેટ ટીમની જીત
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

લૉર્ડ્ઝમાં રમાઈ રહેલી સૌપ્રથમ મહિલા ક્રિકેટ ટેસ્ટ મૅચમાં ભારતે ઐતિહાસિક વિજય મેળવ્યો છે.

ભારતે ઇંગ્લૅન્ડને ચોથા દિવસે જ 270 રનથી હરાવી દીધું છે.

આ વિજય ભારત માટે એટલા માટે પણ ખાસ છે, કારણ કે આ મેદાન પર પ્રથમ વાર મહિલાઓની ટેસ્ટ મૅચ રમાઈ રહી હતી.

આ મૅચમાં ભારતે અનેક રેકૉર્ડ્સ પણ પોતાને નામ કર્યા છે.

ભારતનાં ક્રાંતિ ગૌડે પાંચ વિકેટ ઝડપીને લૉર્ડ્ઝના ઑનર્સ બૉર્ડ પર પોતાનું નામ અંકિત કરાવ્યું હતું. આવી સિદ્ધિ મેળવનાર તેઓ વિશ્વનાં પહેલા મહિલા ખેલાડી બન્યાં હતાં.

એ સિવાય ભારતનાં યાસ્તિકા ભાટિયાએ સદી નોંધાવી હતી. તેઓ પણ પહેલા બેટર બન્યાં છે જેમનું નામ લૉર્ડ્ઝના ઑનર્સ બૉર્ડ પર નોંધાયું હોય.

સ્મૃતિ મંધાનાએ મજબૂત શરૂઆત કરી

લૉર્ડ્ઝની ઐતિહાસિક બાલ્કનીમાં ભારતની ટીમ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લૉર્ડ્ઝની ઐતિહાસિક બાલ્કનીમાં ભારતની ટીમ

ઇંગ્લૅન્ડની ટીમે ટોસ જીતીને લૉર્ડ્ઝના મેદાન પર બૉલિંગ પસંદ કરી હતી.

પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી ભારતની ટીમની પહેલી વિકેટ તરત જ પડી ગઈ હતી. શફાલી વર્મા ખાતું ખોલ્યાં વગર જ આઉટ થઈ ગયાં હતાં. ત્યારબાગ યાસ્તિકા ભાટિયા પણ માત્ર 12 રને આઉટ થઈ ગયા હતા.

પરંતુ સ્મૃતિ મંધાનાએ એક છેડો સાચવી રાખ્યો હતો અને 108 બૉલમાં 83 રનની ઇનિંગ રમી હતી. તેમને જેમિમા રૉડ્રિગ્સ અને હરમનપ્રીતકોરનો પણ સાથ મળ્યો હતો.

હરમનપ્રીતકોરે 58 રન તથા દીપ્તિ શર્માએ પણ 57 રન બનાવ્યા હતા.

પરંતુ સ્મૃતિ મંધાના ભારતનાં ટૉપ-સ્કોરર રહ્યાં હતાં.

આમ, ભારતની ટીમ પહેલી ઇનિંગમાં 285 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી.

ઇંગ્લૅન્ડ તરફથી સોફી ઍક્લેસ્ટોને ત્રણ વિકેટ ઝડપી હતી.

ક્રાંતિ ગૌડનો તરખાટ

ભારતની ક્રિકેટ ટીમની જીત

ઇમેજ સ્રોત, Getty Images

ઇંગ્લૅન્ડની ટીમની શરૂઆત પણ સારી રહી નહોતી અને એક પછી એક તેમની વિકેટ પડતી રહી હતી. કોઈ વધુ લાંબી ભાગીદારી નોંધાવી શક્યું નહોતું.

ભારતનાં મીડિયમ ફાસ્ટ બૉલર ક્રાંતિ ગૌડે તરખાટ મચાવી દીધો હતો.

ઇંગ્લૅન્ડનાં બંને ઑપનરો મૈયા બાઉચિઅર અને ટૅમી બૅમોન્ટને તેમણે આઉટ કરી દીધાં હતાં.

ક્રાંતિ ગૌડે 17 ઑવર ફેંકી હતી અને 37 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.

લૉર્ડ્ઝના મેદાનમાં પર તેમણે આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી.

સ્નેહ રાણા અને સયાલી સતઘરેએ પણ બે-બે વિકેટ ઝડપી હતી.

ઇંગ્લૅન્ડની ટીમ પહેલી ઇનિંગમાં માત્ર 170 રનમાં જ ઑલઆઉટ થઈ ગઈ હતી.

બીજી ઇનિંગમાં યાસ્તિકા ભાટિયાની ધમાલ

યાસ્તિકા ભાટિયા

ઇમેજ સ્રોત, GettyImages

ઇમેજ કૅપ્શન, યાસ્તિકા ભાટિયા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીજી ઇનિંગમાં ભારતને સ્મૃતિ મંધાના અને શફાલી વર્માએ શાનદાર શરૂઆત અપાવી હતી.

બંનેએ પહેલી વિકેટ માટે 88 રનની ભાગીદારી કરી હતી.

એ પછી જ્યારે યાસ્તિકાએ રમવાની શરૂઆત કરી તો તેઓ 39 રને નૉટઆઉટ હતાં. જ્યારે ઇંગ્લિશ બૉલર લૉરેન બેલનો બૉલ તેમના બેટના અંદરના ભાગે અડીને સ્ટમ્પ સાથે અથડાયો, પણ બેલ્સ ન પડ્યાં. આથી તેઓ આઉટ ન થયાં.

આ જીવતદાનનો યાસ્તિકાએ ભરપૂર ફાયદો ઉઠાવ્યો. તેમણે 86 બૉલમાં તેમની અર્ધ સદી પૂરી કરી અને છ ચોગ્ગા માર્યા.

લંચ સુધી તેઓ 91 રને અણનમ હતાં. એ સમયે ભારતનો સ્કોર બીજી ઇનિંગમાં 4 વિકેટે 250 હતો. તેની કુલ સરસાઈ 365 રનની થઈ ગઈ હતી.

25 વર્ષીય યાસ્તિકાએ લંચ બાદ પહેલી ઓવરમાં પોતાની સદી પૂરી કરી નાખી.

તેમણે 145 બૉલ રમીને આ માઇલસ્ટોન હાંસલ કર્યો. આ દરમિયાન તેમણે 12 ચોગ્ગા માર્યા.

વડોદરાનાં યાસ્તિકા એ ભારતીય ખેલાડીઓની સૂચિમાં સામેલ થઈ ગયાં, જેમણે લૉર્ડ્સ ટેસ્ટમાં સદી ફટકારી હોય. આ સૂચિમાં વીનુ માંકડ, દિલીપ વેંગસરકર, મોહમ્મદ અઝહરુદ્દીન, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ અને કે.એલ. રાહુલ જેવા દિગ્ગજો સામેલ છે.

તેઓ 113 રન બનાવીને આઉટ થયાં હતાં.

ભારતે સાત વિકેટે 341 રન બનાવીને દાવ ડિક્લૅર કરી દીધો હતો અને ઇંગ્લૅન્ડને કુલ 457 રનનો વિશાળ પડકાર મળ્યો હતો.

ભારતનાં બૉલરો સામે કોઈ ટકી ન શક્યું

ઇંગ્લૅન્ડનાં બૅટર્સ ભારતીય બૉલરો સામે ટકી શક્યાં નહોતાં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇંગ્લૅન્ડનાં બૅટર્સ ભારતીય બૉલરો સામે ટકી શક્યાં નહોતાં

ચોથી ઇનિંગમાં લૉર્ડ્ઝના મેદાન પર 457 રનનો વિશાળ પડકાર હાંસલ કરવો એ ઇંગ્લૅન્ડ માટે કઠિન કામ હતું.

ક્રાંતિ ગૌડે બીજી જ ઑવરમાં ઇંગ્લૅન્ડનાં ઑપનર ટૅમી બૅમોન્ટને બૉલ્ડ કરીને ઇંગ્લૅન્ડને મોટો ઝટકો આપ્યો હતો.

તો ત્રીજી જ ઑવરમાં બાઉચિઅરને સયાલી સાતઘરેએ આઉટ કરી દીધાં હતાં.

એક પછી એક ઇંગ્લૅન્ડના બેટર્સની વિકેટો પડતી જ રહેતી હતી.

ભારતના તમામ બૉલર્સે સારું પ્રદર્શન કર્યું હતું. સ્નેહ રાણાએ ચાર વિકેટ તથા સયાલી સાતઘરે, ક્રાંતિ ગૌડ અને દીપ્તિ શર્માએ બે-બે વિકેટ ઝડપી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન