હૅરી બ્રૂકે ફટકારી વન-ડે ઇતિહાસની સૌથી ઝડપી બેવડી સદી, શુભમન ગિલનો રેકૉર્ડ તોડ્યો – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Sameer Ali/Getty Images
પાકિસ્તાનમાં ચાલી રહેલી ત્રણ દેશોની વન-ડે સ્પર્ધામાં શ્રીલંકા સામે રાવલપિંડીમાં રમાઈ રહેલી મૅચ દરમિયાન બ્રૂકે આ સિદ્ધિ હાંસલ કરી.
બ્રૂકે 114 બૉલમાં પોતાની બેવડી સદી પૂર્ણ કરી હતી. તેઓ 116 બૉલમાં 202 રન બનાવીને આઉટ થયા હતા. તેમની ઇનિંગ્સમાં 10 છગ્ગા અને 21 ચોગ્ગાનો સમાવેશ થતો હતો.
બ્રૂક પહેલાં આ રેકૉર્ડ ભારતના કૅપ્ટન શુભમન ગિલના નામે હતો. ગિલે આ જ વર્ષે 30 સપ્ટેમ્બરે વેસ્ટ ઇન્ડિઝ સામે 117 બૉલમાં બેવડી સદી ફટકારી હતી.
બ્રૂકની શાનદાર ઇનિંગ્સના આધારે ઇંગ્લૅન્ડે 50 ઓવરમાં ચાર વિકેટના નુકસાન પર 429 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો.
બ્રૂક ઉપરાંત વિલ જૅક્સે માત્ર 30 બૉલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 66 રન બનાવ્યા હતા.
ભારતે ન્યૂઝીલૅન્ડને પ્રથમ ટી20 મૅચમાં ચાર વિકેટે હરાવ્યું

ઇમેજ સ્રોત, Getty Images
ભારતે ક્રાઇસ્ટચર્ચમાં રમાયેલી પ્રથમ ટી20 મૅચમાં ન્યૂઝીલૅન્ડને ચાર વિકેટે હરાવ્યું હતું.
હેગ્લી ઓવલ મેદાન પર રમાયેલી આ મૅચમાં ન્યૂઝીલૅન્ડે પ્રથમ બૅટિંગ કરતાં ભારતને જીતવા માટે 226 રનનું લક્ષ્ય આપ્યું હતું.
ભારતીય બૅટ્સમૅનોને છેલ્લી ઓવરમાં આઠ રનની જરૂર હતી, જે નીતીશકુમાર રેડ્ડી અને નમન ધીરની જોડીએ પૂરા કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત માટે સંજુ સેમસને સૌથી વધુ રન બનાવ્યા હતા. તેમણે 33 બૉલમાં આઠ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 67 રન બનાવ્યા હતા.
જ્યારે અભિષેક શર્માએ 12 બૉલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 29 રનનું યોગદાન આપ્યું હતું.
આ પહેલાં ન્યૂઝીલૅન્ડના ગ્લેન ફિલિપ્સની તોફાની અડધી સદીના આધારે ન્યૂઝીલૅન્ડે ભારતને 226 રનનું લક્ષ્ય આપ્યું હતું.
ઍલન અને સાઇફર્ટે પ્રથમ વિકેટ માટે 49 રનની ભાગીદારી કરી હતી. ઍલને 24 બૉલમાં 45 રનની ઇનિંગ્સ રમી હતી, જ્યારે સાઇફર્ટે 24 રનનું યોગદાન આપ્યું હતું. ઉપરાંત, ડેરિલ મિચેલે 19 બોલમાં 28 રન બનાવ્યા હતા.
ભારત તરફથી અર્શદીપસિંહ, મયંક યાદવ અને અક્ષર પટેલે એક-એક વિકેટ લીધી હતી.
દાઉદની 'ડી-કંપની'ને ભારત સાથે જોડતા સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ પર ભારતે ઉઠાવ્યો વાંધો

ઇમેજ સ્રોત, X/Permanent Mission of India to the United Nations, New York
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતે સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમની ડી-કંપનીને 'ભારત આધારિત' ગુનાઇત સંગઠન તરીકે દર્શાવવામાં આવતાં સખત વાંધો વ્યક્ત કર્યો છે.
ભારતે રિપોર્ટમાં ગંભીર તથ્યાત્મક ભૂલો અને પક્ષપાતનો આરોપ મૂકતાં કહ્યું કે, આવી બેદરકારીથી સંયુક્ત રાષ્ટ્રની વિશ્વસનીયતાને ભારે નુકસાન પહોંચે છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનના ફર્સ્ટ સેક્રેટરી રઘુ પુરીએ કહ્યું, "મારું પ્રતિનિધિમંડળ અન્ય મંચો પર પણ આ મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી ચૂક્યું છે કે રિપોર્ટમાં ભૂલો છે અને તેના માટે કોઈને જવાબદાર પણ ઠેરવવામાં આવી રહ્યા નથી."
રઘુ પુરીએ કહ્યું, "રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2003માં સુરક્ષા પરિષદે અલ-કાયદા સાથેના સંબંધોને કારણે એક ગુનાઇત જૂથ ડી-કંપનીના નેતાને પોતાની યાદીમાં સામેલ કર્યો હતો. આ સંગઠન અને તેની યાદીમાં સમાવાયેલા નેતા દાઉદ ઇબ્રાહિમની ભારતમાં 1993થી આતંકવાદી હુમલાઓના સંબંધમાં શોધ ચાલી રહી છે."
પુરીએ વધુમાં કહ્યું કે, દાઉદ ઇબ્રાહિમ ભારતમાં વૉન્ટેડ ગુનેગાર છે અને સંયુક્ત રાષ્ટ્રની યાદી મુજબ, તે એ જ દેશમાં રહે છે જ્યાં ઓસામા બિન લાદેનને શોધીને મારવામાં આવ્યો હતો.
હકીકતમાં, તેમનો સંદર્ભ પાકિસ્તાન તરફ હતો.
નોંધનીય છે કે અમેરિકી નૌકાદળના સીલ કમાન્ડોએ 2011માં પાકિસ્તાનના એબટાબાદમાં એક અભિયાન દરમિયાન ઓસામા બિન લાદેનને ઠાર કર્યો હતો.
યુસુફ પઠાણને ગિફ્ટમાં પ્લૉટ આપવા અંગે જિતુ વાઘાણીએ શું સ્પષ્ટતા કરી?

ઇમેજ સ્રોત, gujarat information department/ani
ભૂતપૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણને વડોદરામાં ભેટમાં પ્લૉટ આપવા મામલે વિવાદ થયા પછી ગુજરાતના કૃષિમંત્રી જિતુ વાઘાણીએ સ્પષ્ટતા કરી છે.
બુધવારે ગાંધીનગરમાં કૅબિનેટની બેઠક પછી પત્રકારોને સંબોધતા જિતુ વાઘાણીએ જણાવ્યું કે, "વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે રેવન્યુના પ્લૉટ આપવામાં આવતા હોય છે. તે ધારાધોરણો અને નીતિનિયમ મુજબ તે પ્લૉટ જે તે વિભાગે આપ્યો છે."
તેમને સવાલ કરવામાં આવ્યો કે કૉંગ્રેસનો આરોપ છે કે યુસુફ પઠાણે કેન્દ્રમાં જોડાણ કર્યું ત્યાર પછી રાજ્ય સરકારે નિર્ણય બદલ્યો છે.
આ વિશે વાઘાણીએ કહ્યું કે, "તેમને (કૉંગ્રેસને) આક્ષેપ કરવાનો અધિકાર છે. તેથી મારે કંઈ કહેવું નથી. પણ આ કદાચ કૉંગ્રેસ પહેલાં બોલી હોત તો વધારે સારું હતું."
તેમણે કહ્યું કે, "આજે માત્ર યુસુફ પઠાણને નહીં, પણ કોઈ પણ નાગરિકને નિયમિત કરવાનું હોય તો તે થાય છે. રાજકોટમાં મુખ્ય મંત્રીએ ઘણા ખેડૂતોને જમીન પાછી આપી હતી. જે જમીનો બૂકમાં હતી એવા હજારો ખેડૂતોને જમીન પાછી આપવામાં આવે છે."
ઉલ્લેખનીય છે કે વડોદરામાં યુસુફ પઠાણ પોતાના બંગલા નજીક એક સરકારી પ્લૉટ મેળવવા ઇચ્છતા હતા, પરંતુ સરકાર તેના માટે અત્યાર સુધી રાજી નહોતી. હવે તેમને અડધો પ્લૉટ 'ગિફ્ટ' કરવા અને અડધો પ્લૉટ ડિસ્કાઉન્ટ ભાવે આપવા સરકાર તૈયાર થઈ ગઈ છે.
રાજ્ય સરકારે વડોદરાના તાંદલજા વિસ્તારના 978 ચોરસ મીટરના, રૂ. 20.53 કરોડની કિંમતના પ્લૉટની ફાળવણી કરવા લીલી ઝંડી આપી છે.
ફ્રાન્સમાં હિંસા વચ્ચે ભારતીય દૂતાવાસે લોકો શું કહીને સાવધ કર્યા?

ઇમેજ સ્રોત, Guy Smallman/Getty Images
ફ્રાન્સમાં વિરોધપ્રદર્શનો અને કર્ફ્યૂ વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ છે, જેને ધ્યાનમાં રાખીને પેરિસસ્થિત ભારતીય દૂતાવાસે પોતાના નાગરિકો માટે એક ઍડવાઇઝરી જારી કરી છે.
દૂતાવાસે ફ્રાન્સમાં રહેતા અને ત્યાં પ્રવાસ કરી રહેલા લોકોને સતર્ક રહેવા અને પ્રદર્શનસ્થળોથી દૂર રહેવા અપીલ કરી છે.
ઍડવાઇઝરીમાં જણાવાયું છે કે ફ્રાન્સમાં હાલના ઘટનાક્રમ અને ત્યાં કેટલાક વિસ્તારોમાં કર્ફ્યૂને ધ્યાનમાં રાખીને સતર્ક રહો અને સંપૂર્ણ સાવધાની રાખો. જ્યાં ભીડ હોય અને વિરોધપ્રદર્શન ચાલતાં હોય એવી જગ્યાએ ન જાઓ. સાથે સાથે ફ્રાન્સના પ્રશાસન દ્વારા જારી નિર્દેશો અને સલાહનું પાલન કરો.
દૂતાવાસે કહ્યું કે ફ્રાન્સમાં કોઈ ઇમરજન્સીની સ્થિતિનો સામનો કરતા ભારતીય નાગરિકો સંબંધિત ભારતીય મિશનનો સંપર્ક કરી શકે છે.
ભારતીય દૂતાવાસ, પેરિસ, ફોન નંબર : +33648340063, ઇમેઇલ: cons.paris@mea.gov.in
કૉન્સ્યુલેટ જનરલ ઑફ ઇન્ડિયા, માર્સિલે, ફોન નંબર : +33743162559, ઇમેઈલ: cgo.marseille@mea.gov.in

ઇમેજ સ્રોત, X/@IndiaembFrance
રણબીર કપૂરે પોતાના વાઇરલ નિવેદન પર માફી માગી

ઇમેજ સ્રોત, Daniele Venturelli/Getty Images for The Red Sea International Film Festival
બોલીવૂડ અભિનેતા રણબીર કપૂરે કોલકાતામાં દશેરાના કાર્યક્રમ દરમિયાન પોતાના નિવેદન અંગે માફી માગી છે.
રણબીર કપૂરે બુધવારે સાંજે ચેન્નાઈમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ મામલે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે દશેરાના કાર્યક્રમ દરમિયાન બોલતી વખતે તેમનાથી ચૂક થઈ ગઈ હતી.
સોશિયલ મીડિયા પર રણબીર કપૂરનો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં તેઓ કહે છે કે, "આખરે સચ્ચાઈ-અચ્છાઈનો જ અંત થશે".
આ નિવેદન પછી ભારે ચર્ચા શરૂ થઈ હતી. આના પર પ્રતિક્રિયા આપતા રણબીરે પોતાની વાત સ્પષ્ટ કરી અને ભૂલ બદલ માફી માગી છે.
તેમણે કહ્યું કે "મારો કહેવાનો અર્થ એવો હતો કે બુરાઈ ભલે ગમે તેટલી શક્તિશાળી હોય, છેલ્લે સચ્ચાઈ અને અચ્છાઈની જ જીત થશે."
રણબીરે કહ્યું કે "આનાથી મને રૉકસ્ટાર ફિલ્મમાં રહેમાનસર (એ.આર. રહેમાન) સાથે કરેલું કામ યાદ આવે છે. હું એટલું જ કહીશ કે 'જો ભી મેં કહના ચાહું, બરબાદ કરે અલ્ફાઝ મેરે', તેથી હું આ માટે ખરેખર માફી માગું છું."
અહીં નોંધવું જરૂરી છે કે આગામી મહિને રણબીરની નીતેશ તિવારી દ્વારા નિર્દેશિત ફિલ્મ રામાયણ આવવાની છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























