ડોનાલ્ડ ટ્રમ્પે એક ફોન કૉલ પર નેતન્યાહૂને 'અપશબ્દ' કહ્યા હોવાના સમાચારની કરી પુષ્ટિ – ન્યૂઝ અપડેટ

ડોનાલ્ડ ટ્રમ્પે એક ફોન કૉલ પર નેતન્યાહૂને 'અપશબ્દ' કહ્યા હોવાના સમાચારની કરી પુષ્ટિ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Chip Somodevilla / POOL / AFP via Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઍક્સિયોસની એ રિપોર્ટની પુષ્ટિ કરી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમણે એક ફોન કૉલ દરમિયાન ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને ગુસ્સામાં 'અપશબ્દો' કહ્યા હતા.

ટ્રમ્પે બુધવારે એક પૉડકાસ્ટમાં તેની પુષ્ટિ કરી હતી.

'પૉડ ફોર્સ વન વિધ મિરાંડા ડિવાઇન'નાં હોસ્ટે જ્યારે ટ્રમ્પને સવાલ કર્યો, "ઍક્સિયોસે રિપોર્ટ કર્યો છે કે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે તમારી ફોન પર વાતચીત થઈ, જેમાં તમે ગુસ્સામાં હતા. તમે કહ્યું, 'શું તમે પાગલ છો, તમે શું કરી રહ્યા છો, મેં તમને જેલમાં જતા બચાવ્યા.' શું આ સત્ય છે કે તમે તેની સાથે આ પ્રકારે વાત કરી?"

તેના પર રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, "હાં, મેં આ પ્રકારે વાત કરી હતી. હું એ નહીં કહું કે હું ગુસ્સામાં હતો, પરંતુ લેબનોન સાથે તેમની સતત લડાઈને લઈને હું થોડો ચિંતિત હતો."

ટ્રમ્પે કહ્યું, "મેં કહ્યું કે બીબી (નેતન્યાહૂ) એક સમયે આપણે તેને રોકવું પડશે. પરંતુ અમારા સંબંધો ઘણા સારા છે. અમે સાથે મળીને ઘણું સારું કામ કર્યું છે."

ઍક્સિયોસે સોમવારે એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટ્રમ્પે એક ફોન કૉલ દરમિયાન નેતન્યાહૂને 'અપશબ્દો' કહ્યા હતા.

તૃણમૂલ કૉંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા ઋતબ્રત બેનરજી બન્યા પશ્ચિમ બંગાળના વિપક્ષ નેતા

તૃણમૂલ કૉંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા ઋતબ્રત બેનરજી બન્યા પશ્ચિમ બંગાળના વિપક્ષ નેતા – ન્યૂઝ અપડેટ બીબીસી ગુજરાતી ગુજરાત

ઇમેજ સ્રોત, ANI

બે દિવસ પહેલાં તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)માંથી બહાર કાઢવામાં આવેલા ધારાસભ્ય ઋતબ્રત બેનરજી પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષ નેતા બનાવવામાં આવ્યા છે.

વિધાનસભા અધ્યક્ષ રથીંદ્ર બસુએ બળવાખોર ધારાસભ્યો તરફથી સોંપવામાં આવેલાં સમર્થનપત્રોને સ્વીકાર કરતા વિપક્ષ નેતા માટે ફાળવવામાં આવતી કચેરીની ચાવી ઋતબ્રતને સોંપી દીધી.

ઋતબ્રતે પત્રકારોને કહ્યું, "તૃણમૂલ કૉંગ્રેસની ટિકિટ પર જીતનારા બેતૃત્યાંશ ધારાસભ્યો એક છે. અમને 60 ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત છે. બે ધારાસભ્યો હાલ રાજ્યની બહાર છે. અમે ગૃહમાં ભાજપનો જોરદાર સામનો કરીશું."

ઋતબ્રતને તૃણમૂલ કૉંગ્રેસ પ્રમુખ મમતા બેનરજીને સંસદીય દળના સલાહકાર બનવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે અભિષેક બેનરજી સાથે તેમને કોઈ સંબંધ નથી.

આ પહેલાં બપોરે 58 બળવાખોર ધારાસભ્યોએ વિધાનસભામાં બેઠક કરી હતી અને વિધાનસભાના અધ્યક્ષને એક પત્ર સોંપ્યો. પત્રમાં ઋતબ્રતને વિધાયક દળના નેતા પસંદ કરવાની જાણકારી આપવામાં આવી હતી.

કૉક્રોચ જનતા પાર્ટીએ છ જૂને પ્રસ્તાવિત વિરોધપ્રદર્શનની જાણકારી માટે બોલાવી પ્રેસ કૉન્ફરન્સ

કૉક્રોચ જનતા પાર્ટીએ છ જૂને પ્રસ્તાવિત વિરોધપ્રદર્શનની જાણકારી માટે બોલાવી પ્રેસ કૉન્ફરન્સ – ન્યૂઝ અપડેટ બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, @abhijeet_dipke

કૉક્રોચ જનતા પાર્ટી એટલે કે સીજેપીએ પોતાની પહેલી પ્રેસ કૉન્ફરન્સની ઘોષણા કરી છે. આ પ્રેસ કૉન્ફરન્સ આજે એટલે કે બુધવારે સાંજે 5-15 કલાકે થશે.

સીજેપીનું કહેવું છે કે આ પ્રેસ કૉન્ફરન્સ છ જૂને પ્રસ્તાવિત વિરોધપ્રદર્શનને લઈને થવા જઈ રહી છે. આ સંબંધમાં સીજેપીએ સોશિયલ મીડિયા પર નિવેદન જારી કરીને મીડિયાને આમંત્રિત કર્યું છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે, "મીડિયા પ્રતિનિધિઓને આજે સાંજે 5-15 કલાકે નવી દિલ્હીમાં આવેલા કૉન્સ્ટિટ્યૂશન ક્લબ ઑફ ઇન્ડિયામાં આયોજિત પ્રેસ કૉન્ફન્સમાં આમંત્રિત કરવામાં આવે છે."

આ પ્રેસ કૉન્ફરન્સને પાર્ટીના પ્રવક્તા સૌરવ દાસ વિજેતા દહિયા અને આશુતોષ રાંકા સંબોધિત કરશે. આ દરમિયાન તેઓ છ જૂને પ્રસ્તાવિત વિરોધપ્રદર્શન સાથે જોડાયેલી જાણકારી આપશે.

આ પહેલા સીજેપીએ બુધવારે જ પોતાના પ્રવક્તાઓનાં નામની જાહેરાત કરી હતી.

સીજેપીએ ઇન્વેસ્ટિગેશન જર્નલિસ્ટ સૌરવ દાસને મુખ્ય પ્રવક્તા બનાવ્યા છે. જ્યારે કે લેખક અને ફિલ્મ નિર્માતા વિજેતા દહિયા અને આઈઆઈટી કાનપુરના પૂર્વ વિદ્યાર્થી આશુતોષ રાંકાને પ્રવક્તાની જવાબદારી આપી છે.

દિલ્હીના માલવીયનગરમાં રેસ્ટોરાંમાં આગ, અત્યાર સુધી 21નાં મોત

દિલ્હી માલવીયનગર

ઇમેજ સ્રોત, PTI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર દિલ્હીના માલવીયનગર વિસ્તારમાં લેમન ગ્રીન નામના રેસ્ટોરાંમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે.

આ ઘટનામાં 21 લોકોનાં મોત થયાં હોવાના અહેવાલ છે.

ઘટના પર વડા પ્રધાન કાર્યાલયે, દિલ્હીનાં મુખ્ય મંત્રી રેખા ગુપ્તાએ દુ:ખ વ્યક્ત કર્યું છે. વડા પ્રધાન કાર્યાલયે ઍક્સ પર પોસ્ટ કરીને આ ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો માટે બે લાખ અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

પીએમઓએ લખ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દિલ્હીના માલવીયનગરમાં આગ લાગવાથી થયેલાં મોત દુખદ છે. જે લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે, તેમના પ્રત્યે સંવેદનાઓ."

"ઘાયલોના જલદી સાજા થવાની કામના કરું છું. અધિકારી પ્રભાવિત લોકોને શક્ય મદદ કરી રહ્યા છે."

એસડીએમ જિતેન્દ્રકુમારે કહ્યું કે, "બિલ્ડિંગની નીચે કોઈ રેસ્ટોરાં ચાલી રહ્યું હતું અને આગનું કારણ હજુ જાણી શકાયું નથી. રેસ્ટોરાંને કારણે બિલ્ડિંગમાં આગ લાગી હોય એવી શક્યતા વધારે છે."

જિતેન્દ્રકુમારે કહ્યું કે આવી ઘટના ફરી ન થાય તે માટે આવી ઇમારતો સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે.

નૉર્વે ચેસ 2026: ભારતના પ્રજ્ઞાનાનંદે દુનિયાના નંબર વન ખેલાડી મૅગ્નસ કાર્લસનને બીજી વખત હરાવ્યા

ભારતીય ગ્રૅન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનાનંદ, ચેસ ખેલાડી મૅગ્નસ કાર્લસન, રાઉન્ડ-રૉબિન ટુર્નામેન્ટ, chess, બીબીસી ગુજરાતી, chess grandmaster Rameshbabu Praggnanandhaa

ઇમેજ સ્રોત, DIBYANGSHU SARKAR/AFP via Getty Images

ભારતીય ગ્રૅન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનાનંદે મંગળવારે દુનિયાના નંબર વન ચેસ ખેલાડી મૅગ્નસ કાર્લસનને તેમના જ ઘરમાં બીજી વખત હરાવ્યા છે.

નૉર્વે ચેસ 2026 માં ક્લાસિકલ ગેમમાં કાર્લસનને હરાવ્યા બાદ પ્રજ્ઞાનાનંદે આ મોટી ટુર્નામેન્ટમાં પોતાની દાવેદારી મજબૂત કરી લીધી છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, રાઉન્ડ-રૉબિન ટુર્નામેન્ટમાં પ્રજ્ઞાનાનંદ એકલા એવા ખેલાડી છે જેમણે આ વર્ષે ક્લાસિકલ ગેમમાં કાર્લસનને બે વખત હરાવ્યા છે.

વિશ્વ ચૅમ્પિયન ડી ગુકેશના ખિતાબ જીતવાની આશા પહેલાં જ ખતમ થઈ ગઈ છે. આઠમા રાઉન્ડમાં તેઓ ફ્રાન્સના અલીરેઝા ફિરોઝઝા સામે હારી ગયા હતા.

ત્યાર બાદ તેઓ આઠ અંકો સાથે ટેબલ પૉઇન્ટમાં સૌથી નીચે પહોંચી ગયા હતા. 2024માં વિશ્વ ખિતાબ જીત્યા બાદ તેમનું પ્રદર્શન હતાશાજનક જ રહ્યું છે.

કર્ણાટક: ડીકે શિવકુમાર આજે સાંજે 4 વાગ્યે મુખ્ય મંત્રી તરીકે શપથ લેશે

કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર

ઇમેજ સ્રોત, Raj K Raj/Hindustan Times via Getty Images

ઇમેજ કૅપ્શન, ડીકે શિવકુમાર સાથે કેટલાક મંત્રીઓ પણ શપથ લેશે (ફાઇલ ફોટો)

કર્ણાટક કૉંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર બુધવારે સાંજે મુખ્ય મંત્રી તરીકે શપથ લેશે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, રાજ્યપાલ થાવરચંદ ગેહલોત સાંજે 4 વાગ્યે લોકભવનના ગ્લાસ હાઉસમાં પદ અને ગોપનીયતા અંગેના શપથ લેવડાવશે. તેમની સાથે કેટલાક મંત્રીઓ પણ પદના શપથ લેશે. આ સમારોહ લોકભવનમાં યોજાઈ રહ્યો છે.

સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે ડીકે શિવકુમાર સાથે 12થી 14 મંત્રીઓ શપથ લઈ શકે છે.

મંગળવારે, કૉંગ્રેસના ટોચના નેતાઓએ પૂર્વ મુખ્ય મંત્રી સિદ્ધારમૈયા અને શિવકુમાર સાથે બેઠક કરી હતી. જેમાં રાજ્યના નવા મંત્રીમંડળને અંતિમ સ્વરૂપ આપવા અંગે ચર્ચા થઈ હતી.

આ દરમિયાન, કૉંગ્રેસે પૂર્વ મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાને કૉંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય બનાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે 64 વર્ષીય શિવકુમારને 30મેના રોજ કર્ણાટક કૉંગ્રેસ વિધાનસભાના સત્તા પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

ઈરાને એક અમેરિકાના ઍરબેઝને નિશાન બનાવ્યું, તો જવાબમાં અમેરિકાએ કેશમ ટાપુ પર કર્યો હુમલો

અમેરિકા, ઈરાન, હુમલો

ઇમેજ સ્રોત, Morteza Nikoubazl/NurPhoto via Getty Images

ઇમેજ કૅપ્શન, આઈઆરજીસીનો દાવો છે કે તેણે અમેરિકાના ફિફ્થ ફ્લીટ પર હુમલો કર્યો હતો (ફાઇલ ફોટો)

ઈરાની રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સ (આઈઆરજીસી)એ બુધવારે જણાવ્યું હતું કે તેણે ગઈકાલે મોડી રાત્રે અમેરિકાની ફિફ્થ ફ્લીટ અને એક અમેરિકન ઍરબેઝને નિશાન બનાવ્યું હતું.

આઈઆરજીસીનું કહેવું છે કે આ એક જવાબી હુમલો હતો, કારણ કે અમેરિકાએ તેના ટેલિકૉમ ઍન્ટેના અને ઈરાની તેલ ટૅન્કરને નિશાન બનાવ્યું હતું.

બીજી તરફ, અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકૉમ) એ કહ્યું કે તેમણે અનેક ઈરાની બૅલિસ્ટિક મિસાઇલો અને ડ્રોનને અટકાવી અને નષ્ટ કર્યા છે.

બીબીસી પર્શિયનના અહેવાલ મુજબ, સેન્ટકોમે જણાવ્યું હતું કે તેણે "સમગ્ર પ્રદેશમાં હુમલા શરૂ કરવાના ઈરાની પ્રયાસો"ના જવાબમાં કેશમ ટાપુ પર કેટલાંક લક્ષ્યો પર સ્વ-બચાવ હુમલાઓ કર્યા છે.

જો કે, આ પહેલાં અમેરિકાએ એવો દાવો કર્યો હતો કે તેણે ઈરાન તરફ જઈ રહેલા ખાલી તેલના ટૅન્કરને નિશાન બનાવ્યું હતું.

સેન્ટકૉમે જણાવ્યું હતું કે અમેરિકાના વિમાને બોત્સ્વાનાનો ધ્વજ ધરાવતા એમ/ટી જહાજના ઍન્જિન રૂમ પર હેલફાયર મિસાઇલ છોડી હતી.

આઈઆરજીસીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું "અમે અગાઉથી જ ચેતવણી આપી હતી કે આક્રમતાની સ્થિતિમાં, પ્રતિક્રિયા અલગ અને વધુ ગંભીર હશે અને અમે તે મુજબ કાર્યવાહી કરી"

ઉલ્લેખનીય છે કે અમેરિકન સેનાએ 13 એપ્રિલથી હોર્મુઝની સામુદ્રધુનીમાં ઈરાની બંદરો પર આવતાં જતાં તમામ જહાજો પર નાકાબંધી લાદી હતી.

એનટીએએ કહ્યું, ટેકનિકલ ખામીને કારણે સીયૂઈટી યુજીની પરીક્ષા પ્રભાવિત, હવે 6 અને 7 જૂને યોજાશે પરીક્ષા

સીયૂઈટી, પરીક્ષા

ઇમેજ સ્રોત, Sanchit Khanna/Hindustan Times via Getty Images

ઇમેજ કૅપ્શન, ટેકનિકલ સમસ્યાઓના કારણે 3765 ઉમેદવારોની પરીક્ષા છૂટી ગઈ (પ્રતીકાત્મક તસવીર)

નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ માહિતી આપી છે કે સીયૂઈટી (યુજી) 2026ની પરીક્ષા આગામી 6-7 જૂનના રોજ એવા ઉમેદવારો માટે લેવામાં આવશે જેમની પરીક્ષા ટેકનિકલ સમસ્યાઓને કારણે પ્રભાવિત થઈ હતી.

એનટીએએ તેના ઍક્સ હૅન્ડલ પર તારીખોની જાહેરાત કરીને માહિતી આપી હતી કે અપડેટ કરેલા ઍડમિટ કાર્ડ સત્તાવાર પૉર્ટલ પરથી ડાઉનલોડ કરી શકાશે.

ઉલ્લેખનીય છે કે 30મેના રોજ શિફ્ટ-1 પરીક્ષા દરમિયાન, દેશભરનાં ઘણાં કેન્દ્રોમાં ટેકનિકલ ખામીઓને કારણે પેપર સમયસર શરૂ થઈ શક્યું ન હતું.

આ કારણે 3765 ઉમેદવારોઓની પરીક્ષા છૂટી ગઈ હતી. હવે એનટીએ આ 3765 વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવાની તક આપી રહ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન