ગુજરાતના પાટનગર ગાંધીનગરના નવા મેયર રૂપસિંહ ઠાકોર કોણ છે, યુવા ચેહરાને તક આપવા પાછળનું ભાજપનું શું છે ગણિત?

ઇમેજ સ્રોત, Abeer Khan/Bloomberg via Getty Images / bhargav parikh
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં વિજય હાંસલ કર્યો હતો, ત્યારથી ગાંધીનગરના મેયરનું નામ ચર્ચામાં છે. આ વખતે ભાજપે ગાંધીનગરમાં મેયર માટે યુવા ચહેરા તરીકે રૂપસિંહ ઠાકોરની પસંદગી કરી છે. તેમની ઉંમર માત્ર 29 વર્ષ છે.
કન્સ્ટ્રક્શન મટિરિયલના ધંધા સાથે સંકળાયેલા રૂપસિંહ ઠાકોરની પસંદગી અંગે રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, તેની પાછળની વ્યૂહરચના ગાંધીનગર ઉત્તર અને દક્ષિણ વિધાનસભા બેઠકોને વધારે મજબૂત કરવાની છે.
જ્યારે કે, ભાજપનો દાવો છે કે, આની પાછળ મતોનું કોઈ રાજકારણ નથી, પણ ઓબીસી નેતાની નિયમ મુજબની ટર્મ હોવાથી તેમની પસંદગી કરવામાં આવી છે.
આ મામલે કૉંગ્રેસે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇન્કાર કરતાં કહ્યું કે, "તેલ જુઓ અને તેલની ધાર જુઓ, થોડા વખતમાં ભાજપની આ પસંદગીનું કારણ બધાની સમક્ષ આવી જશે."
પહેલી વખત ચૂંટાયા અને મેયર બની ગયા

ઇમેજ સ્રોત, rupsing_thakor/instagram
ગાંધીનગરના ઇન્દ્રોડામાં રહેતા રૂપસિંહ ઠાકોર બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના ધંધામાં સંકળાયેલા છે તેમજ તેમનો પરિવાર પણ ભાજપ સાથે જોડાયેલો છે.
'ગાંધીનગર વિકાસ મંડળ'ના અગ્રણી મહેશ વ્યાસે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "રૂપસિંહ ઠાકોરનો પરિવાર પહેલેથી ભાજપ સાથે જોડાયેલો હતો."
તેઓ કહે છે, "તેમણે ગાંધીનગરની જયપ્રકાશ વિદ્યાલયમાંથી ધોરણ દસ પાસ કર્યું છે."
"બે બાળકોના પિતા રૂપસિંહનાં પત્ની સોનલબહેન ગૃહિણી છે. ઠાકોર સમાજમાંથી આવતા રૂપસિંહનું ઠાકોર સમાજમાં પણ પ્રભુત્વ છે," મહેશ વ્યાસ ઉમેરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના કહેવા પ્રમાણે, ખાસ વાત એ છે કે, પહેલી વખત ચૂંટાયા પછી તરત જ તેઓ મેયર બન્યા છે.
શું કહે છે રાજકીય વિશ્લેષકો?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જાણીતા રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર પદ્મકાન્ત ત્રિવેદીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "ભાજપના 29 વર્ષીય નેતા રૂપસિંહને મેયર બનાવવા પાછળનું ગણિત એ છે કે, ગાંધીનગરની બે બેઠકો—દક્ષિણ ગાંધીનગર અને ઉત્તર ગાંધીનગરમાં ઠાકોરોનું વર્ચસ્વ વધારે છે."
તેઓ કહે છે, "આ સંજોગોમાં ઠાકોર નેતાને આગળ કરીને ભાજપે એક કાંકરે બે પક્ષી માર્યાં છે."
"તેનાથી ગાંધીનગરના ઠાકોર સમાજમાં એક સ્પષ્ટ સંદેશ જાય છે કે, તેમનું પણ પ્રતિનિધિત્વ છે."
"તેમજ ગાંધીનગર જિલ્લાની દક્ષિણ અને ઉત્તરની બે બેઠકોની સાથે માણસા, કલોલ અને દહેગામની બેઠક પર પણ તેની અસર પડે, તે પ્રકારે ભાજપે યુવા નેતાની પસંદગી કરી છે," પદ્મકાન્ત ત્રિવેદી ઉમેરે છે.
રાજકીય વિશ્લેષક પ્રફુલ ત્રિવેદીનું માનવું છે કે, "વર્ષો સુધી ઠાકોર સેનામાં કામ કરી ચૂકેલા રૂપસિંહ ઠાકોરની પસંદગી પાછળ ઠાકોર મતદાતાઓને રિઝવવાનો પ્રયાસ છે."
તેઓ જણાવે છે, "તેનું મુખ્ય કારણ એ છે કે, ભૂતકાળમાં 2008માં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં કાનાજી ઠાકોરની મેયર તરીકે પસંદગી કરવામાં આવી હતી, ત્યારે સૌને આશ્ચર્ય થયું હતું."
"પણ એની અસર સીધેસીધી ઠાકોર સમાજ પર થઈ હતી. તે સમયે ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા જેવા ઠાકોરોની બહુમતી ધરાવતા વિસ્તારમાં 2009ની લોકસભાની ચૂંટણી વખતે ભાજપનો વોટશૅર વધ્યો હતો," પ્રફુલ ત્રિવેદી જણાવે છે.
"આ વખતે રૂપસિંહને આગળ કરવા પાછળનું મુખ્ય કારણ પણ તે જ દેખાઈ રહ્યું છે."
"તેમજ, રૂપસિંહ અને ઠાકોર સમાજની બહુમતી ધરાવતા વૉર્ડની જવાબદારી ગુજરાત સરકારમાં મંત્રી સ્વરૂપજી ઠાકોરને સોંપાઈ હતી. આ દર્શાવે છે કે, ભાજપ યુવા મતદાતાઓને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યો છે."
તેમના કહેવા પ્રમાણે, "બીજી તરફ, અલ્પેશ ઠાકોર છેલ્લા કેટલાક સમયથી ઉત્તર ગુજરાતમાં સર્વપક્ષીય ઠાકોર સંમેલન કરી રહ્યા છે અને આ સંમેલનોમાં સ્વરૂપજી ઠાકોરની પણ હાજરી રહે છે. તેના પરથી એટલું ચોક્કસ કહી શકાય કે, રૂપસિંહને મેયર બનાવવાની ગણતરી ઠાકોર સમાજને આકર્ષવાની અને નવા ઉમેદવારોમાં એક સંદેશો આપવાનો પ્રયાસ છે."
પ્રફુલ ત્રિવેદી વધુમાં જણાવે છે, "આવતા વર્ષે આવી રહેલી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે પોતાનાં ચોકઠાં ગોઠવ્યા હોય એવું સ્પષ્ટ દેખાય છે."
શું કહે છે રાજકીય પક્ષો?
ભાજપના સહ-પ્રવક્તા અશ્વિન બૅન્કરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "ભાજપ દ્વારા રૂપસિંહ ઠાકોરની પસંદગી કરીને કોઈ રાજકીય ચોકઠાં ગોઠવવાનો પ્રયાસ નથી, પરંતુ ભાજપે યુવાનોને તક આપી છે."
તેમજ યુવા ઠાકોરને મેયર બનાવવાની વાત પર તેમણે કહ્યું કે, "ચૂંટણીના આયોજન મુજબ ગાંધીનગર મહાનગરપાલિકાની પહેલી ટર્મ માટે ઓબીસી અનામત હોય, એટલે ઓબીસી નેતા તરીકે રૂપસિંહ ઠાકોરની પસંદગી કરવામાં આવી છે અને યુવા નેતાને તક અપાઈ છે."
"અલબત્ત, એમના અનુભવ વિશે ટીકા કરવાનો સવાલ નથી ઊભો થતો, કેમ કે તેમની ટીમમાં સ્ટેન્ડિંગ કમિટીથી લઈને તમામ હોદ્દેદારો અનુભવી છે, તેથી યુવા મેયર પોતાની ટીમ સાથે કામ કરશે તો તેમને અચૂક સફળતા મળશે."
ગાંધીનગર કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા નિશિત વ્યાસે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "ભાજપે ભલે એમનાં ચોકઠાં ગોઠવવા માટે ગાંધીનગરના નગરજનો સાથે પ્રયોગના નામે દ્રોહ કર્યો હોય, પણ થોડો સમય જવા દો, પછી ભાજપનો આ પ્રયોગ કેટલો સફળ જાય છે તે આપોઆપ બહાર આવશે."
"અત્યારે અમે 'તેલ જુઓ અને તેલની ધાર જુઓ' જેવી નીતિ અપનાવીને બેઠા છીએ," નિશિત વ્યાસ ઉમેરે છે.
શું કહે છે રૂપસિંહ ઠાકોર?

ઇમેજ સ્રોત, rupsing_thakor/instagram
મીડિયા સાથેની વાતચીતમાં રૂપસિંહ ઓછું બોલતા હોવાનું પ્રતીત થયું.
રૂપસિંહ ઠાકોરે બીબીસી સાથેની વાતચીતમાં માત્ર એટલું જ કહ્યું કે, "મેં હજુ કાલે જ પદભાર સંભાળ્યો છે. અમારી ટીમના અનુભવી નેતાઓ સાથે મળીને તમામ જવાબદારી પૂર્ણ કરીશ."
તેમણે કહ્યું, "આગામી દિવસોમાં ગાંધીનગરના વિકાસ અને પ્રગતિ માટે અમારા વરિષ્ઠ સાથીઓની મદદ લઇને કામગીરી કરીશું."
ઠાકોર સેનામાંથી મેયર બનવા સુધીની રૂપસિંહની સફર

ઇમેજ સ્રોત, bhargav parikh
રૂપસિંહ ઠાકોરના અંગત મિત્ર તારક ઠાકોરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, નાનપણથી શાંત સ્વભાવના રૂપસિંહ ઠાકોરના પિતા ગુણુભાઈ પહેલેથી ભાજપ સાથે સંકળાયેલા છે.
"ઇન્દ્રોડા ગામમાં રહેતા ગુણુભાઈના બે દીકરા દલપત અને રૂપસિંહ પિતાના ધંધા સાથે સંકળાયેલા છે."
"તેઓ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના મટિરિયલ સપ્લાયના ધંધામાં સંકળાયેલા છે."
તારક ઠાકોર વધુમાં જણાવે છે, "દસ ધોરણ પાસ કરીને રૂપસિંહ પણ પોતાના મોટા ભાઈ સાથે ધંધામાં જોડાયા હતા. ગાંધીનગર અને આસપાસ બનેલી નવી રેસિડેન્શિયલ સ્કીમમાં કન્સ્ટ્રક્શનના સામાનના ધંધામાં તેમણે ઇન્દ્રોડા ઉપરાંત ગાંધીનગરના સેક્ટર 26માં પોતાનું મકાન પણ લીધું છે."
"રૂપસિંહના મોટા ભાઈ દલપતભાઈ ઠાકોર સમાજસેવી છે. તેઓ સમાજનાં સમૂહલગ્નો હોય કે વિદ્યાર્થીઓના ભણતરમાં મદદ કરવા જેવાં કામ કરતાં હોય છે. તેઓ ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં સેવાકીય કામ કરતા રહ્યા છે, પરંતુ દલપતભાઈ સક્રિય રાજકારણમાં જોડાયા નથી."
તેમના કહેવા પ્રમાણે, 2015માં જ્યારે ઠાકોર સેના બની ત્યારે રૂપસિંહ પણ ઠાકોર સેનામાં જોડાયા હતા. ધીમે ધીમે તેમને રાજકારણમાં રસ પડ્યો અને તેઓ ભાજપમાં સક્રિય થયા હતા.
રૂપસિંહ છેલ્લાં દસ વર્ષથી ભાજપમાં સક્રિય છે. આ સંજોગોમાં ગાંધીનગર યુવા મોરચામાં ભાજપ માટે કામ પણ કરતા હતા.
તારક ઠાકોર જણાવે છે, "તેમણે પહેલીવાર ચૂંટણી લડી છે. તેમની જીત પાછળ તેમના મોટા ભાઈ દલપતભાઈની સમાજસેવક તરીકેની છાપ અને રૂપસિંહના સંપર્કો પણ છે."
"ગાંધીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ઠાકોર સમાજના આઠ લોકો જીત્યા છે, તેથી સ્વાભાવિક રીતે અને નિયમ મુજબ ઓબીસી મેયરની પસંદગી થવાની હતી, એટલે રૂપસિંહને પસંદ કરાયા છે," એવું તારક ઠાકોરનું કહેવું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















