વર્ષો પહેલાં પિતા સમુદ્રમાં ગુમ થયા અને હવે વહાણ પર હુમલામાં જુવાન નાવિક દીકરાનું મોત, હોર્મુઝ સામુદ્રધુનીમાં ગુજરાતના જહાજ સાથે શું થયું?

ઇમેજ સ્રોત, Gandhar family
અમેરિકાએ ઈરાનના કેશમ ટાપુ પર સોમવારે હુમલો કર્યો તે જ દિવસે દુબઈ પાસેના હમરિયા બંદરેથી ખજૂર ભરીને પોરબંદર આવી રહેલા એક વહાણ પર હોર્મુઝની સમુદ્રધુનીમાં હુમલો થતા તેના પર આગ ફાટી નીકળી હતી અને તેના પર સવાર ગુજરાતના એક ખલાસીનું મોત થયું હતું.
આ હુમલામાં અન્ય 13 નાવિકોને ઓમાનના કોસ્ટગાર્ડે બચાવી લીધા છે.
અલ જુસુફી નામનું આ વહાણ ગુજરાતના દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરનું હતું અને તેના બધા ક્રૂ મેમ્બર્સ એટલે કે ચાલક દળના સભ્યો પણ સલાયાના જ હતા.
આ હુમલામાં માર્યા ગયેલા નાવિકની ઓળખ નઈમ અઝીઝ ગંઢર તરીકે થઈ છે.
ગંઢર પરિવારના માથે આવું દુ:ખ પહેલાં પણ આવ્યું હતું.
આ પહેલાં પણ ગંઢર પરિવારના એક સભ્ય વહાણમાં કામ કરતી વખતે દરિયામાં જ મોતને ભેટ્યા હતા. હવે 22 વર્ષના નઈમનું પણ દરિયામાં મોત થતાં તેમના પરિવારમાં કલ્પાંત છવાયો છે.
આ વર્ષે 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર કરેલા સંયુક્ત હવાઈ હુમલા બાદ ફાટી નીકળેલા યુદ્ધને કારણે હોર્મુઝની સામુદ્રધુનીમાં ભારતના વહાણ પર હુમલાની આ ચોથી ઘટના છે.
નઈમ આ પ્રકારના હુમલામાં મોતને ભેટનાર ગુજરાતના બીજા ખલાસી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વહાણ માલિકો કહી રહ્યા છે કે ભારત સરકારે સૂચવેલી સાવચેતીનાં બધાં પગલાં લેવા છતાં તેમનાં વાહનો પર હુમલા થઈ રહ્યા છે.
ભારત સરકારે અલ જુસુફી પર થયેલા હુમલાની ટીકા કરી છે અને કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર વ્યાપારિક જહાજો પરના હુમલા ચિંતાનો વિષય છે.
સલાયાનાં બે વહાણો સાથે નીકળ્યા પણ એક કઈ રીતે બચી ગયું?
અલ જુસુફી વહાણ સલાયાના જુસબ આમદ સુંભણિયાની માલિકીનું હતું. સુંભણિયા પરિવાર ઘણાં વર્ષોથી વહાણવટાના વ્યવસાયમાં છે અને જુસબના મોટા ભાઈ અકબરભાઈ સુંભણિયા પણ અલ ફાતેમ નામનું વહાણ ધરાવે છે.
બુધવારે બીબીસી સાથે વાત કરતા અકબરભાઈએ કહ્યું કે અલ જુસુફી વહાણ 31 ઑક્ટોબરના રોજ દુબઈના હમરિયા બંદરેથી પોરબંદર આવવા નીકળ્યું હતું.
અકબરભાઈએ બીબીસીને જણવ્યું, "તે જ દિવસે દુબઈ બંદરેથી ખાદ્યપદાર્થો સહિતનો જનરલ કાર્ગો ભરીને અલ ફાતેમ વહાણ આફ્રિકાના સોમાલિયા દેશ જવા રવાના થયું હતું."
"આ બંને વહાણો સાથે જ નીકળ્યાં હતાં. પરંતુ એ ટાઇમે મને હોર્મુઝમાં માહોલ બરાબર લાગતો ન હતો."
"તેથી, અમે અલ જુસુફીને સૂચના આપી કે તે ઓમાનના ખાસબ બંદરે રોકાઈ જાય. તેથી, તે એક દિવસ ખાસબ બંદરે રોકાઈ ગયું."
"અમારા બીજા વહાણે સોમાલિયા તરફની સફર ચાલુ રાખી અને સલામત રીતે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થઈ ગયું."

ઇમેજ સ્રોત, Gandhar family

ઇમેજ સ્રોત, Akbar Sumbhaniya
"ત્યારબાદ બીજા દિવસે અલ જુસુફી પણ ખાસબ બંદરમાંથી બહાર આવી પોરબંદર તરફ આગળ વધ્યું પરંતુ ઓમાનના લીમા બંદર નજીક પહોંચ્યું ત્યારે તેના પર ડ્રોનથી હુમલો થયો."
ખાસબ બંદર હોર્મુઝની સામુદ્રધુનીમાં ઓમાનના કાંઠે આવેલું એક નાનું બંદર છે.
અકબરભાઈએ કહ્યું કે, "આ હુમલો ભારતીય સમય અનુસાર બપોરના 4:45 વાગ્યાની આજુબાજુ થયો."
તેમણે કહ્યું, "હુમલો થયો ત્યારે અલ જુસુફીનું ટ્રાન્સપૉન્ડર ચાલુ હતું અને તેના પર ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો હતો. તેથી આજુબાજુનાં બધાં વહાણ તેની ઓળખની માહિતી, તેના ક્રૂ મેમ્બર્સની માહિતી, તેમાં ભરેલા માલની માહિતી વગેરે જોઈ શકતાં હતાં."
"હું મારા ફોન પર તેને ટ્રૅક કરી રહ્યો હતો અને સોમવારે ભારતીય સમય અનુસાર 4:30 વાગ્યા સુધી બધું નૉર્મલ લાગતું હતું. પરંતુ 4:45 વાગ્યે મને અલ જુસુફીના કૅપ્ટન સલીમ અબ્દુલ સુંભણિયાનો ફોન આવ્યો કે તેમના પર ડ્રોનથી હુમલો થયો છે અને વહાણમાં આગ લાગી ગઈ છે."
"તેમણે મને એમ પણ જણાવ્યું કે બધા ખલાસીઓ વહાણ છોડીને લાઇફબોટમાં બેસી ગયા છે."

ઇમેજ સ્રોત, ISVA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીબીસી સાથે વધારે વાત કરતાં 52 વર્ષના અકબરભાઈએ જણાવ્યું કે અલ જુસુફી હોર્મુઝની સામુદ્રધુનીના મુખમાંથી બહાર નીકળી રહ્યું હતું ત્યારે સામેની દિશામાં આવેલી ઓમાનની ખાડીની તરફથી તેના પર હુમલો થયો.
તેમણે કહ્યું, "અમારા વહાણ પર સામેની દિશામાંથી સીધો હુમલો થયો. ડ્રોન સીધું આવીને અમારા વહાણની કૅબિન સાથે અથડાયું."
અકબરભાઈએ ઉમેર્યું, "ઓમનનો આ કાંઠો ઈરાનથી દૂર છે અને ઈરાનનાં વહાણો પણ આ વિસ્તારમાંથી પસાર થાય છે. પરંતુ આ વિસ્તાર નજીક અમેરિકાની નેવી (નૌકાદળ)નાં યુદ્ધજહાજો પણ હોય છે અને તેના હેલિકૉપ્ટર્સ પણ આ વિસ્તારમાં ઊડતાં રહે છે."
તેમણે કહ્યું કે, "અલ જુસુફી પર 950 ટન એટલે કે 95 હજાર કિલો ખજૂર ભરી હતી. પરંતુ હુમલા બાદ વહાણ પર આગ ફાટી નીકળતા કાર્ગોનો નાશ થયો હતો."
અકબરભાઈએ કહ્યું કે, "આજુબાજુ બીજા કોઈ વહાણ કે ફાયરફાઇટિંગની અન્ય કોઈ સુવિધા ન હોવાથી અલ જુસુફી પરની આગ ઓલવી શકાઈ ન હતી અને છેવટે વહાણ સળગીને દરિયામાં ડૂબી ગયું."
અકબરભાઈએ કહ્યું કે હુમલાના સમાચાર મળતા જ તેમણે ખાસબ પૉર્ટમાં રહેતા તેમના ભત્રીજા મોહમ્મદને ફોન કરીને જાણ કરી.
અકબરભાઈએ જણાવ્યુંકે, "મોહમ્મદે અમારા વહાણના સ્પૉન્સરને જાણ કરી અને છેવટે ઓમાનના કોસ્ટગાર્ડને જાણ કરી અને તેમની મદદ માંગી. અડધો કલાકની અંદર કોસ્ટગાર્ડના અધિકારીઓ ત્યાં પહોંચી ગયા અને અમારા ખલાસીઓને બચાવી લીધા અને નજીકના કાંઠે લઈ ગયા. ત્યાંથી હૉસ્પિટલમાં લઈ જતી વખતે નઈમનું મૃત્યુ થઈ ગયું."
તેમણે ઉમેર્યું કે ભારત સરકારે જણાવેલાં સાવચેતીનાં બધાં પગલાં લેવા છતાં ભારતીય વહાણો પર હુમલા ચાલુ રહેતા ગુજરાતના વહાણવટાઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ચિંતામાં છે.
અકબરભાઈએ કહ્યું કે,"હું 14 વર્ષનો હતો ત્યારથી વહાણમાં મારા પિતા સાથે જવા લાગ્યો હતો અને 25 વર્ષ સુધી મેં વહાણના કૅપ્ટન તરીકે પણ સેવા આપી છે. પરંતુ આવો માહોલ મેં અમારી જિંદગીમાં ક્યારેય જોયો નથી."
નઈમના પરિવારમાં પહેલાં કઈ કરુણાંતિકા સર્જાઈ ચૂકી છે?

ઇમેજ સ્રોત, Gandhar family
નઈમના પિતરાઈ ભાઈ ઇરફાન ગંઢરે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે નઈમ પહેલાં માછીમારી ઉદ્યોગમાં કામ કરતા હતા. તેના મોટા ભાઈ નિઝામ પણ માછીમારીંની હોડીમાં ખલાસી તરીકે કામ કરે છે.
નિઝામ અપરિણીત છે અને નઈમનાં પણ લગ્ન થયાં ન હતાં.
બીબીસી સાથે વાત કરતા ઇરફાને જણાવ્યું, "ચાર બહેનો અને બે ભાઈઓમાં નઈમ સૌથી નાનો હતો. નઈમના પિતા અઝીઝભાઇનું વીસ-બાવીસ વરસ પહેલાં અવસાન થયું હતું. ચારે બહેનો પરિણીત છે."
"પરિવારની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને નઈમે માછીમારીનું કામ છોડીને બે-ત્રણ વર્ષ અગાઉ વહાણમાં ખલાસી તરીકે નોકરી કરવાનું ચાલું કર્યું કારણ કે તેમાં માછીમારી કરતા પગાર વધારે મળે છે."
અકબરભાઈએ કહ્યું કે, "નઈમ આ વર્ષે મે મહિનામાં અલ જુસુફીના નાવિક તરીકે જોડાયો હતો. અમારા વહાણમાં તે પહેલી વાર જોડાયો હતો. જે સમયે અલ જુસુફી પર હુમલો થયો ત્યારે નઈમ વહાણના સ્ટિયરિંગ વહીલ(સુકાન) પર હતો."
"તે સમયે ત્યાં તેની ડ્યૂટી હતી. હુમલો થતાં તેને ડાબા પગ અને ડાબા હાથ પર ઈજાઓ થઈ હતી."
"વહાણ પર આગ ફાટી નીકળતા સાથી નાવિકોએ તેને લાઇફબોટમાં બેસાડી દીધો હતો. ઓમનના કોસ્ટ ગાર્ડે તેમને અમારા વહાણના ક્રૂને બચાવી લીધા બાદ અમને જાણ કરી કે ક્રૂમાંથી એક સભ્યને ઈજા થઈ છે."
"કોસ્ટ ગાર્ડે તેને કાંઠા સુધી પહોંચાડી દીધા. પરંતુ હૉસ્પિટલ લઈ જતી વખતે નઈમનું રસ્તામાં જ મૃત્યુ થઈ ગયું."
ઇરફાને કહ્યું કે નઈમ જયારે એક બાળક હતો ત્યારે જ તેના પિતા અઝીઝભાઈ પણ દરિયામાં એક વહાણ પર નોકરી કરતી વખતે મોતને ભેટ્યા હતા.
ઇરફાને જણાવ્યું કે, "વીસ-બાવીસ વર્ષ પહેલાં અઝીઝભાઈ અને અન્ય સત્તરેક ખલાસીઓ એક વહાણમાં કચ્છના તુણા બંદરેથી ઘેટાં-બકરાં ભરીને દુબઈ જવા રવાના થયા."
"પરંતુ તેમનું વહાણ કોઈ વાવાઝોડામાં ફસાતા ગુમ થઈ ગયું અને ત્યારથી અઝીઝભાઈ કે અન્ય કોઈ ખલાસીનો કે તે વહાણની કોઈ પત્તો મળ્યો નથી."
અકબરભાઈએ જણાવ્યું કે નઈમનો મૃતદેહ હાલ ખાસબની એક હૉસ્પિટલમાં રાખવામાં આવ્યો છે જ્યારે બાકીના 13 ક્રૂ સભ્યોને ભારત પાછા લાવવાના પ્રયાસ થઈ રહ્યા છે.
નઈમનાં માતા ઝરીનાબહેન પતિને ગુમાવ્યા બાદ જુવાનજોધ દીકરાને પણ ગુમાવતા ઊંડા આઘાતમાં સારી પડ્યાં છે અને સતત રડ્યાં કરે છે.
ઇરફાને જણાવ્યું કે, માતા હવે તેમના નાના દીકરાનો ચહેરો કદાચ ક્યારેય નહીં જોઈ શકે.
ઇરફાને બીબીસીને જણાવ્યું કે, "ઓમાનથી મૃતદેહ અહીં સલાયા લઈ આવીએ તો દિવસો વધારે લાગે તેમ છે. મારા પિતા આમદભાઈ અને પરિવારના અન્ય સભ્યોએ મારાં કાકીને સમજાવ્યું કે મૈયતને વધારે દિવસો સુધી ન રખાય."
"તેથી નઈમને ઓમાનમાં જ દફન કરવામાં આવે તે માટે મારાં કાકી સંમત થયાં છે. નઈમના સાથી ખલાસીઓ તેની દફનવિધિ કર્યા બાદ ભારત પરત આવશે."
અમેરિકા-ઈરાનના યુદ્ધમાં ગુજરાતનાં અન્ય કયાં વહાણો ડૂબ્યાં છે?

ઇમેજ સ્રોત, ISVA
ભારતનાં પરંપરાગત વહણોના માલિકોનું ઇન્ડિયન સેઇલિંગ વેસલ્સ ઍસોસિયેશન (SVIA) નામનું એક સંગઠન છે.
આ ઍસોસિયેશનના જનરલ સેક્રેટરી આદમ ભાયાએ બીબીસીને જણાવ્યું કે ગુજરાતમાં હાલ 270 અને ભારતમાં અંદાજે 450 વહાણો કાર્યરત છે.
તેમણે કહ્યું કે હોર્મુઝની સામુદ્રધુનિમાં આ વર્ષે મે મહિનાથી શરૂ થયેલા હુમલાનો ભોગ બનનાર અલ જુસુફી ગુજરાતનું ચોથું વહાણ છે.
આદમ ભાયાએ કહ્યું કે આ પહેલાં 8 મેના રોજ અલ ફૈઝ નૂર-એ-સુલેમાની પર હુમલો થતા તેના પર સવાર 42 વર્ષના અલ્તાફ કેર નામના નાવિકનું મોત થયું હતું જ્યારે અન્ય ચાર ખલાસીઓ ઘાયલ થયા હતા.
ત્યારબાદ 13 મેના રોજ હાજી અલી નામના વહાણ પર હુમલો થતા તે ડૂબી ગયું હતું. તેના 14 નાવિકોને બચાવી લેવાયા હતા પરંતુ તેમાં ભરેલાં 1800 ઘેટાં-બકરાંનાં મોત થયાં હતાં.
લગભગ છ મહિના સુધી શાંતિ રહ્યા બાદ 29 ઑક્ટોબરના રોજ કચ્છના માંડવી બંદરના કુબા નામના વહાણ પર હોર્મુઝની સામુદ્રધુનીમાં હુમલો થયો હતો.
રાતા સમુદ્રમાં પણ એક-બે ભારતીય વહાણો પર આ વર્ષે હુમલા થઈ ચૂક્યા છે.
ધ ઇન્ડિયન ઍક્સપ્રેસના એક અહેવાલ અનુસાર અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધ બાદ વિવિધ જહાજો અને વહાણો પર થયેલા હુમલામાં ભારતના કુલ 14 નાવીકોનાં મોત થયાં છે.
આદમ ભાયાએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે, "ગુજરાતનાં વહાણો ભારત સરકારે સલામતી માટે આપેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરી રહ્યા છે. તે માર્ગદર્શિકા અનુસાર ગુજરાતનાં વહાણો દિવસના સમયે જ હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થાય છે અને તેમનાં ટ્રાન્સપૉન્ડર્સ ચાલુ રાખે છે."
"તેમ છતાં વહાણો પર હુમલા થાય છે. આ બાબતે અમે સરકારને રજૂઆત કરી છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન






















