આઈપીએલ : મુંબઈ ઇન્ડિયન્સે રૉબિન ઉથપ્પાને બેટિંગ કોચ બનાવ્યા – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
મુંબઈ ઇન્ડિયન્સે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બૅટ્સમૅન રૉબિન ઉથપ્પાની આઈપીએલ માટે બેટિંગ કોચ તરીકે નિમણૂક કરી છે.
મુંબઈ ઇન્ડિયન્સે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "અમારી પ્રથમ સિઝનનો ભાગ બનવાથી લઈને લાંબા અનુભવ પછી ફરી વાપસી કરવા સુધી, રૉબિનને રમત અંગે ઊંડી સમજ છે."
"તેમનું કમ્યુનિકેશન કૌશલ્ય ઉત્તમ છે અને યુવા ખેલાડીઓને યોગ્ય દિશા આપવાની ક્ષમતા ધરાવે છે. પલટનમાં તમારું ફરી સ્વાગત છે, રૉબિન. તમે અમારા નવા બેટિંગ કોચ છો."
આ સાથે જ ટીમે ન્યૂઝીલૅન્ડના ભૂતપૂર્વ ઝડપી બૉલર મિચેલ મૅક્લેનઘનને બૉલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ મુંબઈ ઇન્ડિયન્સ માટે આઈપીએલમાં પણ રમી ચૂક્યા છે.
મુંબઈ ઇન્ડિયન્સે ઍક્સ પર લખ્યું, "તેઓ ચાહકોના સૌથી પ્રિય ખેલાડીઓમાંના એક રહ્યા છે. તેમણે હંમેશાં ટીમ પ્રત્યે પોતાની સમર્પિતતા દર્શાવી છે અને મુંબઈ ઇન્ડિયન્સની ભાવનાને પોતાના રમતમાં ઉતારી છે. મિચેલ મૅકલેનઘન, ઘર વાપસી પર તમારું સ્વાગત છે."
ટ્રમ્પે બ્રાઝિલમાં થયેલી ચૂંટણીને ગણાવી 'શરમજનક'

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રાઝિલની ચૂંટણીને 'શરમજનક' અને 'બ્રાઝિલના લોકો માટે અપમાનજનક' ગણાવી છે.
વૉશિંગ્ટનમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યું, "મેં ચૂંટણીમાં કોઈનો પક્ષ લીધો નહોતો, પરંતુ બ્રાઝિલમાં જે કંઈ થયું, તે મેં જોયું ત્યારે તેને શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ હતું."
બ્રાઝિલના નેતા લુઇસ ઇનાસિયો લૂલા દા સિલ્વાએ શાનદાર વાપસી કરીને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ જીત સાથે વર્કર્સ પાર્ટીના 80 વર્ષીય નેતા લૂલાને ચોથી વખત રાષ્ટ્રપતિ બનવાની તક મળી છે.
તેમણે દેશની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કટ્ટર જમણેરી મનાતા પ્રતિસ્પર્ધી અને લિબરલ પાર્ટીના નેતા ફ્લાવિયો બોલ્સોનારોને નજીવા અંતરથી હરાવ્યા.
લગભગ તમામ મતોની ગણતરી પૂર્ણ થયા બાદ, રવિવારે લેટિન અમેરિકાના સૌથી મોટા લોકતંત્રમાં યોજાયેલી ચૂંટણીના બીજા તબક્કામાં લૂલાને 51.76 ટકા મત મળ્યા હતા.
જ્યારે જેલમાં બંધ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોના પુત્ર ફ્લાવિયો બોલ્સોનારોને 48.24 ટકા મત મળ્યા હતા.
લૂલાની જીત અનેક ચૂંટણી સર્વેક્ષણોના અંદાજોથી વિપરીત રહી હતી. આ સર્વેક્ષણોમાં બોલ્સોનારોને નજીવી સરસાઈ દર્શાવવામાં આવી હતી.
આ મહિનાની શરૂઆતમાં યોજાયેલા પ્રથમ તબક્કાના મતદાનમાં 45 વર્ષીય સેનેટર ફ્લાવિયો બોલ્સોનારોએ લગભગ બે ટકાના અંતરથી સરસાઈ મેળવી હતી.
ઇઝરાયેલ ચૂંટણી : કતાર-તુર્કી પાસેથી ફંડિંગના નેતન્યાહૂની પાર્ટીના આરોપ પર વિપક્ષે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Anadolu via Getty Images and AFP via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇઝરાયેલમાં વિપક્ષના મુખ્ય નેતા ગાદી આઇઝનકોટ અને આરબ નેતૃત્વવાળી પાર્ટીઓના નેતાઓએ વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની આકરી ટીકા કરી છે.
નેતન્યાહૂએ ચૂંટણીમાં પોતાના ગઠબંધનની બહુમતી ગુમાવ્યા બાદ વિદેશી હસ્તક્ષેપનો આરોપ મૂક્યો હતો.
નેતન્યાહૂની લિકુડ પાર્ટીએ ઇઝરાયેલની આરબ નેતૃત્વવાળી પાર્ટીઓ પર ચૂંટણી "ચોરી" કરવાનો આરોપ મૂક્યો હતો. દેશની આંતરિક સુરક્ષા એજન્સી 'શિન બેટ' એ બાબતની તપાસ કરી રહી છે કે શું આ પાર્ટીઓને કતાર અને તુર્કી પાસેથી ગેરકાયદેસર નાણાં મળ્યાં હતાં કે નહીં.
કતારના વિદેશ મંત્રાલયે આ આરોપોને "હાસ્યાસ્પદ અને ખતરનાક" ગણાવીને ફગાવી દીધા હતા. તેણે ઇઝરાયેલી નેતાઓ પર દોહા વિરુદ્ધ દુષ્પ્રચારની ઝુંબેશ ચલાવવાનો આરોપ પણ મૂક્યો હતો.
અંતિમ પરિણામોથી સ્પષ્ટ થયું છે કે ન તો નેતન્યાહૂના ગઠબંધનને કે ન તો યહૂદી વિપક્ષને સંસદમાં બહુમતી મળી છે.
'જોઇન્ટ લિસ્ટ' અને 'રાઅમ' નામની બે આરબ પાર્ટીઓએ અપેક્ષાથી વિપરીત પ્રદર્શન કરતાં 120 સભ્યોવાળી સંસદમાં રેકૉર્ડ 19 બેઠકો જીતી છે. આરબ મતદારોમાં મતદાન વધ્યા બાદ આ પરિણામ સામે આવ્યું છે.
આથી આ પાર્ટીઓ સરકાર રચવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની સ્થિતિમાં આવી ગઈ છે. નેતન્યાહૂના ગઠબંધનને 53 બેઠકો મળી હતી, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી ગાદી આઇઝનકોટના ગઠબંધને 48 બેઠકો મેળવી હતી.
ગુરુવારે લિકુડ પાર્ટીએ આરોપ મૂક્યો હતો કે, આરબ પાર્ટીઓને મત આપવા માટે મતદારોને "લાંચ આપવામાં આવી" હતી. તે પહેલાં કેન્દ્રીય ચૂંટણી સમિતિના પ્રમુખે સુરક્ષા એજન્સી શિન બેટને વિદેશી હસ્તક્ષેપ અંગેની 'ગંભીર શંકાઓ'ની તપાસ કરવા કહ્યું હતું.
બંને આરબ પાર્ટીઓએ આ આરોપોને કડક શબ્દોમાં નકારી કાઢ્યા હતા. જોઇન્ટ લિસ્ટે જણાવ્યું કે, આ આરોપોનો કોઈ આધાર નથી.
નેતન્યાહૂના વિવેચકોનું માનવું છે કે આ વિવાદ આરબ પાર્ટીઓની કાનૂની માન્યતા પર સવાલ ઊભા કરવાનો પ્રયાસ છે. તેના કારણે આઇઝનકોટ માટે આ પાર્ટીઓ સાથે ગઠબંધન કરવું રાજકીય રીતે અશક્ય બની શકે છે. હાલમાં સત્તા સુધી પહોંચવા માટે તેમના ગઠબંધન પાસે આ જ એક માર્ગ છે.
ઇઝરાયેલી મીડિયાએ જણાવ્યું કે, કેન્દ્રીય ચૂંટણી સમિતિ સમક્ષ એવો દાવો કરવામાં આવ્યો હતો કે કતારે આરબ સમુદાયોમાં મતદાન વધારવાના હેતુથી ફંડિંગ કર્યું હતું.
કતારના વિદેશ મંત્રાલયે આ દાવાઓને 'સંપૂર્ણપણે' ફગાવી દીધા હતા. નેતન્યાહૂ અને તેમની લિકુડ પાર્ટીએ આ આરોપોને 'રાજકીય ભૂકંપ' અને 'લોકશાહી પર હુમલો' ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે તેનો હેતુ તેમની દક્ષિણપંથી સરકારને સત્તામાંથી દૂર કરવાનો છે.
જોકે બાદમાં શિન બેટે સ્પષ્ટ કર્યું હતું કે તેની તપાસમાં કાયદેસર રીતે મતદાન કરનાર તમામ લોકોને શંકાના ઘેરામાં રાખવામાં આવ્યા નથી.
બીજી તરફ કેન્દ્રીય ચૂંટણી સમિતિના કાર્યકારી મહાનિર્દેશક ડીન લિવનેએ જણાવ્યું કે ચૂંટણીની નિષ્પક્ષતાના વ્યવસ્થિત ઉલ્લંઘનના આરોપોનો 'કોઈ આધાર નથી.'
તપાસ અંગે માહિતી આપવામાં આવ્યા બાદ આઇઝનકોટે કહ્યું, "હજુ એ નક્કી કરવું ઉતાવળભર્યું હશે કે શું થયું હતું અથવા ખરેખર કંઈ થયું પણ હતું કે નહીં."
તેમણે નેતન્યાહૂ પર "ચૂંટણીનાં પરિણામોની માન્યતા ખતમ કરવા માટે સુનિયોજિત અને સંગઠિત અભિયાન ચલાવવાનો" આરોપ મૂક્યો હતો.
અમેરિકાની મધ્યવર્તી ચૂંટણી : અત્યાર સુધી 4.3 કરોડથી વધુ મતદાતાઓએ કર્યું મતદાન

ઇમેજ સ્રોત, Win McNamee/Getty Images
અમેરિકામાં મધ્યવર્તી ચૂંટણી થવામાં હવે એક અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે. આ ચૂંટણીથી નક્કી થશે કે આગામી બે વર્ષ સુધી અમેરિકી સંસદ (કૉંગ્રેસ) પર કઈ પાર્ટીનું નિયંત્રણ રહેશે. તે પહેલાં જ 4.3 કરોડથી વધુ અમેરિકન નાગરિકો મતદાન કરી ચૂક્યા છે.
યુનિવર્સિટી ઑફ ફ્લૉરિડાની ઇલેકશન લૅબના આંકડા મુજબ, દરરોજ 40 થી 50 લાખ લોકો સમય પહેલાં મતદાન કરી રહ્યા છે. આ આંકડો અગાઉની મોટાભાગની ચૂંટણીઓની સરખામણીમાં ઘણો વધુ છે.
ઇલેકશન લૅબના ડેટાબેસનું સંચાલન કરતા પ્રોફેસર માઇક મૅક્ડૉનાલ્ડના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી ટૅક્સાસમાં સરેરાશ કરતાં નોંધપાત્ર રીતે વધુ મતદાન થયું છે. હિસ્પાનિક સમુદાયોમાં પણ સામાન્ય કરતાં ઘણું વધુ મતદાન જોવા મળ્યું છે.
કુલ મળીને આ વખતે મતદાનનો આંકડો વર્ષ 2020 અથવા 2018ની ચૂંટણીઓથી પણ આગળ નીકળી શકે છે. વર્ષ 2018ની મધ્યાવધિ ચૂંટણી દરમિયાન મતદાનનો રેકૉર્ડ બન્યો હતો, જેણે વર્ષ 1914નો રેકૉર્ડ પાછળ છોડી દીધો હતો.
મૅક્ડૉનાલ્ડના જણાવ્યા મુજબ, ટૅક્સાસમાં 2022ની ચૂંટણીઓની તુલનામાં અત્યાર સુધી લગભગ 17.5 લાખ વધુ લોકો મતદાન કરી ચૂક્યા છે. આ રાજ્યમાં 58 લાખથી વધુ બૅલેટ નાખવામાં આવી ચૂક્યા છે.
ટૅક્સાસ એક મહત્ત્વપૂર્ણ ચૂંટણી રાજ્ય તરીકે ઊભરી આવ્યું છે. અહીંનાં પરિણામો નક્કી કરી શકે છે કે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ કાર્યકાળના બાકીના સમય દરમિયાન સેનેટ પર કઈ પાર્ટીનું નિયંત્રણ રહેશે.
જે રાજ્યોમાં મતદાતાઓને નોંધણી દરમિયાન પોતાની રાજકીય પાર્ટીની માહિતી આપવી જરૂરી હોય છે, ત્યાંના આંકડા દર્શાવે છે કે ડેમૉક્રેટિક પાર્ટીના મતદાતાઓના મતમાં વધારો થયો છે. જ્યારે રિપબ્લિકન પાર્ટીના પ્રારંભિક મતદાનના આંકડા વર્ષ 2022ની આસપાસ જ સ્થિર રહ્યા છે.
મૅક્ડૉનાલ્ડના જણાવ્યા અનુસાર, એવા મતદાતાઓમાં પણ પ્રારંભિક મતદાન વધ્યું છે, જેઓએ કોઈ વિશિષ્ટ રાજકીય પાર્ટી સાથે પોતાની નોંધણી કરાવી નથી. જોકે, આ આંકડા પરથી એ જાણી શકાતું નથી કે તેમણે કયા ઉમેદવારોને મત આપ્યો છે.
ગુરુવારે જાહેર કરાયેલા આંકડા મુજબ, પ્રારંભિક મતદાનમાં 44 ટકા મત ડેમૉક્રેટિક પાર્ટીના મતદાતાઓએ આપ્યા છે, જ્યારે 31.2 ટકા મત રિપબ્લિકન પાર્ટીના મતદાતાઓએ આપ્યા છે.
જ્યારે 24.7 ટકા મત એવા મતદાતાઓના છે, જેઓએ કોઈ રાજકીય પાર્ટી સાથે પોતાનું જોડાણ નોંધાવ્યું નથી. જોકે, આ આંકડા માત્ર તે લગભગ અડધાં રાજ્યોના છે, જ્યાં મતદાતાઓ માટે રાજકીય પાર્ટી સાથેનું જોડાણ દર્શાવવું જરૂરી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



























