ઈરાન યુદ્ધને લીધે કૉન્ડોમની કિંમતમાં 30 ટકાનો વધારો થઈ શકે, કંપનીએ આ કારણ આપ્યું

    • લેેખક, ઓસ્મોન્ડ ચિયા
    • પદ, બિઝનેસ રિપોર્ટર
  • વાંચવાનો સમય: 2 મિનિટ

વિશ્વની સૌથી મોટી કૉન્ડોમ બનાવતી કંપની કેરેક્સના સીઇઓએ કહ્યું છે કે જો ઈરાન યુદ્ધને કારણે કાચા માલના પુરવઠામાં અવરોધ ચાલુ રહેશે, તો કંપની તેનાં ઉત્પાદનોના ભાવમાં 30 ટકા સુધીનો વધારો કરી શકે છે.

કંપનીના સીઇઓ ગોહ મિયા કયાતે સમાચાર એજન્સીઓ રૉયટર્સ અને બ્લૂમબર્ગને જણાવ્યું હતું કે ઈરાન સંઘર્ષ શરૂ થયા પછી ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે.

મલેશિયાસ્થિત કેરેક્સ વાર્ષિક પાંચ અબજથી વધુ કૉન્ડોમનું ઉત્પાદન કરે છે. તે ડ્યુરેક્સ અને ટ્રોજન જેવી મોટી બ્રાન્ડ્સ માટે કૉન્ડોમનું ઉત્પાદન કરે છે અને બ્રિટનની સરકારી આરોગ્ય સેવા, એનએચએસને પણ સપ્લાય કરે છે.

અમેરિકા અને ઇઝરાયલી હવાઈ હુમલાના જવાબમાં ઈરાને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતાં જહાજોને નિશાન બનાવવાની ધમકી આપ્યા બાદ વૈશ્વિક ઑઇલનો પુરવઠો ખોરવાઈ ગયો છે.

આ સામુદ્રધુની લગભગ બંધ થવાને કારણે ઇન્ટરનેશનલ સપ્લાય ચેઇનમાં પણ અવરોધો આવી રહ્યા છે.

સામાન્ય રીતે, વિશ્વના ક્રૂડઑઇલ અને એલએનજી પુરવઠાનો લગભગ 20 ટકા ભાગ અહીંથી જ પસાર થાય છે.

કેરેક્સ ઑઇલ આધારિત કાચા માલ પર આધાર રાખે છે, જેમ કે એમોનિયા (જે લેટેક્સને સાચવવા માટે વપરાય છે) અને સિલિકૉન આધારિત લુબ્રિકેન્ટ્સ.

કૉન્ડોમની માગ વધી, પરંતુ પુરવઠો ઓછો

કેરેક્સના સીઇઓના જણાવ્યા મુજબ, આ વર્ષે કૉન્ડોમની માગમાં આશરે 30 ટકાનો વધારો થયો છે. જોકે, વધતા માલ ભાડાના ખર્ચ અને શિપિંગમાં વિલંબને કારણે અછત સર્જાઈ રહી છે.

તેમણે બ્લૂમબર્ગને કહ્યું, "ખરાબ સમયમાં કૉન્ડોમની જરૂરિયાત વધી જાય છે, કારણ કે ભવિષ્યને લઈને અનિશ્ચિતતા હોય છે. લોકોને લાગે છે કે નોકરીઓ રહેશે કે નહીં."

લોકો આ રીતે વિચારે છે, "જો હાલ આપણને બાળક આવશે, તો આપણે બીજા એક વ્યક્તિનો ખર્ચ ઉઠાવવો પડશે."

અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધે પહેલાંથી જ ઊર્જા બજારને હચમચાવી નાખ્યું છે.

અને હવે કૉન્ડોમ કટોકટી દર્શાવે છે કે સામાન્ય ગ્રાહક માટે અન્ય વસ્તુઓ પણ મોંઘી થઈ રહી છે.

યુદ્ધને કારણે ફ્લાઇટ્સ પણ મોંઘી થઈ ગઈ છે. નવા સંશોધન મુજબ, ગયા વર્ષની સરખામણીમાં સૌથી સસ્તી ઇકૉનૉમી ક્લાસ ટિકિટો સરેરાશ 24 ટકા મોંઘી થઈ ગઈ છે.

વધુમાં ખાડી પ્રદેશમાંથી શિપમેન્ટની સમસ્યાઓના કારણે ફર્ટિલાઇઝરના ભાવમાં પણ વધારો થયો છે. હીલિયમની પણ અછત છે, જેનો ઉપયોગ કમ્પ્યુટર ચિપ્સ બનાવવા માટે થાય છે.

બૉટલબંધ પાણી ઉદ્યોગ પણ એક દબાણ હેઠળ છે, કારણ કે કંપનીઓને કાચો માલ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.

આ મહિનાની શરૂઆતમાં સંયુક્ત રાષ્ટ્રે ચેતવણી આપી હતી કે પરિવહન ખર્ચમાં વધારો થવાને કારણે ખાંડ, ડેરી અને ફળોના ભાવ પણ વધશે.

ઈરાન સંઘર્ષ કરારના બંને પક્ષો તરફથી વિરોધાભાસી નિવેદનો ચાલુ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટની સ્થિતિ હજુ પણ અસ્પષ્ટ છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, જ્યાં સુધી વાતચીત આગળ ન વધે ત્યાં સુધી તેઓ યુદ્ધવિરામ લંબાવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન