ફૂડ પૉઇઝનિંગ એટલે શું, રાંધ્યા પછી કેટલા સમયમાં ખાઈ લેવું જોઈએ?

વાંચવાનો સમય: 4 મિનિટ

ગત સોમવારે દાહોદના ગરબાડા તાલુકાના અભલોડ ગામમાં એક લગ્નપ્રસંગનો ઉત્સાહ ત્યારે ઓસરી ગયો જ્યારે 400 કરતાં વધુ લોકો આ લગ્નનું ભોજન લીધા બાદ અચાનક બીમાર પડી ગયા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અધિકારીઓએ જણાવ્યું કે આ લગ્નપ્રસંગમાં આવેલા એક હજાર મહેમાનો પૈકી 400 કરતાં વધુએ ભોજન લીધા બાદ ઊલટી, ઝાડા અને અસ્વસ્થતા અનુભવતા હોવાની ફરિયાદ કરી.

પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર બીમાર પડેલા લોકોને ફૂડ પૉઇઝનિંગની અસર થઈ હતી. દર્દીઓને 108 અને ખાનગી વાહનો થકી આસપાસની હૉસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા.

દર્દીઓની સ્થાનિક આરોગ્ય કેન્દ્રના સ્તરે અને અન્ય સરકારી-ખાનગી હૉસ્પિટલોમાં સારવાર કરાઈ હતી, અત્યાર સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, જોકે, કેટલાક દર્દીઓની હાલ ગંભીર હોવાનું માલૂમ પડ્યું હતું.

ઘટનાની તીવ્રતાને જોતાં આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. અધિકારીઓએ તપાસ શરૂ કરી, લગ્નમાં પીરસવામાં આવેલા ભોજનના નમૂના લીધા હતા.

મળી રહેલી માહિતી મુજબ લગ્નમાં રાત્રિભોજ દરમિયાન મહેમાનોને દાળ-ભાત, શાક-પુરી, પનીર અને કેરીનો રસ પીરસાયાં હતાં.

હવે રાજ્યમાં આ ઘટના સામે આવ્યા બાદ ફૂડ પૉઇઝનિંગ અંગે ચર્ચા જામી છે, તો જાણીએ આખરે ફૂડ પૉઇઝનિંગ શું હોય છે? અને તેનાથી કેવી રીતે બચી શકાય?

ફૂડ પૉઇઝનિંગ એટલે શું?

અમેરિકાની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થની (એનઆઇએચ) વેબસાઇટ પર આપેલી માહિતી મુજબ ફૂડ પૉઇઝનિંગ વાઇરસ, બૅક્ટેરિયા અને પરોપજીવી દ્વારા ફેલાવાતા ચેપનું એક કારણ હોઈ શકે છે, ઘણી વાર નુકસાનકારક કેમિકલને કારણે પણ ફૂડ પૉઇઝનિંગ થતું હોય છે.

આ સૂક્ષ્મ જીવો તમારા ખોરાકમાં ગમે તે સમયે પેસી શકે છે, જેમ કે, વાવણી કે લણણી સમયે પણ. આ સિવાય ખાદ્ય પદાર્થ બનાવવાની પ્રક્રિયા વખતે, તેને રાંધતી વખતે, સ્ટોર કરતી વખતે કે અન્યત્રે મોકલતી વખતે પણ આ ઇન્ફેક્શન ખાદ્ય પદાર્થમાં ફેલાઈ શકે છે.

ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનના સુરતના પૂર્વપ્રમુખ રહી ચૂકેલા ડૉ. નિર્મલ ચોરારિયા કહે છે કે, "ખોરાક બરાબર રાંધવામાં ન આવે ત્યારે ફૂડ પૉઇઝનિંગનો ઘણો ખતરો રહેતો હોય છે."

"બાસુંદી, ખીર કે દૂધથી બનતી અન્ય ખાદ્ય વાનગીઓમાં બૅક્ટેરિયા ઝડપથી વૃદ્ધિ પામે છે. જો આવી વાનગીઓમાં બૅક્ટેરિયાનું પ્રમાણ વધી જાય તો તેની આવી આડઅસર થાય છે, જેને ફૂડ પૉઇઝનિંગ કહેવામાં આવે છે. મિલ્ક પ્રોડક્ટમાં ફૂડ પૉઇઝનિંગ થવાનું વધુ જોખમ રહે છે."

તેઓ આગળ કહે છે કે, "તાપમાનમાં થોડો વધારો થતાં જે વસ્તુ ઝડપથી બગડી જાય છે, તેમાં બૅક્ટેરિયાનું પ્રમાણ વધી જાય છે. જો આ બૅક્ટેરિયા ખાદ્ય પદાર્થને વધુ દૂષિત કરી નાખે તો તેવા કિસ્સામાં આવું ભોજન ખાવાથી ફૂડ પૉઇઝનિંગ થતું હોય છે."

એનઆઇએચની વેબસાઇટ અનુસાર નીચે પ્રમાણેના ખાદ્ય પદાર્થો સૂક્ષ્મ જીવોના વાહક બનીને ફૂડ પૉઇઝનિંગનાં કારણ બની શકે છે.

  • તાજા ખાદ્ય પદાર્થોમાં પણ ઘણી વખત જરૂર કરતાં વધુ પ્રમાણમાં સૂક્ષ્મ જીવો રહેલા હોય છે
  • કાચું કે ઓછું રંધાયેલું માંસ, ઈંડાં
  • પાશ્ચરાઇઝ્ડ ન કરાયેલ ડેરી પ્રોડક્ટ કે ફ્રૂટ જ્યુસ
  • માછલી કે શેલફિશ
  • પ્રોસેસ્ડ કે રેડી ટુ ઇટ માંસ
  • બરોબર સીલ ન કરેલા ખાદ્ય પદાર્થો

કયું ભોજન જલદી બગડે - માંસાહારી કે શાકાહારી?

રાંધેલા ખોરાકના બગડી જવામાં ગરમી અને ભેજની ભૂમિકા વિશે વાત કરતાં અમદાવાદના જાણીતા ગેસ્ટ્રોએન્ટેરોલૉજિસ્ટ ડૉ. સુધાંશુ પટવારી કહે છે કે, "ગરમી અને ભેજ દરમિયાન બૅક્ટેરિયાની વૃદ્ધિ ઝડપી હોય છે. જે બાદ રાંધેલા ખોરાકમાં કેટલાંક કેમિકલ પરિવર્તન થાય તેથી તે આ દરમિયાન ઝડપથી બગડી જતું હોય છે."

તેઓ દાહોદની આ ઘટનાને ટાંકતાં કહે છે કે, "સામાન્ય રીતે ગરમીના સમયમાં રાંધેલો ખોરાક રાંધ્યાના બે કલાક પછી ન લેવો જોઈએ, એ પછી મોટા ભાગના કિસ્સામાં ખોરાક બગડવાની શરૂઆત થઈ જતી હોય છે. તેથી જ સામાજિક પ્રસંગોમાં આ પ્રકારની ઘટનાઓ વધુ જોવા મળે છે, કારણ કે એ સમયે બે કલાકની અંદર જ ભોજન બનાવીને ખાઈ લેવું એ વ્યાવહારિક ન ગણી શકાય. મોટા ભાગે આવા પ્રસંગોમાં રાત્રિથી જ ભોજન રાંધવાની તૈયારીઓ થવા લાગતી હોય છે."

"સામાન્ય રીતે તો ડીપ ફ્રીઝ ન કર્યું હોય તો સવારનું રાંધેલું ભોજન સાંજે પણ ન ખાવું જોઈએ."

ડૉ. પટવારી આગળ કહે છે કે, "રાંધેલો ખોરાક ભલે શાકાહારી હોય કે માંસાહારી, બંને સમાન ગતિથી જ બગડતા હોય છે, પરંતુ શુદ્ધ દૂધમાંથી બનેલા પદાર્થોમાંથી રાંધવામાં આવેલો ખોરાક જલદી બગડી જવાની શક્યતા હોય છે."

"ગંભીર કિસ્સામાં વારંવાર ઝાડા- ઊલટી, તાવને કારણે ડિહાઇડ્રેશન થાય અને તેના કારણે કિડની પર પણ અસર થઈ શકે છે. અહીં ડિહાઇડ્રેશનની સારવાર થાય એ જરૂરી છે, તેમાં પણ 12 વર્ષથી ઓછી વયનાં બાળકો અને 60થી વધુ વયના વૃદ્ધો પર આ સ્થિતિની વધુ ખરાબ અસર થઈ શકે છે. આવા કિસ્સામાં વધુ તકેદારી રાખવી પડે."

ફૂડ પૉઇઝનિંગના કિસ્સામાં ડૉક્ટરની મદદ ક્યારે લેવી? આ સવાલના જવાબમાં તેઓ કહે છે કે, "જો ઊલટી-ઝાડા એકાદ-બે કલાકમાં બંધ થઈ જાય, મોઢેથી થોડું પ્રવાહી લેવાનું શરૂ થાય, તો દર્દીને ડૉક્ટર પાસે સામાન્યપણે નથી જવું પડતું, પરંતુ જો ઊલટી થવાનું સતત ચાલુ રહે, ઝાડા પણ ન રોકાય, તો ડૉક્ટરની તરત સલાહ લેવી જોઈએ."

ફૂડ પૉઇઝનિંગનાં લક્ષણો

અમેરિકાની નૅશનલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટની વેબસાઇટ પર આપેલી માહિતી મુજબ ફૂડ પૉઇઝનિંગના દર્દીઓમાં નીચે મુજબનાં લક્ષણો જોવા મળે છે.

  • ઝાડા કે લોહીવાળા ઝાડા
  • ઊલટી
  • પેટમાં દુખાવો
  • તાવ
  • માથાનો દુખાવો

આ તમામ લક્ષણો મધ્યમથી તીવ્ર કક્ષાનાં હોઈ શકે અને અમુક કલાકોથી ઘણા દિવસ સુધી દર્દીઓમાં જોવા મળી શકે.

ફૂડ પૉઇઝનિંગના કિસ્સામાં દર્દીઓમાં સૌથી સામાન્ય લક્ષણ ડિહાઇડ્રેશનનું જોવા મળે છે, જેનાં લક્ષણો નીચે મુજબ હોઈ શકે.

  • તીવ્ર તરસ લાગવી અને મોઢું સુકાઈ જવું
  • સામાન્ય કરતાં ઓછો પેશાબ લાગવો
  • ઊભા થતી વખતે ચક્કર આવવા કે બેભાન થઈ જવું
  • થાકનો અનુભવ
  • ચામડીની સ્થિતિસ્થાપકતા ઓછી થવી, વગેરે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન