You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સ્કૂલમાંથી પ્રવાસે ગયેલી દીકરીનું મોત કેવી રીતે થયું, દસ વર્ષથી રહસ્ય ઉકેલવાનો પ્રયત્ન પિતાને શું મળ્યું
- લેેખક, બીબીસી ન્યૂઝ બ્રાઝિલ
- પદ, સાઓ પાઉલો
- વાંચવાનો સમય: 7 મિનિટ
11 સપ્ટેમ્બર 2015ના રોજ બ્રાઝિલના સાઓ પાઉલોની વોલ્ડોર્ફ રૂડોલ્ફ સ્ટેઇનર સ્કૂલનાં વિદ્યાર્થીઓનું એક જૂથ એક ગ્રામીણ ફાર્મની શૈક્ષણિક મુલાકાતે જવા નીકળ્યું હતું.
તે જૂથમાં 17 વર્ષનાં વિક્ટોરિયા માફ્રા નતાલિની પણ હતાં. તેઓ ઘરે પરત ફરીને પોતાના માનીતા બૅન્ડ ક્વીનને જોવા માટે ઉત્સુક હતાં.
પણ, વિક્ટોરિયા તેમની આ મહેચ્છા કદી પૂરી કરી શક્યાં નહીં, કારણ કે, તે તેમના જીવનની છેલ્લી મુસાફરી બની રહી. ફાર્મ પર પહોંચ્યાના થોડા દિવસો પછી વિક્ટોરિયા ત્યાંથી મૃત હાલતમાં મળી આવ્યાં હતાં.
વિક્ટોરિયાના મોતનું રહસ્ય આશરે એક દસકાથી અકબંધ છે, પણ તેમના પિતાએ આ સમય દરમિયાન ન્યાયની તલાશ જારી રાખી અને સ્વયં કેસની તપાસ શરૂ કરી.
ઘટનાસ્થળે શું થયું હતું
34 વિદ્યાર્થીઓનું જૂથ સાઓ પાઉલોના ઇટાટિબામાં ફિન્કા પરેરાસ ખાતે થોડા દિવસ રહેવાનું હતું.
બે શિક્ષકો અને ત્રણ સર્વેક્ષણ ટેકનિશ્યનો સાથે તેમણે ગ્રામીણ મિલકતોના વિસ્તૃત મેપિંગ સહિત ગણિત અને સર્વેક્ષણની કવાયત હાથ ધરવાની યોજના ઘડી.
શાળાએ વિદ્યાર્થીઓને ફાર્મ પર મોબાઇલ ફોન લઈ જવાની પરવાનગી આપી નહોતી.
વિક્ટોરિયાના પિતા જોઆઓ કાર્લોસ નતાલિનીએ બીબીસી ન્યૂઝ બ્રાઝિલને જણાવ્યું હતું, "તેમને માતા-પિતા સાથે વાત કરવાની છૂટ નહોતી. અમને વિશ્વાસ હતો કે, શાળા તેની ફરજ નિભાવશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રવાસના પાંચમા દિવસે, વિદ્યાર્થીઓ ફાર્મના જુદા-જુદા ભાગોનું મેપિંગ કરવા માટે જૂથોમાં વહેંચાઈ ગયાં હતાં.
સ્થાનિક સમય મુજબ બપોરે અઢી વાગ્યાની આસપાસ, વિક્ટોરિયાએ તેમના સાથીઓને બાથરૂમ જવાનું કહીને લગભગ 500 મીટર દૂર આવેલા કૉટેજ તરફ જતો કાચો રસ્તો પકડ્યો.
પોલીસ તપાસ પ્રમાણે, જૂથે તે છેલ્લી વાર વિક્ટોરિયાને જોયાં હતાં.
બે કલાક પછી પણ જ્યારે વિક્ટોરિયા પરત ન ફર્યાં, ત્યારે તેમની બહેનપણીઓએ શિક્ષિકાઓને જાણ કરી અને તે પછી કિશોરીની શોધખોળ શરૂ થઈ.
નતાલિની કહે છે કે, તે સમયે તેમને એમ કહેવામાં આવ્યું હતું કે, સત્તાધિકારીઓને રાત પડ્યા પછી જાણ કરાઈ હતી.
પુત્રી ગુમ થઈ હોવાની જાણ તેમને તે જ રાતે કરવામાં આવી હતી અને તેઓ રાત્રે 11.00 વાગ્યાની આસપાસ ઘટનાસ્થળે પહોંચી શક્યા હતા.
તે ક્ષણે, વિક્ટોરિયાનું અપહરણ થયું હોવાની શક્યતા પરની વિચારણાને પગલે શોધખોળ સ્થગિત કરી દેવાઈ હતી.
બીજા દિવસે સવારે શોધખોળના પ્રયત્નો ફરી શરૂ કરવામાં આવ્યા અને થોડી જ વાર પછી પોલીસના હેલિકૉપ્ટરે ફાર્મ નજીક વિક્ટોરિયાનો મૃતદેહ શોધી કાઢ્યો.
"જ્યારે તેમણે કહ્યું કે, તેમણે વિક્ટોરિયાનો મૃતદેહ શોધી કાઢ્યો હતો, ત્યારે મને ભારે આઘાત લાગ્યો. હું ત્યાં જ ઊભો હતો. મારે ઊંડો શ્વાસ લેવો પડ્યો. તે ઘણું આકરું હતું. મારે પરિવારને જાણ કરવાની હતી અને મારી દીકરીના મૃતદેહની ઓળખ કરવાની હતી," એમ નતાલિનીએ જણાવ્યું હતું, તેઓ તેને જીંદગીનો સૌથી બદતર દિવસ ગણાવે છે.
કુદરતી મૃત્યુ કે અપરાધ?
વિક્ટોરિયાના શરીર પર ઈજાનાં કે પછી તેઓ ગુનાનો ભોગ બન્યાં હોવાનાં કોઈ સ્પષ્ટ નિશાન નહોતાં. આથી, મુખ્ય ધારણા એ હતી કે, તેમનું મોત કુદરતી કારણોસર થયું હતું.
તેમના મૃત્યુ પછી ટૂંક સમયમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ લિગલ મેડિસિન (ઇએમએલ)ના રિપોર્ટમાં "કુદરતી મૃત્યુ સૂચવતું અનિશ્ચિત કારણ" જણાવવામાં આવ્યું હતું.
ટેસ્ટ્સ મુજબ, વિક્ટોરિયાએ શરાબ કે નશીલાં દ્રવ્યોનું સેવન કર્યું ન હતું.
તે સમયે અખબારોમાં એવા પણ અહેવાલો પ્રગટ થયા હતા કે, વિક્ટોરિયાને ખેંચ આવતી હતી, પણ તેમના પરિવારે આ દાવો ફગાવી દીધો હતો.
નતાલિનીએ જણાવ્યું હતું કે, તેમની દીકરી એકદમ સ્વસ્થ હતી, વ્યવસ્થિત આહાર લેતી હતી અને રમત-ગમત ક્ષેત્રે પણ સક્રિય હતી. આથી તેમને અહેવાલનાં તારણો પર વિશ્વાસ નહોતો.
"કેટલાક દિવસો કે સપ્તાહો પછી અમે વિચાર્યું કે, આ બધું કેટલું વિચિત્ર હતું. વિક્ટોરિયાનો મૃતદેહ તે ફાર્મ હાઉસની સામેથી જ મળી આવ્યો હતો, જ્યાં તેઓ અદૃશ્ય થતાં પહેલાં જવાનાં હતાં."
"જેનાથી સવાલો ઊઠતા હતા. અમે વારંવાર સ્થાનિક પોલીસને તપાસ કરવા જણાવ્યું, પણ તેમણે તે કુદરતી મોત હોવાનું જણાવીને તપાસનો ઇનકાર કરી દીધો," એમ નતાલિનીએ જણાવ્યું હતું.
ખાસ કરીને મૃતદેહ જે સ્થિતિમાં મળ્યો હતો, તેને લઈને નતાલિનીને શંકા હતીઃ મૃતદેહ ઊંધો પડ્યો હતો અને હાથ એકબીજામાં ગૂંથાયેલા હતા.
નતાલિનીના મતે, તે સૂચવતું હતું કે, કોઈએ મૃતદેહને ખસેડ્યો હતો.
તેમણે પોતાની મેળે કેસની તપાસ કરવાનું નક્કી કર્યું અને ખાનગી ફોરેન્સિક નિષ્ણાતો રોક્યા, જેમણે તારવ્યું કે, દૃશ્યમાન ઈજાઓની ગેરહાજરી હોવા છતાં, વિક્ટોરિયાની હત્યા થઈ હતી અને તેમનો મૃતદેહ જ્યાં મળી આવ્યો, તે સ્થળે ખસેડીને લાવવામાં આવ્યો હતો.
નતાલિની કહે છે, "મેં રોકેલા નિષ્ણાતોએ મારી પુત્રીને લગતી તમામ સામગ્રીની સમીક્ષા કરી, તેનું વિશ્લેષણ કર્યું અને સમગ્ર ઘટનાક્રમનું પુનઃ નિર્માણ કર્યું, જે સૂચવતું હતું કે, તે કુદરતી મોત નહોતું," એમ નતાલિની જણાવે છે.
તેમણે ખાનગી રિપોર્ટ પોલીસને સુપરત કર્યો હતો. પરિણામ સ્વરૂપે, કેસનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવ્યું અને તે સાઓ પાઉલોના હોમિસાઇડ ઍન્ડ પ્રોટેક્શન ઑફ પર્સન્સ ડિપાર્ટમેન્ટ (ડીએચપીપી)ને સોંપવામાં આવ્યો.
2016ના પ્રારંભમાં, ડીએચપીપીએ સાઓ પાઉલોના જાહેર સુરક્ષા વિભાગના ફોરેન્સિક સેન્ટર પાસેથી નવા અહેવાલની માગણી કરી, જેમાં પુષ્ટિ થઈ કે, વિક્ટોરિયાનું મોત "મિકેનિકલ અસ્ફીક્સિએશન, સીધી ગૂંગળામણના સ્વરૂપમાં થયું હતું," જે સૂચવે છે કે, કદાચ તેમની હત્યા થઈ હતી.
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, આ પ્રકારની સીધી ગૂંગળામણ સામાન્યપણે હાથથી કરવામાં આવે છે, જે દર્શાવે છે કે, કોઈએ વિક્ટોરિયા પર હુમલો કર્યો હોઈ શકે છે.
નતાલિની માને છે કે, તેમનાં પુત્રી જ્યારે ફાર્મના હેડક્વાર્ટર તરફ જઈ રહ્યાં હતાં, ત્યારે તેમના પર અણધાર્યો હુમલો કરીને તેમની હત્યા કરવામાં આવી હતી.
નતાલિની કહે છે, "તેણે સ્વયંનો બચાવ કરવાની કોશિશ કરી હોવી જોઈએ અને હુમલાખોરને ડર લાગ્યો હશે કે વિક્ટોરિયા બૂમો પાડશે અને બધાને જણાવી દેશે."
"આથી, તેણે તેને ચૂપ કરવાનો પ્રયત્ન કર્યો. તેણે તેનું મોં અને નાક દબાવી રાખ્યાં, જેના કારણે તે ગૂંગળાઈને મૃત્યુ પામી."
અહેવાલના જવાબમાં આપેલા એક નિવેદનમાં આ પ્રવાસ જ્યાં થયો હતો, તે ફિન્કા પરેરાસે કહ્યું હતું કે, તેણે તપાસમાં સહકાર આપ્યો હતો અને તપાસકર્તાઓ તથા ફૉરેન્સિક નિષ્ણાતોને કામમાં મદદ કરી હતી.
"તેમણે જરૂર પડી, તેટલી વખત સ્ટાફના તમામ સભ્યોની પૂછપરછ કરી હતી અને તેમને જોઈતા તમામ દસ્તાવેજો બતાવવામાં આવ્યા હતા."
નિવેદનમાં ઉમેરવામાં આવ્યું હતું, "પોલીસે મહત્તમ સ્વતંત્રતા સાથે કામગીરી કરી હતી અને હંમેશાં તપાસકર્તાના આદેશોનું ચુસ્ત પાલન કર્યું હતું."
બીબીસી ન્યૂઝ બ્રાઝિલને આપેલા નિવેદનમાં સાઓ પાઉલોની સિવિલ પોલીસે તપાસમાં કોઈ નિષ્ફળતા સાંપડી હોવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે, તેમણે "તમામ સુસંગત કાનૂની પગલાં ભર્યાં હતાં."
નવું સંશોધન શું કહે છે
ફેબ્રુઆરીના પ્રારંભમાં સુપિરિયર કોર્ટ ઑફ જસ્ટિસ (ટીએસજે)ની ફોર્થ ચેમ્બરે સાઓ પાઉલોમાં આવેલી રૂડોલ્ફ સ્ટીનર વોલ્ડોર્ફ સ્કૂલને વિક્ટોરિયાના પિતાને નૈતિક નુકસાનપેટે આશરે 1,88,000 ડૉલર જેટલી રકમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
બ્રાઝિલમાં ભાવનાત્મક તણાવ, અપમાન કે પછી પ્રતિષ્ઠાને હાનિ પહોંચવા જેવા બિન-ભૌતિક નુકસાન બદલનું આ એક પ્રકારનું વળતર છે.
માર્ચમાં ક્રિમિનલ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે, વિક્ટોરિયાના ગુમ થવા અને મોતમાં પરિણમેલી બેકાળજી માટે શાળાનાં શિક્ષકો અને વહીવટકર્તાઓ કોઈ ગુનાહિત જવાબદારી ધરાવતાં નથી.
વિક્ટોરિયાના પિતા કેસની તપાસ પ્રક્રિયામાં અનિયમિતતાઓ હોવાનો આક્ષેપ કરીને આ ચુકાદા સામે અપીલ કરવાની યોજના કરી રહ્યા છે.
જોકે, અધિકારીઓએ શરૂઆતમાં વિક્ટોરિયાનું મોત કુદરતી કારણોસર થયું હોવાનું જણાવીને તપાસ અભેરાઈએ ચઢાવી દીધા પછી હવે હત્યાની તપાસ ફરીથી શરૂ કરવામાં આવી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ તપાસ આખરી તબક્કામાં છે.
સાઓ પાઉલો સ્ટેટ એજ્યુકેશન સેક્રેટરિયેટે જણાવ્યું હતું કે, તેણે તે સમયે શાળાની કામગીરીની તપાસ કરી હતી, પણ કોઈ ગેરરીતિ જણાઈ ન હતી.
શાળાએ એક અખબારી યાદીમાં કહ્યું હતું કે, તેણે "પ્રવાસ દરમિયાન સલામતીની તમામ આવશ્યક પ્રક્રિયાઓ અનુસરી હતી અને વિક્ટોરિયાની ગેરહાજરી તરફ ધ્યાન જતાં સંબંધિત અધિકારીઓનો સંપર્ક સાધવામાં આવ્યો હતો."
"વધુમાં, તે સ્પષ્ટ કરે છે કે, તેના દ્વારા હાથ ધરવામાં આવતી શાળાની અંદર અને બહારની તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં તે તેનાં વિદ્યાર્થીઓ સાથે યોગ્યતા ધરાવનારા વ્યાવસાયિકોની ટીમ પૂરી પાડે છે," એમ યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું.
યાદીમાં વિક્ટોરિયાના મૃત્યુ બદલ શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ખાતરી આપવામાં આવી હતી કે, "તપાસના પ્રથમ દિવસથી જ તે અધિકારીઓ અને ન્યાય વ્યવસ્થાને સહકાર આપવા માટે કટિબદ્ધ છે" તેમજ "વિક્ટોરિયાના મોતના સંજોગો હજુ સ્પષ્ટ થયા નથી, તે બદલ ઊંડો અફસોસ વ્યક્ત કરે છે."
"તે મારી દીકરી છે અને મને કોઈ અફસોસ નથી"
નતાલિનીએ પુત્રીના મૃત્યુનો કેસ ફરી ખોલવામાં આવ્યો હોવા છતાં મોત મામલે જવાબો શોધવાનું ચાલુ રાખ્યું છે. ત્રણ વર્ષ પહેલાં તેમણે કેસ ઉકેલવાની માગણી કરતી ઑનલાઇન પિટીશન કરી હતી, જેના પર આશરે 58,000 હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
વળી, જ્યાં સુધી પુત્રીના મોતના ચોક્કસ સંજોગો બહાર ન આવે, ત્યાં સુધી નતાલિની અભિયાન અને જાગૃતિ ફેલાવવાનું ચાલુ રાખવા માગે છે.
સોશિયલ મીડિયા પર તેઓ કેસ વિશેની અપડેટ્સ જણાવવા માટે પેજ પણ ધરાવે છે.
જેમકે, ઇન્સ્ટાગ્રામ પર તેમની પ્રોફાઇલ છે - "વિક્ટોરિયા નતાલિની લીવ્ઝ," જેના પર તેઓ કેસ વિશેના સમાચાર પોસ્ટ કરે છે.
આ ઉપરાંત નતાલિનીએ પોલીસ સમક્ષ રજૂ કરી શકાય, તેવી નવી વિગતો માલૂમ કરવા માટે ખાનગી તપાસ પણ ચાલુ રાખી છે.
તાજેતરમાં જ તેમણે માહિતી આપનાર માટે ઈનામની જાહેરાત કરી હતી.
ન્યાયની આ વણથંભી શોધની વચ્ચે તેમણે તીવ્ર માનસિક તાણ પણ સહન કરી છે, પણ તેઓ કહે છે કે, જરૂર પડ્યે તેઓ આ સઘળી કવાયત ફરીથી કરશે. "તે મારી દીકરી છે, મને કોઈ પસ્તાવો નથી," એમ તેઓ કહે છે.
ઉમેરારૂપ માહિતીઃ વિટર ટાવરેસ અને રૂટ પિના
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન