રાહુલ ગાંધીના કાફલાની ગાડીઓ ટકરાઈ, અકસ્માત વિશે શું જાણવા મળ્યું? - ન્યૂઝ અપડેટ

રાહુલ ગાંધીનો કાફલો
ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધીનો કાફલો
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ ઍક્સપ્રેસ-વે પર લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના કાફલાનાં કેટલાંક વાહનો એકબીજા સાથે અથડાઈ ગયાં.

કૉંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ બીબીસી ન્યૂઝ હિન્દીને જણાવ્યું કે 'બધા સુરક્ષિત છે'.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, અકસ્માત નાનો હતો અને કોઈને ગંભીર ઈજા થઈ નથી.

ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી (એઆઇસીસી)ના સચિવ અને ઉત્તર પ્રદેશના સહ-પ્રભારી અબ્દુલ હનાને બીબીસી હિન્દી જણાવ્યું હતું કે તેઓ પણ તે કાફલાનો ભાગ હતા અને તેમાં ઘણાં વાહનો હતાં.

હનાને કહ્યું, "એક કાર ઊભી રહી હતી, જેના કારણે તેની પાછળનાં કેટલાંક વાહનો અથડાઈ ગયાં. એક ઍમ્બ્યુલન્સ પણ તેની ટક્કરમાં ફસાઈ ગઈ હતી. પરંતુ અકસ્માત ખૂબ જ નાનો હતો. કોઈને ઈજા થઈ નથી. બધા સુરક્ષિત છે."

આ અકસ્માત સુલતાનપુર જિલ્લાના હલિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઍક્સપ્રેસ-વે પર 90 કિલોમીટર નજીક થયો હતો.

આ અકસ્માતમાં ચાર કાર અને એક ઍમ્બ્યુલન્સને અસર થઈ હતી.

હલિયાપુર પોલીસ સ્ટેશનના વડા અતુલકુમાર શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીના વાહનની પાછળ આવતી ચાર કાર અને એક ઍમ્બ્યુલન્સ એકબીજા સાથે અથડાઈ હતી.

પ્રાથમિક માહિતી મુજબ અચાનક બ્રેક મારવાને કારણે આ અકસ્માત થયો હોવાનું અનુમાન છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ સત્તાવાર જાણવા મળ્યું નથી.

કચ્છ : પાકિસ્તાનના ચાર માછીમારોને બીએસએફે પકડ્યા હોવાનો દાવો

આ તસવીર પ્રતીકાત્મક છે
ઇમેજ કૅપ્શન, આ તસવીર પ્રતીકાત્મક છે

બીએસએફે કચ્છ નજીક ભારતની જળસીમામાં પ્રવેશેલા ચાર માછીમારોને પકડી લીધા છે અને તેમની બૉટ પણ જપ્ત કરી લેવામાં આવી છે.

સમાચાર એજન્સી પીટીઆઈએ તેની પુષ્ટિ કરી છે.

પીટીઆઈને બીએસએફના અધિકારીએ જણાવ્યા અનુસાર આ કાર્યવાહી ચોક્કસ ઇન્ટેલિજન્સ ઇનપુટ પછી કરવામાં આવી હતી અને માછીમારોને કચ્છ નજીક સરક્રીક વિસ્તારમાંથી 25 ઑક્ટોબરે પકડી લેવામાં આવ્યા હતા.

બીએસએફે આપેલી માહિતી અનુસાર આ ચાર માછીમારોની ઓળખ કાદિર થેમોર, મુહમ્મદ મુસ્સા, અઝગર થેમોર અને અહસાન જાટ તરીકે કરવામાં આવી છે.

અહીં ઉલ્લેખનીય છે કે સરક્રીક એ એક સાંકડી ખાડી છે જે કચ્છના રણમાં આવેલી છે અને ગુજરાતના કચ્છ તથા પાકિસ્તાનના સિંધને કિનારાને જોડે છે.

અરુણાચલ પ્રદેશ : ડૅમની યોજના સામે વિરોધપ્રદર્શન હિંસક બન્યું, રેપિડ ઍક્શન ફૉર્સની બે કંપની મોકલાઈ

અરૂણાચલ પ્રદેશમાં હિંસા
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સિયાંગ નદી પર પ્રસ્તાવિત 11200 મેગાવોટના બહુહેતુક પ્રોજેક્ટ સામેનો વિરોધ હિંસક બન્યા બાદ અરુણાચલ પ્રદેશમાં સુરક્ષા કડક કરવામાં આવી છે.

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, કેન્દ્ર સરકારે પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે રેપિડ ઍક્શન ફૉર્સ (આરએએફ)ની બે કંપની પાસીઘાટ મોકલી છે.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, પૂર્વ સિયાંગ જિલ્લાના પાસીઘાટમાં આગચંપી અને તોડફોડની ઘટનાઓ સામે આવ્યા બાદ આ સમાચાર આવ્યા છે.

ગૃહ મંત્રાલયની સૂચનાને આધારે નવી મુંબઈથી લગભગ 250 આરએએફ જવાનોને ભારતીય વાયુસેનાના પરિવહન વિમાન દ્વારા અરુણાચલ પ્રદેશ મોકલવામાં આવ્યા છે.

અહીં ઉલ્લેખનીય છે કે સિયાંગ નદી પરના આ પ્રસ્તાવિત મોટા બંધ પ્રોજેક્ટને સ્થાનિક વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. અરુણાચલ પ્રદેશના મુખ્ય મંત્રી પેમા ખાંડુએ જણાવ્યું છે કે આ પ્રોજેક્ટ વિશે ખોટી માહિતી અને ગેરસમજો લોકોમાં આશંકા પેદા કરી રહી છે.

બે દિવસ પહેલાં તેમણે સમાચાર એજન્સી પીટીઆઈને કહ્યું હતું કે, "હું લોકોને ઇટાનગર આવવા અથવા સિયાંગ અપર મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ પર ચર્ચા કરવા માટે મને પાસીઘાટ બોલાવવા આમંત્રણ આપું છું. બંધનું એલાન કે હિંસા દ્વારા સમસ્યાઓનો ઉકેલ લાવી શકાતો નથી. આ પ્રોજેક્ટ લોકોની સંમતિથી આગળ વધશે."

સર્બિયા : વિદ્યાર્થી આંદોલનમાંથી ઊભરી આવેલી પાર્ટીએ મેળવ્યો વિજય

સર્બિયામાં વિદ્યાર્થી આંદોલનના નેતાઓ

સર્બિયાના લાંબા સમયથી શાસક નેતા ઍલેક્ઝાન્ડર વુસિકે સંસદીય ચૂંટણીઓમાં વિદ્યાર્થી આંદોલન સામે હાર સ્વીકારી લીધી છે.

તેમણે રવિવારે મોડી રાત્રે કહ્યું, "અમારી પાસે હજુ સુધી અંતિમ પરિણામો નથી, પરંતુ એ સ્પષ્ટ છે કે અમે આ ચૂંટણી હારી ગયા છીએ."

જમણેરી લોકપ્રિય નેતા વુસિકે હાર સ્વીકારી લીધા બાદ દેશભરમાં ઉજવણી થઈ હતી.

વિજેતા પક્ષ સ્ટુડન્ટ લિસ્ટના નેતા ઇલિજા સ્રદાનોવિચે બીબીસી સર્બિયનને જણાવ્યું હતું કે, "સર્બિયા હવે એક ફ્રી સ્ટેટ બનશે."

સર્બિયાના ચૂંટણીપંચના પ્રારંભિક આંકડા અનુસાર, આ વખતે રેકૉર્ડ સંખ્યામાં લોકોએ મતદાન કર્યું હતું. ટીકાકારોનું માનવું હતું કે ઊંચું મતદાન વિદ્યાર્થી આંદોલનને ફાયદો કરાવી શકે છે.

ભ્રષ્ટાચાર સામે બે વર્ષથી વિરોધપ્રદર્શનો ચાલી રહ્યાં હતાં.

બે વર્ષના વિરોધ પછી વુસિકે વહેલી ચૂંટણી કરાવવાનો નિર્ણય લીધો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન