ગુજરાતમાં આગામી 3 દિવસ હજી ભારેથી અતિભારે વરસાદની શક્યતા, હવે આ જિલ્લાઓમાં વધશે વરસાદનું જોર

ઇમેજ સ્રોત, IMD
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં હજી આગામી 3થી 4 દિવસ સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત બાદ હવે રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે.
હવામાન વિભાગ પ્રમાણે 28 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદનું જોર રહેશે અને ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે અને અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
હાલ જે સિસ્ટમ ગુજરાતની પાસેથી પસાર થવાની છે તે મજબૂત થઈ ગઈ છે અને તે લૉ-પ્રેશર એરિયા બની ગયો છે. હવામાન વિભાગ પ્રમાણે તે પશ્ચિમ અને દક્ષિણ તરફ નમેલો છે. જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.
હજી આ સિસ્ટમ ગુજરાત પર ત્રણથી ચાર દિવસ સુધી અસર કરશે અને લગભગ 30 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના છે.
આજે રાજ્યના તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યા પછી હવે મધ્ય ગુજરાતમાં પણ ધમધોકાર વરસાદ પડ્યો છે અને સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ચોમાસું વધારે સક્રિય થયું છે.
ગુરુવારથી શુક્રવારની સવાર સુધીમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થયો જેમાં નવસારી, સુરત, વલસાડ, તાપી, અમદાવાદ અને ખેડા જિલ્લા અગ્રેસર છે.
હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દાદરા અને નગર હવેલીમાં છેલ્લા ચોવીસ કલાકમાં અસાધારણ ભારે વરસાદ પડ્યો છે. એટલે કે એક જ દિવસમાં 30 સેમી કરતાં વધુ વરસાદ થયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં અમુક જગ્યાએ ભારે ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે જેમાં નવસારી, સુરત, તાપી, ભરુચ, નર્મદાના કેટલાક વિસ્તારોનોનો સમાવેશ થાય છે.
હાલમાં દક્ષિણ-પૂર્વ રાજસ્થાનથી લઈને ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ પર એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જે સમુદ્રની સપાટીથી 7.6 કિમીની ઉંચાઈએ સ્થિત છે.
તેવી જ રીતે જમ્મુ અને આસપાસના પ્રદેશો પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની રચના થઈ છે.
અત્યારે સાઉથ ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર છત્તીસગઢ, ઝારખંડ, ગંગા કિનારાના પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ પર સમુદ્રની સપાટીથી 4.5 કિમીની ઉંચાઈએ એક ઇસ્ટ-વેસ્ટ શિયર ઝોન સક્રિય છે.
રાજ્યમાં કઈ જગ્યાએ ધમધોકાર વરસાદ પડ્યો

ઇમેજ સ્રોત, Rupesh Sonwane
શુક્રવારે સવારના છ વાગ્યા સુધી છેલ્લા ચોવીસ કલાકના ડેટા પ્રમાણે ખેડાના મહેમદાબાદ તાલુકામાં સૌથી વધુ 20 ઇંચ વરસાદ પડ્યો છે. ત્યાર પછી અમદાવાદના ધોળકામાં 18.62 ઇંચ, નવસારીના ચીખલીમાં 18 અને ખેરગામમાં 17 ઇંચ, વલસાડના ઉમરગામમાં 17 ઇંચ વરસાદ પડ્યો છે સુરતના ઉમરપાડામાં પણ ચોવીસ કલાકમાં 17 ઇંચ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત માતરમાં 16 ઇંચ કરતાં વધુ અને ખેડામાં 15 ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારીના ગણદેવી, વાંસદા, ડાંગના વઘઈ જેવા વિસ્તારોમાં પણ 13થી 14 ઇંચ સુધી વરસાદ પડ્યો છે.
આ ઉપરાંત અમદાવાદના વિરમગામમાં 24 કલાકમાં 15 ઇંચ, ખેડાના નડિયાદમાં 13 ઇંચ, અમદાવાદના માંડલમાં 12 ઇંચ, વલસાડના પારડીમાં 12 ઇંચ, અમદાવાદ શહેરમાં 11.65 ઇંચ, બાવળામાં પણ 11.65 ઇંચ, ખેડાના વાસોમાં 11.60 ઇંચ, અમદાવાદના દસક્રોઈમાં 11.57 ઇંચ, તાપીના ડોલવણમાં 11.46 ઇંચ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં હવે ક્યાં ભારેથી અતિભારે વરસાદ પડશે?

ઇમેજ સ્રોત, imd
હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 24 જુલાઈ, શુક્રવારે ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં રેડ ઍલર્ટ જાહેર કરાયું છે અને અહીં અત્યંત ભારે વરસાદ પડી શકે છે.
જ્યારે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં યલો ઍલર્ટની ઘોષણા કરવામાં આવી છે. અહીં છૂટાંછવાયાં સ્થળે ભારે વરસાદ પડી શકે છે.
રાજ્યના બાકીના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.

ઇમેજ સ્રોત, imd
શનિવાર, 25 જુલાઈએ પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં કેટલાંક સ્થળે અત્યંત ભારે વરસાદ પડી શકે છે અને તેના માટે રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, સુરેન્દ્રનગરમાં ઑરેન્જ ઍલર્ટ છે અને અહીં છૂટાંછવાયાં સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, નર્મદા, ડાંગ અને તાપી તથા અમરેલી, ભાવનગર અને બોટાદમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યના બાકીના ભાગોમાં રવિવારે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.
આગામી સોમવારે સાબરકાંઠા અને અરવલ્લીમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જ્યારે મંગળવારે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
બુધવારે બનાસકાંઠા, વાવ-થરાદ, મહેસાણા અને સાબરકાંઠામાં ભારે વરસાદ પડવાની આગાહી છે. અમદાવાદમાં આજે વાતાવરણ વાદળછાયું રહેશે અને સમયાંતરે કેટલાક ઝાપટાં પડવાની શક્યતા છે.
હવે કોઈ તાલુકો વરસાદ વગરનો નથી

ઇમેજ સ્રોત, GSDMA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ચોમાસાની લગભગ અડધી સિઝન પસાર થઈ ગઈ છે ત્યારે પહેલી વખત એવું બન્યું છે જ્યારે રાજ્યનો કોઈ તાલુકો વરસાદ વગરનો નથી. અત્યાર સુધી કચ્છના એક-બે તાલુકામાં બિલકુલ વરસાદ પડ્યો ન હતો, પરંતુ હવે રાજ્યના દરેક તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે.
છેલ્લી સ્થિતિ પ્રમાણે કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં 6.32 ટકા વરસાદ પડ્યો છે, જ્યારે નવસારીમાં સિઝનનો 94 ટકા અને વલસાડમાં 90 ટકા વરસાદ પડી ગયો છે. આ બંને જિલ્લા વરસાદમાં સૌથી આગળ છે.
અન્ય જિલ્લાઓમાં સુરતમાં 77 ટકા, ભરુચમાં 55 ટકા, અમદાવાદમાં 59 ટકા, વડોદરામાં 32 ટકા અને રાજકોટમાં પણ 32 ટકા વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફક્ત 2.14 ટકા વરસાદ પડ્યો છે અને જામનગરમાં 16 ટકા વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના આ જિલ્લાઓની સ્થિતિ ચિંતાજનક છે જેમાં પોરબંદર પણ સામેલ છે જ્યાં માત્ર 14 ટકા વરસાદ પડ્યો છે.
ભૌગોલિક પ્રદેશો જોવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 74 ટકા, સૌરાષ્ટ્રમાં 39 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 36 ટકા, ઉત્તર ગુજરાતમાં 22 ટકા અને કચ્છમાં 6.32 ટકા વરસાદ નોંધાયો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





















