ખેડા : 8 મહિનાની બાળકી LED બલ્બ ગળી ગઈ, પછી શું થયું? – ન્યૂઝ અપડેટ

ખેડા : 8 મહિનાની બાળકી LED બલ્બ ગળી ગઈ, પછી શું થયું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, NACHIKETA MEHTA

ઇમેજ કૅપ્શન, રિયા તેની માતા આરતીબહેન મારવાડી સાથે.
પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

ખેડા જિલ્લાના નડિયાદમાં 8 મહિનાની બાળકીના ગળામાં ફસાયેલા એલઈડી બલ્બને ડૉક્ટરો દ્વારા ઑપરેશન કરીને કાઢવામાં આવ્યો હતો.

મહેમદાવાદની 8 મહિનાની બાળકી રિયા મારવાડીને અચાનક શ્વાસ લેવાની તકલીફ પડવા લાગી અને તે ઊલટી કરવા લાગી. રિયાનાં માતા તેમને લઈને નડિયાદની ડૉ. એનડી દેસાઈ હૉસ્પિટલમાં આવ્યાં.

ડૉક્ટરોએ જ્યારે રિયાના ગળાનો ઍક્સ-રે કાઢ્યો તો તેઓ ચોંકી ગયા. તારણ એ આવ્યું કે તેની શ્વાસનળીમાં એક ધાતુની વસ્તુ ફસાયેલી હતી.

હૉસ્પિટલના ડૉક્ટરોએ તરત જ બાળકીનું ઑપરેશન હાથ ધર્યું અને ગળામાં ફસાયેલી ધાતુની વસ્તુ બહાર કાઢી, જ્યારે આ ધાતુની વસ્તુ બહાર આવી ત્યારે ડૉક્ટરોને ખબર પડી કે આ ધાતુની વસ્તુ બીજું કંઈ નહીં પરંતુ એલઈડી બલ્બ હતો. જે વાયર સાથે ગળામાં ફસાઈ ગયો હતો.

ડૉ. એનડી દેસાઈ હૉસ્પિટલનાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. પ્રિયંકા ભગતે બીબીસીના સહયોગી નચિકેત મહેતાને જણાવ્યું, "આ કટોકટીનો કેસ હતો. જો ધાતુની એ વસ્તુ થોડી વધારે નીચે ગઈ હોત તો તેને બહાર કાઢવી મુશ્કેલ બનત. અમારી હૉસ્પિટલની ઈએનટીની આખી ટીમ આ ઑપરેશનમાં હતી અને સફળતાપૂર્વક આ સર્જરી કરીને એ વસ્તુને બહાર કાઢી. તે એલઈડી બલ્બ હતો જે વાયર સાથે જોડાયેલો હતો. હવે બાળકીને સારું છે અને તે હસે-રમે છે."

રિયાનાં માતા આરતીબહેન મારવાડીએ પણ હૉસ્પિટલના ડૉક્ટરો અને સ્ટાફનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે હવે રિયાને હાલ કોઈ તકલીફ નથી.

રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાની કોશિશો વચ્ચે અમેરિકન રાજદૂત રશિયા પહોંચ્યા

રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાની કોશિશો વચ્ચે અમેરિકન રાજદૂત રશિયા પહોંચ્યા – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, અમેરિકન રાજદૂત રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે અલગ-અલગ મુલાકાત કરશે

યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવાની કોશિશોમાં ઝડપ લાવવા માટે થનારી વાતચીત પહેલાં, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બે ટોચના રાજદૂત રશિયા પહોંચી ગયા છે.

સ્ટીવ વિટકૉફ અને જેરેડ કુશ્નરને શનિવારે રશિયા પહોંચી ગયા છે, જ્યાં તેઓ વાતચીત કરશે અને ત્યારબાદ રવિવારે યુક્રેન સાથે ચર્ચા માટે કિએવ જશે.

ટ્રમ્પે શુક્રવારે પત્રકારોને કહ્યું કે તેઓ બંને "યુદ્ધ ખતમ કરવાનો પ્રસ્તાવ લઈને આવી રહ્યા છે". અત્યાર સુધી, શાંતિ સમજૂતી કરાવવા માટે અમેરિકા અને તેના સહયોગીઓની કોશિશોને કોઈ ખાસ સફળતા મળી નથી.

અમેરિકન સમાચાર આઉટલેટ ઍક્સિયોસે અહેવાલ આપ્યો છે કે અમેરિકન રાજદૂત રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે અલગ-અલગ મુલાકાત કરશે.

મૉસ્કોના વનુકોવો ઍરપૉર્ટ પર ઉતર્યા પછી વિટકોફ અને કુશ્નરની રશિયન રાજદૂત કિરિલ દિમિત્રિયેવ સાથે મુલાકાતની તસવીરો સામે આવી છે.

બોલીવિયાના સૈન્ય બરાકમાં વિસ્ફોટ, કેટલાક લોકોનાં મોત

બોલીવિયાના સૈન્ય બરાકમાં વિસ્ફોટ, કેટલાક લોકોનાં મોત – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, વધુ એક વિસ્ફોટની આશંકાને કારણે લોકોને બરાકથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દક્ષિણ અમેરિકન દેશ બોલીવિયાના એક સૈન્ય બરાકમાં થયેલા વિસ્ફોટ બાદ ઓછામાં ઓછા બે લોકોનાં મોત થયાં છે, જોકે અધિકારીઓને આશંકા છે કે મૃતકોની સંખ્યા તેનાથી વધુ હોઈ શકે છે.

બોલીવિયાના સંરક્ષણ પ્રધાન અર્નેસ્ટો હૂસ્ટિનિયાનોએ જણાવ્યું કે સ્થાનિક સમય અનુસાર શુક્રવારે બપોરે લગભગ 14:30 વાગ્યે બરાકમાં રાખેલી "પાયરોટેકનિક સામગ્રી" (આતશબાજીના સામાન)માં વિસ્ફોટ થયો હતો. આ બરાકમાં એક આર્ટિલરી રેજિમેન્ટ તહેનાત છે.

તેમણે જણાવ્યું કે આ ઘટનામાં ઓછામાં ઓછા 58 લોકો ઘાયલ થયા છે.

સમાચાર એજન્સી રૉયટર્સના જણાવ્યા અનુસાર, આરોગ્ય અધિકારી રીટૂ નુબ્રાસ્કોએ સ્થાનિક ટેલિવિઝનને જણાવ્યું કે લા પાઝથી લગભગ 30 કિલોમીટર દૂર બિયાચામાં બનેલી આ ઘટનામાં 10થી 15 લોકોનાં મોત થયાં હોવાની આશંકા છે.

પોલીસે જણાવ્યું છે કે વિસ્ફોટના કારણે ડઝનોથી વધુ મકાનોને નુકસાન પહોંચ્યું છે. રાહત અને બચાવ કાર્યકરો કાટમાળમાં લોકોની શોધખોળ કરી રહ્યા છે.

નુબ્રાસ્કોએ જણાવ્યું કે વધુ એક વિસ્ફોટનું જોખમ હજુ પણ છે. તેમણે લોકોને સૈન્ય મથકથી ઓછામાં ઓછા 150 મીટર દૂર રહેવાની અપીલ કરી છે.

પોલીસ પ્રવક્તા રોજર રોકાએ સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું કે બરાકમાં આતશબાજીનો સામાન સંગ્રહિત કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે વિસ્ફોટનું કારણ જાણવા તપાસ ચાલી રહી છે.

બિયાચાના અધિકારીઓએ ત્રણ દિવસના શોકની જાહેરાત કરી છે.

ખાર્ગ દ્વીપ નજીક ઑઇલ ટૅન્કર પર અમેરિકી મિસાઇલોથી હુમલો થયો હોવાનો ઈરાની મીડિયાનો દાવો

નાનું હોવા છતાં ઑઇલના નિકાસની દૃષ્ટિએ ખાર્ગ દ્વીપ ઈરાન માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે (ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નાનું હોવા છતાં ઑઇલના નિકાસની દૃષ્ટિએ ખાર્ગ દ્વીપ ઈરાન માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે (ફાઇલ ફોટો)

ઈરાની મીડિયાના જણાવ્યા અનુસાર, ઈરાનના મુખ્ય ઑઇલ નિકાસ ટર્મિનલ ખાર્ગ દ્વીપ નજીક વિસ્ફોટોના અવાજો સંભળાયા છે.

બીબીસી ફારસીના મુજબ, આ વિસ્ફોટોનું કારણ હજુ અજ્ઞાત છે, પરંતુ કેટલાંક ઈરાની મીડિયા આઉટલેટ્સે સ્થાનિક સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે એક ઈરાની ટૅન્કરને નિશાન બનાવવામાં આવ્યું હતું.

ઈરાની સરકારની નજીક ગણાતા મીડિયા આઉટલેટ નૂર ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર અમેરિકી સેનાએ ખાર્ગ દ્વીપ નજીક એક ઈરાની ટૅન્કર પર મિસાઇલ હુમલો કર્યો છે. જોકે, આ અહેવાલોની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

ખાર્ગ દ્વીપ પર હાજર ફાર્સ ન્યૂઝના એક સંવાદદાતાએ જણાવ્યું કે ફારસની ખાડી તરફથી વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા, પરંતુ ધુમાડાનાં કોઈ નિશાન જોવા મળ્યાં નહોતાં.

ઈરાની અધિકારીઓએ અત્યાર સુધી આ અહેવાલો અંગે કોઈ નિવેદન જાહેર કર્યું નથી.

સ્ટૂડન્ટ ન્યૂઝ એજન્સીએ પણ નૂર ન્યૂઝની જેમ સ્થાનિક સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે ખાર્ગ દ્વીપ પર આવેલા એક ઈરાની ટૅન્કરને અમેરિકી સેનાની મિસાઈલોથી નિશાન બનાવવામાં આવ્યું છે.

ન્યૂ યૉર્કના મેયર ઝોહરાન મમદાનીએ સરકારી શાળાઓમાં AIના ઉપયોગ પર રોક લગાવી

ન્યૂ યૉર્કના મેયર ઝોહરાન મમદાનીએ સરકારી શાળાઓમાં AIના ઉપયોગ પર રોક લગાવી

ઇમેજ સ્રોત, Reuters

અમેરિકામાં ન્યૂ યૉર્કના મેયર ઝોહરાન મમદાનીએ શહેરની સરકારી શાળાઓમાં જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉપયોગ પર અસ્થાયી પ્રતિબંધની જાહેરાત કરી છે.

જનરેટિવ એઆઈ, જેમ કે ChatGPT, એવા ઍલ્ગોરિધમ છે જે વપરાશકર્તા દ્વારા આપવામાં આવેલા નિર્દેશો અથવા પ્રૉમ્પ્ટના આધારે સામગ્રી (કન્ટેન્ટ) તૈયાર કરી શકે છે.

ઝોહરાન મમદાનીએ જાહેરાત કરી કે આગામી શૈક્ષણિક સત્રથી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ, એટલે કે 14 વર્ષની ઉંમર સુધીનાં બાળકોને એઆઈનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

આ નિર્ણયથી અંદાજે 6 લાખ વિદ્યાર્થીઓ પ્રભાવિત થશે.

મમદાનીએ કહ્યું, "બાળકોને શીખવા અને આગળ વધવા માટે તેમના શિક્ષકો અને માનવીય જોડાણની જરૂર હોય છે."

"તેમને પોતાના સાથી વિદ્યાર્થીઓ સાથે મળીને કુશળતાઓ વિકસાવવાની, શિક્ષકો સાથે સંબંધ બાંધવાની અને મુશ્કેલ સમસ્યાઓનો જાતે સામનો કરવાની જરૂર છે."

આ નીતિ હેઠળ શાળાઓમાં બાળકોના સ્ક્રીન ટાઇમ અંગે નવા માર્ગદર્શક નિયમો પણ અમલમાં મૂકવામાં આવશે.

ભલામણ કરવામાં આવી છે કે ત્રીજીથી પાંચમા ધોરણના વિદ્યાર્થીઓનો શાળામાં સ્ક્રીન ટાઇમ 30 મિનિટ સુધી મર્યાદિત હોવો જોઈએ.

જ્યારે છઠ્ઠાથી આઠમા ધોરણના વિદ્યાર્થીઓ માટે આ મર્યાદા 45 મિનિટ રહેશે.

હાઇસ્કૂલ સહિત તમામ ધોરણોના વિદ્યાર્થીઓ માટે કમ્પેનિયન ચૅટબોટના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે.

હાઇસ્કૂલના વિદ્યાર્થીઓને વર્ષમાં બે વખત AI વિશેની માહિતી અને જાગૃતિ માટે અભ્યાસ કરવો પડશે.

આ ઉપરાંત, સમગ્ર વર્ષ દરમિયાન એઆઈ શિક્ષણ સંબંધિત કાર્યક્રમોની સમીક્ષા અને તપાસ કરવામાં આવશે.

મેયર મમદાનીએ જણાવ્યું કે આ નીતિની સમગ્ર વર્ષ દરમિયાન નજીકથી દેખરેખ રાખવામાં આવશે.

તેમણે કહ્યું કે આ નીતિ "પથ્થરમાં લખાયેલી રેખા" જેવી કાયમી નથી, અને અધિકારીઓ સતત મૂલ્યાંકન કરશે કે આ નીતિ અસરકારક સાબિત થાય છે કે નહીં.

ટ્રમ્પે ઈરાન સાથેના યુદ્ધને ગણાવ્યું 'સામાન્ય બાબત', નવા હુમલાની ચેતવણી આપી

ટ્રમ્પે સાથે જ કહ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ કોઈ મોટી બાબત નથી

ઇમેજ સ્રોત, Kevin Dietsch/Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પે કહ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ કોઈ મોટી બાબત નથી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે અમેરિકા ટૂંક સમયમાં ઈરાનમાં આવેલા કલાંગ પર્વત પર હુમલો કરી શકે છે.

નતાન્ઝ પરમાણુ સંયંત્ર નજીક આવેલું માઉન્ટ કલાંગ એક મજબૂત સુરક્ષાવાળું ઠેકાણું છે, જેમાં બે બહુ ઊંડી સુરંગ છે.

ટ્રમ્પે સાથે જ કહ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ કોઈ મોટી બાબત નથી.

તેમણે કહ્યું, "ઘણા લોકો તેને યુદ્ધ કહેતા નથી, હું તેને સૈન્ય સંઘર્ષ કહું છું, કારણ કે અમારા માટે તે ખૂબ જ નાનો મુદ્દો છે. આ કોઈ મોટી વાત નથી."

ટ્રમ્પે વધુમાં કહ્યું, "અમે વેનેઝુએલામાં કાર્યવાહી કરી હતી અને તેને સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. વેનેઝુએલામાં અમને કોઈ જાનહાનિ થઈ નહોતી. ઈરાન સાથેના સંઘર્ષમાં અમે 18 લોકોને ગુમાવ્યા છે. જ્યારે વિયેતનામમાં અમે એક લાખ લોકો ગુમાવ્યા હતા."

આ પહેલાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પણ કહ્યું હતું કે ઈરાનમાં છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલી અમેરિકી સૈન્ય કાર્યવાહીને યુદ્ધ કહી શકાય નહીં.

તેમણે આ ઘટનાને "સૈન્ય સંઘર્ષ" તરીકે વર્ણવી હતી અને જણાવ્યું હતું કે અમેરિકા માટે આ "ખૂબ જ સામાન્ય અને મર્યાદિત સ્તરની કાર્યવાહી" છે.

ડ્રગ ટેસ્ટ પૉઝિટિવ આવ્યા બાદ 'થાઇલૅન્ડ-દિલ્હી ફ્લાઇટ'ના પાઇલટને નોકરીમાંથી કાઢી મૂક્યો

4 ઑગસ્ટના રોજ ઉડાન દરમિયાન ઍર ઇન્ડિયાના એક વિમાનની ઊંચાઈ અચાનક અંદાજે 300 ફૂટ ઘટી જતાં પાઇલટની તપાસ ચાલી રહી હતી. (સાંકેતિક તસવીર)

ઇમેજ સ્રોત, Bloomberg via Getty Images

ઇમેજ કૅપ્શન, 4 ઑગસ્ટના રોજ ઉડાન દરમિયાન ઍર ઇન્ડિયાના એક વિમાનની ઊંચાઈ અચાનક અંદાજે 300 ફૂટ ઘટી જતાં પાઇલટની તપાસ ચાલી રહી હતી. (સાંકેતિક તસવીર)

ઍર ઇન્ડિયાએ ફૂકેત-દિલ્હી ફ્લાઇટના પાઇલટ-ઇન-કમાન્ડની સેવા સમાપ્ત કરી દીધી છે. પાઇલટનો ડ્રગ ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ઍરલાઇન દ્વારા આ જાહેરાત ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઇબી)ની ફૂકેત ફ્લાઇટ ઘટનાને લગતા પ્રાથમિક તપાસ રિપોર્ટ જાહેર થયાના થોડા કલાકો બાદ કરવામાં આવી હતી.

રિપોર્ટમાં પાઇલટ દ્વારા નશીલા પદાર્થોના ઉપયોગને ગંભીર ચિંતાનો વિષય ગણાવાયો હતો અને નિયામક ડીજીસીએને યોગ્ય કાર્યવાહી કરવા કહ્યું હતું.

ઍર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું, "ફૂકેત-દિલ્હી ફ્લાઇટના પાઇલટ-ઇન-કમાન્ડનો સાઇકોઍક્ટિવ (નશીલા) પદાર્થ માટેનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હતો."

"સુરક્ષા અને ફ્લાઇટ માટેની યોગ્યતા સંબંધિત માપદંડોના ઉલ્લંઘન બાબતે ઍર ઇન્ડિયાની ઝીરો-ટૉલરન્સ નીતિ હેઠળ પાઇલટની નોકરી તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવી છે."

બરાબર એક મહિના પહેલાં, 4 ઑગસ્ટે, ફૂકેતથી દિલ્હી આવી રહેલા ઍર ઇન્ડિયાના ઍરબસ A320 વિમાનની ઊંચાઈ અચાનક અંદાજે 91 મીટર (300 ફૂટ) ઘટી ગઈ હતી.

આ ઘટનામાં 13 મુસાફરો અને ચાર ક્રૂ સભ્યો ઘાયલ થયા હતા. 137 મુસાફરો અને આઠ ક્રૂ સભ્યોને લઈને ઊડી રહેલું આ વિમાન બાદમાં દિલ્હીમાં સુરક્ષિત રીતે ઊતર્યું હતું.

આ જ ઘટનાની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પાઇલટે નશીલા પદાર્થોનું સેવન કર્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન