રાહુલ ગાંધીએ મોદી સરકાર પાસે પાંચ માંગણીઓ કરી, ઉદ્ધવ અને મહુઆ પણ જંતર-મંતર પહોંચ્યાં

ઇમેજ સ્રોત, Reuters/@Cockroachisback
લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને સરકાર પાસે પાંચ માંગણીઓ મુકી છે.
તેમણે છત્રસાલ સ્ટેડિયમમાં અટકાયતમાં લેવાયા તે દરમિયાન આ વીડિયો શૂટ કર્યો હતો, જેને ત્યાર પછી ઍક્સ પર પોસ્ટ કર્યો હતો.
રાહુલ ગાંધીએ વીડિયોમાં જણાવ્યું છે કે તેમણે પીએમ આવાસની બહાર ધરણા કરવાનો કેમ નિર્ણય લીધો.
સાથે સાથે શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરે અને તૃણમૂલ કૉંગ્રેસનાં નેતા મહુઆ મોઇત્રા સહિત ઘણાં લોકો જંતર-મંતર પર ધરણા પર બેસેલા વિદ્યાર્થીઓને ટેકો આપવા પહોંચ્યાં હતાં.
રાહુલ ગાંધીએ વીડિયોમાં કહ્યું કે તેમણે લોકસભાના સ્પીકર ઓમ બિરલાની મુલાકાત કરીને વિદ્યાર્થીઓના મુદ્દે સંસદમાં ચર્ચાની માંગણી કરી હતી. તેના જવાબમાં સ્પીકરે તેમને સરકારની મંજૂરી લેવા માટે કહ્યું.
રાહુલ ગાંધીએ કહ્યું કે "મને દિવસ દરમિયાન સરકારનો આવો કોઈ ઇરાદો ન દેખાતા અમે પીએમ આવાસ બહાર ધરણા કરવાનો નિર્ણય લીધો, જેથી વિદ્યાર્થીઓ સાથે જે થઈ રહ્યું છે તેના તરફ દેશનું ધ્યાન આકર્ષી શકીએ."
રાહુલના સવાલો અને પાંચ માંગણીઓ
રાહુલ ગાંધીએ જણાવ્યું કે શિક્ષણ તંત્ર કેમ બરબાદ થઈ રહ્યું છે? પેપર કેમ લીક થઈ રહ્યાં છે? ભારતમાં શિક્ષણ આટલું મોંઘું કેમ છે? બાળકોને ભણાવવા માટે લોકો નાણાકીય રીતે કેમ બરબાદ થઈ રહ્યા છે? આવા સવાલો પૂછવામાં કોઈ વાંધો હોવો ન જોઈએ.
રાહુલ ગાંધીએ સરકાર સમક્ષ પાંચ માંગણીઓ રાખી છે.
- ગૃહમંત્રી અમિત શાહ અને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામાં આપે.
- જે લોકોએ વિદ્યાર્થીઓને ફટકાર્યા અને અપમાનિત કર્યા, તેમની સામે કાર્યવાહી કરવામાં આવે.
- વિદ્યાર્થીઓ સામે જે કેસ થયા છે તે પાછા ખેંચવામાં આવે.
- સંસદમાં આ મામલે ચર્ચા થાય.
- મોદીજીની સરકાર અને તેમના ગૃહમંત્રીએ વિદ્યાર્થીઓ સાથે જે વ્યવહાર કર્યો, તે બદલ તેઓ દેશની માફી માંગે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધર્મેન્દ્ર પ્રધાને રાહુલ ગાંધીની ટીકા કરી

ઇમેજ સ્રોત, Raj K Raj/Hindustan Times via Getty Images
દરમિયાન જેમના રાજીનામાની માંગણી સાથે આંદોલન ચાલી રહ્યું છે તે કેન્દ્રિય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિદ્યાર્થીઓનો ઉપયોગ કરીને સંસદના ચોમાસુ સત્રમાં અવરોધ પેદા કરવા માંગે છે.
તેમણે મંગળવારે રાતે ઍક્સ પર લખ્યું કે "રાહુલ ગાંધીએ વડા પ્રધાનના ઘરની બહાર ધરણા કર્યા, જેના કારણે સામાન્ય લોકોને પરેશાની થઈ."
તેમણે રાહુલ ગાંધી પર વિદ્યાર્થીઓનો સતત રાજકીય ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે "સરકારે ચર્ચા કરવા માટે પોતાની તૈયારી સ્પષ્ટ કરી હતી. આમ છતાં કૉંગ્રેસે લોકતાંત્રિક વાતચીતની જગ્યાએ રાજકીય પ્રદર્શનનો માર્ગ પસંદ કર્યો. તેમનો હેતુ વિદ્યાર્થીઓની સમસ્યાનો ઉકેલ લાવવાનો નહીં, પરંતુ રાજનૈતિક ચર્ચામાં આવવા માટે અવરોધ પેદા કરવાનો હતો."
ઉદ્ધવ ઠાકરે અને મહુઆ મોઇત્રા જંતર-મંતર પહોંચ્યાં

ઇમેજ સ્રોત, @MahuaMoitra
મંગળવારે રાતે ઘણા નેતાઓ પણ વિદ્યાર્થીઓના આંદોલનને ટેકો આપવા જંતર-મંતર પહોંચ્યા હતા. કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)એ પોતાના ઍક્સ હેન્ડલ પર ઠાકરે અને મહુઆ મોઇત્રાનો આભાર માન્યો હતો.
દરમિયાન સેન્ટ્રલ દિલ્હીના ઘણા વિસ્તારોમાં પોલીસે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારે બેરિકેડિંગ કર્યું છે. સંસદ ભવન અને તેની આસપાસના વિસ્તારોમાં બુધવારે પણ પ્રદર્શન થશે એવી ધારણાથી સુરક્ષા વધારી દેવાઈ છે.
કેરળ અને આસામમાં કૉંગ્રેસના કાર્યકરોએ દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને પછી કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધીને અટકાયતમાં લેવા સામે વિરોધપ્રદર્શનો કર્યાં હતાં.
અલીગઢમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓએ અખિલેશ યાદવને અટકાયતમાં લેવા સામે પ્રદર્શનો કર્યાં હતાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















