બિસલેરીએ FSSAIની નોટિસ અંગે આપી સ્પષ્ટતા, કહ્યું: 'અમારું પાણી પીવા માટે સુરક્ષિત છે' – ન્યૂઝ અપડેટ

બિસલેરીએ જણાવ્યું કે આ મામલો આશરે 14 મહિના જૂનો છે. (સાંકેતિક તસવીર)
ઇમેજ કૅપ્શન, બિસલેરીએ જણાવ્યું કે આ મામલો આશરે 14 મહિના જૂનો છે. (સાંકેતિક તસવીર)
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

બિસલેરીએ ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) દ્વારા નોટિસ જારી કરાયાની ખબર અંગે સ્પષ્ટતા કરી છે.

કંપનીએ પોતાના ઍક્સ પોસ્ટમાં જણાવ્યું કે આ મામલો આશરે 14 મહિના જૂનો છે.

કંપનીના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર 2025માં ગોવામાં આવેલા તેના એક પ્લાન્ટમાં પાણીના એક બૅચની તપાસ કરવામાં આવી હતી. આ પ્લાન્ટ કંપનીના કુલ 143 પ્લાન્ટ્સમાંથી એક છે.

30 સપ્ટેમ્બર 2025ના રોજ FSSAIએ આ પ્લાન્ટમાંથી પાણીના છ નમૂનાઓ લીધા હતા. પ્રાથમિક તપાસમાં પાંચ નમૂનાઓ તમામ નિર્ધારિત માપદંડો પર ખરા ઊતર્યા હતા.

છઠ્ઠા નમૂનામાં બ્રોમેટનું પ્રમાણ પ્રતિ લિટર 12 માઇક્રોગ્રામ મળ્યું હતું, જ્યારે તેની નિર્ધારિત મર્યાદા પ્રતિ લિટર 10 માઇક્રોગ્રામ છે.

કંપનીએ 22 નવેમ્બર 2025ના રોજ આ પરિણામ સામે અપીલ કરી હતી. ત્યારબાદ FSSAIએ નમૂનાને ફરી તપાસ માટે રેફરલ લેબમાં મોકલ્યો હતો.

બિસલેરીના જણાવ્યા મુજબ, રેફરલ લેબની તપાસમાં બ્રોમેટનું પ્રમાણ નિર્ધારિત મર્યાદાની અંદર મળ્યું હતું. જોકે, લેબે નમૂનામાં પોલીન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન (PAHs)ની હાજરી પણ દર્શાવી હતી.

કંપનીએ જણાવ્યું કે બંને તપાસોનાં પરિણામોમાં તફાવત હતો. તેથી તેણે એ જ નમૂનાની તપાસ FSSAIથી માન્યતા પ્રાપ્ત બીજી એક લેબમાં કરાવી હતી.

આ તપાસમાં પણ બ્રોમેટનું પ્રમાણ નિર્ધારિત મર્યાદાની અંદર મળ્યું હતું.

બિસલેરીએ જણાવ્યું કે તેણે 2 ફેબ્રુઆરી 2026ના રોજ પોતાની તપાસ રિપોર્ટ FSSAIના પશ્ચિમ પ્રાદેશિક કચેરીને મોકલી આપી હતી.

ત્યારબાદ તેને FSSAI તરફથી કોઈ જવાબ મળ્યો નહોતો. કંપનીને લાગ્યું કે મામલો બંધ થઈ ગયો છે.

કંપનીનું કહેવું છે કે તેને અત્યાર સુધી ઇમેલ અથવા હાર્ડ કૉપી મારફતે કોઈ નોટિસ મળી નથી. સાથે જ, તે FSSAIની વેબસાઇટ પર પણ આ નોટિસ શોધી શકી નથી.

બિસલેરીએ કહ્યું કે પાણીની સુરક્ષા તેની પ્રાથમિકતા છે. કંપનીના જણાવ્યા મુજબ, તેની ઉત્પાદન પ્રક્રિયાના 10 તબક્કામાં 90થી વધુ પ્રકારની તપાસો કરવામાં આવે છે.

કંપનીએ જણાવ્યું કે તે નિયમનકારી પ્રક્રિયામાં FSSAIને સહકાર આપતી રહેશે. સાથે જ તેણે દાવો કર્યો કે બિસલેરીનું પાણી પીવા માટે સુરક્ષિત છે.

ભારત-ન્યૂઝીલૅન્ડ વચ્ચેનો પ્રથમ ટેસ્ટ ડ્રૉ, છેલ્લા દિવસે પણ ન નીકળ્યું પરિણામ

ન્યૂઝીલૅન્ડ તરફથી બીજી ઇનિંગ્સમાં ડેવોન કોનવેએ સૌથી વધુ 65 રન બનાવ્યા હતા.
ઇમેજ કૅપ્શન, ન્યૂઝીલૅન્ડ તરફથી બીજી ઇનિંગ્સમાં ડેવોન કોનવેએ સૌથી વધુ 65 રન બનાવ્યા હતા.

ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મૅચ ડ્રૉ રહી છે. મૅચ ડ્રૉ જાહેર થતાં સમયે ન્યૂઝીલૅન્ડે પાંચ વિકેટે 239 રન બનાવી લીધા હતા.

ન્યૂઝીલૅન્ડ તરફથી ડેરિલ મિચેલ 49 રન અને ગ્લેન ફિલિપ્સ 26 રન બનાવીને ક્રિઝ પર અણનમ રહ્યા હતા.

તે પહેલાં ભારતે પ્રથમ ઇનિંગ્સમાં 720 રન બનાવી ઇનિંગ્સ જાહેર કરી હતી. ભારત તરફથી કેએલ રાહુલ અને ઋષભ પંતે શતકીય ઇનિંગ્સ રમી હતી.

ન્યૂઝીલૅન્ડે તેની પ્રથમ ઇનિંગ્સમાં 368 રન બનાવ્યા હતા. તેની તરફથી હેનરી નિકોલ્સે સૌથી વધુ 175 રનની ઇનિંગ્સ રમી હતી, જ્યારે ગ્લેન ફિલિપ્સે 118 રન બનાવ્યા હતા.

બિસલેરીના પાણીને તપાસમાં અસુરક્ષિત ગણાવાયું, FSSAIએ કેસ ચલાવવાની મંજૂરી આપી

બિસલેરીના પાણીને તપાસમાં અસુરક્ષિત ગણાવાયું, FSSAIએ કેસ ચલાવવાની મંજૂરી આપી – ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, કંપનીના પરિસરમાંથી પૅકેજ્ડ ડ્રિંકિંગ વૉટરનો નમૂનો લેવાયો હતો. તપાસમાં તેમાં બ્રોમેટનું પ્રમાણ નક્કી કરેલી મર્યાદા મુજબ ન હોવાનું જાણવા મળ્યું હતું. (પ્રતીકાત્મક તસવીર)

ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI)એ 'બિસલેરી ઇન્ટરનૅશનલ પ્રાઇવેટ લિમિટેડ' વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચલાવવાની મંજૂરી આપી છે.

FSSAIએ આ અંગે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ 'ઍક્સ' પર માહિતી જાહેર કરી છે. આ મામલે બિસલેરી ઇન્ટરનૅશનલ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી.

FSSAIના જણાવ્યા અનુસાર, કંપનીના પરિસરમાંથી પૅકેજ્ડ પીવાના પાણીનો નમૂનો લેવાયો હતો. તપાસ દરમિયાન તેમાં બ્રોમેટનું પ્રમાણ નક્કી કરેલા ધોરણ મુજબ ન હોવાનું જણાયું હતું. ત્યાર પછી તે નમૂનાને અસુરક્ષિત જાહેર કરાયો હતો.

કંપની દ્વારા અપીલ કરાયા પછી નમૂનાને રેફરલ ફૂડ લૅબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. ત્યાં પણ તપાસ દરમિયાન પાણીને અસુરક્ષિત ગણાવવામાં આવ્યું હતું. તપાસમાં તેમાં પૉલીન્યૂક્લિયર ઍરોમૅટિક હાઇડ્રોકાર્બન (PAHs)ની હાજરી મળી આવી હતી.

FSSAIના જણાવ્યા મુજબ, તપાસમાં ખાદ્ય સુરક્ષા અને માનક અધિનિયમ, 2006 હેઠળના નિયમોનું ઉલ્લંઘન સામે આવ્યું હતું. ત્યાર પછી કંપની વિરુદ્ધ એ જ કાયદા હેઠળ કેસ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે.

નવી મુંબઈમાં ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટે ગોટા

નવી મુંબઈ, આગ, અગ્નિશામક કર્મચારી, બીબીસી ગુજરાતી મહારાષ્ટ્ર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, સ્થળ પર પહોંચેલા અગ્નિશામક કર્મચારીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

નવી મુંબઈના તુર્ભે વિસ્તારમાં આવેલા મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ (MIDC)ના એક ઑઇલ વૅરહાઉસમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગ્યા પછી આસપાસના વિસ્તારોમાં ધુમાડાના કાળા ગોટા ફેલાઈ ગયા હતા.

સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, અગ્નિશામક દળના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ ઓલવવાના પ્રયાસોમાં લાગેલા હતા.

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર શૅર કરાયો હતો. વીડિયોમાં એક ઇમારત આગની જ્વાળાઓથી ઘેરાયેલી દેખાય છે અને અગ્નિશામક કર્મચારીઓ બચાવ કામગીરીમાં વ્યસ્ત જોવા મળે છે.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી.

પાકિસ્તાન-A સામે ભારત-A ટીમની 48 રને હાર: કૅપ્ટન તિલક વર્માની સદી એળે ગઈ

ઇન્ડિયા એ, પાકિસ્તાન એ, મૅચ ક્રિકેટ તિલક વર્મા અભિષેક શર્મા બીબીસી ગુજરાતી ગુજરાતી ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, ભારત તરફથી કૅપ્ટન તિલક વર્માએ 100 રનની ઇનિંગ્સ રમી હતી.

એસીસી (ACC) મૅન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026માં પાકિસ્તાન-A ટીમે ભારત-A ટીમને 48 રને હરાવી દીધી છે.

રવિવારે રમાયેલી આ મૅચમાં પાકિસ્તાને ટૉસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતાં 313 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ભારતીય ટીમ 265 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.

પાકિસ્તાન તરફથી હસન નવાઝે સૌથી વધારે 79 રન બનાવ્યા હતા, જ્યારે માઝ સદાકતે 59 રન અને ફરહાન યુસુફે 56 રનની ઇનિંગ્સ રમી હતી.

ભારત તરફથી કૅપ્ટન તિલક વર્માએ 100 રન બનાવ્યા હતા, જ્યારે અભિષેક શર્માએ 70 રન અને શાહબાઝ અહમદે 56 રન બનાવ્યા હતા.

પાકિસ્તાનના બૉલરો અલી રઝા અને હસન નવાઝે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.

આ મૅચ દરમિયાન બીજી એક બાબત પણ ભારે ચર્ચામાં રહી હતી. ટૉસ સમયે પાકિસ્તાન-Aના કૅપ્ટન અબ્દુલ સમદ અને ભારત-Aના કૅપ્ટન તિલક વર્માએ એકબીજા સાથે હાથ મિલાવ્યા નહોતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન