પટનામાં મલ્લિકાર્જુન ખડગેની સભામાં હંગામો, જાણો શું થયું હતું? – ન્યૂઝ અપડેટ

રવિવારે પટનામાં યોજાયેલા ડૉ. શ્રીકૃષ્ણ સિંહની 139મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં મલ્લિકાર્જુન ખડગે હાજર રહ્યા હતા.
ઇમેજ કૅપ્શન, રવિવારે પટનામાં યોજાયેલા બિહારના પ્રથમ મુખ્ય મંત્રી ડૉ. શ્રીકૃષ્ણ સિંહની 139મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં મલ્લિકાર્જુન ખડગે હાજર રહ્યા હતા.
પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ

કેન્દ્રીય મંત્રી અમિત શાહે તાજેતરમાં નિવેદન આપ્યું હતું કે, કૉંગ્રેસ પાર્ટી અને તેના નેતા રાહુલ ગાંધી આગામી 30 વર્ષ સુધી સત્તામાં નહીં આવે.

અમિત શાહના આ નિવેદન પર પ્રતિસાદ આપતાં કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, "30 વર્ષ પછી કોણ રહેશે? હું 85 વર્ષનો છું. તેઓ લોકોને ભ્રમિત કરવા માટે આવી વાતો કરે છે. જ્યાં સુધી તેમના પાસે આ ઈવીએમ છે અને જ્યાં સુધી તે પદો પર તેમના વફાદાર લોકો બેઠા છે, ત્યાં સુધી તેમના દાવાઓનો આધાર એ જ છે. તેમના પોતાના લોકોએ પણ કહ્યું છે કે ગરબડ થઈ રહી છે."

કાર્યક્રમ દરમિયાન તેમણે વધુમાં કહ્યું કે, તમામ ચૂંટણીઓ બૅલેટ પેપર દ્વારા યોજવી જોઈએ. તેમણે એ પણ જણાવ્યું કે છેલ્લાં બે વર્ષમાં યોજાયેલી તમામ વિધાનસભા ચૂંટણીઓ રદ્દ કરવી જોઈએ અને સંબંધિત રાજ્યોની સરકારોને બરખાસ્ત કરવી જોઈએ.

રવિવારે પટનામાં ડૉ. શ્રીકૃષ્ણ સિંહની 139મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ત્યાં પહોંચ્યા હતા. શ્રીકૃષ્ણ સિંહ બિહારના પ્રથમ મુખ્ય મંત્રી હતા.

કાર્યક્રમ દરમિયાન તેમના ભાષણ વખતે ઑડિટોરિયમમાં બેઠેલી એક વ્યક્તિએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં નારા લગાવવાનું શરૂ કર્યું. આ ઘટનાથી મલ્લિકાર્જુન ખડગે નારાજ થતા જોવા મળ્યા. ત્યારબાદ ત્યાં થોડા સમય માટે ગહમાગહમીનું વાતાવરણ સર્જાયું. અંતે, તે વ્યક્તિને કાર્યક્રમ સ્થળેથી બહાર લઈ જવાઈ.

ફ્રાન્સમાં મોંઘવારી અને ખરાબ શૈક્ષણિક વ્યવસ્થાના વિરોધમાં દેખાવો, આશરે 1000 લોકોની ધરપકડ

ફ્રાન્સમાં બોર્દોમાં પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી.
ઇમેજ કૅપ્શન, ફ્રાન્સમાં પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી.

ફ્રાન્સમાં શનિવારે ફરી એકવાર મોટા પાયે વિરોધપ્રદર્શન યોજાયાં હતાં. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ પ્રદર્શનોમાં લાખો લોકોએ ભાગ લીધો હતો અને આશરે 1,000 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

શનિવારે મોડી રાત્રે કેટલીક જગ્યાઓએ પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે અથડામણો પણ થઈ હતી.

તેમ છતાં, અધિકારીઓએ જણાવ્યું કે તેઓ ગયા સપ્તાહના અંતે થયેલી હિંસા અને લૂંટફાટ જેવી ઘટનાઓને પુનરાવર્તિત થતી અટકાવવામાં અત્યાર સુધી સફળ રહ્યા છે.

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગયા સપ્તાહે થયેલી હિંસાને ફ્રાન્સના આધુનિક ઇતિહાસની સૌથી ગંભીર અશાંતિપૂર્ણ ઘટનાઓમાંની એક માનવામાં આવી હતી.

ફ્રાન્સના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, શનિવારે અંદાજે 4 લાખ 10 હજાર લોકો પ્રદર્શનમાં જોડાયા હતા. બીજી તરફ, ટ્રેડ યુનિયનોએ પ્રદર્શનકારીઓની સંખ્યા આશરે 8 લાખ હોવાનું જણાવ્યું હતું.

પ્રદર્શનો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લગભગ 70 હજાર પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા હતા.

ઘણા શહેરોમાં વિવિધ પ્રકારનાં પ્રતિબંધો અને નિયંત્રણો પણ લાગુ કરવામાં આવ્યાં હતાં. આ પગલાંનો હેતુ મોંઘવારી અને શાળાઓની ખરાબ હાલત વિરુદ્ધ ચાલી રહેલા દેખાવો હિંસક ન બને તે સુનિશ્ચિત કરવાનો હતો.

ગયા સપ્તાહે થયેલી હિંસા દરમિયાન પોલીસની સંખ્યા પ્રદર્શનકારીઓની સરખામણીએ ઓછી પડી ગઈ હતી. તે સમયે સેંકડો દુકાનોમાં લૂંટફાટ થઈ હતી અને અનેક ઇમારતોને આગ ચાંપવામાં આવી હતી.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૅક્રોંએ આ અઠવાડિયે આદેશ આપ્યો હતો કે માત્ર માન્યતા પ્રાપ્ત ટ્રેડ યુનિયનો દ્વારા આયોજિત પ્રદર્શનોને જ મંજૂરી આપવામાં આવશે.

આ ઉપરાંત, કોર્ટમાં ઝડપી સુનાવણી બાદ તોડફોડ, આગજની અને લૂંટફાટના કેસોમાં સંડોવાયેલા સેંકડો લોકોને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

ઓબામા અને ટ્રમ્પ આમને-સામને કેમ આવી ગયા?

ડોનાલ્ડ ટ્રમ્પે ઓબામાને અયોગ્ય રાષ્ટ્રપતિ ગણાવીને તેમની નીતિઓની આલોચના કરી હતી. (ફાઇલ ફોટો)
ઇમેજ કૅપ્શન, ડોનાલ્ડ ટ્રમ્પે ઓબામાને અયોગ્ય રાષ્ટ્રપતિ ગણાવીને તેમની નીતિઓની આલોચના કરી હતી. (ફાઇલ ફોટો)

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પર આરોપ લગાવ્યો છે કે, તેમના કાર્યકાળ દરમિયાન ઈરાનને અબજો ડૉલર આપવામાં આવ્યા હતા અને તેથી તેને પરમાણુ હથિયાર મેળવવાની દિશામાં આગળ વધવાની તક મળી હતી.

ટ્રમ્પે ઓબામાને "અયોગ્ય રાષ્ટ્રપતિ" ગણાવતા તેમની નીતિઓની કડક ટીકા કરી હતી.

આ પહેલાં શનિવારે ચૂંટણીસભાઓને સંબોધિત કરતાં બરાક ઓબામાએ ટ્રમ્પ પ્રશાસનની નીતિઓની જોરદાર આલોચના કરી હતી. તેમણે ઈરાન સાથેના તણાવ, યુદ્ધ અને અન્ય અનેક મુદ્દાઓ પર ટ્રમ્પ પ્રશાસનની ટીકા કરી હતી.

ઓબામાએ દાવો કર્યો હતો કે, તેમના કાર્યકાળ દરમિયાન ઈરાન સાથે થયેલો પરમાણુ કરાર (ન્યૂક્લિયર ડીલ) ઈરાનને પરમાણુ હથિયાર મેળવવાથી રોકવામાં અસરકારક સાબિત થયો હતો.

તેમણે કહ્યું હતું કે, આ કરાર મારફતે કોઈ પણ મિસાઇલ છોડ્યા વિના ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર નિયંત્રણ લાવવામાં સફળતા મળી હતી.

ત્યારબાદ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને લખ્યું, "ઓબામા અત્યંત અયોગ્ય રાષ્ટ્રપતિ હતા. તેમણે ઈરાનને અબજો ડૉલર આપ્યા અને તેને પરમાણુ હથિયાર બનાવવાનો માર્ગ મોકળો કરી આપ્યો."

ટ્રમ્પે વધુમાં લખ્યું, "તેમણે (ઓબામાએ) હિલેરી ક્લિન્ટન માટે ખૂબ જોરશોરથી પ્રચાર કર્યો હતો, પરંતુ તેઓ હારી ગયાં. ત્યારબાદ તેમણે કમલા હૅરિસ માટે પણ જોરશોરથી પ્રચાર કર્યો, છતાં તેઓ પણ ચૂંટણી હારી ગયાં."

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં મિડ-ટર્મ ચૂંટણીના માહોલ વચ્ચે રિપબ્લિકન અને ડેમૉક્રેટિક બંને પક્ષો પોતાના ઉમેદવારો માટે જોરદાર પ્રચાર કરી રહ્યા છે. આ રાજકીય પરિસ્થિતિ વચ્ચે બંને નેતાઓ વચ્ચે આ પ્રકારની નિવેદનબાજી સામે આવી છે.

છ મહિનામાં 23 દોષીઓને મોતની સજા સંભળાવનાર જજની બદલી

રવિકુમાર દિવાકર
ઇમેજ કૅપ્શન, રવિકુમાર દિવાકર (ફાઇલ ફોટો)

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં છેલ્લા છ મહિનામાં 23 દોષિતોને ફાંસીની સજા સંભળાવનાર ઍડિશનલ ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ રવિકુમાર દિવાકરની બદલી કરી દેવાઈ છે.

રવિકુમાર દિવાકરને હવે ફૅમિલી કોર્ટમાં બદલી કરવામાં આવ્યા છે. અલાહાબાદ હાઇકોર્ટના આદેશ બાદ તેમને મુઝફ્ફરનગર ફૅમિલી કોર્ટમાં ઍડિશનલ પ્રિન્સિપલ જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

રવિ દિવાકરે આ વર્ષની એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે 11 કેસમાં 23 દોષિતોને મોતની સજા ફટકારી હતી.

તાજેતરમાં નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સેસ ઍક્ટ (એનડીપીએસ) સંબંધિત કેસોમાં પોલીસની કથિત બેદરકારી અંગે પણ જજ રવિ દિવાકરે અનેક આઇપીએસ અધિકારીઓ વિરુદ્ધ આદેશો પાસ કર્યા હતા.

તેમના ચુકાદાઓ અને ન્યાયિક કાર્યવાહી અંગે પણ સતત ચર્ચાઓ થતી રહી હતી.

હવે નવી નિયુક્તિ બાદ રવિ દિવાકર પરિવાર અદાલતમાં વૈવાહિક વિવાદો અને પરિવાર સંબંધિત કેસોની સુનાવણી કરશે.

રાહુલ ગાંધીએ ભાજપનો આભાર માનતા કેમ કહ્યું - 'બસ સાત દિવસ આ જ જોશ જાળવી રાખો'

રાહુલ ગાંધી, કૉંગ્રેસ ચૂંટણીપંચ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, 1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં ચૂંટણીપંચની કથિત અનિયમિતતાઓ સામે ઇન્ડિયા ગઠબંધનના પક્ષોની મહારેલી યોજાવાની છે. (ફાઇલ ફોટો)

કૉંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પહેલી નવેમ્બરે યોજાનારી રેલીમાં જોડાવા અપીલ કરી છે.

હકીકતમાં, 1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં ચૂંટણીપંચની કથિત અનિયમિતતાઓના વિરોધમાં ઇન્ડિયા ગઠબંધનના પક્ષોની મહારેલી યોજાવાની છે.

આ મુદ્દે રાહુલ ગાંધીએ રવિવારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું, "અમારો મત ચોરવામાં આવી રહ્યો છે અને અમે કોઈ પણ સંજોગોમાં તેને ચૂપચાપ સહન નહીં કરીએ. મતદાર યાદીઓમાંથી નામ કાપવામાં આવ્યાં."

"નિયમો અને કાયદાઓ તોડવામાં આવ્યા. અને પ્રશ્નો પૂછનારા લોકો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો."

"વિદ્યાર્થીઓ, ખેડૂતો, મજૂરો, મહિલાઓ, યુવાનો અને વેપારીઓ - જેને જેને લોકશાહીની ચિંતા છે, તેમણે 1 નવેમ્બરની રેલીમાં જરૂર આવવું જોઈએ. મત તમારો છે. લડાઈ પણ તમારી છે."

રાહુલે લખ્યું હતું, "ભાજપ અને તેના સાથીઓનો દિલથી આભાર, જેઓ આ કાર્યક્રમનો એટલા જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે અને તેને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી રહ્યા છે. બસ આગામી સાત દિવસ પણ આ જ ઉત્સાહ અને લગન જાળવી રાખજો!"

બીજી તરફ, "ચૅમ્બર ઑફ ટ્રેડ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (CTI)"એ રાહુલ ગાંધીને 10 નવેમ્બર પછી આ રેલી યોજવાની અપીલ કરી છે.

વેપારી સંગઠને આશંકા વ્યક્ત કરી છે કે આ રેલીના કારણે દિવાળીના વ્યસ્ત ખરીદીના સીઝનમાં દિલ્હીના વેપારને હજારો કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.

આંધ્ર પ્રદેશ-ઓડિશા તરફ 'અર્નબ' વાવાઝોડાનું સંભવિત જોખમ, ભારે વરસાદની ચેતવણી

હવામાન વિભાગના અનુમાન મુજબ, 26 ઑક્ટોબરની સવારે પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાઈ શકે છે
ઇમેજ કૅપ્શન, હવામાન વિભાગના અનુમાન મુજબ, 26 ઑક્ટોબરની સવારે પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાઈ શકે છે

બંગાળની ખાડીમાં બની રહેલા વાવાઝોડા 'અર્નબ'ના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે તૈયારીઓ ઝડપી કરી દીધી છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ, 26 ઑક્ટોબરની સવારે પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાઈ શકે છે. તે 28 ઑક્ટોબરની સવારે આંધ્ર પ્રદેશના દરિયાકિનારા નજીક પહોંચે તેવી સંભાવના છે.

સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે તમામ સંબંધિત વિભાગોને સતર્ક રહેવા અને સમયસર જરૂરી પગલાં લેવા માટે સૂચના આપી છે.

સરકારે આ દરમિયાન જાનમાલના નુકસાનને રોકવા માટે 'ઝીરો કૅઝ્યુઆલ્ટી'નું લક્ષ્ય નક્કી કર્યું છે.

મુખ્ય મંત્રી મોહન ચરણ માઝીએ કહ્યું, "અમે વાવાઝોડા અર્નબના સંભવિત પ્રભાવ અને તેને સંભાળવાના ઉપાયો અંગે સમીક્ષા બેઠક યોજી હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 28 ઑક્ટોબરની બપોરે ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશા વચ્ચે ક્યાંક આ વાવાઝોડું તટ પર ત્રાટકી શકે છે. તેના કારણે બંને રાજ્યોના વિવિધ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે."

"તમામ વિભાગોને તેમની જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે અને અગાઉથી સંપૂર્ણ તૈયારી સુનિશ્ચિત કરવા માટે સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકાર પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. હંમેશાંની જેમ અમારું મુખ્ય લક્ષ્ય શૂન્ય જાનહાનિ સુનિશ્ચિત કરવાનું છે."

હવામાન વિભાગે અર્નબ વાવાઝોડાની અસરને કારણે ઓડિશા અને આંધ્ર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

તો તામિલનાડુમાં ઉત્તર-પૂર્વીય ચોમાસું સક્રિય છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તેમજ પુડુચેરી અને કરાઇકલમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે.

દલેર મહેંદી વિવાદ મામલે ઉત્તરાખંડ સરકારના મંત્રીએ શું કહ્યું?

ઉત્તરાખંડ સરકારના કૅબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલની પ્રતિક્રિયા આપી કે દલેર મહેંદી એક મોટા કલાકાર છે
ઇમેજ કૅપ્શન, ઉત્તરાખંડ સરકારના કૅબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલની પ્રતિક્રિયા આપી કે દલેર મહેંદી એક મોટા કલાકાર છે

દલેર મહેંદી વિવાદ મામલે ઉત્તરાખંડ સરકારના કૅબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલની પ્રતિક્રિયા સામે આવી છે.

શનિવારે યોજાયેલી એક પ્રેસ કૉન્ફરન્સમાં સુબોધ ઉનિયાલે કહ્યું, "જો દલેર મહેંદી મોટા કલાકાર ન હોત, તો તેમને કેમ બોલાવાયા હોત અને 36 લાખ રૂપિયા કેમ ચૂકવાયા હોત?"

તેમણે વધુમાં કહ્યું, "હું પણ માનું છું કે તેઓ મોટા કલાકાર છે. પરંતુ બે બાબત છે. તેઓ કાર્યક્રમ માટે ના પાડી શકતા હતા અને મંચ પરથી જનતાને અથવા મને તેમની તબિયત વિશે જણાવી શકતા હતા. કોઈના ચહેરા પર તો લખેલું હોતું નથી કે તેમની તબિયત ખરાબ છે."

જ્યારે સુબોધ ઉનિયાલને પૂછવામાં આવ્યું કે રૅપર મીકાસિંહ તેમની પાસે માફીની માગ કરી રહ્યા છે, ત્યારે શું તેઓ માફી માગશે? તેના જવાબમાં ઉનિયાલે માત્ર એટલું જ કહ્યું, "જુઓ... ઠીક છે."

ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડના નવી ટેહરીમાં આયોજિત સિદ્ધિપીઠ માતા કુંજાપુરી પર્યટન અને વિકાસ મેળા દરમિયાન જાણીતા ગાયક દલેર મહેંદીના કાર્યક્રમ વખતે ઉત્તરાખંડના કૅબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલે તેમના પર દારૂ પીધેલી હાલતમાં ગીત ગાવા અને લિપ્સિંગ કરવાનો આરોપ મૂક્યો હતો.

ત્યાર બાદ દલેર મહેંદીના ભાઈ અને રૅપર મીકાસિંહે સુબોધ ઉનિયાલ પાસે માફીની માગ કરી હતી અને દાવો કર્યો હતો કે દલેર મહેંદી દારૂ પીતા જ નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન