ગુજરાત ભાડા વિધેયક 2026 સામે રાજ્યભરના વકીલોએ કેમ વાંધો ઉઠાવ્યો હતો?

ઇમેજ સ્રોત, tejas vaidya
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
અમદાવાદમાં શહેરની સિવિલ અને સ્મોલ કોઝ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલો ગયા અઠવાડિયાથી એક બિલનો વિરોધ કરી રહ્યા છે. ગુજરાતભરના વકીલો 5 ઑક્ટોબરે આ મુદ્દાનો સંતોષકારક ઉકેલ ન આવે ત્યાં સુધી કોર્ટ, ટ્રિબ્યુનલ, ન્યાયિક અને અર્ધ-ન્યાયિક જેવી કામગીરી ન કરી હળતાળ પાડવાનો નિર્ણય લીધો હતો.
પરિણામે 5 ઑક્ટોબરના રોજ અમદાવાદની જૂની હાઇકોર્ટથી લઈને ઇન્કમ ટૅક્સ સર્કલ સુધી વકીલોએ રેલી કાઢીને સૂત્રોચાર કર્યા હતા.
આંદોલન કરી રહેલા વકીલોના જણાવ્યા અનુસાર, ભાડા સંબંધિત વિવાદો ઉકેલવાની સત્તા ન્યાયિક અધિકારીઓ પાસેથી લઈને ડેપ્યુટી કમિશનર અને નાયબ મામલતદાર જેવા વહીવટી અધિકારીઓને સોંપવામાં આવી રહી છે.
તેથી બંધારણીય જોગવાઈઓ, કેસોના ભારણ અને વકીલોની કામગીરી પર પડનારી અસર મુદ્દે આ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું.
વકીલોએ આ બિલની પુનઃસમીક્ષા કરવા અને સ્ટેકહોલ્ડર્સ સાથે ચર્ચા કરીને યોગ્ય સુધારા કરવાની માગણી સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો.
સાંજ પડતાં પહેલા આ વિરોધ વચ્ચે સરકારની પણ પ્રતિક્રિયા આવી હતી. જેમાં ગુજરાતના ઍડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ સોમવારે ગુજરાત હાઇકોર્ટને જણાવ્યું હતું કે ગુજરાત ભાડા બિલ, 2026 પર રાજ્યપાલ સહી નહીં કરે અને રાજ્ય સરકાર મૂળ કાયદાને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરશે.
ત્યારે જાણીએ કે શું છે સમગ્ર મામલો અને વકીલોએ કેમ વિરોધ કર્યો હતો.
વકીલોએ વિરોધપ્રદર્શન કેમ કર્યું હતું?

ઇમેજ સ્રોત, tejas vaidya
'ગુજરાત ભાડા બિલ, 2026'ની જોગવાઈના વિરોધમાં ગુજરાતભરના વકીલોએ બે દિવસના કોર્ટ કામથી દૂર રહેવાના વિરોધમાં આ હડતાળ પાડી હતી, જે ભાડા સંબંધિત વિવાદોના નિર્ણયને કોર્ટથી મહેસૂલ અધિકારીઓને ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમદાવાદની ભદ્ર સિટી સેશન્સ કોર્ટમાં પ્રેક્ટિસ કરતાં રાજેન્દ્ર ગુર્જર બીબીસી ગુજરાતીને જણાવે છે કે ગુજરાત સરકાર દ્વારા ભાડા વિધેયક કલમ 2026 નવું પસાર કર્યું છે, જે હાલ રાજ્યપાલની સહી માટે રોકાયેલું છે. આ બાબતે અમે વિરોધ કરી રહ્યા છીએ.
"આમાં જે તકલીફ છે, તે મૂળ ન્યાયિક અધિકારી પાસેથી સત્તા લઈને નાયબ કમિશનર, કમિશનર તથા નાયબ મામલતદાર મારફતે કરવામાં આવે છે, જેના કારણે ભાડવાતોને ઘણી મુશ્કેલીઓ પડે છે, મકાનમાલિકને પણ પડે છે.
તેઓ કહે છે, "અમારી લડાઈ એટલી જ છે કે આ વિધેયકમાં સુધારો કરવામાં આવે."
તેમણે ઉમેર્યું કે સરકાર કોઈ નવું વિધેયક લાવે એમાં અમને કોઈ વાંધો નથી, પરંતુ સુધારો કરીને આની જે સત્તા છે, તે ન્યાયિક અધિકારી પાસે જ રાખો, જેથી આ પ્રક્રિયા સાવ સરળ બને"
તેઓ કહે છે, "કમિશનર અને નાયબ કમિશનર વહીવટી અધિકારી છે, કોઈ કાયદાના નિષ્ણાત નથી. તેમને ન્યાયિક પ્રમાણના કાયદામાં કયા દસ્તાવેજ પ્રમાણ રજૂ કરવા અને તેના પર આનો ઉકેલ કેવી રીતે લાવવો તેનો ખ્યાલ નથી હોતો."
કોર્ટ પર કેસનું ભારણ વધુ હોય છે તેવા સંજોગોમાં આવા નિર્ણય શું ન્યાયતંત્ર પરના ભારણને હળવું કરી શકે કે કેમ તે બાબતમાં રાજેન્દ્ર ગુર્જર જણાવે છે, "કેસોનો બોજ ઓછો કે વધારે છે, એનો અર્થ એ નથી કે વકીલને સંપૂર્ણ રીતે આમાંથી બહાર કરી દેવા."
"ઉદાહરણ તરીકે, હૂંડિયામણ અધિનિયમ હેઠળના કેસ વધુ છે, તો તેમના માટે વિશેષ અદાલત સ્થાપિત કરવામાં આવી છે. તેમાં એવું નથી કરવામાં આવ્યું કે વકીલોને બહાર કરી દેવામાં આવ્યા હોય."
તેમના મતે, "આ જ રીતે વકીલોનું શોષણ થાય છે, તેમની સાથે અન્યાય છે. આ ન થવું જોઈએ."
અમદાવાદ બાર ઍસોસિયેશનનાં ખજાનચી વકીલ બેલા પંડ્યા કહે છે કે જો કોર્ટનું ભારણ ઓછું કરવું હોય તો જજની અને સ્ટાફની સંખ્યા કેમ વધારતા નથી અને એ વધારે તો કોર્ટનું ભારણ ઓછું થઈ શકે છે.

ઇમેજ સ્રોત, tejas vaidya
આંદોલન કરી રહેલા વકીલ રિઝવાન શેખ કહે છે કે "જે વ્યવસ્થા પહેલાં ન્યાયિક અધિકારીઓ પાસે હતી, ન્યાયાલય પાસે હતી, તેને ન્યાયાલયમાંથી હઠાવીને વહીવટી વ્યવસ્થામાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. તે બંધારણીય નથી અને બધી બાબતો વહીવટી અધિકારી જાણતા નથી."
"તેથી જે હિતધારકોને પૂછવું જોઈએ, ત્યાર બાદ કોઈ કાયદો અમલમાં મૂકવો જોઈએ."
વકીલ ઝલકનું માનવું છે કે આના કારણે ભ્રષ્ટાચાર વધવાની શક્યતા વધી જાય છે.
તેઓ કહે છે, "કલેક્ટરને આ વાતનું જ્ઞાન ન હોય અને સીધી રીતે એ સત્તા સીધી એમને આપી દેવામાં આવે તો પછી વકીલોના વ્યવસાય પર પણ અસર પડે."
માનસી પ્રજાપતિનો દાવો છે કે "આ કાયદો જ્યારે સરકાર પાસે મુકાયો ત્યારે સરકારે કોઈ સલાહ લીધી નથી, અમારા ત્રણ-ત્રણ વકીલ જે ધારાસભ્ય છે એમને પણ એ લોકોએ જાણ નથી કરી અને ક્યારેય ચર્ચામાં બોલાવ્યા નથી અને પોતાની રીતે કાયદો બનાવી અને પોતાની રીતે કાયદો રજૂ કરી દીધો."
તો અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર ઍસોસિયેશન જુનિયર કારોબારી સભ્ય વકીલ સતીશ પટેલે કહ્યું હતું કે ગુજરાતભરના વકીલોએ અચોક્કસ મુદતની હડતાળનું આયોજન કર્યું હતું, જો સુખદ સમાધાન નહીં આવે તો આગળની લડાઈ વકીલો લડવા તૈયાર જ છે.
આ નવા ગુજરાત રેન્ટ બિલ 2026માં શું શું સુધારા છે?
રાજ્યના નાણા અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈએ આ બિલ રજૂ કર્યું હતું, જેણે અગાઉના ગુજરાત રેન્ટ્સ, હૉટલ્સ ઍન્ડ લોજિંગ હાઉસ રેટ્સ કન્ટ્રોલ ઍક્ટ, 1947નું સ્થાન લીધું હતું.
આ વિધેયક લાગુ થયા પછી લેખિત કરાર વગર કોઈ પણ મકાન અથવા પરિસર ભાડે નહીં આપી શકાય. તેના પર સહી કર્યા બાદ મકાનમાલિક અને ભાડવાતે રેન્ટ ઑઑરિટીને સંયુક્ત રીતે તેની જાણ કરવી પડશે.
જો કોઈ આવી જાણ કરવામાં નિષ્ફળ જાય તો મકાનમાલિક અને ભાડવાતે એક મહિનાની અંદર અલગથી ઑથૉરિટીને જાણ કરવી પડશે.
આ માટે રેન્ટ ઑથૉરિટી તરીકે એક સરકારી અધિકારી હશે જે ડેપ્યુટી કલેક્ટર અથવા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરના રેન્કની સમકક્ષ અથવા તેનાથી ઉપર હશે.
આ ઑફિસ દ્વારા એક ડિજિટલ પ્લૅટફૉર્મ સ્થાપવાનું રહેશે જેમાં દરેક ઍગ્રિમેન્ટને એક યુનિક આઇટેન્ડિફિકેશન નંબર આપવો પડશે અને તેની વિગત વેબસાઇટ પર અપલોડ કરવાની રહેશે.
ભાડવાતે કેટલું ભાડું ચૂકવવાનું છે તેની રકમ ઍગ્રિમેન્ટમાં લખવાની રહેશે. તેની પાસેથી બહુ મોટી સિક્યૉરિટી ડિપૉઝિટ વસૂલવામાં આવે છે તેવી ફરિયાદો છે, ત્યારે આ વિધેયક પ્રમાણે મકાનમાલિક વધુમાં વધુ ત્રણ મહિનાના ભાડા જેટલી સિક્યૉરિટી ડિપૉઝિટ લઈ શકશે.
આ ઉપરાંત મકાનમાલિક ઘર ખાલી કરે ત્યાર પછી એક મહિનાની અંદર આ ડિપૉઝિટ પરત કરવાની રહેશે. નવા પ્રસ્તાવિત કાયદામાં જે રકમ કાપવાની જોગવાઈ છે, તે કાપ્યા પછી બાકીની ડિપૉઝિટ રિફંડ કરવાની રહેશે.
ગુજરાત સરકારે શું પ્રતિક્રિયા આપી?

ઇમેજ સ્રોત, gujarat vidhansabha
ગુજરાતના ઍડવોકેટ જનરલ (એજી) કમલ ત્રિવેદીએ સોમવારે ગુજરાત હાઇકોર્ટને જણાવ્યું હતું કે ગુજરાત ભાડા બિલ, 2026 પર રાજ્યપાલ દ્વારા સહી કરવામાં નહીં આવે અને રાજ્ય સરકાર મૂળ કાયદાને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરશે.
કમલ ત્રિવેદીએ મીડિયાને જણાવ્યું હતું કે, "ગુજરાત ભાડા વિધેયક હજુ કાયદામાં પરિણમ્યો નથી. ગઈ કાલે નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ મુદ્દે બેઠક કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે આ હજુ કાયદો થયો નથી. બિલ ગવર્નરસાહેબની સહી માટે મોકલેલું છે. હું હમણાં જ કહું છું, સહી નહીં થાય. જૂનો કાયદો લાવવો કે તે કાયદામાં સૂચનો ઉમેરીને કંઈક કરવું એ માટે આપણે મંગળવારે સાંજે બેઠક રાખીએ. આ સંજોગોમાં આંદોલન ન થવું જોઈએ, જે થયું તે સુખદ નથી."
કમલ ત્રિવેદીએ ન્યાયાધીશ મૌલિક જે શેલતની બેન્ચ સમક્ષ આ રજૂઆતો કરી હતી, જ્યારે તેમણે નાયબ મુખ્ય મંત્રી અને બાર કાઉન્સિલ ઑફ ગુજરાત (બીસીજી)ના સભ્યો સાથે થયેલી બેઠક વિશે કોર્ટને માહિતી આપી હતી, જેઓ બિલ અંગે હડતાળ પર છે. તેમણે ખુલાસો કર્યો હતો કે સરકારે વકીલોને ગુજરાત ભાડા બિલ અંગે ખાતરી આપી હતી.
કમલ ત્રિવેદીએ કહ્યું, "અમે વચન આપ્યું હતું કે આ બિલ પર રાજ્યપાલ દ્વારા સહી કરવામાં નહીં આવે. અમે મૂળ કાયદો પાછો લાવવાનો પ્રયાસ કરીશું."
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન


























