ઇજિપ્તમાં મહિલા ઍન્કર સમેત 12 લોકોને ફાંસીની સજા કેમ સંભળાવાઈ?

ઇમેજ સ્રોત, Sarah Khalifa Instagram account
- લેેખક, પૉલિન કોલા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 2 મિનિટ
ઇજિપ્તનાં ટીવી પ્રેન્ઝેટર સારા ખલીફા અને 11 અન્ય લોકોને ડ્રગ્સ સંબંધિત કેસમાં દોષી ઠેરવ્યાં બાદ ફાંસીની સજા સંભળાવાઈ છે.
સરકારી અખબાર અલ-અકરમ અનુસાર, આ બધા એક ગુનાહિત ગૅંગનો ભાગ હતાં.
ગૅંગ પર આરોપ છે કે તેઓ આ ડ્રગ્સ બનાવવામાં ઉપયોગ થનાર કાચો માલ વિદેશથી માગતા અને તેનો ઉપયોગ નશીલા પદાર્થો તૈયાર કરીને વેચવા માટે કરતા હતા.
તેમની પાસેથી ગેરકાયદે હથિયારો અને ગોળા-બારૂત પણ મળી આવ્યાં હતાં.
39 વર્ષીય સારા ખલીફા પોતાના ટીવી કાર્યક્રમ 'મિશન ઇમ્પોસિબલ'થી જાણીતાં છે.
આ કાર્યક્રમમાં ગુના સંબંધિત કેસ દર્શાવાતા હતા. ખલીફાએ પોતાના પર લાગેલા આરોપો ફગાવ્યા છે.
આ મામલે પહેલી વાર ગત મહિને નિર્ણય સંભળાવાયો હતો.
જોકે તેને એક મહિના બાદ ઔપચારિક રીતે પાક્કો કરવામાં આવ્યો છે, કેમ કે કોર્ટને ઇજિપ્તના ગ્રાન્ડ મુફ્તી પાસેથી ધાર્મિક મત લેવાનો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇજિપ્તમાં મોતની સજા મામલે આ એક કાયદાકીય પ્રક્રિયાનો ભાગ છે.
આ નિર્ણય સામે અપીલ પણ કરાઈ શકાય છે.
ડ્રગ્સ તસ્કરી સંબંધિત કેસ
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કેસ દરમિયાન કોર્ટેને જણાવાયું હતું કે અધિકારીઓએ 750 કિલોગ્રામથી વધુ નશીલા પદાર્થો અને તેને બનાવવા માટે વિદેશમાંથી મંગાવવામાં આવેલો કાચો માલ જપ્ત કર્યો હતો.
અલ-અકરમના જણાવ્યા મુજબ, 20 સાક્ષીએ પ્રોસિક્યુશન પક્ષ સમક્ષ પોતાનાં નિવેદનો નોંધાવ્યાં હતાં.
તેમજ ઇલેક્ટ્રોનિક પુરાવા પણ કોર્ટમાં રજૂ કરાયા હતા, જેમાં વાતચીતનાં રેકૉર્ડિંગ અને વીડિયો ક્લિપ્સ સામેલ હતાં.
સરકારી અખબાર અલ-યૌમ અનુસાર, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કોર્ટમાં સુનાવણી દરમિયાન જ્યારે ન્યાયાધીશે સારા ખલીફાને આ કેસમાં તેમની કથિત ભૂમિકા વિશે પૂછ્યું હતું, ત્યારે તેમણે કહ્યું હતું કે તેમણે અગાઉ ક્યારેય ડ્રગ્સ જોયાં નહોતાં.
તેમનું કહેવું હતું કે તેમણે પ્રથમ વખત ડ્રગ્સ ત્યારે જોયાં હતાં, જ્યારે નશીલા પદાર્થો વિરોધી એજન્સીની ઑફિસમાં તેની સાથે તેમનો ફોટોગ્રાફ લેવાયો હતો.
ઍમ્નેસ્ટી ઇન્ટરનૅશનલના 2025ના એક અહેવાલ મુજબ, તે વર્ષે 492 લોકોને મોતની સજા સંભળાવાઈ હતી, જેમાંથી 23 લોકોને ફાંસી અપાઈ હતી.
અહેવાલમાં કહેવાયું છે કે આ આરોપીઓને ડ્રગ્સની તસ્કરી અને બળાત્કાર જેવા ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
જોકે, આ એવા ગુનાઓ હતા જે 'જાણીજોઈને હત્યા'ની શ્રેણીમાં આવતા નથી.
આંતરરાષ્ટ્રીય કાયદા અને માનદંડો અનુસાર, મોતની સજાનો ઉપયોગ માત્ર 'જાણીજોઈને હત્યા' જેવા ગુનાઓ સુધી સીમિત હોવો જોઈએ.
હવે દોષિતો પાસે શું વિકલ્પો છે?
મોતની સજા સંભળાવ્યા છતાં સારા ખલીફા અને અન્ય દોષિતો માટે કાનૂની વિકલ્પો હજુ ખુલ્લા છે. તેઓ આ નિર્ણય સામે અપીલ કરી શકે છે.
મામલો ઇજિપ્તની સર્વોચ્ચ અપીલી કોર્ટ (કોર્ટ ઑફ કૅસેશન) સુધી જઈ શકે છે. ત્યાં બચાવ પક્ષ નીચલી કોર્ટના નિર્ણય અને તેના પાછળના કાયદાકીય આધારને પડકારી શકે છે.
આ મામલે નિર્ણય સંભળાવતાં પહેલાં કોર્ટે ઇજિપ્તના ગ્રાન્ડ મુફતીનો અભિપ્રાય પણ માગ્યો હતો. મોતની સજાના કેસોમાં આ એક જરૂરી કાયદાકીય પ્રક્રિયા છે. જોકે, ગ્રાન્ડ મુફતીનો અભિપ્રાય કોર્ટ માટે બાધ્યકારી હોતો નથી.
એનો અર્થ એ છે કે હાલ કોર્ટનો નિર્ણય મોતની સજાનો છે, પરંતુ તેને અંતિમ રીતે અમલમાં મૂકવાની પ્રક્રિયા બાકી છે. અપીલ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સજા યથાવત્ રાખવામાં આવી શકે છે, બદલાઈ શકે છે અથવા કેસની ફરીથી સુનાવણીનો રસ્તો ખૂલી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


























