અનામત ખરેખર કેમ લવાઈ હતી અને આ વ્યવસ્થા બાબતે ફરી ચર્ચા શરૂ થઈ ગઈ?

21 ઑગસ્ટે જંતરમંતર પર 'રિઝર્વેશન રિફોર્મ'ના મુદ્દે એકઠા થયેલા લોકો

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, 21 ઑગસ્ટે જંતર-મંતર પર 'રિઝર્વેશન રિફોર્મ'ના મુદ્દે એકઠા થયેલા લોકો
પ્રકાશિત
વાંચવાનો સમય: 9 મિનિટ

અનામત વિરુદ્ધની ઝુંબેશ હવે સોશિયલ મીડિયાની ચર્ચાથી શેરીઓ સુધી પહોંચી રહી છે.

સોશિયલ મીડિયા પર શરૂ થયેલા 'આરક્ષણ હઠાવો આંદોલન' અભિયાન સાથે સંકળાયેલા લોકોએ ગત શુક્રવારે દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કર્યું હતું.

જે લોકો દેશમાં સરકારી નોકરીઓ અને શિક્ષણમાં જાતિને આધારે અનામતનો વિરોધ કરે છે એવા લોકો આ પ્રદર્શનમાં ભાગ લેવા આવ્યા હતા. તેમાં અનેક હિન્દુત્વવાદી જૂથોના કાર્યકરો પણ સામેલ થયા હતા.

દિલ્હી પોલીસે આ પ્રદર્શન માટે પરવાનગી આપી ન હતી અને સાંજ સુધીમાં પ્રદર્શનકારીઓને હઠાવી દેવામાં આવ્યા હતા.

પ્રદર્શનકારીઓ હાલની અનામત વ્યવસ્થાની સમીક્ષા, જાતિને બદલે આર્થિક આધારને પ્રાથમિકતા આપવા અને મેરિટ આધારિત વ્યવસ્થાની માગ કરી રહ્યા છે.

હરિયાણાના પલવલથી વિરોધપ્રદર્શનમાં જોડાવા આવેલા કુલદીપ કૌશિકે બીબીસીને જણાવ્યું, "આર્થિક રીતે સક્ષમ લોકોને તેમની જાતિના કારણે મળી રહેલા અનામતનો હું વિરોધ કરું છું. જે લોકો IAS-IPS, સાંસદ-ધારાસભ્યો બન્યા છે તેમનાં બાળકોને અનામત મળવાનો હું વિરોધ કરું છું."

કૌશિક કહે છે, "અનામત વર્ગથી આવતા લોકો વડા પ્રધાન, રાષ્ટ્રપતિ, વરિષ્ઠ અધિકારીઓ બની રહ્યા છે. આનાથી વધુ સમાનતા શું હોઈ શકે? આવા જે લોકો અનામત લઈ રહ્યા છે તેમણે કહેવું જોઈએ કે અનામત ગરીબોને મળે."

આમ તો આ અભિયાનનું નામ 'અનામત હઠાવો આંદોલન' હોવા છતાં વિરોધમાં સામેલ મોટા ભાગના લોકો અનામતને સીધી રીતે નાબૂદ કરવાને બદલે અનામત પ્રણાલીમાં સુધારાની માગ કરી રહ્યા હતા.

અહીં આવેલા મોટા ભાગના વિરોધીઓનો એક જ દલીલ હતી કે, "અનામત આર્થિક આધારે હોવી જોઈએ."

સનાતન સેવા પરિષદ નામના સંગઠનના પ્રમુખ તેજસ શાંડિલ્યે પણ આવી જ દલીલ કરી હતી અને કહ્યું હતું કે, "અનામતમાં સુધારો થવો જોઈએ, અનામત ફક્ત ગરીબો માટે જ હોવી જોઈએ."

ભારતમાં આર્થિક ધોરણે 10 ટકા અનામતની જોગવાઈ છે. આ આંદોલને એક જૂની ચર્ચા છેડી છે કે શું ભારતમાં અનામતની સમીક્ષા થવી જોઈએ? કે પછી જ્યાં સુધી જાતિગત અસમાનતા કે ભેદભાવ સંપૂર્ણપણે ખતમ ન થાય ત્યાં સુધી અનામત જરૂરી છે?

આ પ્રદર્શન કરી રહેલા લોકોની શું માગ છે?

દિલ્હીના જંતરમંતર પર થયેલા પ્રદર્શનની એક તસવીર

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, દિલ્હીના જંતર-મંતર પર થયેલા પ્રદર્શનની એક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

'અનામત હઠાવો આંદોલન' સાથે સંકળાયેલા વિરોધીઓમાં તેમની બધી માગણીઓ અંગે સંપૂર્ણ એક મત નથી. જોકે, હાલનાં વિરોધપ્રદર્શનોએ જાતિ આધારિત અનામતની સમીક્ષા કરવા, આર્થિક સ્થિતિને વધુ મહત્ત્વ આપવા, પસંદગી માટે યોગ્યતાને પ્રાથમિક માપદંડ બનાવવા અને એક જ વર્ગ પર અનામત લાભોનું સતત કેન્દ્રીકરણ કરવા અંગે પ્રશ્નો ઊભા કર્યા છે.

આંદોલન સાથે સંકળાયેલા કેટલાક લોકો સરકાર પાસે અનામત અંગે વિગતવાર આંકડા સાથે એક શ્વેતપત્ર બહાર પાડવાની પણ માગ કરી રહ્યા છે.

જોકે, આ પ્રદર્શનના બીજા જ દિવસે આયોજકોમાંના એક એવા હર્ષ દુબેએ ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય મંત્રી બ્રજેશ પાઠક સાથે લખનૌમાં એક પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કૉન્ફરન્સમાં બ્રજેશ પાઠકે જણાવ્યું હતું કે પ્રદર્શનકારીઓની માગણીઓ સરકાર સમક્ષ વ્યવસ્થિત રીતે રજૂ કરવામાં આવશે.

તેમણે વચન આપ્યું હતું કે બે દિવસમાં પ્રદર્શનકારીઓના એક પ્રતિનિધિમંડળની કેન્દ્ર સરકારના મંત્રી સાથે મુલાકાત કરાવવામાં આવશે. જોકે, સમયમર્યાદા પસાર થઈ ગઈ હોવા છતાં, આવી કોઈ મુલાકાત વિશે કોઈ વિશ્વસનીય માહિતી નથી.

આ પ્રેસ કૉન્ફરન્સે આંદોલનની અંદરના વિભાજનનો પણ પર્દાફાશ કર્યો. આંદોલનનું નેતૃત્વ કરવાનો દાવો કરનારાઓમાંના એક, અનુરાધા તિવારીએ જાહેરમાં હર્ષ દુબે અને સરકાર વચ્ચેની વાતચીત તથા દુબે દ્વારા રજૂ કરાયેલી માગથી પોતાને દૂર રાખ્યા છે.

વળી, આ ચળવળ સાથે સંકળાયેલા લોકો તરફથી સોશિયલ મીડિયા પર અલગ-અલગ સૂર સંભળાઈ રહ્યા છે. અનુરાધા તિવારીએ કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં આ અભિયાનને દિશા આપશે.

જંતરમંતર પર વિરોધપ્રદર્શન દરમિયાન આયોજકોમાંના એક હર્ષ દુબેએ બીબીસીને કહ્યું હતું કે, "અમારી માગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી અમે પાછળ હઠીશું નહીં અને આંદોલન ચાલુ રહેશે."

જોકે, બીજા જ દિવસે તેઓ લખનૌમાં યુપીના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક સાથે જોવા મળ્યા હતા.

આંદોલનને સમર્થન ક્યાંથી મળી રહ્યું છે?

ડૉ. આંબેડકરની એક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

દિલ્હીમાં થયેલાં વિરોધપ્રદર્શનો પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું એક નિવેદન સોશિયલ મીડિયા પર વારંવાર પોસ્ટ કરાઈ રહ્યું છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે, "ધ્યાનથી સાંભળો, ભારતીય જનતા પાર્ટી ક્યારેય અનામત દૂર કરશે નહીં, એટલું જ નહીં, જો તમે તેને દૂર કરવા માગતા હો, તો ભારતીય જનતા પાર્ટી તમને તેમ કરવા પણ નહીં દે. આ ભારતીય જનતા પાર્ટીની પ્રતિબદ્ધતા છે."

સત્તાધારી ભાજપના કોઈ પણ વરિષ્ઠ નેતાએ હજુ સુધી આ આંદોલનના સમર્થનમાં કોઈ નિવેદન આપ્યું નથી.

એટલું જ નહીં, આ ચળવળને હજુ સુધી કોઈ પણ મુખ્ય રાષ્ટ્રીય રાજકીય પક્ષનું ઔપચારિક સમર્થન મળ્યું નથી.

હાલમાં, આ ચળવળના સમર્થકો મુખ્યત્વે જનરલ કૅટેગરીના યુવાનો, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ, યુવા વ્યાવસાયિકો અને સોશિયલ મીડિયા પર સક્રિય લોકો છે, જેમાંથી મોટા ભાગના કહેવાતી ઉચ્ચ જાતિના લોકો છે.

જોકે, કેટલીક સોશિયલ મીડિયા પર ચર્ચિત હસ્તીઓએ અનામત વ્યવસ્થાની ટીકા કરી છે. આનંદ રંગનાથન અને વિવાદાસ્પદ પત્રકાર અજિત ભારતી જેવી વ્યક્તિઓએ જાહેરમાં મેરિટ અને વર્તમાન અનામત વ્યવસ્થા પર પ્રશ્ન ઉઠાવ્યા છે.

અનામત હઠાવો ચળવળના ઇન્સ્ટાગ્રામ પેજને અત્યાર સુધીમાં 56 લાખથી વધુ લોકો ફૉલો કરી ચૂક્યા છે. જોકે, તેને જમીન પર બહુ સમર્થન મળ્યું હોય તેવું લાગતું નથી. જંતર-મંતર પર વિરોધપ્રદર્શનમાં ભાગ લેનારા મોટા ભાગના યુવાનો જાતિ આધારિત અને હિન્દુત્વવાદી સંગઠનો સાથે જ જોડાયેલા હતા.

અનામત ખરેખર કેમ લાગુ કરાઈ હતી?

ભારતનું બંધારણ ( પ્રતીકાત્મક તસવીર )

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતનું બંધારણ ( પ્રતીકાત્મક તસવીર )

આ ચર્ચાને સમજવા માટે ભારતના બંધારણ અને સ્વતંત્રતા પછીની સામાજિક પરિસ્થિતિને સમજવી મહત્ત્વપૂર્ણ છે.

અનામત ફક્ત ગરીબી નાબૂદી માટે એક યોજના તરીકે નહોતી લાવવામાં આવી.

ભારતમાં જાતિ આધારિત ભેદભાવથી લાંબા સમયથી કેટલાક સમુદાયોને શિક્ષણ, સત્તા, જાહેર સંસ્થાઓ અને રોજગારથી બાકાત રખાયા હતા. બંધારણના ઘડવૈયાઓ સામે એ સવાલ હતો કે શું ફક્ત કાયદા સમક્ષ સમાનતા આપી દેવી એ પૂરતું હશે?

આ પ્રશ્નના મૂળમાં ભારતીય સમાજની અસમાન પરિસ્થિતિઓ હતી જેમાં વસ્તીનો એક મોટો ભાગ જાતિના કારણે શોષણ અને જુલમનો ભોગ બનતો હતો.

અનામતનો હેતુ એવા સમુદાયોને શિક્ષણ, સરકારી રોજગાર અને રાજકીય સંસ્થાઓમાં પ્રતિનિધિત્વ પૂરું પાડવાનો હતો જેમને ઐતિહાસિક રીતે આ ક્ષેત્રોમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પ્રોફેસર વિવેકકુમાર આ જ તફાવતને અનામતના પાછળના મૂળભૂત વિચાર તરીકે સમજાવે છે.

પ્રોફેસર વિવેકકુમાર કહે છે, "અનામતનો અર્થ છે પ્રતિનિધિત્વ."

તેમનું કહેવું છે કે અનામતનો હેતુ શિક્ષણ અને નોકરીઓમાં પ્રતિનિધિત્વ પૂરું પાડવાનો હતો જેથી એ સમાજોને મુખ્ય પ્રવાહમાં લાવી શકાય જેમને લાંબા સમયથી સત્તા, શિક્ષણ અને સંસાધનોથી વંચિત રાખવામાં આવ્યા હતા.

અહીંથી જ અનામતના સમર્થકો અને વિરોધી વચ્ચે મૂળ મતભેદ ઊભો થાય છે.

ગરીબી અને જાતિગત ભેદભાવ

જંતરમંતર પર પ્રદર્શન

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, જંતરમંતર પર પ્રદર્શનની એક તસવીર

અનામત હઠાવો આંદોલનની મુખ્ય દલીલ એ છે કે આજે વ્યક્તિની આર્થિક સ્થિતિને તેની જાતિ કરતાં વધુ મહત્ત્વ આપવું જોઈએ, પરંતુ અનામતના સમર્થકો કહે છે કે ગરીબી અને જાતિગત ભેદભાવ એ અલગ-અલગ સમસ્યા છે.

પ્રોફેસર વિવેકકુમાર કહે છે, "અનામત એ ગરીબી નાબૂદી કાર્યક્રમ નથી."

તેમની દલીલ છે કે જો કોઈ વ્યક્તિની સમસ્યા ગરીબી હોય, તો શિષ્યવૃત્તિ, ફી માફી અથવા નાણાકીય સહાય જેવા પગલાં પૂરા પાડી શકાય છે. જોકે, અનામતનો હેતુ પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવાનો અને વંચિતોને સમાનતા સુધી પહોંચવાની તકો પૂરી પાડવાનો છે.

પ્રોફેસર લક્ષ્મણ યાદવ આર્થિક આધારને અનામતનો વિકલ્પ બનાવવાના તર્ક પર પણ પ્રશ્ન ઉઠાવે છે.

તેઓ કહે છે, "જો શોષણ, અન્યાય અને ભેદભાવ જાતિ પર આધારિત હોય, તો તેને સમાપ્ત કરવાનો આધાર આર્થિક કેવી રીતે હોઈ શકે?"

અનામતનું સમર્થન કરતા વિશ્લેષકોના તર્કનો આધાર એ છે કે જો સમસ્યાનું મૂળ કારણ જાતિ છે તો તેનો ઉકેલ ફક્ત આર્થિક સ્થિતિ પર આધારિત ન હોઈ શકે.

અનામતની ફરી સમીક્ષા કરવા અંગે શું સવાલો છે?

જંતરમંતર પર પ્રદર્શન

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, જંતર-મંતર પર પ્રદર્શન

અનામતનો વિરોધ કરતાં લોકોની મુખ્ય માગ અનામતની સમીક્ષા અને આ વ્યવસ્થામાં સુધારો કરવાની છે.

પ્રોફેસર લક્ષ્મણ યાદવ દલીલ કરે છે કે કોઈ પણ નીતિગત ફેરફાર આંકડા અને ડેટા પર આધારિત હોવો જોઈએ.

તેઓ કહે છે, "અનામતનો વિરોધ કરનારા લોકો સુધારાની વાત કરી રહ્યા છે, પરંતુ નક્કર ડેટા વિના સુધારા કેવી રીતે થઈ શકે?"

તેમનું કહેવું છે કે જાતિગત વસ્તીગણતરીમાં દરેક સમુદાયની વસ્તી, શિક્ષણ અને રોજગારમાં તેની સ્થિતિ અને સંસાધનોની તેની પહોંચ જાહેર થવી જોઈએ.

તેમનો પ્રશ્ન એ છે કે આ ડેટા વિના, કયો સમુદાય એવા તબક્કામાં પહોંચી ગયો છે જ્યાં તેને અનામતની જરૂર નથી એ કેવી રીતે નક્કી કરી શકાય.

પ્રોફેસર વિવેકકુમાર પણ માને છે કે જ્યાં સુધી જાતિ ભેદભાવ નાબૂદ ન થાય ત્યાં સુધી અનામતની સમીક્ષા કયા આધારે કરવામાં આવશે?

મેરિટ અંગે દલીલો

અનામત વિરોધી ચળવળમાં 'મેરિટ' એ સૌથી મુખ્ય શબ્દોમાંથી એક છે.

વિરોધપ્રદર્શન દરમિયાન, મોટા ભાગના લોકો એક જ દલીલ કરે છે કે, "અનામત એ મેરિટવાળી વ્યક્તિઓને નોકરી મેળવવાથી રોકી રહ્યું છે."

વિરોધ કરનારાઓ દલીલ કરે છે કે પસંદગીનો આધાર એ વ્યક્તિની ક્ષમતા અને તેનું પ્રદર્શન હોવું જોઈએ, તેની જાતિ નહીં.

આના જવાબમાં, અનામતના સમર્થકો પૂછે છે કે મેરિટ ખરેખર કેવી રીતે પેદા થાય છે?

પ્રોફેસર યાદવ કહે છે, "જો બે વિદ્યાર્થીઓનું શાળાકીય શિક્ષણ, નાણાકીય સંસાધનો, કોચિંગ, સામાજિક વાતાવરણ અને તકો સંપૂર્ણપણે અલગ હોય તો શું તેમની વચ્ચેની સ્પર્ધા સમાન ગણી શકાય?"

આ જ કારણ છે કે અનામતના સમર્થકો 'સમાન અવસર' ને ફક્ત પરીક્ષાના દિવસે થઈ રહેલી સ્પર્ધા સાથે જોડતા નથી.

શું અનામતે તેનો ઉદ્દેશ્ય પૂરો કરી લીધો છે?

જંતરમંતર પર પ્રદર્શન

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, આ પ્રદર્શનને દિલ્હી પોલીસે મંજૂરી નહોતી આપી અને તેમને પોલીસે હઠાવી દીધા હતા

આ કદાચ વર્તમાનમાં વિરોધ કરી રહેલા સૌથી મહત્ત્વપૂર્ણ પ્રશ્ન છે.

પ્રોફેસર વિવેકકુમાર સરકાર પાસે અનામત પર વિગતવાર શ્વેતપત્ર બહાર પાડવાની માગ કરે છે.

પ્રોફેસર વિવેકકુમાર કહે છે, "સરકારે જણાવવું જોઈએ કે છેલ્લા સાત દાયકામાં કેટલી સરકારી નોકરીઓનું સર્જન થયું, અનામતનું કેટલું પાલન થયું, કેટલી જગ્યાઓ ખાલી છે અને કેટલી ભરાઈ."

તેઓ પૂછે છે, "તો 70 વર્ષમાં પ્રતિનિધિત્વ ક્યાં પૂર્ણ થયું છે? તમે તેને ચકાસી શકો છો."

બીજી બાજુ, અનામત વિરોધીઓ પૂછે છે કે જો સામાજિક પછાતપણું દૂર કરવા માટે અનામતની રચના કરવામાં આવી હતી, તો તેની સમય મર્યાદા કેમ ન હોવી જોઈએ?

શું ચોક્કસ પરિસ્થિતિઓ માટે રચાયેલી નીતિ કાયમ માટે ચાલુ રહેવી જોઈએ?

આ એ પ્રશ્ન છે જેનો જવાબ વિરોધીઓ સરકાર પાસેથી માગી રહ્યા છે.

અનામતનો વિરોધ એ કોઈ નવી વાત નથી

1990માં મંડલ કમિશનની ભલામણો લાગુ કરવાની જાહેરાતનો ભારે વિરોધ થયો હતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1990માં મંડલ કમિશનની ભલામણો લાગુ કરવાની જાહેરાતનો ભારે વિરોધ થયો હતો

1950માં બંધારણ અમલમાં આવ્યું ત્યારથી અનામત અંગે ચર્ચાઓ અને વિરોધપ્રદર્શનો ચાલી રહ્યાં છે.

જોકે, 1990માં મંડલ કમિશનની ભલામણોના અમલીકરણથી આ મુદ્દો રાષ્ટ્રીય રાજકારણના કેન્દ્રમાં આવ્યો.

મંડલ કમિશને કેન્દ્ર સરકારની નોકરીઓમાં અન્ય પછાત વર્ગો (OBC) માટે 27 ટકા અનામતની ભલામણ કરી હતી.

આના વિરોધમાં દેશભરમાં વિદ્યાર્થીઓનાં આંદોલનો થયાં.

1992માં સુપ્રીમ કોર્ટના ઇન્દ્રા સાહની ચુકાદાએ ઓબીસી અનામતને સમર્થન આપ્યું અને અનામત માટે 50 ટકા મર્યાદા અને ઓબીસીમાં ક્રીમિલેયર જેવા મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતો સ્થાપિત કર્યા.

આ પછી, અનામતનું સ્વરૂપ બદલાતું રહ્યું. 2019માં આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10 ટકા અનામત ઉમેરવામાં આવી હતી.

આમ, આજની ચર્ચા ફક્ત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે અનામત વિશે નથી. તેમાં આર્થિક પરિસ્થિતિઓના આધારે અનામતનો પ્રશ્ન પણ સામેલ છે.

અનામતના સમર્થકો શું ઇચ્છે છે?

અનામત સમર્થકો કહે છે કે જાતિગત અસમાનતા આજે પણ અસ્તિત્વમાં છે.

પ્રો. લક્ષ્મણ યાદવ કહે છે, "જ્યાં સુધી જાતિઓ છે, ત્યાં સુધી જાતિવાદ રહેશે અને જો જાતિવાદ રહેશે તો તેને ખતમ કરવાનો અનામત કરતાં વધુ સારો કોઈ રસ્તો નથી."

તેમના મતે, ભારતીય સમાજ પહેલાંથી જ વિભાજિત છે. તેઓ કહે છે કે જો આ વિભાજનની ખુલ્લેઆમ ચર્ચા કરવામાં આવે તો તેનાથી ડરવાની કોઈ જરૂર નથી, પરંતુ ચર્ચા ડેટા પર આધારિત હોવી જોઈએ.

પ્રોફેસર યાદવ કહે છે, "એક ખુલ્લી ચર્ચા થવી જોઈએ. જો ચર્ચા ડેટા આધારિત હોય તો."

તેઓ એમ પણ કહે છે કે આજે વંચિત સમુદાયો પહેલા કરતાં વધુ જાગૃત છે.

"હવે ભારત 90ના દાયકાની પહેલાંનું ભારત નથી રહ્યું કે જ્યારે જ્યારે એસસી, એસટી કે ઓબીસી લોકોને કંઈ ખબર નહોતી. હવે તેમના લોકો પણ બૌદ્ધિક છે."

બીબીસી સાથે વાત કરતા સાંસદ ચંદ્રશેખર આઝાદે કહ્યું હતું કે, "અનામત ખતમ કરવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે સમાજમાંથી જાતિઓ દૂર કરવામાં આવે, જે દિવસે અસમાનતા સમાપ્ત થશે, અનામત આપમેળે સમાપ્ત થઈ જશે."

ભાજપ અને વિપક્ષનું વલણ શું છે?

ભારતના રાજકારણમાં અનામતનો મુદ્દો અતિશય સંવેદનશીલ માનવામાં આવે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતના રાજકારણમાં અનામતનો મુદ્દો અતિશય સંવેદનશીલ માનવામાં આવે છે

ભાજપનું સત્તાવાર વલણ અનામતનો અંત લાવવાનું નથી રહ્યું.

કેન્દ્ર સરકાર એસસી, એસટી અને ઓબીસી અનામતની હાલની બંધારણીય વ્યવસ્થા જાળવી રાખવા તેમજ અનામત પદોની ખાલી જગ્યાઓ ભરવા પર ભાર મૂકી રહી છે.

તાજેતરમાં, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં SC/ST અનામતમાં ક્રીમિલેયર લાગુ કરવાના વિચારનો વિરોધ કર્યો હતો. સરકારે દલીલ કરી હતી કે SC/ST અનામતનો આધાર આર્થિક પછાતપણું નથી, પરંતુ ઐતિહાસિક અને સામાજિક ભેદભાવ છે.

બીજી તરફ, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય મંત્રી બ્રજેશ પાઠકની અનામત સુધારા સંબંધિત પ્રદર્શનકારીઓ સાથેની વાતચીતે ચોક્કસપણે રાજકીય ચર્ચાને વધુ તીવ્ર બનાવી છે.

વિરોધ પક્ષો આ મુદ્દા પર અનામતનો વિસ્તાર અને જાતિ આધારિત પ્રતિનિધિત્વનું વિસ્તરણ થાય તેના પક્ષમાં છે.

કૉંગ્રેસ જાતિગત વસ્તીગણતરી અને 50 ટકા અનામતની મર્યાદા દૂર કરવા ઉપર ભાર મૂકી રહી છે.

સમાજવાદી પાર્ટી જાતિગત વસ્તીગણતરી અને વસ્તી અનુસાર પ્રતિનિધિત્વની માગ કરે છે.

રાષ્ટ્રીય જનતા દળ પણ ખાનગી ક્ષેત્રમાં અનામત અને અનામતની મર્યાદા વધારવાનું સમર્થન કરી રહ્યું છે.

બહુજન સમાજ પાર્ટી હાલના એસસી, એસટી અને ઓબીસી અનામતને નબળા પાડવાના કોઈ પણ પ્રયાસનો વિરોધ કરે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન