રામોજી ફિલ્મ સિટીમાં 'જીવડું કરડ્યા બાદ' બૉલીવુડ ઍક્ટર હૉસ્પિટલ ખસેડાયા, સરકાર પાસે તપાસની માગ કેમ કરાઈ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ફિલ્મ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રુપસા સેનગુપ્તા
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 3 મિનિટ

પ્રભાસની આગામી ફિલ્મના શૂટિંગ દરમિયાન કથિતપણે એક જંતુ કરડવાથી બીમાર પડેલા લોકપ્રિય બંગાળી અભિનેતા રાજેશ શર્મા હજુ પણ ડૉક્ટરોની દેખરેખમાં છે.

તેમની તબિયત બગડ્યા બાદ તેમને કોલકાતાના ઢાકુરિયાસ્થિત એક ખાનગી હૉસ્ટિપલમાં દાખલ કરાયા છે.

આ પહેલાં તેઓ હૈદરાબાદની રામોજી ફિલ્મ સિટીમાંથી પાછા ફર્યા હતા, જ્યાં કથિતપણે આ ઘટના બની હતી.

હાલ તેઓ ખતરાથી બહાર છે અને ડૉક્ટર તેમની સારવાર કરી રહ્યા છે.

પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી શુભેંદુ અધિકારી અને મંત્રી ડૉક્ટર ઇન્દ્રનીલ ખાને એક્સ પર પોસ્ટ કરીને રાજેશ શર્માની જલદી સ્વસ્થ થવાની કામના કરી છે.

શુક્રવારે ઢાકુરિયાની મણિપાલ હૉસ્પિટલનાં ચીફ મેડિકલ સર્વિસિઝ ડૉ. તાનિય લોધે બીબીસીને જણાવ્યું કે શર્માની હાલત હવે સ્થિર છે અને તેમનામાં સુધારાના સંકેત મળી રહ્યા છે.

તેમણે કહ્યું, "અમે તેમને ડૉક્ટરોની દેખરેખમાં રાખવાનો નિર્ણય કર્યો છે. હું આના કરતાં વધુ કંઈ ન જણાવી શકું, કેમ કે તેમણે પોતાની મેડિકલ જાણકારી શૅર કરવાની સંમતિ નથી આપી."

મંગળવાર રાત્રે અભિનેતા રાજેશ શર્માની તબિયત બગડ્યા બાદ તેમને હૉસ્પિટલ લઈ જવાયા હતા.

શું છે સમગ્ર ઘટના?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ફિલ્મ

ઇમેજ સ્રોત, @IndranilKhan

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હૉસ્પિટલના એક સૂત્રે નામ ન જાહેર કરવાની શરતે બીબીસીને કહ્યું, "હૉસ્પિટલમાં દાખલ થતી વખતે તેમને ખૂબ તાવ હતો અને તેમના જમણા પગે ચેપ હતો. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ચેપ વધવાને કારણે તેમને ખૂબ તાવ આવવા લાગ્યો અને મેડિકલ ટીમે તેમને દેખરેખમાં રાખવાનો નિર્ણય લીધો. પરંતુ હવે તેઓ ખતરાથી બહાર છે."

શર્મા ડાયાબિટીસના પણ દર્દી છે. ડૉક્ટરોનું કહેવું છે કે આના કારણે તેમની મેડિકલ કંડિશન વધુ જટિલ હોઈ શકે છે.

સમાચાર એજન્સી પીટીઆઇ પ્રમાણે રાજેશ શર્માના પરિવાર તરફથી અભિનેત્રી સુદીપા ચેટરજીએ એક નિવેદન જાહેર કર્યું છે. એ નિવેદન પ્રમાણે, શૂટિંગ ખતમ થયા બાદ અભિનેતા ગાઢ વનસ્પતિવાળા વિસ્તારમાં સ્થાનિક ટૅક્નિશિયનો સાથે વાતચીત કરી રહ્યા હતા, ત્યારે તેમને એવું લાગ્યું કે કોઈ જંતુ તેમને કરડ્યું છે.

નિવેદનમાં કહેવાયું છે કે શરૂઆતમાં તેમને આ મામૂલી તકલીફ લાગી, તેથી તુરંત ઇલાજ ન કરાવ્યો. જોકે, લગભગ છ કલાક બાદ ડાબા પગમાં ઘણો દુખાવો ઊપડ્યો અને તેમની તબિયત ખરાબ થવા લાગી. બાદમાં તેઓ કોલકાતા પાછા ફર્યા અને તબિયત ખરાબ થતાં તેમને હૉસ્પિટલ લઈ જવાયા.

મીડિયા રિપોર્ટો અનુસાર, રાજેશ શર્મા હનુ રાઘવપુડીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 'ફૌજી'નું શૂટિંગ કરી રહ્યા હતા, 'ફૌજી'ના નિર્માતાઓએ દાવો કર્યો છે કે શૂટિંગ દરમિયાન થયેલી કોઈ પણ ઘટના કે મેડિકલ ઇમર્જન્સી અંગે તેમને કોઈ માહિતી નહોતી અપાઈ.

ઑલ ઇન્ડિયા સિને વર્કર્સ ઍસોસિયેશને એક નિવેદન જાહેર કરીને તેલંગાણા સરકાર પાસેથી રાજેશ શર્માની મેડિકલ ઇમર્જન્સી સાથે સંકળાયેલી પરિસ્થિતિઓની 'તાત્કાલિક, નિષ્પક્ષ અને પારદર્શક તપાસ' કરાવવાની માગ કરી છે.

અક્ષયકુમારે પણ સોશિયલ મીડિયા પર ઉલ્લેખ કર્યો

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ફિલ્મ

ઇમેજ સ્રોત, Getty Images

એક્સ પર ઑલ ઇન્ડિયન સિને વર્કર્સ ઍસોસિયેશન (એઆઇસીડબ્લ્યૂએ)ના અધ્યક્ષ સુરેશ શ્યામલાલ ગુપ્તા તરફથી શૅર કરાયેલી પોસ્ટમાં કહેવાયું છે, "ઑલ ઇન્ડિયન સિને વર્કર્સ ઍસોસિયેશન તેલંગાણાના માનનીય મુખ્ય મંત્રી શ્રીરેવંત રેડ્ડીને આગ્રહ કરે છે કે તેઓ રામોજી ફિલ્મ સિટીમાં 'ફૌજી'ના શૂટિંગ સેટ પર ઘટનાની તાત્કાલિક ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપે."

તેમણે લખ્યું, "તપાસમાં એ અભિનેતા રાજેશ શર્માની મેડિકલ ઇમર્જન્સીના ચોક્કસ કારણ અંગે જાણવાનો પ્રયાસ થવો જોઈએ, શું કાર્યસ્થળની સુરક્ષા, સ્વચ્છતા અને ઇમર્જન્સી ચિકિત્સા સાથે સંકળાયેલા તમામ પ્રોટોકૉલનું પાલન કરાયું હતું કે નહીં અને શું નિર્માતા, પ્રોડક્શન હાઉસ કે અન્ય કોઈ જવાબદાર ઑથૉરિટી તરફથી કોઈ બેદરકારી થઈ છે ખરી."

તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરતા અભિનેતા અક્ષયકુમારે એક્સ પર લખ્યું, "શૂટિંગ દરમિયાન જંતુ કરડ્યા બાદ મારા પ્રિય મિત્ર રાજેશની તબિયત વિશે જાણીને ખૂબ ચિંતા થઈ. હું પ્રાર્થના કરું છું કે મહાદેવ તેમને જલદી અને સંપૂર્ણપણે સ્વસ્થ કરે. જલદી ઠીક થઈ જાઓ, હજુ સાથે બેસીને ઘણું હસવાનું છે."

પોતાના દમદાર અભિનય માટે ઓળખાતા રાજેશ શર્મા નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાંથી ભણ્યા છે.

તેમણે ઘણી બંગાળી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે 'ખોસલા કા ઘોસલા', 'બજરંગી ભાઈજાન', 'પરિણીતા' સહિત ઘણી બોલીવીડ ફિલ્મોમાં કામ કર્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન