You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનની એ હૉસ્પિટલ જ્યાંથી બાળકોમાં એચઆઇવી ફેલાયો, ગુપ્ત કૅમેરામાં શું સત્ય સામે આવ્યું?
- લેેખક, ગઝલ અબ્બાસી, સિમસ મિરોદાન, મોહમ્મદ ઝુબૈર ખાન
- પદ, બીબીસી આઇ, પંજાબ, પાકિસ્તાન
- વાંચવાનો સમય: 9 મિનિટ
(ચેતવણી : આ અહેવાલની કેટલાક વિગતો વાચકોને વિચલિત કરી શકે છે)
આઠ વર્ષના મોહમ્મદ અમીનનો એચઆઇવી ટેસ્ટ પૉઝિટિવ આવ્યાના થોડા જ સમયમાં તેનું મોત નીપજ્યું હતું.
તેનું આખું શરીર તાવથી ધગધગતું હતું કે તેણે વરસાદમાં સૂવાની જીદ પકડી હતી. દરદથી તે એટલો પીડાતો હતો કે, "જાણે તેને ઉકળતા તેલમાં નાખી દીધો હોય," એમ તેમનાં માતા સુઘરાએ જણાવ્યું હતું.
નાના ભાઈની કબર પાસે ઘૂંટણિયે પડતાં 10 વર્ષની અસ્મા કહે છે, "તે મારી સાથે ઝઘડતો હતો, પણ મને પ્રેમ પણ કરતો હતો."
નાનો ભાઈ વાઇરસથી સંક્રમિત થયાના થોડા જ સમય પછી અસ્મા પણ એચઆઇવીથી સંક્રમિત હોવાનું નિદાન થયું. તેમના પરિવારનું માનવું છે કે, બંને બાળકોને પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ટાઉનસા ખાતેની એક સરકારી હૉસ્પિટલમાં રૂટિન તબીબી સારવાર દરમિયાન દૂષિત સોયથી લગાવાયેલાં ઇન્જેક્શન્સને કારણે આ સંક્રમણ થયું હતું.
નવેમ્બર, 2024 અને ઑક્ટોબર, 2025ની વચ્ચેના ગાળામાં શહેરમાં એચઆઇવી પૉઝિટિવ જણાયેલાં જે 331 બાળકોની બીબીસી આઇ દ્વારા ઓળખ કરાઈ છે, તેમાં ઉપરોક્ત બે બાળકોનો પણ સમાવેશ થાય છે.
2024ના અંત ભાગમાં એક ખાનગી ક્લિનિકના ડૉક્ટરે આ બીમારીનું ટીએચક્યૂ ટાઉનસા તરીકે ઓળખાતી હૉસ્પિટલ સાથેનું કનેક્શન શોધી કાઢ્યું, ત્યારે સ્થાનિક અધિકારીઓએ "વ્યાપક સ્તર પર કાર્યવાહી કરવાનું વચન આપ્યું" અને માર્ચ, 2025માં હૉસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટને સસ્પેન્ડ કરી દીધા - પણ બીબીસી આઇની એક તપાસના આધારે હવે માલૂમ પડ્યું છે કે, ઘાતક ઇન્જેક્શનો આપવાની તે પરંપરા મહિનાઓ પછી પણ ચાલુ રહી હતી.
2025ના અંત ભાગમાં ટીએચક્યૂ ટાઉનસા ખાતે 32 કલાકના ગુપ્ત ફિલ્માંકન દરમિયાન અમને જુદી-જુદી દસ ઘટનામાં દવાની મલ્ટિ-ડોઝ વાયેલ્સ (શીશીઓ) પર સિરીન્જોનો પુનઃ ઉપયોગ થતો જોવા મળ્યો, જેના કારણે અંદરની દવા દૂષિત થવાની શક્યતા હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમાંથી ચાર કિસ્સામાં અમે જોયું કે, સમાન શીશીમાંથી દવા નીકાળીને અલગ-અલગ બાળકોને આપવામાં આવી હતી. તે પૈકીનું એક પણ બાળક એચઆઇવી પૉઝિટિવ હતું કે કેમ, તે અમે નથી જાણતા, પણ આ પ્રકારના ઉપયોગથી વાઇરસ ફેલાવાનું જોખમ રહેલું છે.
"ભલે તેમણે નવી સોય લગાવી હોય, પણ પાછળના ભાગ (જે સિરીન્જ બોડી કહેવાય છે)માં વાઇરસ રહેલો હોય છે, આથી તે નવી સોયથી પણ ફેલાશે," એમ અમારું ગુપ્ત ફૂટેજ જોયા પછી પાકિસ્તાનના અગ્રણી સંક્રમણકારી રોગ નિષ્ણાત તથા કન્સલ્ટન્ટ માઇક્રોબાયોલૉજિસ્ટ ડૉક્ટર અલ્તાફ અહમદે જણાવ્યું હતું.
સલામત રીતે ઇન્જેક્શન લગાવવાની રીત દર્શાવતા સંકેતો હૉસ્પિટલની દીવાલો ઉપર લાગેલા હોવા છતાં, અમે ડૉક્ટર સહિતનો સ્ટાફ સ્ટરાઇલ ગ્લવ્ઝ પહેર્યા વિના દર્દીઓને 66 વખત ઇન્જેક્શન લગાવતો હોવાનું રેકૉર્ડિંગ કર્યું હતું. અન્ય એક નિષ્ણાતે અમને જણાવ્યું હતું કે, અમારા ફૂટેજે પાકિસ્તાનમાં ઇન્ફેક્શનને નિયંત્રિત કરવાની તાલીમમાં રહેલી ખામીઓ પ્રગટ કરી છે.
અમે એક નર્સને સ્ટરાઇલ ગ્લવ્ઝ પહેર્યા વિના મેડિકલ કચરાના બૉક્સમાંથી સામાન કાઢતી પણ જોઈ હતી. અહમદે જણાવ્યું હતું, "તે દવા ઇન્જેક્ટ કરવાના દરેક સિદ્ધાંતનું ઉલ્લંઘન કરી રહી છે."
પરંતુ જ્યારે અમે અમારું ફૂટેજ હૉસ્પિટલના નવા મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉક્ટર કાસિમ બુઝદારને બતાવ્યું, ત્યારે તેમણે તે ફૂટેજને સાચું માનવાનો ઇનકાર કરી દીધો. તેમણે દાવો કર્યો હતો કે, આ ફૂટેજ તેમણે હોદ્દો સંભાળ્યો, તે પહેલાંનું હોઈ શકે છે અથવા તો "તે ઉપજાવી કાઢેલું હોઈ શકે છે." તેમણે તેમની હૉસ્પિટલ બાળકો માટે સલામત હોવાનું રટણ કર્યું હતું.
બાળકોમાં એચઆઇવી ફેલાયો હોવાની ક્યારે ખબર પડી?
2024ના અંતમાં સૌપ્રથમ એક સ્થાનિક ખાનગી ક્લિનિકના ડૉક્ટર ગુલ કૈસરાનીના ધ્યાનમાં આવ્યું હતું કે તેમના ક્લિનિકમાં એચઆઇવી પૉઝિટિવ હોવાનું નિદાન થયેલાં બાળ દર્દીઓનો ધસારો વધી રહ્યો હતો. આમ, આ રોગચાળા તરફ સૌથી પહેલા તેમનું ધ્યાન દોરાયું હતું.
તેમણે જે 65થી 70 બાળકોનું નિદાન કર્યું હતું, તે તમામે ટીએચક્યૂ ટાઉનસામાં સારવાર મેળવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
તેમને યાદ છે કે, એક માતાએ કહ્યું હતું કે, તેમની પુત્રીને તેની એચઆઇવીગ્રસ્ત પિતરાઈ બહેનની જ સિરીન્જથી ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું અને તે પછી તો તે સિરીન્જ બીજાં ઘણાં બાળકો માટે વપરાઈ હતી. એક છોકરાના પિતાએ ટીએચક્યૂ ટાઉનસા ખાતે સિરીન્જના પુનઃ વપરાશ સામે વાંધો ઉઠાવ્યો હતો, પણ નર્સે તેમના વિરોધને કાને ધર્યો નહોતો.
બીબીસી આઇએ પંજાબ પ્રાંતીય એઇડ્સ સ્ક્રીનિંગ પ્રોગ્રામ અને ખાનગી ક્લિનિકોના ડેટા તથા પોલીસ દ્વારા પ્રગટ કરવામાં આવેલા ડેટા એકત્રિત કરીને નવેમ્બર, 2024 અને ઑક્ટોબર, 2025ની વચ્ચેના ગાળામાં ટાઉનસા શહેરમાં એચઆઇવી પૉઝિટિવ આવેલાં 331 બાળકોની ઓળખ કરી હતી.
એચઆઇવીવ પૉઝિટિવ હોય તેવાં 97 બાળકોના પરિવારોનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, તેમાંથી માત્ર ચાર માતાનાં પરીક્ષણ પૉઝિટિવ આવ્યાં હતાં. આ સૂચવે છે કે ઘણા ઓછા કેસોમાં માતામાંથી બાળકમાં સંક્રમણ ફેલાયું હતું. મોહમ્મદ અમીન અને અસ્માનાં માતા સુઘરાનો એચઆઇવી ટેસ્ટ નૅગેટિવ આવ્યો હતો. સુઘરાના પતિનું બે વર્ષ અગાઉ માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું.
પ્રાંતીય એઇડ્સ સ્ક્રીનિંગ પ્રોગ્રામના આંકડા પ્રમાણે, અસ્મા સહિતના તમામ 331 કિસ્સાઓ પૈકી અડધા કરતાં વધારે મામલાઓમાં સંક્રમણ થવાનું કારણ "દૂષિત સોય" દર્શાવાયું હતું - જ્યારે અન્ય કિસ્સાઓમાં સંક્રમણનું કારણ જણાવવામાં આવ્યું નથી.
પંજાબ સરકારે માર્ચ, 2025માં કેસોની સંખ્યા 106 હોવાનું જણાવીને આ મામલામાં દરમિયાનગીરી કરી. ટીએચક્યૂ ટાઉનસા હૉસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉક્ટર તૈયબ ફારૂક ચંદિયોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા, પણ બીબીસી આઇ જણાવે છે કે, ત્રણ મહિનાની અંદર જ તેઓ ટાઉનસાના પરાં વિસ્તારમાં એક ગ્રામીણ આરોગ્ય કેન્દ્ર ખાતે વરિષ્ઠ મેડિકલ ઑફિસર તરીકે કામ કરી રહ્યા હતા.
બીબીસી આઇ સાથેના ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, ટીએચક્યૂ ટાઉનસા ખાતે એચઆઇવી-પૉઝિટિવ કેસની જાણ થતાં જ તેમણે "તાકીદે" કાર્યવાહી કરી હતી, પણ તેમણે કહ્યું કે, આ રોગના પ્રસાર માટે હૉસ્પિટલ જવાબદાર નહોતી.
ચંદિયોના સ્થાને બુઝદારને નિયુક્ત કરવામાં આવ્યા. બુઝદારે બીબીસીને જણાવ્યું હતું કે, માર્ચ, 2025માં તેમણે પદભાર સંભાળ્યો, ત્યારે તેમણે એચઆઇવી પર જ ધ્યાન આપ્યું હતું અને અસુરક્ષિત સંરક્ષણ નિયંત્રણ માટે તેમણે "ઝીરો ટોલરન્સ" નીતિ અપનાવી હતી.
તેમણે કહ્યું હતું, "અમે એચઆઇવીનું સંક્રમણ કેવી રીતે અટકાવી શકાય અને નાથી શકાય, તેની પદ્ધતિઓ વિશે પૅરામેડિક્સ અને સ્ટાફ નર્સો માટે તાલીમ કાર્યક્રમો હાથ ધર્યા હતા. સૌથી મહત્ત્વનું પાસું સંક્રમણ નિવારણ નિયંત્રણ પરનો અમારો પેટાવિભાગ છે. તેમને આ વિષય અંગે યોગ્ય તાલીમ આપવામાં આવી છે."
જોકે, બીબીસી આઇના પુરાવા સાબિત કરે છે કે, આઠ મહિના પછી પણ અસુરક્ષિત કામગીરી ચાલુ રહી હતી.
ગુપ્ત કૅમેરામાં વપરાયેલી સોય અને દવા ખુલ્લી મળી આવ્યાં
નવેમ્બર અને ડિસેમ્બર, 2025ના અમારા ફૂટેજમાં ટેબલ ઉપર ઘણી વખત સિરીન્જ અને શીશીઓ ખુલ્લી પડેલી અને બાજુમાં ફેંકેલી સોય જોવા મળી હતી. વાસ્તવમાં, ટેબલની સપાટી જીવાણુ રહિત રાખવી જોઈએ.
ટીએચક્યૂ ટાઉનસામાં સારવાર લઈ રહેલાં મોટાં ભાગનાં બાળકોને કેનુલા (નસમાં દાખલ કરાતી નળી) મારફત ઇન્જેક્શન્સ અપાતાં હતાં, જેના કારણે સંક્રમણનું જોખમ વધી જાય છે. સીધા રક્તપ્રવાહમાં પ્રવેશવાથી દૂષિત દવા શરીરની કુદરતી સુરક્ષા પ્રણાલીને પ્રભાવિત કરી શકે છે.
કાઉન્ટરની નીચેથી વપરાયેલી સિરીન્જ કાઢતી એક નર્સનું પણ અમે રેકૉર્ડિંગ કર્યું હતું. તે સિરીન્જમાં છેલ્લા દર્દી માટેનું પ્રવાહી પણ મોજૂદ હતું. સિરીન્જને ફેંકી દેવાને બદલે તે પોતાના સહકર્મીને આપી દે છે, જે સ્વાભાવિક રીતે, બીજા કોઈ બાળક માટે વપરાવાની હતી.
અમે જ્યારે બુઝદારને ગુપ્ત ફૂટેજ બતાવ્યું, ત્યારે તેમણે ભારપૂર્વક કહ્યું કે, તે કાં તો તેમના કાર્યકાળ પહેલાં ફિલ્માવાયું હતું અથવા તો પછી જાણીજોઈને બનાવાયું હતું.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, ફૂટેજ જોનારાં સ્થાનિક માતા-પિતાને તેઓ શું કહેશે? ત્યારે તેમણે જવાબ આપ્યોઃ "હું તેમને ખાતરીપૂર્વક, વિશ્વાસથી કહી શકું છું કે, તમારે ટીએચક્યૂ ટાઉનસામાં તમારી સારવાર કરાવવી જોઈએ."
સ્થાનિક સરકારે એક નિવેદનમાં કહ્યું હતું કે, "કોઈ પણ માન્ય મહામારી વિજ્ઞાન સંબંધિત પુરાવાએ ટીએચક્યૂને આ રોગના પ્રસારના સ્રોત તરીકે પ્રસ્થાપિત કર્યું નથી."
તેમાં ઉમેરવામાં આવ્યું હતું કે, યુનિસેફ, વિશ્વ આરોગ્ય સંગઠન (ડબલ્યુએચઓ) અને પ્રાદેશિક આરોગ્ય તકેદારી વિભાગ વચ્ચેના સંયુક્ત મિશને "અનિયમિત ખાનગી સારવાર પદ્ધતિઓની ભૂમિકા" અને "તપાસ વિના લોહીના સંક્રમણના યોગદાન" ઉપર પ્રકાશ પાડ્યો છે.
પરંતુ શહેરમાં રોગના આ પ્રસાર અંગે સંયુક્ત મિશનનો એપ્રિલ, 2025નો તપાસ અહેવાલ બીબીસી આઇ પાસે ઉપલબ્ધ છે, જેમાં ટીએચક્યૂ ટાઉનસા પરની અમારી તપાસ જેવા ઘણા મુદ્દા જોવા મળ્યા છે.
"ખાસ કરીને પીડિયાટ્રિક ઇમર્જન્સી રૂમમાં સ્થિતિ ચિંતાજનક હતી," એમ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. બીબીસી આઇએ આ વિભાગમાં પણ ફિલ્માંકન કર્યું હતું.
"બાળકો માટે જરૂરી દવાઓ ઉપલબ્ધ નહોતી અને ઇન્જેક્શન લગાવવાની અસુરક્ષિત પદ્ધતિ અનુસરવામાં આવતી હતી. નસમાં અપાતું પ્રવાહી ફરી ઉપયોગમાં લેવાતું હતું, કેનુલા ઉપર લેબલ નહોતાં અને વપરાયેલા આઇવી સેટ સ્ટેન્ડ ઉપર લટકતા હતા. હાથની સ્વચ્છતાની ઉપેક્ષા કરાતી હતી - બેઝિન ભરાયેલાં હતાં અને સેનિટાઇઝર્સ ઉપલબ્ધ નહોતાં."
કરાચીની આગા ખાન યુનિવર્સિટી હૉસ્પિટલમાં પીડિયાટ્રિક મેડિસિનનાં પ્રોફેસર ડૉક્ટર ફાતિમા મીરે જણાવ્યું હતું કે, અમારા ફૂટેજથી પાકિસ્તાનમાં સંક્રમણ નિયંત્રણ તાલીમમાં રહેલી ખામીઓ ઉજાગર થાય છે. "આપણે આપણાં ઇન્જેક્શન આપતાં કર્મચારીઓને ચેતવણી આપવી જોઈએઃ 'તમે બીમારી ફેલાવવાનું એક સક્રિય માધ્યમ બની ગયા છો.'"
અમારી તપાસ પરથી માલૂમ પડે છે કે, અસુરક્ષિત કામગીરીઓ આંશિક રીતે પ્રણાલીગત દબાણોથી પ્રેરિત છે, જેમાં સારવારના સ્વરૂપે ઇન્જેક્શન પરની નિર્ભરતા અને સાંસ્કૃતિક પ્રાથમિકતાનો સમાવેશ થાય છે.
પાકિસ્તાનમાં ઉપચારાત્મક ઇન્જેક્શન્સનો દર ઘણો ઊંચો છે, અને તેમાંનાં ઘણાં ઇન્જેક્શન્સ તબીબી દૃષ્ટિએ બિનજરૂરી છે. મીર કહે છે, સામાન્ય લોકો (જેમાં તેમનાં બાળકો પણ સામેલ છે) ઇન્જેક્શન લગાવવાની માગણી કરે છે અને ડૉક્ટર તરત ઇન્જેક્શન મારી આપે છે. "ઇન્જેક્શન લગાવવાના માપદંડો કડક બનાવવા જોઈએ. માત્ર જીવલેણ બીમારીઓ માટે જ ઇન્જેક્શન હોવાં જોઈએ. હળવીથી સામાન્ય બીમારીઓ માટે મોં વાટે લેવાતી દવાઓનો ઉપયોગ કરવો જોઈએ."
દવાઓ અને પુરવઠાની અછત પણ અસલામત પ્રણાલીને ઇજન આપે છે. સરકારી હૉસ્પિટલોમાં તેમના સુપરિન્ટેન્ડેન્ટ્સની દેખરેખ હેઠળ ક્વોટા સિસ્ટમ થકી ફાળવવામાં આવતા ઇન્જેક્શનની માગ સંસાધનો પર દબાણ લાવી શકે છે. મીર કહે છે, "તેમની પાસે પુરવઠાની નિશ્ચિત સંખ્યા હોય છે અને તેમને કહેવામાં આવે છે કે, તેમણે આટલા પુરવઠામાં આખો મહિનો ચલાવવો પડશે. શું તેઓ જોઈ રહ્યા છે કે, કરકસર કેટલી જોખમી છે? અને પૈસા ક્યાં ખર્ચવા જોઈએ?"
ગુપ્ત ફિલ્માંકન દરમિયાન અમને જાણવા મળ્યું કે, વૉર્ડમાંથી પુરવઠો ઘણી વખત ગાયબ થઈ જતો હતો અને જેમને લિક્વિડ પૅરાસિટામોલ પરવડતી હોય, તેવા દર્દીઓને તેમની દવા જાતે લઈ આવવા કહેવાતું હતું. એક નર્સે કહ્યું હતું, "તેઓ અમારી પાસેથી એકેક દવાનો હિસાબ માગે છે."
ગુપ્ત કૅમેરાનાં ફૂટેજ શું સૂચવે છે?
ટીએચક્યૂ ટાઉનનસામાં નોંધાયેલી પ્રથાઓ અગાઉ પાકિસ્તાનમાં અન્ય સ્થળોએ થયેલા રોગના પ્રસારમાં જોવા મળેલી પ્રથાઓ સાથે સમાનતા ધરાવે છે.
2019માં સિંધ પ્રાંતના રાતોડેરો શહેરમાં સેંકડો બાળકો એચઆઇવી પૉઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. તેમાંનાં ઘણાં બાળકોનાં માતા-પિતાના ટેસ્ટ નૅગેટિવ હતા. સ્થાનિક બાળરોગ નિષ્ણાત ડૉક્ટર ઇમરાન અર્બાનીએ બીબીસીને જણાવ્યું હતું કે, બાળકોની મેડિકલ હિસ્ટ્રી ચકાસતાં તેમાં વારંવાર ક્લિનિકની મુલાકાતો અને એક કરતાં વધુ ઇન્જેક્શનો જોવા મળ્યાં હતાં. "આથી તે ચોક્કસપણે આ પૈકીની કોઈ તબીબી સ્થિતિને કારણે ફેલાયું હશે." 2021 સુધીમાં તો એચઆઇવી પૉઝિટિવ સ્થાનિક બાળકોની સંખ્યા વધીને 1,500 થઈ ગઈ છે અને હજુયે નવાં સંક્રમણો થઈ જ રહ્યાં છે.
જ્યારે અમે ટાઉનસામાં ફિલ્માંકન કરી રહ્યા હતા, ત્યારે કરાચીમાં આવા કેટલાક કિસ્સા નોંધાયા હતા. સાઇટ ટાઉન વિસ્તારમાં કુલસૂમ બાઈ વાલિકા હૉસ્પિટલ નામની એક સ્થાનિક સરકારી હૉસ્પિટલમાં સારવાર લેનારાં બાળકો પછીથી એચઆઇવી પૉઝિટિવ હોવાનું માલૂમ પડ્યું હતું.
તેમાં બે વર્ષની મિકાશા પણ હતી.
પરિવારના એક સભ્યે જણાવ્યું હતું કે, હૉસ્પિટલનો સ્ટાફ ઘણાં બધાં બાળકો માટે એક જ સિરીન્જ વાપરતો હતોઃ "તેઓ એક જ સિરીન્જ ભરીને એક બાળકને આપતા, પછી ફરી પાછી ભરીને બીજા બાળકને આપતા," એમ તેમણે બીબીસી આઇને જણાવ્યું હતું.
હૉસ્પિટલનાં મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉક્ટર મુમતાઝ શેખે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "લાયકાત ધરાવનારા ડૉક્ટરો કદીયે સિરીન્જનો બીજી વખત ઉપયોગ કરશે નહીં. આથી, સરકારી હૉસ્પિટલોમાં આવું બનતું હોવાની અમને કોઈ ખબર નથી."
જોકે, ફેડરલ આરોગ્યમંત્રીએ જાહેરમાં પુષ્ટિ કરી છે કે, 84 કેસોનો ફેલાવો હૉસ્પિટલમાં દૂષિત સિરીન્જના પુનઃ વપરાશને કારણે થયો હતો.
અમે જ્યારે અમારાં તારણો સરકાર સમક્ષ મૂક્યાં, ત્યારે પ્રવક્તાએ કહ્યું કે, સરકારે "ચેપ નિવારણ પગલાંનો અમલ કરવા માટે તેમજ ચિંતારૂપ મુદ્દાઓની તપાસ કરવા તેના આદેશ પ્રમાણે તરત કાર્યાવાહી કરી છે. તે અનુસાર, માર્ચ, 2025માં આરોગ્ય સુવિધાઓને માર્ગદર્શિકા મોકલવામાં આવી હતી."
ટાઉનસા ખાતે અસ્માનો પરિવાર કહે છે કે, અસ્માનું વજન ઘટી રહ્યું છે અને હવે તેણે જીવનભર એક એવા વાઇરસનો સામનો કરવો પડશે, જેના સંપર્કમાં તે કદીયે આવવી જોઈતી નહોતી.
'આખું જીવન સારવાર કરાવવી પડશે'
એચઆઇવી સાથે જોડાયેલા કલંકનો અર્થ એ છે કે, પાડોશીઓ ઘણી વખત તેમનાં બાળકોને અસ્મા સાથે રમવા નથી દેતાં, જેના કારણે અસ્મા એકલી પડી જાય છે અને બીમાર થઈ જાય છે, એમ તેના પરિવારે જણાવ્યું હતું. અસ્મા તેમનાં માતાને પૂછે છેઃ "મને શું થયું છે?"
ભાઈની કબર પાસે ઊભી રહીને અસ્મા કહે છે કે, તેને તેના ભાઈની યાદ સતાવે છે. "હવે તે ઈશ્વર પાસે છે."
તેણે બીબીસી આઇને કહ્યું હતું કે, તે સ્કૂલમાં ઘણી મહેનત કરે છે.
"હું મોટી થઈને ડૉક્ટર બનવા માગું છું," એમ તેણે કહ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન