'સતલુજ': જસવંતસિંહ ખાલડાનાં પત્ની પરમજિતકોરે તેમના હત્યારાઓને કેવી રીતે સજા અપાવી?

સતલુજ, જસવંતસિંહ ખાલડા, પંજાબ, બીબીસી

ઇમેજ સ્રોત, BBC/FBkhalramission

    • લેેખક, રાહુલ કાલા
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

દિલજિત દોસાંઝની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ 'સતલુજ'ને ઓટીટી પ્લેટફૉર્મ ઝી-5 પરથી હટાવી દેવામાં આવી છે. આ ફિલ્મ, જેનું મૂળ નામ "પંજાબ 95" હતું, તે પછીથી બદલીને "સતલુજ" કરવામાં આવ્યું. તે 3 જુલાઈના રોજ ઝી-5 પર રિલીઝ થઈ હતી. જોકે, માત્ર બે દિવસ પછી 5 જુલાઈના રોજ ભારતમાં ઝી-5માંથી ફિલ્મ દૂર કરવામાં આવી.

આ ફિલ્મ પંજાબના પ્રખ્યાત માનવાધિકાર કાર્યકર્તા જસવંતસિંહ ખાલડાના જીવન પર આધારિત છે. દિલજિત દોસાંઝ ખાલડાની મુખ્ય ભૂમિકા ભજવે છે. જસવંતસિંહ ખાલડાએ 1980 અને 1990ના દાયકાના અંતમાં પંજાબમાં હજારો અજાણ્યા મૃતદેહોના કથિત ગેરકાયદેસર અગ્નિસંસ્કારનો પર્દાફાશ કર્યો હતો, જેની પાછળ કથિત રીતે પંજાબ પોલીસનો હાથ હતો.

ત્યારબાદ, જસવંતસિંહ ખાલડા પોતે 1995માં રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા. તેમના ગુમ થયા પછી તેમનાં પત્ની પરમજિતકોર ખાલડાએ ન્યાય માટે લાંબી કાનૂની લડાઈ લડી અને દોષિતોને સજા અપાવી હતી.

પરમજિતકોરે આ મુદ્દો સતત કોર્ટ, માનવાધિકાર સંસ્થાઓ અને જાહેર મંચ પર ઉઠાવ્યો. તેમની દ્રઢતાને કારણે સીબીઆઈ તપાસ, ટ્રાયલ અને ઘણા પોલીસ અધિકારીઓને દોષિત ઠેરવવામાં આવ્યા. આપણે આ અહેવાલમાં જાણીએ કે પરમજિતકોર ખાલડા કોણ છે અને ખાલડા મિશનમાં તેમનું શું યોગદાન હતું.

કોણ છે પરમજિતકોર ખાલડા?

સતલુજ, જસવંતસિંહ ખાલડા, પંજાબ, બીબીસી

તરનતારનના ખાલડા ગામનાં રહેવાસી પરમજિતકોર ખાલડા 72 વર્ષનાં છે. તેઓ હાલમાં તેમની પુત્રી નવકિરણકોર સાથે અમેરિકામાં રહે છે. તેમનો પુત્ર જનમીતસિંહ કૅનેડામાં રહે છે. આજે પણ તેઓ ખાલડા મિશન હેઠળ, લઘુમતીઓના અધિકારો અને માનવ અધિકારો માટે અવાજ ઉઠાવે છે.

બીબીસી પંજાબી સાથે વાત કરતા, ખાલડા મિશન ઑર્ગેનાઇઝેશનના અધ્યક્ષ હરમનદીપ સિંહે જણાવ્યું હતું કે પરમજિતકોર કાયમી ધોરણે અમેરિકા સ્થળાંતરિત થયાં નથી. તેઓ વારંવાર પંજાબની મુલાકાત લે છે. તેઓ આવતા મહિને એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે પંજાબ આવી રહ્યાં છે.

તેમણે જણાવ્યું કે લગ્ન પછી જસવંતસિંહ અને પરમજિતકોર 1988-89માં અમૃતસર રહેવા ગયા હતા, કારણ કે જસવંતસિંહને ત્યાં નોકરી મળી હતી. હરમનદીપ સિંહે જણાવ્યું કે પરમજિતકોરે પણ બીએ સુધીનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે લાઇબ્રેરિયનની ડિગ્રી મેળવી અને તેમને ગુરુ નાનક દેવ યુનિવર્સિટી, અમૃતસરમાં નોકરી પણ મળી. તેથી બંનેને અમૃતસર જવું પડ્યું હતું.

ખાલડા મિશન કમિટીના ચૅરમૅન બલવિંદર સિંહે બીબીસી પંજાબીને જણાવ્યું હતું કે જસવંતસિંહ ખાલડા ગુમ થયા તે પહેલાં પરમજિતકોર ખાલડાએ ક્યારેય અમારા મિશનમાં કોઈ રસ દાખવ્યો ન હતો. તેઓ કહે છે, "તેઓ ગુરુ નાનક દેવ યુનિવર્સિટીમાં ગ્રંથપાલ તરીકે કામ કરતાં હતાં. જેટલી બેઠકો હતી તેનું સંચાલન જસવંત ખાલડા કરતા હતા. પરમજિતકોર પોતાની નોકરી અને ઘરના કામકાજમાં વ્યસ્ત રહ્યાં કરતાં."

પરમજિતકરો ખાલડાનો સંઘર્ષ

સતલુજ, જસવંતસિંહ ખાલડા, પંજાબ, બીબીસી

ઇમેજ સ્રોત, BBC/FBkhalramission

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

1980 અને 1990નો દાયકો પંજાબના રાજકીય અને સામાજિક ઇતિહાસમાં એક દર્દનાક અને ઉથલપાથલવાળો સમય હતો. 1990ના દાયકામાં જસવંતસિંહ ખાલડાએ પંજાબમાં કથિત ગેરકાયદેસર હત્યાઓ અને દાવા વગરના મૃતદેહોના અંતિમ સંસ્કારનો પર્દાફાશ કર્યો હતો. 1995માં જસવંતસિંહ ખાલડા ગુમ થયા પછી પરમજિતકોર ખાલડાએ ન્યાય માટે લાંબી કાનૂની અને સામાજિક લડાઈ લડી.

બીબીસી પંજાબી સાથે વાત કરતા ખાલડા મિશન કમિટીના અધ્યક્ષ બલવિંદરસિંહ ઝબાલે જણાવ્યું કે જ્યારે જસવંતસિંહ ખાલડા ગુમ થયા ત્યારે પરમજિતકોર ખાલડાએ પણ તેમના મિશનને આગળ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે કહ્યું, "જ્યારે જસવંતસિંહ ખાલડા 6 સપ્ટેમ્બર 1995ના રોજ ગુમ થયા ત્યારે અમારો કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. બે કેસ ચાલી રહ્યા હતા. એક લાવારીશ મૃતદેહોના અંતિમ સંસ્કારનો અને બીજો કેસ જસવંત ખાલડા ગુમ થવા વિશે હતો."

"પછી પરમજિતકોરે અમારા મિશનમાં રસ દાખવવાનું શરૂ કર્યું. કેસની સુનાવણી દરમિયાન કે જુબાની માટે પરમજિતકોર અમારી સાથે કોર્ટમાં આવવા લાગ્યાં." બલવિંદર સિંહે કહ્યું કે પરમજિતકોરે જસવંત ખાલડાને શોધવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો. જસવંત વિશે અમને જ્યાં પણ સમાચાર મળતા, પરમજિતકોર ખાલડા મિશન ટીમ સાથે ત્યાં જતાં. "પોતાની નોકરીની સાથે પણ પરમજિતકોર જસવંત વિશે પૂછપરછ કરવા આવતા સંબંધીઓ અને અન્ય લોકોની સંભાળ રાખતાં હતાં."

જસવંત ખાલડા કેસની સુનાવણી

સતલુજ, જસવંતસિંહ ખાલડા, પંજાબ, બીબીસી

ઇમેજ સ્રોત, FB@khalramission

જસવંતસિંહ ખાલડા 6 સપ્ટેમ્બર, 1995ના રોજ ગુમ થયા હતા. 8 સપ્ટેમ્બર 1995ના રોજ તેમના ગુમ થવાનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે તપાસ સીબીઆઈને સોંપી. 1999થી 2000ની વચ્ચે સીબીઆઈએ તપાસ પૂર્ણ કરી અને ચાર્જશીટ દાખલ કરી, ત્યારબાદ ટ્રાયલ શરૂ થઈ.

બલવિંદર સિંહે જણાવ્યું હતું કે પરમજિતકોરે પોતાની રીતે પણ આ કેસ લડ્યો હતો. આ સમય દરમિયાન પરમજિત અને ખાલડા મિશન ટીમે ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો. "જ્યારે તેઓ ખાલડા કેસની સુનાવણી માટે જતાં ત્યારે કોઈ તેમની ગાડીના ટાયરમાં પંચર કરી દેતું. આવી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડતો હતો."

ખાલડા મિશન ઑર્ગેનાઇઝેશનના અધ્યક્ષ હરમનદીપ સિંહે જણાવ્યું હતું કે જસવંત ખાલડા અપહરણ કેસને કારણે તેમના પર દબાણ લાવવાના વિવિધ પ્રયાસો થયા હતા. પરંતુ પરમજિતકોરે ગુનેગારોને સજા ન થાય ત્યાં સુધી હાર માની નહીં. હરમનદીપ સિંહે કહ્યું કે આ કેસ અને સાક્ષીઓની મજબૂત સુનાવણીને કારણે, વર્ષ 2005માં, સીબીઆઈ કોર્ટ (પટિયાલા હાઉસ કોર્ટ) એ પોતાનો ચુકાદો આપ્યો અને આરોપીઓને સજા ફટકારી.

ચૂંટણી લડવાનો હેતુ

સતલુજ, જસવંતસિંહ ખાલડા, પંજાબ, બીબીસી

ઇમેજ સ્રોત, FB@khalramission

બલવિંદર સિંહે જણાવ્યું હતું કે પરમજિતકોરે ઑગસ્ટ 1999માં નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામા બાદ પરમજિતકોર ખાલડાએ 1999ની લોકસભાની ચૂંટણી તરનતારન બેઠક પરથી લડી. તેમણે આ ચૂંટણી ગુરચરણ સિંહ ટોહડા દ્વારા સ્થાપિત સરબ હિંદ શિરોમણી અકાલી દળનાં ઉમેદવાર તરીકે લડી હતી. પરમજિતકોર ખાલડા આ ચૂંટણી જીતી શક્યાં નહીં.

બલવિંદર સિંહ ઝબાલે જણાવ્યું હતું કે પરમજિતકોર ખાલડાનો ચૂંટણી લડવાનો મુખ્ય ઉદ્દેશ્ય ફક્ત સંસદમાં જવાનો નહોતો, પરંતુ તેમના પતિ જસવંતસિંહ ખાલડા દ્વારા ઉઠાવવામાં આવેલા માનવ અધિકારના મુદ્દાઓ અને પંજાબમાં કથિત ગેરકાયદેસર હત્યાઓ અને ગુમ થવાના કેસોને રાષ્ટ્રીય સ્તરે ઉઠાવવાનો હતો. "આ જ કારણ હતું કે તેમણે પાછળથી 2019માં ખડૂર સાહિબ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી. જોકે, તેમ છતાં તેઓ લોકસભા સુધી પહોંચવામાં સફળ થઈ શક્યાં નહીં."

2019માં પરમજિતકોર ખાલડાએ પંજાબી એકતા પાર્ટીની ટિકિટ પર ખડૂર સાહિબથી ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ જીતવામાં નિષ્ફળ રહ્યાં. 2019માં બીબીસી પંજાબી સાથે વાત કરતી વખતે પરમજિતકોર ખાલડાએ કહ્યું હતું કે તેમનો ઉદ્દેશ્ય માનવ અધિકારોના મુદ્દાને લોકો સુધી પહોંચાડવાનો હતો. પરમજિતકોરે દાવો કર્યો હતો કે સમગ્ર ભારતમાં ગુમ થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ફક્ત પંજાબમાં જ નહીં, પરંતુ જમ્મુ અને કાશ્મીર, મણિપુર અને તમિલનાડુમાં પણ લઘુમતીઓને નિશાન બનાવીને ગુમ થવાના કિસ્સાઓ નોંધાઈ રહ્યા છે.

તે સમયે બીબીસી પંજાબી સાથેની એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે પંજાબમાં ચૂંટણીઓ મુદ્દાઓ પર લડવામાં આવતી નથી. આનો અર્થ એ છે કે કોઈ મુદ્દા આધારિત રાજકારણ નથી. તેમણે ચૂંટણીમાં ખેડૂતોની લોન માફી, યુવાનોની બેરોજગારી અને ડ્રગ્સના વ્યસન જેવા મુદ્દાઓ ઉઠાવવાનું આહ્વાન કર્યું.

જોકે ખાલડા મિશન સમિતિએ દાવો કર્યો છે કે પરમજિતકોર ખાલડા હવે કોઈ ચૂંટણી લડશે નહીં, પરંતુ બલવિંદરસિંહ ઝબાલ કહે છે કે તે બધું પરિસ્થિતિ પર આધાર રાખે છે. જો સંજોગો અનુકૂળ રહે તો પરમજિતકોર ખાલડા ફરીથી મેદાનમાં ઊતરી શકે છે. તેમણે 2024માં અમૃતપાલ સિંહ માટે પ્રચાર કર્યો હતો. આ સમયગાળા દરમિયાન તેઓ રોડ શો, રેલીઓ અને ઘરે ઘરે જઈને મત મેળવવા માટે પ્રચાર કરતાં જોવા મળ્યાં હતાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન