રાજકોટના જંગલેશ્વરમાં જ્યાં ડિમોલિશન થયું હતું ત્યાં ચૂંટણીનું શું પરિણામ આવ્યું, વિજેતા પર હવે શું દબાણ રહેશે?

રસીલાબહેન ગરિયા, દિપ્તીબહેન સોલંકી અને અન્ય વિજેતા ઉમેદવારો

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, રસીલાબહેન ગરિયા, દિપ્તીબહેન સોલંકી અને અન્ય વિજેતા ઉમેદવારો
    • લેેખક, ગોપાલ કટેશિયા
  • વાંચવાનો સમય: 5 મિનિટ

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે રવિવારે મતદાન થયું હતું અને આજે મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવી હતી.

આ મતગણતરી દરમિયાન ભારતીય જનતા પક્ષ આગળ રહ્યો હતો અને શહેરના 18 વૉર્ડની 72 સીટોમાંથી મોટા ભાગની સીટો જીતી લેતા રાજકોટ શહેરમાં સળંગ ચોથી વાર સત્તા જાળવી રાખવામાં સફળતા મેળવી હતી.

જોકે સત્તાધારી ભાજપને વૉર્ડ નંબર 16માં જાકારાનો સામનો કરવો પડ્યો છે અને તેના ચારેય ઉમેદવાર ચૂંટણી હારી ગયા છે.

તે જ રીતે નજીકના વૉર્ડ નંબર 15માં પણ ભાજપની હાર થઈ હતી અને પાર્ટીને ત્યાંની ચાર સીટોમાંથી ત્રણમાં પરાજય ખમવો પડ્યો છે.

જંગલેશ્વરમાં બે મહિના પહેલાં ડિમોલિશન હાથ ધરાયું હતું

રાજકોટ, જંગલેશ્વર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી, બીબીસી ગુજરાતી

રાજકોટ મહાનગરપાલિકાના ચૂંટણી માટે 26 એપ્રિલે મતદાન યોજાયું તેના બે મહિના અગાઉ 23 ફેબ્રુઆરીએ રાજકોટ મહાનગરપાલિકાએ જંગલેશ્વર વિસ્તારમાં કથિત દબાણો હટાવવાનું એક મહાઅભિયાન હાથ ધાર્યું હતું.

બે દિવસ સુધી ચાલેલી એ મેગા ડિમોલિશન ડ્રાઇવ દરમિયાન ભાજપ-શાસિત મહાનગરપાલિકાએ 1504 મકાનો તોડી પડ્યાં હતાં.

મહાનગરપાલિકાના અધિકારીઓએ કહ્યું હતું કે તે મકાનો અને દુકાનો ટાઉન પ્લાંનિંગ સ્કીમના રોડ પરના તેમ જ આજી અને ખોખડદડી નદીના કિનારા પરનાં દબાણો હતાં.

તોડી પડાયેલાં મકાનોમાંથી મોટાભાગનાં રહેણાક મકાનો હોવાથી હજારો લોકોને ટૂંકા ગાળામાં તેમનાં મકાનો ખાલી કરી અન્યત્ર ખસી જવાની ફરજ પડી હતી.

તોડી પડાયેલાં સેંકડો મકાનો-દુકાનોના કાટમાળમાંથી ઊડતી ડમરી વચ્ચે રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની 72 સીટો માટે ચૂંટણી યોજાઈ હતી.

જંગલેશ્વરમાં કોણ જીત્યું?

રાજકોટ, સ્થાનિક સ્વરાજ ચૂંટણી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, વૉર્ડ નંબર-16ના ભાજપના ઉમેદવારોનું બૅનર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રાજકોટ શહેરમાંથી વહેતી આજી અને ખોખડદડી નદીના પશ્ચિમ કિનારા પર એકતા કૉલોની, જંગલેશ્વર, બુદ્ધનગર, રાધાકૃષ્ણનગર, નાળોદાનગર, સિદ્ધાર્થનગર વગેરે જેવી સોસાયટીઓ આવેલી છે.

આ આખા વિસ્તારને બહારના લોકો જંગલેશ્વર તરીકે ઓળખે છે. આ વિસ્તાર રાજકોટ મહાનગરપાલિકાના વૉર્ડ નંબર 16માં આવેલો છે.

મંગળવારે હાથ ધરાયેલી મતગણતરીમાં આ વૉર્ડ નંબર 16માંથી રસીલાબહેન ગરૈયા, દિપ્તીબહેન સોલંકી, અર્જુનભાઈ ચૌહાણ અને ઇબ્રાહિમભાઈ સોરા વિજેતા જાહેર થયાં હતાં. આ ચારેય વિજેતાઓ કૉંગ્રેસનાં ઉમેદવારો છે.

આ ચારેય ઉમેદવારોએ ભાજપના જયાબહેન હુંબલ, રૂચિતાબહેન જોશી, ઉમેશભાઈ વાઘેલા અને રાજેશભાઈ લીલાને પરાજય આપ્યો હતો.

આ ચારમાંથી રૂચિતાબહેન જોશી આ વૉર્ડમાંથી ભાજપના વર્તમાન કૉર્પોરેટર છે જયારે અન્ય ત્રણ ઉમેદવારો નવાં હતાં.

2021માં યોજાયેલ ચૂંટણીમાં ભાજપે આ વૉર્ડમાંથી કૉંગ્રેસનો સફાયો કરતા ચારેય બેઠકો જીતી લીધી હતી.

ભાજપ તરફથી કંચનબહેન સિધ્ધપુરા, રૂચિતા જોશી, નરેન્દ્ર ડવ અને સુરેશ વસોયા વિજેતા થયાં હતાં.

કંચનબહેન ચૂંટણી જીત્યા બાદ રાજકોટ શહેરનાં ડેપ્યુટી મેયર પણ ચૂંટાયાં હતાં.

જો કે આ ચૂંટણીમાં ભાજપે કંચનબહેન, નરેન્દ્ર ડવ અને સુરેશ વસોયાને ટિકિટ આપી ન હતી અને તેમની જગ્યાએ નવા ચહેરા મેદાનમાં ઉતાર્યા હતા.

કૉંગ્રેસના વિજેતા ઉમેદવારોમાંથી દિપ્તીબહેન કૉંગ્રેસની મહિલા પાંખના રાજકોટ શહેરનાં પ્રમુખ છે જયારે રસિલાબહેન 2015માં આ જ વિસ્તારમાંથી કૉંગ્રેસનાં ઉમેદવાર તરીકે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી જીતી કૉર્પોરેટર તરીકે સેવા આપી ચૂક્યાં છે.

જો કે 2021માં રસિલાબહેન 11 મતથી ચૂંટણી હારી ગયાં હતાં.

અન્ય વૉર્ડમાં શું પરિણામ આવ્યાં છે?

રાજકોટની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કૉંગ્રેસ ઉમેદવારો તેમના વિજય સરઘસ દરમિયાન

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસ ઉમેદવારો તેમના વિજય સરઘસ દરમિયાન

એક તરફ જંગલેશ્વરમાં કૉંગ્રેસનો વિજય થતા ચારેય વિજેતા ઉમેદવારોએ તેમના વિસ્તારમાં વિજય સરઘસ કાઢ્યું હતું તો બીજી તરફ અન્ય 16 વૉર્ડમાં ભાજપે ક્લીન સ્વિપ કરતા કુલ 64 સીટો જીતી લીધી હતી.

એટલું જ નહીં વૉર્ડ નંબર 15ની ચાર સીટોમાંથી પણ એક સીટ ભાજપે જીતી લેતા ભાજપની સીટોનો આંકડો કુલ 65 થયો હતો. આમ, ભાજપે ફરી એક વાર રાજકોટ મહાનગરપાલિકામાં સત્તા જાળવી રાખી છે.

રાજકોટ મહાનગરપાલિકાનાં 50 વર્ષના ઇતિહાસમાં ભાજપ માત્ર એક જ વાર ચૂંટણી હાર્યો છે.

2000ની સાલમાં યોજાયેલી ચૂંટણીમાં કૉંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી હતી.

જોકે ત્યાર પછી 2005માં યોજાયેલ ચૂંટણીમાં ભાજપે કૉંગ્રેસને હરાવી ફરી એક વાર પોતાની સત્તા સ્થાપી હતી અને ત્યાર પછીની ચૂંટણીઓમાં પણ ભાજપ કૉંગ્રેસને હરાવતો પહ્યો છે.

2021માં તો ભાજપે 72 માંથી 68 સીટો જીતી લીધી હતી અને કૉંગ્રેસ માત્ર વૉર્ડ નંબર 15માં વિજેતા થતા તેને ફક્ત ચાર સીટો જ મળી હતી.

તે ચૂંટણીમાં કૉંગ્રેસનો ગઢ માનતા જંગલેશ્વર વિસ્તારની વૉર્ડ નંબર 16ની ચારેય સીટો ભાજપે ઇતિહાસમાં પહેલી વાર જીતી લીધી હતી.

જંગલેશ્વરના લોકો શું કહે છે?

રાજકોટની સ્થાનિક સ્વરાજની ચૂંટણી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, અશરફભાઈ ડાકોરા

જંગલેશ્વર મેઇન રોડ પર ટીવી અને એર કુલર રિપેર કરવાની દુકાન ધરાવતા અશરફભાઈ ડાકોરાએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે ડિમોલિશન ડ્રાઇવના કારણે તેમના વિસ્તારનો લોકમત ચૂંટણી સમયે બદલી ગયો.

તેમણે કહ્યું, "ભાજપથી થોડાક માણસો નારાજ થઈ ગયા છે... ભાજપથી લોકો નારાજ એટલા માટે થઈ ગયા કારણ કે તે લોકોએ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ લોકોને ક્વાર્ટર (રહેણાક મકાનો) ફાળવો અને પછી ડિમોલિશન કરજો તેવું કંઈ કર્યું નહીં...અને ડિમોલિશન કરી નાખ્યું."

"આજી રિવરફ્રન્ટ આવતો તે પાંચ-છ મકાનો આવતા તો તેટલું જ ડિમોલિશન કરવાનું હતું. તેના બદલે બહુ ઝાઝી જગ્યામાં ડિમોલિશન કરી નાખ્યું."

"આમાં હવે કંઈ બાકી જ નથી રહ્યું. એક પટ્ટો જ બાકી રાખ્યો છે. તો, આનાથી માણસો થોડાક નારાજ થયા."

જંગલેશ્વર મેઇન રોડ પર શાકભાજી ખરીદવા આવેલાં એક મહિલાએ તેમનું નામ ન જણાવવાની શરતે બીબીસીને જણાવ્યું, "અમને ક્વાર્ટર મળી જાય તે જ આશા છે અમારી અને કૉંગ્રેસને એટલા માટે જ જિતાડી છે. અમને આશા છે મકાન સાટે મકાન. અમારા મકાન પાડી નાખ્યાં છે અને અત્યારે કોઈ મકાન દેતું નથી ભાડે અને ભાડા વધારી દીધા છે..."

"કૉંગ્રેસવાળાએ કહ્યું હતું કે જો જીતી જઈશું તો ક્વાર્ટર અપાવશું. એ આશાએ અમે જિતાડ્યા છે."

રાજકોટમાં કૉંગ્રેસ-ભાજપ શું કહે છે?

જંગલેશ્વરના શાકભાજી બજારમાં મંગળવારે શાકભાજી ખરીદી રહેલી મહિલાઓ

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, જંગલેશ્વરના શાકભાજી બજારમાં મંગળવારે શાકભાજી ખરીદી રહેલી મહિલાઓ

ચૂંટણીમાં પોતાની જીત બાદ દિપ્તીબહેન સોલંકીએ કહ્યું, "આજે અમારો નહીં પણ વૉર્ડ નંબર-16ની જનતાનો વિજય થયો છે અને અમે ચારેય ઉમેદવારોને અઢારેય વારણની જનતાના આશીર્વાદ મળ્યા છે... અમે એ આશીર્વાદને ક્યારેય તૂટવા નહીં દઈએ, તેના ભરોસાને તૂટવા નહીં દઈએ."

"પાંચ વરસ તો ઠીક, જનતાના પ્રશ્નો અને ભરોસા સાથે કાયમ ઊભા રહીશું. લોકોની પ્રાથમિક સુવિધા માટે કામ કરીશું, જે લોકોનાં મકાન પડી ગયાં છે તેમને ક્વાર્ટર મળે તેના માટે અમે દિવસ-રાત મહેનત કરીશું."

અન્ય 1300 કરતાં વધારે મકાનોને મળેલી ડિમોલિશન નોટિસો વિશે પૂછાતા દિપ્તીબહેને કહ્યું, "તેને બચાવવાના અમે ચારે ચારના એક સાથે ચોક્કસ પ્રયત્નો હશે."

"તેના માટે કદાચ પોલીસના ડંડા ખાવા પડે તોય અમે અડધી રાતે તૈયાર છીએ. તમામ લડત માટે અમે તૈયાર છીએ."

બીજી તરફ રાજકોટ શહેર ભાજપના પ્રમુખ માધવ દવેએ બીબીસીને જણાવ્યું, "રાજકોટ મહાનગરપાલીકાનું પરિણામ અમારા માટે ખૂબ સારું છે. હા, વૉર્ડ નંબર 16માં અમારી હાર થઈ છે."

"અમે તે પરિણામની ચોક્કસ સમીક્ષા કરીશું. ગત વખતની ચૂંટાયેલા પાંખ અને આ વખતના ઉમેદવારોના અમે અભિપ્રાય લઈશું."

"ડિમોલિશન દ્વારા સમાધાન કરવાના અમે પૂરા પ્રયત્નો કર્યા હતા. અમે તે વિસ્તારમાં સારું ડેવલોપમેન્ટ કરીશું અને લોકોનો વિશ્વાસ જીતીશું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન