અમરેલી : 60 હજારની લેતીદેતીમાં બે યુવકોને ગાડીમાં જીવતા સળગાવ્યાનો આરોપ - ન્યૂઝ અપડેટ

મૃતકોના પરિવારજનોનો આરોપ છે કે ખેતરમાં તુફાન ગાડીમાં સૂતેલા બંને યુવકોને મોડી રાત્રે ગાડીમાં આગ લગાવી સળગાવી દીધા હતા.
ઇમેજ કૅપ્શન, મૃતકોના પરિવારજનોનો આરોપ છે કે ખેતરમાં તુફાન ગાડીમાં સૂતેલા બંને યુવકોને મોડી રાત્રે ગાડીમાં આગ લગાવી સળગાવી દીધા હતા.
    • લેેખક, બીબીસી ન્યૂઝ ગુજરાતી
    • પદ, નવી દિલ્હીથી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

અમરેલીના લીલિયા તાલુકાના ગુંદરણ ગામમાં કથિત પૈસાની લેતીદેતી મામલે એક ગાડી સળગાવી દીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. તેમજ ગાડીમાંથી બે લોકોના મૃતદેહ પણ મળી આવ્યા છે.

પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓએ સીમમાં પડેલી ગાડી સળગાવી દીધી હતી અને તેમાં રહેલા બે લોકોનાં મોત થયાં છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે બંને મૃતકો પરપ્રાંતીય છે.

આ બનાવ બનતા પોલીસ, મામલતદાર, એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.

મૃતકોના પરિવારજનોનો આરોપ છે કે ખેતરમાં તુફાન ગાડીમાં સૂતેલા બંને યુવકોને મોડી રાત્રે ગાડીમાં આગ લગાવી સળગાવી દીધા હતા.

શું છે આખો મામલો?

લીલિયાના ગુંદરણ ગામે 2 નવેમ્બરે મોડી રાત્રે બની આ ઘટના ઘટી હતી. તુફાન ગાડીમાં ઊંઘી રહેલા બે પરપ્રાંતીય યુવકોને જીવતા સળગાવવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.

લાઠીના ડીવાયએસપી વિસ્મય માનસેતાએ મીડિયાને માહિતી આપી કે "લીલિયાના ગુંદરણ ગામની સીમમાં એક તુફાન ગાડીમાં આગ લાગી હતી. પોલીસને જાણ થતા પોલીસ ત્યાં પહોંચી હતી. ગાડીમાં બે શંકાસ્પદ હાલતમાં સળગેલા લોકોના મૃતદેહ મળ્યા હતા."

લાઠીના ડીવાયએસપી વિસ્મય માનસેતા
ઇમેજ કૅપ્શન, લાઠીના ડીવાયએસપી વિસ્મય માનસેતા

તેમણે વધુમાં કહ્યું કે "ફરિયાદી કમલેશ બધેલે આરોપીની ગાડી પોતાના કબજામાં રાખી હતી. આરોપી વિનોદ ડોડિયારે અન્ય પાસેથી હપતેથી તુફાન ગાડી લીધી હતી. જોકે હપતો સમયસર ભરી શકાયો નહોતો."

પોલીસે કહ્યું કે "60 હજાર રૂપિયા લેવાના બાકી હતા. ગાડીનો કબજો કમલેશભાઈ પાસે હતો અને તેનું મનદુખ રાખીને બંને આરોપીઓએ મોડી રાતે ગાડીમાં આગ ચાંપી હતી."

મૃતકના પિતા કમલેશ બધેલના આક્ષેપ મુજબ, "પૈસાની લેતીદેતીમાં આ ઘટના ઘટી છે."

પોલીસે હાલમાં લીલિયા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુના દાખલ કર્યો છે. બંને આરોપીને પકડી લીધા છે. બન્ને આરોપી વીનેશ ઉર્ફે વિનોદ વરસંગ ડોડીયાર અને તેનો ભાઈ રાજુ ગોરધન ડોડીયાર બન્ને મહિન્દ્રા ગામ મઘ્ય પ્રદેશના હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં હાલમાં નાણાકીય કારણ જણાઈ આવે છે. એફએસએલના રિપાર્ટ બાદ વધુ તપાસ કરવામાં આવશે ત્યારે વધુ માહિતી બહાર આવશે.

ઓમાનના તટ નજીક 14 ભારતીય ક્રૂ સભ્યો ધરાવતા જહાજ પર હુમલો, ગુજરાતના એક નાવિકનું મોત

કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સરબાનંદ સોનોવાલે જણાવ્યું કે જહાજ પર 14 ભારતીય નાવિકો સવાર હતા (સાંકેતિક તસવીર).
ઇમેજ કૅપ્શન, કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સરબાનંદ સોનોવાલે જણાવ્યું કે જહાજ પર 14 ભારતીય નાવિકો સવાર હતા (સાંકેતિક તસવીર).
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઓમાનના તટ નજીક 'MSV Al Jusufi' જહાજ પર સોમવારે હવાઈ હુમલો થયો હતો, જેમાં એક ભારતીય નાગરિકનું મોત થયું હતું.

કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સરબાનંદ સોનોવાલે જણાવ્યું કે જહાજ પર 14 ભારતીય નાવિકો સવાર હતા.

ઓમાન કોસ્ટ ગાર્ડે તેમાંથી 13 લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા, જ્યારે ગુજરાતના નાવિક ગાંધાર નહિમ અઝીઝનું Rજાઓના કારણે મોત થયું.

સોનોવાલે સોશિયલ મીડિયા પ્લૅટફટર્મ ઍક્સ પર લખ્યું, "મંત્રાલય અને ઓમાનમાં ભારતીય દૂતાવાસ સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે, જેથી જીવિત બચી ગયેલા 13 નાવિકોને તાત્કાલિક મદદ મળી શકે અને તેમની વહેલી તકે ભારત વાપસી તેમજ મૃત નાવિકના પાર્થિવ શરીરને ભારત લાવવાની પ્રક્રિયા પૂર્ણ કરી શકાય."

વિદેશ મંત્રાલયે પણ જહાજ પર થયેલા આ હુમલાની નિંદા કરી છે. મંત્રાલયે કહ્યું કે ઓમાનમાં ભારતીય દૂતાવાસ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છે અને ઓમાની અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યો છે.

વિદેશ મંત્રાલયે આ વિસ્તારમાં વ્યાપારી જહાજો પર સતત થઈ રહેલા હુમલાઓને "ચિંતાજનક" ગણાવ્યા છે. મંત્રાલયે તણાવ ઘટાડવા અને કૂટનીતિક ઉકેલ માટે ચાલી રહેલી ચર્ચાઓ પૂર્ણ કરવાની અપીલ કરી છે, જેથી વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા ફરી સ્થાપિત થઈ શકે.

'મિડટર્મ ચૂંટણી પહેલાં અમેરિકાએ ઈરાનના એક ટાપુ પર હુમલો કર્યો', અમેરિકન મીડિયાનો દાવો

અધિકારીનો દાવો છે કે અમેરિકાએ આત્મરક્ષામાં ઈરાન પર હુમલો કર્યો છે (પ્રતીકાત્મક તસવીર).
ઇમેજ કૅપ્શન, અધિકારીનો દાવો છે કે અમેરિકાએ આત્મરક્ષામાં ઈરાન પર હુમલો કર્યો છે (પ્રતીકાત્મક તસવીર).

અમેરિકાએ હોર્મુઝ જળમાર્ગમાં આવેલા ઈરાનના કેશમ દ્વીપ પર હુમલો કર્યો છે. અમેરિકન સમાચાર માધ્યમો ફૉક્સ ન્યૂઝ અને ધ વૉલ સ્ટ્રીટ જર્નલના અહેવાલોમાં આ સ્થળને નિશાન બનાવવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે.

આ દરમિયાન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ઈરાન પર હુમલા વધુ તેજ કરવાની બાબતે કહ્યું હતું કે તેમને તેની કોઈ ઉતાવળ નથી.

સમાચાર એજન્સી એક્સિયોસ સાથેની વાતચીતમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, "અમે કોઈ ને કોઈ રીતે કાર્યવાહી કરીશું, પરંતુ તેમાં કોઈ ઉતાવળ નથી. અમે તેમને આર્થિક રીતે સંપૂર્ણપણે નબળા બનાવી દીધા છે."

ટ્રમ્પે વધુમાં ઉમેર્યું હતું કે ઈરાન પાસે ન તો પૈસા બચ્યા છે અને ન જ પેટ્રોલ. તેમણે દાવો કર્યો કે ઈરાનના લોકો પણ હાલની પરિસ્થિતિથી કંટાળી ગયા છે.

સોમવારે વોશિંગ્ટન ડી.સી.માં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ અમેરિકાની મિડટર્મ ચૂંટણી પછી ઈરાન પર ફરીથી હુમલા શરૂ કરશે? ટ્રમ્પે આ મામલે સીધો "ના"માં જવાબ આપ્યો હતો.

એક્સિયોસના રિપોર્ટર બરાક રાવીદના જણાવ્યા અનુસાર, એક અમેરિકન અધિકારીએ તેમને જણાવ્યું હતું કે સોમવારની રાત્રે ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સ (IRGC)એ કેશમ દ્વીપ પરથી હોર્મુઝ જળમાર્ગમાં હાજર એક અમેરિકન વિમાનને નિશાન બનાવીને મિસાઇલ છોડીને હુમલો કર્યો હતો.

અધિકારીએ ઉમેર્યું કે, આ હુમલાના જવાબમાં અમેરિકન લડાયક વિમાને સ્વબચાવમાં ઈરાનની સપાટીથી હવામાં માર કરતી મિસાઇલ સિસ્ટમના લૉન્ચરને નષ્ટ કરી દીધું.

અમદાવાદમાં બેકાબૂ બનેલી કારે ફૂટપાથ પર લોકોને કચડ્યા, બેનાં મોતના અહેવાલ

અમદાવાદમાં બેકાબૂ બનેલી કારે ફૂટપાથ પર લોકોને કચડ્યા, બેના મોત - ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ પોલીસ અનુસાર સોમવારે રાતે નિકોલ વિસ્તારમાં એક કાર બેકાબૂ બનીને ફૂટપાથ પર ચઢી જતા ફૂટપાથ પર રહેતા બે લોકોનાં મોત થયાં છે અને બેને ઈજા થઈ છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે મોડી રાતે એક ફૉર્ચ્યુનર કાર ફૂટપાથ પર ચડી ગઈ હતી. પોલીસે કારના ડ્રાઇવરને પકડી લીધો છે. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા જેમાં ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હોવાનું જોવા મળે છે.

ઘટનામાં એક મહિલા અને તેમના પુત્રનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે બે લોકો હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ ઘટના દેવસ્ય ઇન્ટરનૅશનલ સ્કૂલ નજીક બની છે. અમદાવાદ પોલીસે સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટ મુજબ વિરલ ચૌધરી નામના આરોપીને પકડવામાં આવ્યો છે જેની કારમાંથી બિયર કૅનના છ નંગ મળી આવ્યા છે અને તેની સામે પ્રોહિબિશન ઍક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે.

મુરાસુ વાવાઝોડું આંધ્ર પ્રદેશના કિનારે ટકરાયું, ભારે વરસાદ વચ્ચે ટ્રેનો રદ

મુરાસુ વાવાઝોડું આંધ્ર પ્રદેશના કિનારે ટકરાયું, ભારે વરસાદ વચ્ચે ટ્રેનો રદ
ઇમેજ કૅપ્શન, વાવાઝોડાની અસરના કારણે વિશાખાપટ્ટનમના કિનારે દરિયામાં ભારે કરન્ટ જોવા મળ્યો હતો.

હવામાન વિભાગે જણાવ્યું છે કે મુરાસુ વાવાઝોડું આંધ્ર પ્રદેશના કિનારે આવી પહોંચ્યું છે. વાવાઝોડાના આગળના ભાગમાં વૉલ ક્લાઉડનો એક મોટો હિસ્સો જમીન સુધી આવી પહોંચ્યો છે.

વૉલ ક્લાઉડ એ એવું વાદળ હોય છે જે ભારે તોફાન દરમિયાન મુખ્ય વાદળના નીચેના ભાગમાં જોવા મળે છે. સામાન્ય રીતે તે વાવાઝોડાના એ ભાગમાં બને છે જ્યાં વરસાદ નથી હોતો.

આ દરમિયાન રાજ્યમાં અનેક ટ્રેનો અને ફ્લાઇટ રદ કરવામાં આવી છે. વાવાઝોડાના કારણે પવનની ઝડપ 100થી 110 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી છે.

સરકારે લોકોને ત્રણથી પાંચ નવેમ્બર સુધી ઘાટ રોડ પર પ્રવાસ ન કરવા ચેતવણી આપી છે. ભારે વરસાદના કારણે કેટલીક જગ્યાએ ભૂસ્ખલન અને ખડકો પડવાનો ખતરો છે. હવામાન વિભાગ મુજબ તેલંગણામાં પણ ભારે વરસાદ પડશે.

કૂનોમાં ચિત્તાનો શિકાર કરવાના કેસમાં બે ભાઈની ધરપકડ, બંદુક જપ્ત કરાઈ

મધ્ય પ્રદેશના કૂનો નૅશનલ પાર્કમાં 19 મહિનાના એક ચિત્તા કેએનજી 22નો શિકાર કરવાના આરોપ હેઠળ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)એ બે ભાઈઓની ધરપકડ કરી છે. એસટીએફે ઉપયોગમાં લેવાયેલી બે નાળચાવાળી લાઇસન્સ હેઠળની બંદુક પણ જપ્ત કરી છે.

મધ્ય પ્રદેશ સરકારે ઈજાગ્રસ્ત હાલતમાં ચિત્તા મળી આવ્યા પછી અને તેના શરીરમાંથી ગોળીઓના છરા મળ્યા બાદ વન વિભાગ અને પોલીસ અધિકારીઓને સામેલ કરીને સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરી હતી.

એસટીએફે બીજી નવેમ્બરે જાહેર કરેલી પ્રેસ રિલીઝ મુજબ પકડાયેલા ભાઈઓના નામ ભગવાનસિંહ અને પ્રીતમ સિંહ છે. તેઓ મુરૈના જિલ્લાના રહેવાસી છે. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે તેઓ 24 ઓક્ટોબરે વિજયપુર પાસે નિતનવાસ ગામના જંગલમાં શિકાર માટે ગયા હતા અને આ દરમિયાન ચિત્તાને જોઈને તેના પર ગોળી ચલાવી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન