અમેરિકાએ ઈરાનની 'નાકાબંધી'ની જાહેરાત કરી, એ પછી ચાર જહાજ પસાર થયાં – ન્યૂઝ અપડેટ

ઈરાન, હોર્મુઝની ખાડી, અમેરિકાની નાકાબંધી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Shady Alassar/Anadolu via Getty

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
વાંચવાનો સમય: 5 મિનિટ

અમેરિકાની સૅન્ટ્રલ કમાન્ડે (સૅન્ટકૉમ) ગઈકાલે મોડી રાત્રે "ઈરાનનાં બંદરેથી થતી તમામ પ્રકારની દરિયાઈ અવરજવર" ઉપર નાકાબંધી કરવાની જાહેરાત કરી હતી.

એ પછી બીબીસી વૅરિફાઇ દ્વારા મરીન ટ્રાફિકના ટ્રૅકિંગ ડેટાના આધારે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતાં જહાજો ઉપર નજર રાખવામાં આવી રહી છે.

મળતી માહિતી પ્રમાણે, નાકાબંધી પછી ચાર ટૅન્કર જહાજ પસાર થયાં છે, જેમાં ઑઇલ, ગૅસ કે કેમિકલ હોય શકે છે. જોકે, આ જહાજ ઈરાન સાથે સંબંધ ધરાવે છે કે નહીં, તે સ્પષ્ટ નથી. વળી, ચારમાંથી કોઈપણ જહાજ ઈરાનના બંદરે ગયું છે કે ત્યાંથી આવ્યું છે તેવી માહિતી નથી આપી.

આ પહેલાં સૅન્ટકૉમે જણાવ્યું હતું કે તેના બે ડિસ્ટ્રૉયર જહાજ 'યુએસએસ ફ્રૅન્ક ઈ પિટરસન જુનિયર' અને 'યુએસએસ માઇકલ મર્ફી' આ વિસ્તારમાં તહેનાત છે અને ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર (આઈઆરજીસી) દ્વારા પાથરવામાં આવેલી દરિયાઈ સૂરંગોને હઠાવવાનાં મિશન ઉપર છે.

બીજી બાજુ, બ્રિટનના વડા પ્રધાન કિએર સ્ટાર્મરે જાહેરાત કરી છે કે બ્રિટન "ઈરાનનાં બંદરોની નાકાબંધીનું સમર્થન નથી કરતું." સાથે જ બ્રિટનનાં જહાજ કે સૈનિક આ અભિયાનમાં સામેલ નથી.

સ્ટાર્મરનું કહેવું છે કે બ્રિટનનું ધ્યાન સ્ટ્રેટ ઑફ હોર્મુઝ ખોલાવવા ઉપર છે, કારણ કે તેનાથી ઊર્જાઉત્પાદનોનાં ભાવોમાં તત્કાળ ઘટાડો થઈ શકે છે.

ટ્રમ્પે યુકેમાં ઊર્જાખર્ચમાં વૃદ્ધિ માટે સ્ટાર્મરને વ્યક્તિગત રીતે જવાબદાર ઠેરવ્યા છે. જોકે, સ્ટાર્મરે તેનો સીધો જવાબ નથી આપ્યો.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તનમાં ઈરાન અને અમેરિકા વચ્ચેની વાટાઘાટો નિષ્ફળ રહી, એ પછી ટ્રમ્પે નાકાબંધીની જાહેરાત કરી હતી.

બીજી બાજુ, ઈરાનની સેનાએ ચેતવણી આપી છે કે જો અમેરિકા દ્વારા તેના બંદરોને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવશે, તો તે વળતી કાર્યવાહી કરશે.

ઈરાનનું કહેવું છે કે અમેરિકાની ધમકીઓ 'ગેરકાયદેસર' અને 'ચાંચિયાગીરી' જેવી છે. ન્યૂઝ એજન્સી આઈઆરઆઈબીને આપેલાં નિવેદનમાં ઈરાને કહ્યું છે કે તે યુદ્ધ પૂરું થશે, તે માટે હોર્મુઝની સામુદ્રધુની ઉપરનું પ્રભુત્વ જાળવી રાખશે.

ઈરાનનું કહેવું છે કે જો તેનાં બંદર સલામત નહીં રહે, તો ફારસની ખાડીમાં કોઈપણ બંદર સલામત નહીં રહે.

પીએમ મોદીએ મહિલા અનામત બિલ અંગે શું કહ્યું?

પીએમ મોદીએ કહ્યું કે મહિલાઓ માટે સંસદ સુધી પહોંચવાનો માર્ગ સરળ બનવા જઈ રહ્યો છે.

ઇમેજ સ્રોત, X/BJP4India

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા અનામત બિલ પર કહ્યું છે કે દેશની સંસદ એક નવો ઇતિહાસ રચવાની નજીક છે.

પીએમ મોદીએ સોમવારે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 'નારીશક્તિ વંદન સંમેલન' કાર્યક્રમને સંબોધન કર્યું હતું.

પીએમ મોદીએ કહ્યું, "રાજ્ય વિધાનસભાઓથી લઈને દેશની સંસદ સુધી આવનારી 16થી 18 એપ્રિલે દાયકાઓની રાહ પછીના પરિણામનો સમય આવી રહ્યો છે. 2023માં નવા સંસદમાં અમે નારીશક્તિ વંદન અધિનિયમના રૂપમાં પહેલું પગલું ભર્યું હતું."

"સંસદના બજેટ સત્રની એક ખાસ બેઠક 16 એપ્રિલથી યોજાવા જઈ રહી છે, જેથી તેનો સમયસર અમલ થાય અને મહિલાઓની ભાગીદારી આપણી લોકશાહીને મજબૂત બનાવી શકે."

તેમણે કહ્યું, "હું ખૂબ જ જવાબદારી સાથે કહી રહ્યો છું કે, આ 21મી સદીના મહત્ત્વપૂર્ણ નિર્ણયોમાંનો એક છે."

પીએમ મોદીએ કહ્યું, "સંસદ સુધી પહોંચવાનો માર્ગ સરળ બનવા જઈ રહ્યો છે. આજે મહિલાઓની ભૂમિકા વધુ મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. અમારી યોજનાઓએ મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવી છે."

સુરેન્દ્રનગર : રાજકોટથી બહુચરાજી તરફ જતાં સંઘને નડ્યો અકસ્માત, સાતનાં મોત

સુરેન્દ્રનગર પોલીસે તપાસ હાથ ધરી હતી

ઇમેજ સ્રોત, sachin

સુરેન્દ્રનગરનાં ઇનચાર્જ એસપી વેદિકા બિહાનીએ મીડિયાને જણાવ્યું હતું, રાજકોટથી બહુચરાજી તરફ 500 લોકોનો સંઘ સહિત જઈ રહ્યો હતો, છારદ ગામે તેઓ રાત્રિરોકાણ કરવાના હતા, ત્યારે 13 અપ્રિલે સવારે 1થી 2 વાગ્યાની વચ્ચે આ અકસ્માત સર્જાયો છે.

પોલીસ જણાવ્યું હતું, એ સમયે રસ્તા પર જતી વખતે ટ્રક નીચે આવી જતાં છ લોકોનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું.

"આ સિવાય રસ્તા પર ટાયર બદલાવવા એક ટ્રક ઊભી હતી તેના ડ્રાઇવરનું પણ મોત થયું. એમ કુલ સાત લોકોનાં મોત થયાં હોવાની પોલીસ દ્વારા પૃષ્ઠિ થઈ છે."

પોલીસનું કહેવું છે, એક ટ્રકચાલક ટાયર બદલતો હતો તેની બાજુમાંથી લોકો ચાલતાં આગળ વધતાં હતા અને લોકો પર સામેથી આવતા અન્ય એક ટ્રકની નીચે આવી ગયા હતા.

પોલીસે કહ્યું કે "આ રાજકોટથી આવી રહેલા આ ટ્રકમાં રહેલા કપાસ ભરેલો હતો, ટ્રકચાલક હાલ પોલીસની કસ્ટડીમાં છે, મૃતક બધા રાજકોટના હોવાનું જાણવા મળ્યું છે."

એસપી વેદિકા બિહાનીના જણાવ્યા અનુસાર, આ સિવાય 3થી 4 લોકોને ઈજા પહોંચી છે.

ઈરાને કહ્યું કે 'અમેરિકા સાથે કરાર થવાનો હતો, પછી....'

ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું કે, સારી નિયતને સારી નિયત મળે છે, અને અને દુશ્મનીને દુશ્મની.

ઇમેજ સ્રોત, Noushad Variyattiyakkal/SOPA Images/LightRocket via Getty Images

અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીતમાં કોઈ પરિણામ આવ્યું નથી. ઈરાનના વિદેશમંત્રીએ હવે કહ્યું છે કે, તેઓ એક સમજૂતીથી થોડા જ દૂર હતા.

ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું" છેલ્લા 47 વર્ષમાં સૌથી ઉચ્ચસ્તરીય મહત્ત્વપૂર્ણ વાટાઘાટ થઈ. ઈરાને યુદ્ધનો અંત લાવવા માટે સારા ઇરાદા સાથે અમેરિકા સાથે વાત કરી."

"પરંતુ જ્યારે 'ઇસ્લામાબાદ સમજૂતી' બસ થવાની તૈયારીમાં હતી, ત્યારે અમારી સમક્ષ વધુ માગણીઓ મૂકવામાં આવી, બદલાતી શરતો અને નિયંત્રણો મૂકવામાં આવ્યાં."

અમેરિકા પર કટાક્ષ કરતા તેમણે લખ્યું, "કોઈ બોધપાઠ ન મળ્યો. સારી નિયતને સારી નિયત મળે અને દુશ્મનીને દુશ્મની મળે છે."

ઉલ્લેખનીય છે કે, યુદ્ધનો અંત લાવવા માટે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત થઈ હતી, પરંતુ તેમાં કોઈ નિષ્કર્ષ નીકળ્યો ન હતો.

આ પછી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી હતી કે, હવે અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા દરેક જહાજની નાકાબંધી કરશે.

હંગેરીમાં 16 વર્ષ પછી વિક્ટર ઓરબાનનું શાસન સમાપ્ત

ઓરબાનની ફિદેઝ પાર્ટીને 55 બેઠકો મળી રહી હોવાનું દેખાઈ રહ્યું છે.

ઇમેજ સ્રોત, Balint Szentgallay/NurPhoto via Getty Images

હંગેરીમાં વિક્ટર ઓરબાનનું શાસન 16 વર્ષ પછી સમાપ્ત થયું છે. લગભગ 98% મતોની ગણતરી સાથે પ્રારંભિક પરિણામો દર્શાવે છે કે તિસા પાર્ટી 138 બેઠકો જીતી રહી છે.

199 બેઠકોવાળી સંસદમાં ઓરબાનની 'ફિદેઝ પાર્ટી'ને 55 બેઠકો મળી છે અને અતિ-જમણેરી પાર્ટી 'અવર હોમલૅન્ડ'ને 6 બેઠકો મળી છે.

ઓરબાનને હરાવનાર તિસા પાર્ટીના નેતા પીટર મેગ્યારે ડેન્યુબ નદીના કિનારે એકઠી થયેલી ભીડને કહ્યું, "આપણે સાથે મળીને હંગેરિયન સરકારને પાડી દીધી છે."

તેમણે એમ પણ કહ્યું કે, વિક્ટર ઓરબાને તેમને ફોન કરીને જીત બદલ અભિનંદન આપ્યાં હતાં.

બીજી તરફ, ઓરબાને પોતાના સમર્થકોને કહ્યું, "પરિણામો સ્પષ્ટ અને પીડાદાયક છે. અમારે 25 લાખ લોકોનો આભાર માનવો જોઈએ, જેમણે અમને ટેકો આપ્યો. આવનારા દિવસોમાં બધું સારું થઈ જશે."

બંધારણમાં સુધારો કરવા માટે પીટર માગ્યારને 133 બેઠકોની જરૂર હતી.

ઇમેજ સ્રોત, Ferenc ISZA / AFP via Getty Images

માગ્યારે કહ્યું છે કે, તેઓ ઓરબાનના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા ફેરફારોને ઉલટાવી દેશે. તેમણે "શિક્ષણ અને આરોગ્યમાં સુધારો કરવા, ભ્રષ્ટાચારને કાબૂમાં લેવા, ન્યાયતંત્રને સ્વતંત્ર બનાવવા અને એનઇઆર તરીકે ઓળખાતી સિસ્ટમને નાબૂદ કરવાનું વચન આપ્યું હતું, જેનાથી ઓરબાનના સમર્થકોને ફાયદો થયો અને સરકારી સંસાધનોનો બગાડ થયો."

બંધારણમાં સુધારો કરવા માટે માગ્યારેને 133 બેઠકોની જરૂર હતી, પરંતુ તાજેતરનાં પરિણામો સૂચવે છે કે, તિસા પાર્ટી 138 બેઠકો જીતી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન