કૅનેડા ગયેલા ભારતના કેટલાક વિદ્યાર્થીઓ ફસાઈ ગયા, વર્ક પરમિટ કેમ નથી મળી રહી?

ઇમેજ સ્રોત, Inderjit Singh/Getty
- લેેખક, અર્શદીપકોર
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
કૅનેડામાં પોસ્ટ-ગ્રૅજ્યુએશન વર્ક પરમિટ (પીજીડબલ્યુપી) સંબંધિત વિવાદને લઈને કેટલાક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ લગભગ એક મહિનાથી વિરોધ કરી રહ્યા છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓમાં ભારતીય વિદ્યાર્થીઓ પણ સામેલ છે.
આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમણે કૅનેડામાં એ આશા સાથે અભ્યાસ કર્યો હતો કે ગ્રૅજ્યુએશન પછી તેઓ પીજીડબલ્યુપી મેળવીને કામનો અનુભવ મેળવી શકશે. પરંતુ હવે તેમને કહેવામાં આવી રહ્યું છે કે તેમના અભ્યાસક્રમો આ પરમિટ માટે પાત્ર નથી.
કૅલગરી અને ઍડમોન્ટનની બે કૉલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ મામલે અસર થઈ છે અને તેમાંથી મોટા ભાગના લોકો પૉર્ટેજ કૉલેજ સાથે સંકળાયેલા છે.
કૅનેડિયન ઇમિગ્રેશન વિભાગ કૅલગરીની પૉર્ટેજ કૉલેજ હેઠળની બે ખાનગી ભાગીદારી કૉલેજો—સીઆઈઓટી અને કૅમ્પબેલ કૉલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં વર્ક પરમિટ અરજીઓ નકારી રહ્યો છે.
આ વિદ્યાર્થીઓનાં વિરોધ-પ્રદર્શનો અને ચિંતાઓ અંગે બીબીસીએ કૅનેડા સરકારના વિવિધ વિભાગો અને પૉર્ટેજ કૉલેજનો સંપર્ક કર્યો. ઇમિગ્રેશન, રૅફ્યુજી અને સિટીઝનશિપ કૅનેડા, કૅનેડા બોર્ડર સર્વિસીસ એજન્સી અને પૉર્ટેજ કૉલેજે આ મુદ્દા પર પોતાનો પક્ષ મૂક્યો છે.
પોસ્ટ-ગ્રૅજ્યુએશન વર્ક પરમિટ અને વિવાદ શું છે

ઇમેજ સ્રોત, Getty Images
પોસ્ટ-ગ્રૅજ્યુએશન વર્ક પરમિટ એ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આપવામાં આવતી ઓપન વર્ક પરમિટ છે, જે કેટલીક યોગ્ય કૅનેડિયન સંસ્થાઓ અને યોગ્ય શિક્ષણ કાર્યક્રમોમાંથી અભ્યાસ પૂરો કરનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.
આ પરમિટ સ્નાતકોને કૅનેડામાં કામ કરવાની મંજૂરી આપે છે અને ઘણા લોકો માટે કાયમી રહેઠાણ (પીઆર) માટેનો એક મહત્ત્વપૂર્ણ માર્ગ માનવામાં આવે છે. તેનો સમયગાળો સામાન્ય રીતે કોર્સના સમય પર આધાર રાખે છે અને બે વર્ષ કે તેથી વધુ સમય માટે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વધુમાં વધુ ત્રણ વર્ષ માટે વર્ક પરમિટ મેળવી શકે છે. આ પરમિટ હેઠળ વ્યક્તિ કૅનેડામાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરી શકે છે.
પૉર્ટેજ કૉલેજના વિદ્યાર્થીઓ કહે છે કે જ્યારે તેમણે પ્રવેશ મેળવ્યો, ત્યારે તેઓને જણાવાયું હતું કે તેમના અભ્યાસક્રમો કે કાર્યક્રમો આ પરમિટ માટે પાત્ર છે. પરંતુ પાછળથી કેટલાક વિદ્યાર્થીઓને જાણવા મળ્યું કે ખાસ કરીને કેટલાક નૉન-ક્રૅડિટ પ્રોગ્રામ્સ પાત્રતાના દાયરામાં આવતા નથી. આના કારણે ઘણા વિદ્યાર્થીઓ તેમના ભવિષ્ય, રોજગાર અને ઇમિગ્રેશન યોજનાઓ વિશે વધારે ચિંતાતુર બન્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નૉન-ક્રૅડિટ પ્રોગ્રામ્સ એવા કોર્સ છે જે નોકરી અથવા કૌશલ્ય શીખવવા માટે ચલાવવામાં આવે છે, પરંતુ તે કૉલેજ અથવા યુનિવર્સિટીની સામાન્ય શૈક્ષણિક ક્રૅડિટ સિસ્ટમનો ભાગ નથી.
વિદ્યાર્થીઓનો દાવો છે કે આ અંગેની માહિતી સ્પષ્ટ નહોતી, જ્યારે સરકારી વિભાગો કહે છે કે નિયમો પહેલાંથી જ અમલમાં હતા.
'મારો અભ્યાસ પૂર્ણ કર્યો, પણ વર્ક પરમિટ ન મળી'
6 ઑગસ્ટના રોજ બીબીસી સંવાદદાતા સરબજિતસિંહ ધાલીવાલે કેટલાક પ્રદર્શનકારીઓ સાથે ફોન પર વાત કરવાની કોશિશ કરી હતી. વિદ્યાર્થીઓ હાલમાં મીડિયા સાથે વાત કરી રહ્યા નથી.
ડિસેમ્બર 2025માં બિઝનેસ મૅનેજમેન્ટનો કોર્સ પૂર્ણ કરનાર મોહાલીના સુખમનીકોરે બીબીસીને જણાવ્યું કે તે અને અન્ય વિદ્યાર્થીઓ કાયમી રહેઠાણ (પીઆર) નથી માગતા, પરંતુ અભ્યાસ પછી કામ કરવાનો અધિકાર માગી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે કોર્સ પૂર્ણ કર્યો હોવા છતાં અને ફી ભરવા છતાં, પોસ્ટ-ગ્રૅજ્યુએશન વર્ક પરમિટ માટેની તેમની અરજી નકારી કાઢવામાં આવી હતી.
માનસાના ઇન્દ્રજિતસિંહ, જેમની અરજી પણ નકારી કાઢવામાં આવી હતી, તેમણે જણાવ્યું હતું કે પ્રવેશ સમયે તેમને આવાં કોઈ પણ પાત્રતા-પ્રતિબંધો વિશે જાણ કરવામાં આવી ન હતી અને વર્ક પરમિટ ન મળવાને કારણે તેઓ અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે.

ઇમેજ સ્રોત, Inderjit Singh
આઈઆરસીસી વિદ્યાર્થીઓની ચિંતાઓને સ્વીકારે છે
ઇમિગ્રેશન, રૅફ્યુજીઝ ઍન્ડ સિટીઝનશિપ કૅનેડા (આઈઆરસીસી) એ કૅનેડા સરકારનો વિભાગ છે, જે ઇમિગ્રેશન, અભ્યાસ અને વર્ક પરમિટ, શરણાર્થી બાબતો અને નાગરિકતા સંભાળે છે. બીબીસીએ વિભાગને આ વિદ્યાર્થીઓનાં પ્રદર્શનો અને ભવિષ્ય અંગેની ચિંતાઓ વિશે પૂછ્યું. બીબીસીને આપેલા જવાબમાં તેમણે કહ્યું કે તેઓ આનાથી પ્રભાવિત લોકોની ચિંતાઓ સમજે છે.
વિભાગે તેના પ્રતિભાવમાં કહ્યું, "અમે સ્વીકારીએ છીએ કે અસરગ્રસ્ત લોકો માટે આ એક મહત્ત્વપૂર્ણ મુદ્દો છે. દરેક અરજી પાછળ એક વ્યક્તિ, એક પરિવાર અને ભવિષ્ય માટેની મહત્ત્વપૂર્ણ યોજનાઓ હોય છે."
જોકે, આઈઆરસીસીએ જૂન 2026માં કોઈ પણ નવા પીજીડબલ્યુપી નિયમો રજૂ કરવામાં આવ્યા હોવાના દાવાને નકારી કાઢ્યો હતો.
વિભાગના જણાવ્યા અનુસાર, "જૂન 2026માં પીજીડબલ્યુપી વેબપેજ પર કરાયેલું અપડેટ હાલની જરૂરિયાતો અને નૉન-ક્રૅડિટ પ્રોગ્રામમાં તેમની અરજી અંગે સ્પષ્ટતા પૂરી પાડવા માટે હતું. તેમાં કોઈ નવી પાત્રતા આવશ્યકતાઓ ઉમેરવામાં આવી નથી."
95 ટકા પીજીડબલ્યુપી અરજીઓને મળી મંજૂરી
ઇમિગ્રેશન, રૅફ્યુજીઝ ઍન્ડ સિટીઝનશિપ કૅનેડા (આઈઆરસીસી)એ વિદ્યાર્થીઓને સલાહ આપી છે કે અરજી કરતા પહેલાં એ સુનિશ્ચિત કરવામાં આવે કે માત્ર તેમની શિક્ષણ સંસ્થા જ નહીં, પરંતુ તેમનો ચોક્કસ અભ્યાસ પ્રોગ્રામ પણ પોસ્ટ-ગ્રૅજ્યુએશન વર્ક પરમિટ (પીજીડબલ્યુપી) માટે યોગ્ય છે; કારણ કે ડેઝિગ્નેટેડ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂશન (ડીએલઆઈ)માં ભણવું એ પીજીડબલ્યુપીની ગૅરંટી નથી.
વિભાગે એમ પણ કહ્યું કે દરેક પીજીડબલ્યુપી અરજીનું મૂલ્યાંકન ઇમિગ્રેશન કાયદા હેઠળ અલગથી કરવામાં આવે છે અને જે લોકોને લાગે છે કે તેમના કેસમાં ભૂલ થઈ છે, તેઓ પુનર્વિચારની વિનંતી કરી શકે છે.
2026ના પ્રથમ પાંચ મહિનામાં 2.16 લાખથી વધુ પીજીડબલ્યુપી અરજીઓ પર પ્રક્રિયા કરવામાં આવી હતી અને તેમાંથી 95 ટકા અરજીઓને મંજૂરી આપવામાં આવી હતી. આઈઆરસીસીના જણાવ્યા અનુસાર, પીજીડબલ્યુપી માટે અયોગ્ય જણાતા કેટલાક લોકો તેમના સંજોગોના આધારે અન્ય વર્ક પરમિટ વિકલ્પો માટે પણ પાત્ર બની શકે છે.

પૉર્ટેજ કૉલેજે ચિંતા વ્યક્ત કરી
પૉર્ટેજ કૉલેજે 18 ઑગસ્ટના રોજ જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમને સતત અહેવાલો મળી રહ્યા છે કે કૉલેજ અને તેની ભાગીદાર સંસ્થાઓમાં નૉન-ક્રૅડિટ પ્રોગ્રામના કેટલાક સ્નાતકોની પોસ્ટ-ગ્રૅજ્યુએશન વર્ક પરમિટ (પીજીડબલ્યુપી) અરજીઓ નકારી કાઢવામાં આવી રહી છે.
કૉલેજે કહ્યું કે તે પ્રભાવિત સ્નાતકોની હતાશા સમજે છે, ખાસ કરીને કારણ કે કેટલાક વિદ્યાર્થીઓને પીજીડબલ્યુપી મળ્યું છે અને અન્યને નથી મળ્યું. કૉલેજે એમ પણ કહ્યું કે તે ગ્રૅજ્યુએટ્સને મદદ અને માહિતી પૂરી પાડવાનો પ્રયાસ ચાલુ રાખશે.

ઇમેજ સ્રોત, Getty Images
'20 લોકોની ઇમિગ્રેશન તપાસ, 12 સંભવિતપણે અયોગ્ય'
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ મામલામાં કૅનેડા બોર્ડર સર્વિસીસ એજન્સી (સીબીએસએ)નું નામ ત્યારે સામે આવ્યું, જ્યારે કૅલગરીમાં થયેલા વિદ્યાર્થી પ્રદર્શન દરમિયાન કેટલાક લોકોની ઇમિગ્રેશન સ્થિતિની તપાસ કરવામાં આવી.
કૅનેડા બોર્ડર સર્વિસીસ એજન્સી (સીબીએસએ) એ કૅનેડાની સરહદ અને ઇમિગ્રેશન અમલીકરણ એજન્સી છે, જે ઇમિગ્રેશન નિયમો લાગુ કરવા અને સરહદો સુરક્ષિત કરવા માટે જવાબદાર છે. બીબીસીને આપેલા જવાબમાં સીબીએસએ જણાવ્યા અનુસાર, એજન્સીએ કૅલગરી પોલીસ સર્વિસની વિનંતી પર તપાસ હાથ ધર્યા પછી ઇમિગ્રેશન ચકાસણી કરી હતી.
સીબીએસએએ જણાવ્યું હતું કે 12 ઑગસ્ટના રોજ કૅલગરીમાં વિદ્યાર્થીઓના વિરોધ-પ્રદર્શન દરમિયાન કૅલગરી પોલીસની વિનંતી પર કેટલાક લોકોના ઇમિગ્રેશન સ્ટેટસની તપાસ કરવામાં આવી હતી. એજન્સીના જણાવ્યા અનુસાર, કુલ 20 લોકોની સ્થિતિ ચકાસવામાં આવી હતી, જેમાંથી 12 ઇમિગ્રેશન કાયદા હેઠળ સંભવિત રીતે અયોગ્ય હોવાનું જણાયું હતું અને તેમને વધુ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.
સીબીએસએએ જણાવ્યું હતું કે, "જે લોકો સામે ઇમિગ્રેશન કાર્યવાહી કરવામાં આવે છે, તેમની પાસે કાયદાની યોગ્ય પ્રક્રિયા હેઠળ અપીલ અને ન્યાયિક સમીક્ષાના વિકલ્પો ઉપલબ્ધ છે." કાયદાઓનો હવાલો આપતા સીબીએસએએ કહ્યું કે આ બાબતો અંગે વધુ કોઈ વિગતો આપવામાં આવશે નહીં.

ઇમેજ સ્રોત, Getty Images
આગળ શું થઈ શકે?
કૅનેડાના ઇમિગ્રેશન, રૅફ્યુજીસ ઍન્ડ સિટીઝનશિપ કૅનેડા (આઈઆરસીસી)નું કહેવું છે કે જો કોઈ વિદ્યાર્થી માને છે કે તેમની અરજી નકારવામાં આવી ત્યારે ભૂલ થઈ હતી, તો તેઓ વિભાગને તેમના કેસની ફરીથી તપાસ કરવા માટે કહી શકે છે. વિભાગ એમ પણ કહે છે કે જે લોકો પોસ્ટ-ગ્રૅજ્યુએશન વર્ક પરમિટ (પીજીડબલ્યુપી) માટે લાયક નથી, તેમના માટે વર્ક પરમિટના અન્ય રસ્તાઓ હોઈ શકે છે.
બીજી તરફ, પૉર્ટેજ કૉલેજનું કહેવું છે કે તે હજુ પણ આ મામલે વધુ સ્પષ્ટતા માગી રહી છે, જ્યારે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્ય વિશે સ્પષ્ટ જવાબ અને ઉકેલની રાહ જોઈ રહ્યા છે.
બીબીસી સંવાદદાતા સરબજિતસિંહ ધાલીવાલે પણ આ બાબતે બ્રિટિશ કોલંબિયાના વકીલ હેરી વિર્ક સાથે વાત કરી. તેમના મતે, જે વિદ્યાર્થીઓની પોસ્ટ-ગ્રૅજ્યુએશન વર્ક પરમિટની અરજીઓ નકારી કાઢવામાં આવી છે, તેઓ 15 દિવસની અંદર રિવ્યૂની વિનંતી કરી શકે છે. તેમણે કહ્યું કે તેમની પેઢીએ આવી લગભગ 500 અરજીઓ દાખલ કરી છે.
બીજો રસ્તો એ છે કે વિદ્યાર્થીઓ 90 દિવસની અંદર તેમનું ઇમિગ્રેશન સ્ટેટસ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી શકે છે, જેમ કે ફરીથી અભ્યાસ શરૂ કરવો અથવા ટૂરિસ્ટ વીઝા પર જવું. જોકે, આ સમય દરમિયાન તેમને કૅનેડામાં કામ કરવાનો અધિકાર રહેશે નહીં.
હાલમાં, આ મુદ્દો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલો છે, જેઓ કહે છે કે તેમણે પોસ્ટ-ગ્રૅજ્યુએશન વર્ક પરમિટ (પીજીડબલ્યુપી) મેળવવાની આશામાં કૅનેડામાં તેમના અભ્યાસ અને કારકિર્દીનું આયોજન કર્યું હતું.
પીજીડબલ્યુપી વિવાદ કેવી રીતે વધ્યો?
- 2023-24: વિદ્યાર્થીઓએ પૉર્ટેજ કૉલેજ અને તેની ભાગીદાર સંસ્થાઓમાં પ્રવેશ લીધો.
- ડિસેમ્બર 2025 અને તે પછી: ઘણા વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસક્રમો પૂર્ણ કર્યા અને પોસ્ટ-ગ્રૅજ્યુએશન વર્ક પરમિટ માટે અરજી કરી.
- જૂન 2026: કૅનેડાના ઇમિગ્રેશન, શરણાર્થી અને નાગરિકતા વિભાગે પીજીડબલ્યુપી વેબપેજ અપડેટ કર્યું અને નૉન-ક્રૅડિટ પ્રોગ્રામ્સ અંગેની માહિતી સ્પષ્ટ કરી.
- જુલાઈ 2026: અસરગ્રસ્ત વિદ્યાર્થીઓના મતે, પીજીડબલ્યુપી અરજીઓ નકારવામાં આવી હોવાના કિસ્સાઓ મોટી સંખ્યામાં પ્રકાશમાં આવવા લાગ્યા.
- જુલાઈ-ઑગસ્ટ 2026: કૅલગરી અને ઍડમોન્ટનમાં અસરગ્રસ્ત વિદ્યાર્થીઓએ દેખાવો શરૂ કર્યા.
- 12 ઑગસ્ટ 2026: કૅલગરીમાં વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસની વિનંતી પર કૅનેડા બોર્ડર સર્વિસીસ એજન્સીએ કેટલાક લોકોના ઇમિગ્રેશન સ્ટેટસની તપાસ કરી.
- 18 ઑગસ્ટ 2026: પૉર્ટેજ કૉલેજે એક નવું નિવેદન બહાર પાડીને કહ્યું કે તેને પીજીડબલ્યુપી રદ કરવાના સતત અહેવાલો મળી રહ્યા છે અને તે પ્રભાવિત ગ્રૅજ્યુએટ્સની ચિંતાઓને સમજે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



















