અલ નીનો માટે તૈયાર રહો, યુએનની ચેતવણીઃ આ વખતે અલ નીનો દાયકાઓમાં સૌથી ભીષણ રહેવાની શક્યતા

વિજ્ઞાનીઓ એવો ભય વ્યક્ત કરી રહ્યા છે કે, અલ નીનો અને માનવ-સર્જિત ક્લાઇમેટ ચેન્જની સંયુક્ત અસરો વિશ્વભરના હવામાનમાં ધરમૂળ ફેરફારો લાવી શકે છે.

યુનાઇટેડ નૅશન્સે ચેતવણી ઉચ્ચારી છે કે, આગામી સપ્તાહોમાં કુદરતી અલ નીનોની આબોહવા પૅટર્નનો એક નવો તબક્કો શરૂ થઈ શકે છે, જેના કારણે અગાઉથી જ ક્લાઇમેટ ચેન્જને લીધે દબાણનો સામનો કરી રહેલી પૃથ્વી પરનું તાપમાન વધવાની શક્યતા છે.

વિશ્વ હવામાન સંગઠન (વર્લ્ડ મીટિયોરોલૉજિકલ ઑર્ગેનાઇઝેશન)એ જણાવ્યું હતું કે, અલ નીનો 2026ના બાકીના ભાગમાં વધુ પ્રબળ બને તેવી શક્યતા છે, જેને લીધે પૃથ્વીના મોટા ભાગના વિસ્તારમાં હવામાન વધુ વિષમ બનશે.

ઘણા દેશોની રાષ્ટ્રીય હવામાન સંસ્થાઓએ કરેલી આગાહી સૂચવે છે કે તે અત્યાર સુધી નોંધાયેલા પૈકીનું સૌથી શક્તિશાળી અલ નીનો હોઈ શકે છે - જેને સંભવતઃ સુપર અલ નીનો કહી શકાય.

અલ નીનોનો ચોક્કસ સમય અને તેની પ્રબળતા પડકારરૂપ હોઈ શકે છે અને વિજ્ઞાનીઓ તેની કડીઓ મેળવવા માટે પ્રશાંત મહાસાગરના મધ્ય ભાગમાં આવેલા એક ખાસ ક્ષેત્રની ગતિવિધિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે.

પ્રશાંત મહાસાગર પર કેન્દ્રિત પૃથ્વીનો નકશો, જેમાં વિષુવવૃત પર નીનોના મુખ્ય ધ્યાનપાત્ર ક્ષેત્રની ફરતે એક બૉક્સ છે. સમુદ્રની સપાટીને અલગ-અલગ શેડ આપવામાં આવ્યા છે, જેમાં વાદળી સામાન્ય કરતાં નીચું તાપમાન ધરાવે છે અને સફેદ રંગ સરેરાશ તાપમાન, નારંગી સરેરાશ કરતાં ઊંચું તાપમાન દર્શાવે છે. વિષુવવૃત પાસે અને દેખરેખના સમગ્ર પ્રદેશના બૉક્સમાં પાણી વાદળી રંગનું અને બાકીના ભાગમાં નારંગી રંગનું છે.

ડિસેમ્બર મહિનામાં આ પાણી સરેરાશ કરતાં ઊંચું હતું - જેનો રંગ અહીં વાદળી બતાવવામાં આવ્યો હતો અને તેમાં અલ નીનો દેખાતું નહોતું.

પ્રશાંત મહાસાગર પર કેન્દ્રિત પૃથ્વીના નકશામાં વિષુવવૃત્ત પર મુખ્ય નીનો મૉનિટરિંગ પ્રદેશ ફરતે એક બૉક્સ અને વિષુવવૃત્તીય દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કિનારા પાસેના ભાગ પર વર્તુળ કરેલું છે. મૉનિટરિંગ ક્ષેત્રમાં દરિયાની સપાટી સફેદ રંગની વધુ નજીક અને પૂર્વીય ગોળાકાર પ્રદેશની અંદર ઘેરા નારંગી રંગની છે.

પણ ત્રણ મહિના પછી ચિત્ર બદલાઈ ગયું હતું.

મધ્ય પેસિફિક પ્રદેશ વધુ ગરમ હતો - જે અહીં નારંગી રંગનો દર્શાવવામાં આવ્યો હતો - દક્ષિણ અમેરિકાના દરિયાકાંઠે ઘણું ગરમ પાણી ઊભરી રહ્યું હતું.

પ્રશાંત મહાસાગર પર કેન્દ્રિત વિશ્વનો નકશો, જેમાં વિષુવવૃત્ત પર મુખ્ય નીનો મૉનિટરિંગ પ્રદેશ ફરતે બૉક્સ કરેલું છે અને વિષુવવૃત્તીય દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કાંઠે વર્તુળ કરેલું છે. મૉનિટરિંગના પ્રદેશ પરના બૉક્સની અંદર દરિયાની સપાટીનો રંગ હવે આછો નારંગી છે અને પૂર્વીય વર્તુળ કરેલા પ્રદેશનો ભાગ મોટો અને ઘેરા નારંગી રંગનો છે.

એપ્રિલ સુધીમાં માથે તોળાઈ રહેલું અલ નીનો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું. મુખ્ય મૉનિટરિંગ ક્ષેત્રમાં તાપમાન વધી રહ્યું હતું અને ત્યારથી તે પાણી ગરમ થવાનું ચાલુ છે.

જ્યારે પવનની પૅટર્નમાં આવેલો બદલાવ ગરમ થયેલા પાણીને ઉષ્ણકટિબંધીય પ્રશાંત મહાસાગરમાં પ્રસરવાની છૂટ આપે, ત્યારે અલ નીનો સર્જાય છે.

અને જ્યારે આ અલ નીનો થવાની ધારણા અગાઉથી જ સેવાઈ રહી હતી, ત્યારે ઘણા વિજ્ઞાનીઓનું માનવું છે કે, તે અત્યંત શક્તિશાળી હોઈ શકે છે.

"અમને પૂરો વિશ્વાસ છે કે, મોટી ઘટનાનું આગમન થઈ રહ્યું છે," એમ બ્રિટનની હવામાન ઑફિસ ખાતે માસિકથી દાયકા અંગેની આગાહીના વડા પ્રોફેસર ઍડમ સ્કેઇફે જણાવ્યું હતું. "એટલું જ નહીં, તે વિક્રમી સ્તરની ઘટના પણ હોઈ શકે છે."

એક બાર ચાર્ટ, જેમાં ગ્રે સ્તંભો શૂન્ય ડિગ્રી તરીકે ચિહ્નિત મધ્ય રેખાની ઉપર અને નીચે સુધી લંબાયેલા છે. વાય-અક્ષ સરેરાશથી થતો ફેરફાર બતાવે છે, જેમાં નીચલા છેડે માઇનસ બે અને ઉપલા છેડે પ્લસ બે કરતાં વધુનો ફેરફાર દર્શાવ્યો છે. એક્સ-એક્સિસ જાન્યુઆરી, 1950થી લઈને માર્ચ, 2026 સુધીનો દરેક મહિનો દર્શાવે છે.

પ્રશાંત મહાસાગરના મૉનિટરિંગ પ્રદેશમાં દરિયાઈ સપાટીનું તાપમાન કુદરતી રીતે સરેરાશ કરતાં ઉપર અને નીચે થતું રહે છે.

બાર ચાર્ટ હવે ચોક્કસ બાર સેગમેન્ટ્સને કલરમાં દર્શાવે છે. પ્લસ 0.5ની ઉપરના સ્તંભ લાલ રંગના છે અને તેના પર અલ નીનો લખવામાં આવ્યું છે. માઇનસ 0.5ની નીચેના સ્તંભ વાદળી રંગના છે અને તેના પર લા નીના લખેલું છે. પ્લસ બેથી ઉપરના સૌથી ઊંચા સ્તંભોને - અત્યંત શક્તિશાળી અલ નીનો તરીકે દર્શાવવામાં આવ્યા છે - જે 1950 પછી માત્ર છ વખત આવ્યા છે. તે પૈકી સૌથી પ્રચંડ અલ નીનો 1982નું હતું અને સૌથી તાજેતરનું શક્તિશાળી અલ નીનો 2015માં નોંધાયું હતું.

જ્યારે તે લાંબા સમયગાળા સુધી બેઝલાઇન કરતાં અડધા કરતાં વધુ ડિગ્રી સુધી ગરમ કે ઠંડા રહે, ત્યારે અલ નીનો અથવા તો તેના ઠંડા સ્વરૂપ - લા નીનાની સ્થિતિ મોજૂદ હોય છે.

બે ડિગ્રી કરતાં વધુની ગરમી અત્યંત તીવ્ર કે કહેવાતા સુપર અલ નીનોનો સંકેત આપે છે.

રંગીન સેગમેન્ટ્સ સાથેનો સમાન બાર ચાર્ટ રહે છે, પણ લેબલ અદૃશ્ય થઈ ગયાં છે. ચાર્ટની જમણી તરફનું નવું લેબલ જુદાં-જુદાં મૉડલ્સ દ્વારા નવેમ્બર, 2026માં આ અલ નીનોના સંભવિત સર્વોચ્ચ સ્તર દરમિયાનના તાપમાનની સંભવિત શ્રેણી દર્શાવે છે. 2.7ના મધ્યમ અંદાજની સાથે આ તાપમાન પ્લસ 1.8થી પ્લસ 3.3ની વચ્ચે છે.

1950થી લઈને આવી છૂટકછૂટક ઘટનાઓ જ નોંધાઈ છે. આગાહીઓ સૂચવે છે કે, આ નવું અલ નીનો ભૂતકાળના વિક્રમી અલ નીનો જેવાં જ શક્તિશાળી હોઈ શકે છે અને કદાચ તેમનાથીયે વધુ પ્રબળ હોઈ શકે છે.

વિજ્ઞાનીઓ શા માટે શક્તિશાળી અલ નીનોની શક્યતા જોઈ રહ્યા છે, તેનું આંશિક કારણ દરિયાની સપાટીમાં ઊંડે ધરબાયેલું છે.

ઉપગ્રહો, દરિયાઈ તરાપા અને ઓશન ફ્લોટ્સનો ડેટા અસાધારણ ગરમ (અમુક જગ્યાએ સરેરાશ તાપમાન કરતાં છ ડિગ્રી સેન્ટિગ્રેડ જેટલું વધુ ગરમ) એક વિશાળ મોજું પ્રશાંત મહાસાગરમાં સેંકડો મીટર ઊંડે પૂર્વ તરફ સરકી રહ્યું છે.

"આ પાણીની ગરમી આપણે જોયેલી અલ નીનોની કેટલીક અત્યંત શક્તિશાળી ઘટનાઓ જેવી છે," એમ અમેરિકન સાયન્સ એજન્સી એનઓએએના ક્લાઇમેટ પ્રિડિક્શન સેન્ટર ખાતેનાં ભૌતિક વિજ્ઞાની મિશેલ એલહેરેક્સે જણાવ્યું હતું.

દરિયાના ઊંડાણમાં રહેલી ગરમી ઘણી વખત સપાટીનાં પાણી ગરમ થવાનો આગોતરો સંકેત આપે છે - અને આ ગરમી પછીથી ઉપરની હવા ગરમ કરે છે તથા વિશ્વભરની આબોહવાની પૅટર્નને ખોરવવામાં મદદ કરે છે.

"અલ નીનોની સ્થિતિ શેકાઈ રહેલા વિશ્વમાં બળતામાં ઘી હોમવાનું કામ કરશે," એમ યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે જણાવ્યું હતું. "તેની અસરો વધુ ખતરનાક હશે, દૂર સુધી પ્રસરશે અને વિનાશક ગતિ સાથે સીમા વટાવી જશે."

કોઈ બે અલ નીનોની ઘટનાઓ એકસમાન નથી હોતી અને જુદાં-જુદાં સ્થળો વર્ષના અલગ-અલગ સમય પર પ્રભાવિત થઈ શકે છે.

પણ શક્તિશાળી અલ નીનો સામાન્યપણે દક્ષિણ અમેરિકા, દક્ષિણ પૂર્વ એશિયા તથા ઑસ્ટ્રેલિયાના કેટલાક ભાગોમાં ગરમ અને શુષ્ક આબોહવાને વેગ આપે છે, જેના કારણે દુકાળ અને જંગલમાં આગ લાગવાની શક્યતા વધી જાય છે.

એટલું જ નહીં, તે ભારતીય ચોમાસાને પણ નબળું પાડી શકે છે અને ગ્રેટર હોર્ન ઑફ આફ્રિકાના ઉત્તરીય ભાગોમાં સૂકી સ્થિતિનું નિર્માણ કરી શકે છે, બીજી તરફ દક્ષિણ અમેરિકામાં ભારે વરસાદ પૂરનું જોખમ વધારી શકે છે.

બ્રિટનમાં અલ નીનોને પગલે હળવી ઠંડી સાથે શિયાળાની શરૂઆત અને હાડ ગાળતી ઠંડી સાથે શિયાળાના અંતની સંભવિતતા વધારી શકે છે, અલબત્ત ઉત્તર-પૂર્વીય યુરોપ સાથે તેનું જોડાણ એટલું મજબૂત નથી.

વિશ્વભરમાં વરસાદની પૅટર્ન પરની સંભવિત અસરો દર્શાવતા રંગોના પટ્ટાઓ સાથેનો વિશ્વનો નકશો. દક્ષિણ અમેરિકા, હોર્ન ઑફ આફ્રિકા તથા પૂર્વ એશિયા જેવા પ્રદેશોમાં બતાવાયેલા લીલાં ટપકાં દર્શાવેલા વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે ઑસ્ટ્રેલિયા, ભારત અને એમેઝોન જેવા પ્રદેશોમાં સામાન્ય કરતાં સૂકું વાતાવરણ રહેવાની શક્યતા છે.

ભૂતકાળની ઘટનાઓ વૈશ્વિક સ્તરે ખાદ્યાન્નના ભાવોમાં ઉછાળા તથા અબજો કે ખર્વો ડૉલરની આવકના નુકસાન સાથે જોડાયેલી છે, કારણ કે પાક નિષ્ફળ જવાની અને વેપાર ખોરવાઈ જવાની સપ્લાય ચેઇન તથા અર્થતંત્રો પર વ્યાપક અસર પડે છે.

અલ નીનો સામાન્યપણે ક્રિસમસ (નાતાલ)ની આસપાસના સમયગાળામાં તેની ચરમસીમાએ હોય છે, ત્યારે તેના આડે હજુ મહિનાઓ બાકી હોવાથી તે વિક્રમો તોડશે કે કેમ, તે જાણવું અશક્ય છે.

એલહેરેક્સ જણાવે છે તેમ, અલ નીનો પવનની પૅટર્ન (તરાહ) પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે, આથી, ઘણા સમય પૂર્વે તેની આગાહી કરવી મુશ્કેલ છે અને પવન જ અલ નીનો માટે સૌથી મોટું અનપેક્ષિત પરિબળ છે.

પરંતુ અલ નીનો તેના અત્યંત શક્તિશાળી એવા 'સુપર' સ્તર સુધી ન પહોંચે, તો પણ તેનાં પરિણામો માઠાં હોઈ શકે છે. કારણ કે, આપણે માનવ-સર્જિત ક્લાઇમેટ ચેન્જને કારણે અગાઉથી જ ગરમ થઈ ચૂકી હોય, એવી પૃથ્વી પર કદીયે અલ નીનોનો અનુભવ કર્યો નથી.

જાન્યુઆરી, 1975થી માર્ચ, 2026 સુધીના દરેક મહિના માટેના પૉઇન્ટ સાથેનો લાઇન ચાર્ટ. દરેક પૉઇન્ટ જે-તે મહિનાના સરેરાશ વાર્ષિક તાપમાનમાં ઔદ્યોગિક ક્રાંતિ પૂર્વેના સરેરાશ વૈશ્વિક તાપમાનની તુલનામાં નોંધાયેલો ફેરફાર દર્શાવે છે. અલગ-અલગ મહિનાઓ વચ્ચે તાપમાનમાં ભિન્નતા હોવા છતાં તાપમાનમાં એકંદરે વધારો જોવા મળે છે, જેમાં હમણાંના જ મહિનાઓનું મહત્તમ તાપમાન 1.5 ડિગ્રી સેન્ટિગ્રેડ કરતાં વધારે નોંધાયું છે.

આ માસિક વૈશ્વિક હવાના તાપમાનની તુલનામાં 19મી સદીના ઉત્તરાર્ધનું તાપમાન દર્શાવે છે.

એ સમાન લાઇન ચાર્ટમાં જ પ્રશાંત મહાસાગરના મૉનિટરિંગ ક્ષેત્રમાં જ્યાં અલ નીનોની સ્થિતિ મોજૂદ હતી, તે તમામ મહિનાઓ બતાવવા માટે લાલ રંગના શેડથી સંકેત કરવામાં આવ્યો છે. મોટા ભાગની ચરમસીમા આ ગાળા સાથે જોડાયેલી છે અને તે દર્શાવે છે કે તાપમાનના વૈશ્વિક રેકૉર્ડ ક્યારે બન્યા હતા.

સામાન્યપણે અલ નીનો વર્ષો દરમિયાન તાપમાનમાં (તીવ્ર અલ નીનોના કિસ્સામાં) 0.2 ડિગ્રી સુધીનો વધારો થતો હોય છે.

સમાન લાઇન ચાર્ટમાં પેસિફિક મૉનિટરિંગ પ્રદેશમાં જ્યાં અલ નીનોની સ્થિતિ મોજૂદ હોય, તેવા તમામ મહિનાઓ દર્શાવવા માટે લાલ ભાગો યથાવત્ રાખવામાં આવ્યા છે અને તેમાં લા નીનાની સ્થિતિ મોજૂદ હોય, એવા મહિનાનો સંકેત આપવા માટે વાદળી ભાગો ઉમેરવામાં આવ્યા છે.

લા નીનાની સ્થિતિમાં તાપમાન સામાન્યતઃ નીચું જતું હોય છે.

વધારા પર પ્રકાશ પાડવા માટે ફુલ્લી કલર્ડ લાઇન ચાર્ટમાં ટ્રેન્ડ લાઇન ઉમેરવામાં આવી છે.

પરંતુ તાપમાનમાં થતો આ વધારો અને ઘટાડો કામચલાઉ છે. લાંબા ગાળાનો ગરમીનો ટ્રેન્ડ એ જ ક્લાઇમેટ ચેન્જ છે.

અમેરિકાસ્થિત બર્કલી અર્થ ગ્રૂપ સાથે સંકળાયેલા ક્લાઇમેટ વિજ્ઞાની ઝીકે હાઉસફાધરના જણાવ્યા મુજબ, આ તબક્કે 2027નું વર્ષ અત્યાર સુધીનું વિશ્વનું સૌથી ગરમ વર્ષ રહેવાની પ્રબળ શક્યતા છે.

તેમણે ઉમેર્યું હતું, "1998ના વર્ષમાં વિશ્વમાં અત્યંત શક્તિશાળી અલ નીનો સર્જાયું હતું અને તે સમયનું તે કલ્પનાતીત ગરમ વર્ષ રહ્યું હતું," એમ તેમણે ઉમેર્યું હતું. "જો આવું આજે થાય, તો છેલ્લા બે દાયકાની સરખામણીમાં તે અતિશય ઠંડું વર્ષ ગણાશે."

"આ સ્થિતિ દર્શાવે છે કે, પૃથ્વીની આબોહવા ઉપર માનવી કેવો પભાવ પાડી રહ્યો છે."

સમુદ્રના તાપમાનનું આલેખન

ડેટા સોર્સઃ સમુદ્રની સપાટીના તાપમાનની 1991-2020ની સરેરાશ સાથે સરખામણી કરવામાં આવી છે.

અલ નીનોના તાપમાનનો ચાર્ટઃ

ડેટા સોર્સઃ એનઓએએ રિલેટિવ ઓશનિક નીનો ઇન્ડેક્સના ઇતિહાસના ડેટામાંથી માર્ચ, 2026 સુધી. રિલેટિવ ઓશનિક નીનો ઇન્ડેક્સ ગ્લોબલ વોર્મિંગની અસરને દૂર કરવાનો પ્રયાસ કરે છે, જેથી અલ નીનો અને લા નીનાની પ્રબળતામાં થતો વધારો-ઘટાડો જ દર્શાવી શકાય. ડૉક્ટર ઝીકે હાઉસફાધર દ્વારા નવેમ્બર, 2026 માટે આંકવામાં આવેલો ભાવિ રેન્જનો અંદાજ (આગાહી). આ આગાહી CanSIPS, NASA, NCAR અને CFSનાં છ ક્લાઇમેટ મૉડલ્સ પર આધારિત અલ નીનોનો અંદાજ પ્રબળ રીતે દર્શાવે છે. આ રેન્જ મૉડલની આગાહીઓના મધ્ય ભાગના 50 ટકા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે.

વૈશ્વિક તાપમાનનો ચાર્ટઃ

ડેટાનો સ્રોતઃ ERA5 C3S/ECMWF, NOAA રિલેટિવ ઓશનિક નીનો ઇન્ડેક્સ, માર્ચ, 2026 સુધીનો ડેટા. ઔદ્યોગિક ક્રાંતિ પૂર્વેની સરેરાશ 1850-1900નો સમયગાળો રજૂ કરે છે. રિગ્રેશન ટ્રેન્ડની લાઇન સાંકેતિક છે.