આઇપીએલ : 'પહેલા બૉલે સૂર્યવંશીની વિકેટ લેવાનો પ્લાન હતો', પ્રફુલ હિંગેએ એક ઓવરમાં ત્રણ વિકેટ લીધી અને બાજી પલટી

ઇમેજ સ્રોત, ANI
સોમવારે નવોદિત પ્રફુલ હિંગેએ રાજસ્થાન રૉયલ્સની બૅટિંગ લાઇનઅપમાં ખળભળાટ મચાવી દીધો.
પોતાની પહેલી આઇપીએલ મૅચ રમી રહેલા સનરાઇઝર્સ હૈદરાબાદના આ મીડિયમ ફાસ્ટ બૉલરે પ્રથમ ઓવરમાં બીજા બૉલ પર વૈભવ સૂર્યવંશી, ચોથા બોલ પર ધ્રુવ જુરેલ અને અંતિમ બૉલ પર લુઆન-ડ્રે પ્રિટોરિયસની વિકેટ ઝડપી. હિંગની આઇપીએલમાં આવી શરૂઆતની કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય.
તે સાથે જ પ્રફુલ હિંગે આઇપીએલના ઇતિહાસમાં પોતાની પહેલી ઓવરમાં ત્રણ વિકેટ લેનાર પ્રથમ બૉલર બન્યા. આ સાથે શાકિબ હુસૈને પણ ચાર વિકેટ લીધી હતી.
આમ ગઈ કાલે યોજાયેલી મૅચમાં આ બે ખેલાડી ચર્ચામાં રહ્યા હતા.
આઇપીએલ 2026ની 21મી મૅચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે યોજાઈ. સનરાઇઝર્સ હૈદરાબાદે આ મૅચ 57 રનથી જીતી લીધી હતી.
આ સિઝનમાં રાજસ્થાન રૉયલ્સની આ પહેલી હાર હતી, આ પહેલાં રાજસ્થાને ચારેય મૅચ જીતી છે.
રાજસ્થાન રૉયલ્સના કૅપ્ટન રિયાન પરાગે ટૉસ જીતીને બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
પ્રથમ બૅટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 6 વિકેટ પર 216 રન બનાવ્યા હતા. ટીમના કૅપ્ટન ઈશાન કિશને 91 રન બનાવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે રાજસ્થાન રૉયલ્સ 19 ઓવરમાં 159 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. સનરાઇઝર્સના બે ડેબ્યૂ કરનારા ફાસ્ટ બૉલરોમાં પ્રફુલ હિંગે અને શાકિબ હુસૈન છે, જેમણે ચાર-ચાર વિકેટ લીધી અને બાજી પલટી નાખી.
ઈશાન કિશન સદી ચૂકી ગયા

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઈશાને 91 રન ફટકાર્યા હતા.
જોફ્રા આર્ચરે પહેલા જ બૉલે સનરાઇઝર્સ હૈદરાબાદને મોટો ઝટકો આપ્યો હતો. તેમણે પહેલો બૉલ બાઉન્સર ફેંક્યો અને અભિષેક શર્માનો બૅકવર્ડ પૉઇન્ટ પર ઊભેલા બિશ્નોઈએ કૅચ પકડ્યો હતો.
પછી આવેલા ટ્રેવિસ હેડે પણ 18 બૉલમાં ફક્ત 18 રન બનાવ્યા.
ત્યાર બાદ કૅપ્ટન ઈશાન કિશન અને હેનરિક ક્લાસેનની જોડીએ સારા રનની ભાગીદારી નોંધાવી. ક્લાસેને આ મૅચમાં પણ એક પરિપક્વ બૅટિંગનું પ્રદર્શન કર્યું હતું. સાથે બીજી બાજુ ઈશાન ચોગ્ગા અને છગ્ગા માર્યા.
30 બૉલમાં પોતાની અડધી સદી પૂરી કરનાર ઈશાન 44 બૉલમાં 91 રન બનાવીને આઉટ થયા.
ધીમેથી રમવાની શરૂઆત કરનાર ક્લાસેન 26 બૉલમાં 40 રન બનાવીને દેશપાંડેના બૉલ પર આઉટ થયા. ચાર છગ્ગા ફટકારીને નીતીશકુમાર રેડ્ડીએ 28 રન બનાવ્યા. અંતિમ તબક્કામાં સલિલ અરોરા 24 રન બનાવીને અણનમ રહ્યા હતા.
સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવીને 216 રન બનાવ્યા. રાજસ્થાન રૉયલ્સના બૉલરોમાં આર્ચરે સૌથી વધુ 2 વિકેટ લીધી.
આ મૅચમાં રૉયલ્સના કૅપ્ટન પરાગે રવીન્દ્ર જાડેજાને એક પણ ઓવર નાખવા દીધી ન હતી, જેની ક્રિકેટ નિષ્ણાતોમાં ચર્ચા પણ છે.
ડેબ્યૂ કરનારા બૉલરોએ રાજસ્થાન રૉયલ્સને ચોંકાવ્યું

ઇમેજ સ્રોત, ANI
સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ડેબ્યૂ કરનાર ફાસ્ટ બૉલર પ્રફુલ હિંગેએ પોતાની પહેલી ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી લીધી. પ્રફુલે પોતાના આઇપીએલ ઇતિહાસના બીજા બૉલમાં વૈભવ સૂર્યવંશીને આઉટ કર્યા, જેઓ બધા મોટા બૉલરો સામે એક જોખમ હતા. સૂર્યવંશી તેમના પહેલા બૉલ પર જ આઉટ થઈ ગયા. જુરેલ અને ટ્રે પ્રિટોરિયસ પણ એક જ ઓવરમાં કોઈ રન બનાવ્યા વિના આઉટ થઈ ગયા.
બીજા એક ડેબ્યૂ કરનાર શાકિબ હુસૈને બીજી ઓવર ફેંકી અને તેમણે ફેંકેલા ચોથા બૉલમાં જયસ્વાલની વિકેટ લઈ લીધી.
રાજસ્થાન રૉયલ્સ ત્રણ ઓવર પછી નવ રનમાં પાંચ વિકેટે ખૂબ જ ખરાબ સ્થિતિમાં હતી, ત્યારે રાજસ્થાનના કૅપ્ટન પરાગ પણ હિંગેની બીજી ઓવરમાં આઉટ થઈ ગયા.
ત્યાર બાદ જાડેજા અને ડોનવન ફરેરાની છઠ્ઠી વિકેટની ભાગીદારીએ વિકેટ પડતી અટકાવી અને સારો સ્કોર બનાવ્યો. આ ભાગીદારીએ 118 રન બનાવ્યા. ફરેરાએ 69 રન બનાવ્યા અને જાડેજાએ 45 રન બનાવ્યા.
અંતિમ તબક્કામાં બૉલિંગ કરવા આવેલા શાકિબ હુસૈને વધુ ત્રણ વિકેટ લીધી.
અંતે, રાજસ્થાન રૉયલ્સ 19 ઓવરમાં 159 રનમાં ઑલઆઉટ થઈ ગઈ અને સનરાઇઝર્સ હૈદરાબાદ 57 રનથી જીતી ગયું.
શાકિબ હુસૈન અને પ્રફુલ હિંગેએ ચાર ચાર વિકેટ લીધી. પ્રફુલ હિંગે મૅન ઑફ ધ મૅચ થયા.
પોતાની પહેલી મૅચમાં તેમણે 4 ઓવર ફેંકી, ફક્ત 34 રન આપ્યા અને 4 વિકેટ લીધી.
'સૂર્યવંશીની વિકેટ મારી મનપસંદ વિકેટ'
મૅચ બાદ પ્રફુલ હિંગેએ કહ્યું કે "સૂર્યવંશીની વિકેટ મારી મનપસંદ વિકેટ છે. મેં લોકોને કહ્યું હતું કે હું તેને બાઉન્સર નાખીશ અને આઉટ કરીશ. હું માત્ર આઉટ કરવા માગતો હતો."
"મેં ક્યાંક લખ્યું હતું કે હું મારી ડેબ્યૂ મૅચમાં 4-5 વિકેટ લઈશ. મેં વિચાર્યું હતું કે હું પાવરપ્લેમાં હાવી રહીશ. હું એ વાત પર વિશ્વાસ રાખું છું કે તમે જે વિચારો છો તે થાય છે."
"મેં 13 વર્ષની ઉંમરમાં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. મને ખબર નહોતી કે લેધર બૉલ ક્રિકેટ કેવી હોય છે? મેં મારા પિતાને કોઈ ક્લબમાં સામેલ થવા વિશે કહ્યું. પરંતુ તેમણે કહ્યું કે હું ખૂબ નાનો છું. પછી તે મને ત્યાં લઈ ગયા અને તે પછી સતત રમતો રહ્યો. હું આ ઍવૉર્ડ મારા પરિવારને આપવા માગું છું."
મૅચ પછી બોલતા શાકિબ હુસૈને કહ્યું, "દરેક ખેલાડી આ રીતે ડેબ્યૂ ઇચ્છે છે, તેથી તે ખૂબ જ ખુશ છે. હું ખૂબ જ ખુશ છું. બૉલિંગ કોચે મૅચના એક દિવસ પહેલાં મને જાણ કરી હતી કે હું રમવાનો છું. તે ક્ષણથી મારું ધ્યાન ફક્ત સારું રમવામાં હતું. મેં મારું શ્રેષ્ઠ પ્રદર્શન બતાવવા માટે માનસિક રીતે મારી જાતને તૈયાર કરી."
સનરાઇઝર્સના ફાસ્ટ બૉલિંગ કોચ વરુણ આરોનની મદદ વિશે વાત કરતા સાકિબે કહ્યું, "તે છેલ્લા ચાર વર્ષથી મારી સાથે કામ કરી રહ્યા છે. મારી બૉલિંગમાં તમે જે પણ સુધારો જોઈ રહ્યા છો તે તેમના કારણે છે. આનું સંપૂર્ણ શ્રેય તેમને જાય છે."
પ્રફુલ હિંગે કોણ છે?

ઇમેજ સ્રોત, ANI
સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ડેબ્યૂ કરનાર વિદર્ભના 24 વર્ષીય ફાસ્ટ બૉલર પ્રફુલ પ્રકાશ હિંગેએ રાજસ્થાન રૉયલ્સ સામે રમાયેલી મૅચમાં એવી બૉલિંગ કરી કે આખું સ્ટેડિયમ સ્તબ્ધ થઈ ગયું.
પ્રફુલ હિંગે 24 વર્ષના છે, તેમનો જન્મ 18 જાન્યુઆરી, 2002ના રોજ મહારાષ્ટ્રના નાગપુર (વિદર્ભ) ખાતે થયો હતો. તેઓ રાઇટ આર્મ મીડિયમ ફાસ્ટ બૉલર છે.
પ્રફુલના બૉલિંગ કારકિર્દી પર નજર કરીએ તો, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમણે 10 મૅચમાં 27 વિકેટ ઝડપી છે, લિસ્ટ એ ક્રિકેટમાં તેમણે છ મૅચમાં પાંચ વિકેટ લીધી છે. ખાસ કરીને ટી-20 ફૉર્મેટમાં તેમનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું છે, જ્યાં માત્ર બે મૅચમાં તેમણે પાંચ વિકેટ ઝડપી છે અને તેમનો ઇકોનોમી રેટ 7.12 છે. આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા તેમણે એક મૅચમાં 34 રન આપીને ચાર વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી છે.
સાકિબ હુસૈન કોણ છે?
21 વર્ષીય સાકિબ હુસૈનનો જન્મ 14 ડિસેમ્બર, 2004ના રોજ થયો હતો. રમતની શૈલીની વાત કરીએ તો, તેઓ રાઇટ આર્મ મીડિયમ ફાસ્ટ બૉલર છે.
આઇપીએલની સફરમાં તેઓ કોલકાતા નાઇટ રાઈડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમોમાં સ્થાન પામ્યા છે. તેમની આઇપીએલ કારકિર્દીની શરૂઆત 2024માં થઈ હતી જ્યારે કોલકાતા નાઇટ રાઇડર્સે તેમને પ્રથમ વખત પોતાની ટીમમાં સામેલ કર્યા હતા જોકે એ સમગ્ર આઈપીએલ દરમિયાન કેકેઆરની પ્લેઇંગ ઈલેવનમાં તેમનો સમાવેશ થયો નહોતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
































