'અમૃત ભરેલું અંતર જેનું...', આશા ભોંસલેએ જ્યારે એક જ વર્ષમાં 53 ગુજરાતી ગીત ગાયાં

આશા ભોંસલે, ગુજરાતી ગીતો, બીબીસી ગુજરાતી, બોલીવૂડ, ગુજરાતી સંગીત, ફિલ્મ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અવિનાશ વ્યાસે કુલ 188 ગુજરાતી ફિલ્મોમાં સંગીત પીરસ્યું એ પૈકીની આશરે એકસો વીસ ફિલ્મોમાં આશા ભોંસલેનાં ગાયેલાં ગીતો હતાં
    • લેેખક, બીરેન કોઠારી
    • પદ, સંશોધક અને લેખક, બીબીસી ગુજરાતી માટે
  • વાંચવાનો સમય: 5 મિનિટ

હજી હમણાં જ, 12 એપ્રિલ, 2026ના રોજ 92 વર્ષની વયે જેમણે વિદાય લીધી એવાં ગાયિકા આશા ભોંસલેની કારકિર્દીનો આરંભ પ્રમાણમાં ધીમો થયો હતો. તેમણે ગાયેલું સૌપ્રથમ હિન્‍દી ગીત 'ચુનરિયા' (1948) માટે હતું, જેના શબ્દો હતા 'સાવન આયા, સાવન આયા, સાવન આયા રે'.

મુલ્કરાજ ભાખરીએ લખેલા આ ગીતને હંસરાજ બહલે સંગીતબદ્ધ કર્યું હતું, અને તેમના સહગાયિકાઓ હતાં ગીતા રૉય, જોહરાબાઈ અમ્બાલેવાલી તેમજ સાથીઓ.

આ સમયગાળો એવો હતો કે તેમનાં મોટાં બહેન લતા મંગેશકરની આગવી ઓળખ ઊભી થઈ ચૂકી હતી, છતાં હજી ભારે સ્વર ધરાવતી ગાયિકાઓ આ ક્ષેત્રે કાર્યરત્ હતી. તેમનું પહેલું હિન્‍દી એકલગીત 'રાત કી રાની'(1949)માં હંસરાજ બહલના સંગીત નિર્દેશનમાં જ હતું.

દરમિયાન સંગીતકાર અવિનાશ વ્યાસે 1943થી 'મહાસતી અનસૂયા' ફિલ્મ દ્વારા હિન્‍દી ફિલ્મોમાં સંગીત નિર્દેશનનો આરંભ કર્યો હતો અને એ પછી 'કૃષ્ણભક્ત બોડાણા' (1944) અને 'લહરી બદમાશ' (1944) ફિલ્મોમાં પણ સંગીત પીરસ્યું હતું. જોકે, તેમનો ખરો ભાગ્યોદય ગુજરાતી ફિલ્મના ક્ષેત્રે લખાયેલો હતો.

1947માં તેમણે 'દેવી હોથલ' નામની ગુજરાતી ફિલ્મમાં સૌપ્રથમ વાર સંગીત નિર્દેશન કર્યું. જોતજોતાંમાં તેમણે ત્રણ વર્ષમાં 17 ગુજરાતી ફિલ્મોમાં સંગીત નિર્દેશન કર્યું અને તેમનાં લખેલાં તેમજ સંગીતબદ્ધ કરાયેલાં ગીતો લોકપ્રિય થવા લાગ્યાં.

અવિનાશ વ્યાસની આરંભિક ગુજરાતી ફિલ્મોમાં ગીતા રૉય, અમીરબાઈ કર્ણાટકી, રાજકુમારી, જોહરાબાઈ અંબાલેવાલી જેવી ગાયિકાઓનાં ગીતો હતાં, જેનું સ્થાન ધીમે ધીમે આશા ભોંસલેએ લીધું. આશા ભોંસલે અને અવિનાશ વ્યાસનો સમન્‍વય થયો 'અખંડ સૌભાગ્ય' (1950) ફિલ્મમાં, જેનાં કુલ નવ ગીતોમાંથી આશા ભોંસલેને ફાળે ત્રણ ગીતો આવ્યાં હતાં. આ ગીતો અવિનાશ વ્યાસે જ લખેલાં હતાં, જેના શબ્દો હતા 'આજ ભાભી મોરી મોરી પાણીડે જાય', 'પેલો નટખટ નાવલિયો', અને 'સાથીઓ ગુજરાતણનું ગીત, સુણો સૌ ગુજરાતણનું ગીત.' આ યુતિ ગુજરાતી ફિલ્મો માટે ખૂબ ફળદાયી બની રહી.

અવિનાશભાઈના 1984માં થયેલા અવસાન પછી રજૂઆત પામેલી ફિલ્મ 'સગાં સહુ સ્વાર્થનાં'માં પણ આશા ભોંસલેનાં બે ગીતો હતાં. અવિનાશ વ્યાસ કાર્યરત્ હતા એ જ અરસામાં તેમના પુત્ર ગૌરાંગ વ્યાસ પણ સંગીતકાર તરીકે પ્રવેશ્યા અને આશા ભોંસલેએ તેમના સંગીત નિર્દેશનમાં પણ ગાયું.

નવાઈ લાગે એવી વાત છે કે અવિનાશભાઈએ કુલ 188 ગુજરાતી ફિલ્મોમાં સંગીત પીરસ્યું એ પૈકીની આશરે એકસો વીસ ફિલ્મોમાં આશા ભોંસલેનાં ગાયેલાં ગીતો હતાં. એ ઉપરાંત અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાંગ વ્યાસનાં તેમજ અવિનાશભાઈના સહાયક તરીકે કારકિર્દીનો આરંભ કરીને સ્વતંત્ર સંગીત નિર્દેશન કરનાર પુરુષોત્તમ ઉપાધ્યાય અને પિનાકીન શાહનાં સંગીત નિર્દેશનવાળી ફિલ્મોમાં ગાયેલાં ગીતો અલગ. અલબત્ત, આશા ભોંસલે ઉપરાંત લતા મંગેશકર અને ઉષા મંગેશકરે પણ અવિનાશ વ્યાસના સંગીત નિર્દેશનમાં ઘણાં ગુજરાતી ગીતો ગાયાં છે ખરાં.

વૈવિધ્યસભર ગાયકી

આશા ભોંસલે, ગુજરાતી ગીતો, બીબીસી ગુજરાતી, બોલીવૂડ, ગુજરાતી સંગીત, ફિલ્મ

ઇમેજ સ્રોત, Jack Vartoogian/Getty Images

ઇમેજ કૅપ્શન, આશા ભોંસલે અને અવિનાશ વ્યાસનો 'અખંડ સૌભાગ્ય' (1950) ફિલ્મમાં સમન્‍વય થયો, જેનાં કુલ નવ ગીતોમાંથી આશા ભોંસલેને ફાળે ત્રણ ગીતો આવ્યાં હતાં
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આશા ભોંસલેના સ્વરમાં વૈવિધ્ય હતું, એક પ્રકારની ચંચળતા અને અલ્લડપણું હતું, સાથોસાથ એક પ્રકારની ઠરેલતા પણ હતી, જેનો ભરપૂર ઉપયોગ અવિનાશભાઈએ કર્યો. કેટલાંક ઉદાહરણ પરથી આ બાબત વધુ સ્પષ્ટ થશે. 'પરણેતર' (1951)માં કુલ આઠ ગીતો હતાં, જે પૈકીનાં છ ગીતો આશા ભોંસલેને ફાળે હતાં. 'જય ભદ્રકાલી' (1962) ફિલ્મનાં આઠ ગીતોમાંથી પાંચ ગીતો આશાએ ગાયેલાં હતાં.

'ઘરની શોભા' (1963) નાં છમાંથી ચાર ગીતોને આશાનો સ્વર મળ્યો હતો. 'સો દા'ડા સાસુના તો એક દા'ડો વહુનો' (1980) ફિલ્મમાં પણ છમાંથી ચાર ગીતો આશાના ભાગે આવેલાં. આશા ભોંસલેના આગમન પછી પણ સુમન કલ્યાણપુર, પ્રીતિ સાગર, દિલરાજકોર, હેમલતા, અલકા યાજ્ઞિક, મીનુ પુરુષોત્તમ, કૃષ્ણા કલ્લે, વાણી જયરામ, સુષમા શ્રેષ્ઠ જેવી હિન્દી ફિલ્મો માટે ગાતી ગાયિકાઓના સ્વર ગુજરાતી ગીતોમાં સાંભળવા મળે છે, પણ આશા ભોંસલેની વાત જ અલગ છે.

ચાહે 'તારો લટકો છે લાખનો, નખરો સવા લાખનો' જેવું હળવું પ્રણયગીત હોય, 'મને કિલ્લાને દરવાજે મળ્યો કાણિયો રે લોલ' જેવું પેરડી ગીત હોય કે 'દેવના દીધેલ દીકરા મારા'(ઘરસંસાર) જેવું હાલરડું હોય, 'તમે ઘૂંઘટ ઉઠાવો ને ગગનમાં' જેવી 'ઘરની શોભા'ની કવ્વાલી હોય, 'મા પાવા તે ગઢથી ઊતર્યા મહાકાળી રે' (જય ભદ્રકાલી) જેવો ગરબો હોય, 'ધમ ધમક ધમ ધમ ધમ સાંબેલું' (નરસૈંયાની હુંડી) જેવું પારંપરિક ગીત હોય કે 'અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવું સત'(મા-બાપ) જેવું માતાની કરુણતા વર્ણવતું કવિ ઈન્‍દુલાલ ગાંધીએ લખેલું ગીત હોય- ગુજરાતી ફિલ્મોમાં આશા ભોંસલેએ તમામ શ્રેણીનાં ગીતોને એ રીતે ન્યાય આપ્યો છે જાણે કે એ તેમની માતૃભાષાનાં ગીતો ન હોય.

એકદમ સ્પષ્ટ ગુજરાતી ઉચ્ચારણો

આશા ભોંસલે, ગુજરાતી ગીતો, બીબીસી ગુજરાતી, બોલીવૂડ, ગુજરાતી સંગીત, ફિલ્મ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આશા ભોંસલેના સ્વરમાં વૈવિધ્ય હતું, એક પ્રકારની ચંચળતા અને અલ્લડપણું હતું

પરભાષી ગાયક-ગાયિકાઓને સામાન્ય રીતે ગુજરાતી અક્ષરો 'ળ', 'ણ'ના ઉચ્ચારમાં મુશ્કેલી પડે છે, એમ તેઓ 'ઋ' જોડાક્ષરવાળા શબ્દોનો ઉચ્ચાર હિન્દી શૈલીએ 'રી' જોડાક્ષરથી કરે છે. જેમ કે, 'કૃપા'ને બદલે 'ક્રિપા'. આશા ભોંસલેનાં ગુજરાતી ઉચ્ચારણો એકદમ સ્પષ્ટ છે. 'ફળિયું', 'પટોળાં' જેવા શબ્દોમાં તેમના દ્વારા કરાયેલો 'ળ'નો ઉચ્ચાર એકદમ સાફ છે.

આમ હોવામાં ઉચ્ચાર બાબતે તેમની પોતાની સજ્જતા અને સભાનતા કારણભૂત ખરાં, એમ કદાચ તેમની મરાઠી ભાષાય જવાબદાર હોઈ શકે, કેમ કે, મરાઠીમાં આ વર્ણના ઉચ્ચારો એકદમ સ્પષ્ટ રીતે કરવામાં આવે છે.

આથી જ 'માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો' જેવા સ્વ. રાવજી પટેલના ગીતને અનેક ગાયક-ગાયિકાઓએ સ્વર આપ્યો છે, અને પોતાની શ્રેષ્ઠ રીતે ગાયું છે, છતાં આશા ભોંસલેના સ્વરમાં એ ગીત સાંભળ્યા પછી અન્ય ગાયકના સ્વરમાં એ ભાગ્યે જ કાનમાં પ્રવેશી શકે એવી અદ્‍ભુત અસર એ ગીતે પેદા કરી છે. આવું જ તેમણે ગાયેલાં 'છાનું રે છપનું કંઈ થાય નહીં', 'ઊંચી તલાવડીની કોર પાણી ગ્યાં'તા', 'શેરી વળાવીને સજ કરું રે ઘરે આવો ને' સહિત બીજાં અનેક ગીતો બાબતે કહી શકાય. અન્ય ગાયક-ગાયિકાઓ પ્રત્યેના પૂરેપૂરા સન્માન સહિત!

1970ના દાયકામાં 'જેસલ તોરલ' ફિલ્મની અણધારી સફળતાને પગલે ગુજરાતી ફિલ્મઉદ્યોગમાં નવેસરથી પ્રાણ ફૂંકાયો. અન્ય પ્રાંતના નિર્માતા, દિગ્દર્શકો, કલાકારો તેમજ ગાયક, સંગીતકારોએ પણ ગુજરાતી ફિલ્મોમાં હાથ અજમાવ્યો. રવિ (ઘેર ઘેર માટીના ચૂલા/1977 અને વેરની વસૂલાત/ 1978), સલિલ ચૌધરી (ઘરસંસાર/1978), રવીન્‍દ્ર જૈન (શ્રી કૃષ્ણ શરણં મમ/1977), ઉષા ખન્ના (લેખને માથે મેખ, 1982) જેવા સંગીતકારોની ગુજરાતી ફિલ્મોમાં પહેલી પસંદ આશા ભોંસલે જ રહ્યાં.

એક જ વર્ષમાં સૌથી વધુ 53 ગુજરાતી ગીત ગાયાં

વીડિયો કૅપ્શન, આશા ભોંસલેનો ચાર દાયકા જૂનો ઇન્ટરવ્યૂ

આશા ભોંસલે દ્વારા ગુજરાતી ફિલ્મોમાં ગવાયેલાં ગીતોની ચોક્કસ સંખ્યા જાણવી મુશ્કેલ છે, પણ 1950થી શરૂ કરીને 1991 સુધીમાં તેમણે આશરે ચારસોથી વધુ ગીતો ગાયેલાં છે. આંકડાકીય રીતે જોઈએ તો કોઈ એક જ વર્ષમાં તેમણે ગાયેલાં સૌથી વધુ ગુજરાતી ગીતોની સંખ્યા 53 છે. 1976માં રજૂઆત પામેલી તેમની ગાયકી ધરાવતી કુલ એકવીસ ફિલ્મોમાં તેમણે આટલાં ગીતો ગાયેલાં.

એ વરસે કુલ 29 ગુજરાતી ફિલ્મોની રજૂઆત થઈ હતી. આનાથી ઊતરતા ક્રમે કોઈ એક વર્ષમાં તેમણે ગાયેલાં ગીતો અનુક્રમે 1977માં 35, 1978માં 45, 1979માં 32, 1980માં 34, 1981માં 32 અને 1982માં 37 છે.

ઉલ્લેખનીય છે કે 1976ના જ વર્ષે તેમણે હિન્‍દી ફિલ્મોમાં ગાયેલાં ગીતોની સંખ્યા 119 હતી. હિન્‍દી ફિલ્મોની મુખ્ય ધારામાં હોવા છતાં ગુજરાતી ફિલ્મોમાં તેમનું સ્થાન કેવું હતું એનો અંદાજ આ આંકડાથી કંઈક મેળવી શકાય છે.

અલબત્ત, ગુજરાતી ગીતોનો આ લઘુતમ આંકડો છે, કેમ કે આ જ વરસોમાં રજૂઆત પામેલી કેટલીક ફિલ્મોનાં ગીતના ગાયકોની માહિતી ઉપલબ્ધ નથી. પણ આ આંકડા એટલું અવશ્ય સૂચવે છે કે ગુજરાતી ગીતો અને સંગીતકારો સાથે આશા ભોંસલેનું લેણું કેવુંક હતું!

હવે ગૂગલ અને યૂટ્યૂબના જમાનામાં આશા ભોંસલે દ્વારા ગવાયેલાં અનેક ગુજરાતી ગીતો ઉપલબ્ધ છે, પણ એ મર્યાદિત હોવાનો અહેસાસ જેટલી વાર એ સાંભળીએ એટલી વાર થાય છે. તેમણે ગાયેલાં અનેક અનેક ગુજરાતી ફિલ્મનાં ગીતો હજી યોગ્ય રીતે શોધાયાં નથી અને તેથી મુકાયાં નથી.

આશા ભોંસલે જેવાં ગાયિકા નથી આંકડાના મોહતાજ હોતાં કે નથી વિક્રમોના. તેમના સ્વરને સાંભળતાં આપણા હૃદયમાં ઊઠતા ભાવો પ્રતિબિંબિત થતા લાગે છે એ જ એમની સિદ્ધિ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન