મધ્ય પ્રદેશ: ઘરમાં એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળ્યા, બે બાળકો પણ સામેલ - ન્યૂઝ અપડેટ

મૃતકોમાં 50 વર્ષીય એક મહિલા, તેમનાં પુત્રવધૂ અને બે બાળકો સામેલ છે. બાળકોની ઉંમર 10 વર્ષ અને 6 વર્ષ હતી.
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

બીબીસી સંવાદદાતા વિષ્ણુકાંત તિવારીએ આપેલી માહિતી અનુસાર, મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના માલીખેડી વિસ્તારમાં સોમવારે એક જ પરિવારના ચાર સભ્યોની હત્યાનો મામલો સામે આવ્યો છે.

મૃતકોમાં 50 વર્ષીય એક મહિલા, તેમનાં પુત્રવધૂ અને બે બાળકો સામેલ છે. બાળકોની ઉંમર 10 વર્ષ અને 6 વર્ષ હતી.

જ્યારે પુત્ર નરેન્દ્રનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળ્યો છે. પોલીસને આશંકા છે કે નરેન્દ્રે પહેલાં પરિવારના ચારેય સભ્યોની હત્યા કરી અને ત્યાર બાદ ટ્રેન આગળ આવીને આત્મહત્યા કરી લીધી.

નોંધ : આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઇન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.

ભોપાલના ઝોન-4ના ડીસીપી આદર્શકાંત શુક્લે સમાચાર એજન્સી પીટીઆઇને જણાવ્યું, "સોમવાર સવારે અમને રેલવે ટ્રેક પાસે એક ઘટનાની જાણ થઈ હતી. આ માહિતીના આધારે પોલીસ સ્થળ પર પહોંચી હતી. ત્યાં એક જ ઘરના ચાર સભ્યો અને અન્ય એક વ્યક્તિનાં મોતની જાણ થઈ. તે વ્યક્તિનું મોત ટ્રેન હેઠળ આવી જવાથી થયું હતું. પરિવારના ચાર સભ્યોના મૃતદેહોની પ્રાથમિક તપાસ કરતા ગળું કાપવામાં આવ્યું હોવાનું જણાઈ રહ્યું છે."

મૃતકોની ઓળખ નરેન્દ્રનાં માતા સરસ્વતી સાહુ, પત્ની સોમલતા સાહુ, પુત્રી કૃતિ સાહુ અને પુત્ર ખુશ સાહુ તરીકે થઈ છે. ચારેયના મૃતદેહ ઘરમાં એક જ પથારી પર મળી આવ્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ, તમામના ગળા પર ધારદાર હથિયારથી કાપ માર્યાનાં નિશાન હતાં. મૃતદેહોના માથા અને ગળા પર ઈજાનાં નિશાન પણ મળ્યાં છે.

ભોપાલ પોલીસની પ્રાથમિક તપાસમાં પરિવારના એકમાત્ર કમાઉ સભ્ય નરેન્દ્ર પર દેવાનો બોજ અને માનસિક તણાવ હોવાની વાત સામે આવી છે.

પરિવાર એક નાનું રેસ્ટોરાં ચલાવતા હતા, જે થોડા સમય પહેલાં બંધ થઈ ગયું હતું. જણાવવામાં આવ્યું છે કે નરેન્દ્ર છેલ્લા 15થી 20 દિવસથી કોઈ કામ કરતા નહોતા.

ડીસીપી આદર્શકાંત શુક્લના જણાવ્યા મુજબ, પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે પરિવારની આર્થિક મુશ્કેલીઓનો આ ઘટના સાથે કોઈ સંબંધ હતો કે નહીં.

અમેરિકામાં રહેણાક વિસ્તારમાં 'મિસાઇલની જેમ' વિમાન જમીન પર પટકાયું, નવ લોકોનાં મોત

અમેરિકામાં મિસાઇલની જેમ વિમાન જમીન પર પટકાયું, નવ લોકોનાં મોત ફ્લોરિડા
ઇમેજ કૅપ્શન, ફ્લોરિડાથી બહામાસ જતા વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમેરિકાના ફ્લોરિડામાં રવિવારે એક બિઝનેસ જેટ રહેણાક વિસ્તારમાં તૂટી પડ્યું હતું. અમેરિકાના પરિવહનમંત્રીએ જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ નવ લોકોનાં મોત થઈ ગયાં હતાં.

આ દુર્ઘટના પામ બીચ કાઉન્ટીના ધનાઢ્ય વિસ્તારમાં આવેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રિસૉર્ટ માર-એ-લાઓથી લગભગ 14 કિલોમીટરના અંતરે ક્રેસ્ટેહેવન વિસ્તારમાં ઘટી છે.

દુર્ઘટનાની તસવીરોમાં રહેણાક વિસ્તારના રસ્તા પર એક મોટો ખાડો જોવા મળે છે. દુર્ઘટનાસ્થળે આગના નિશાન છે જ્યાં લિયરજેટ 60 વિમાનના કાટમાળાના ટુકડા જોવા મળે છે.

ફેડરલ એવિયેશન ઍડમિનિસ્ટ્રેશન (એફએએ)એ એક નિવેદનમાં જણાવ્યું કે "વિમાને ટેક્સાસના ઑસ્ટિનથી ઉડાન ભરી હતી અને બહામાસ જઈ રહ્યું હતું."

અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અને ઉડ્ડયન નિષ્ણાતો મુજબ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું તે અગાઉ દર સેકન્ડે સેંકડો ફૂટની ઝડપથી નીચે પડવા લાગ્યું હતું.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં દુર્ઘટના સમયના ડૅશકેમ ફૂટેજ જોવા મળે છે. આ વીડિયોની પુષ્ટિ થઈ શકી નથી. આ વીડિયોમાં રસ્તા પર વાહનો દોડતા જોવા મળે છે. અચાનક એક વિમાન સીધું જમીન પર પડે છે, પ્રચંડ વિસ્ફોટ થાય છે અને આગનો ગોળો જોવા મળે છે.

અમેરિકામાં મિસાઇલની જેમ વિમાન જમીન પર પટકાયું, નવ લોકોનાં મોત ફ્લોરિડા
ઇમેજ કૅપ્શન, વિમાન પટકાયું તે જગ્યાએ મોટો ખાડો પડી ગયો હતો.

ફ્લોરિડાના ગવર્નર રૉન ડેસેન્ટિસે આ દુર્ઘટના પછી પત્રકારોને જણાવ્યું કે "તમે આ વીડિયો જુઓ છો, ત્યારે તે હચમચાવી નાખે છે. એવું લાગે છે જાણે કોઈ મિસાઇલ નીચે આવી રહી હોય અને મોટો વિસ્ફોટ થતો હોય, જેનાથી દરેક જગ્યાએ કાટમાળ વિખેરાઈ જાય છે."

દુર્ઘટના સમયે વિમાનમાં કોણ સવાર હતું તે હજુ સ્પષ્ટ નથી. ડેસેન્ટિસે કહ્યું કે "હજુ સુધી અમને એવા કોઈ અહેવાલ નથી મળ્યા કે જમીન પર હાજર કોઈ વ્યક્તિનું મોત થયું હોય અથવા ઈજા થઈ હોય."

પરિવહન મંત્રી સીન ડફીએ આ દુર્ઘટના વિશે કહ્યું કે "ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેશન ઘટનાસ્થળે એક ટીમ મોકલી રહ્યું છે, જે નૅશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડની તપાસમાં મદદ કરશે."

અમેરિકામાં મિસાઇલની જેમ વિમાન જમીન પર પટકાયું, નવ લોકોનાં મોત ફ્લોરિડા
ઇમેજ કૅપ્શન, સરકારી અધિકારીઓ મુજબ આ રોડ ફરીથી શરૂ થવામાં ઓછામાં ઓછા 30 દિવસ લાગશે.

પામ બીચ કાઉન્ટીના શેરિફ કાર્યાલયે જણાવ્યું કે મિલિટરી ટ્રેલ પર દુર્ઘટના થઈ છે. આ છ લેન સાથેનો રોડ છે જ્યાં કિનારા પર ઘણી દુકાનો છે.

ડેસેન્ટિસ અને સ્થાનિક અધિકારીઓએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે નજીકના એક ટ્રેલર પાર્કમાંથી 600 લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવી રહ્યા છે.

જર્મનીમાં મોંઘવારી અને સરકારી ખર્ચમાં કાપના વિરોધમાં લોકો રસ્તા પર ઊતર્યા, દુકાનો લૂંટી

જર્મનીમાં મોંઘવારી અને સરકારી ખર્ચમાં કાપના વિરોધમાં લોકો રસ્તા પર ઊતર્યા, દુકાનો લૂંટી
ઇમેજ કૅપ્શન, યુરોપમાં ફ્રાન્સની સાથે સાથે જર્મનીમાં પણ મોંઘવારી વિરોધી દેખાવો શરૂ થયા છે. (પ્રતીકાત્મક તસવીર)

જર્મનીના શહેરોમાં વધતી મોંઘવારી અને જીવનનિર્વાહમાં પડતી મુશ્કેલીઓ સામે પ્રદર્શન થયા પછી શનિવારે મધ્ય ફ્રેન્કફર્ટમાં તોફાની ટોળાએ દુકાનોમાં લૂંટફાટ કરી હતી.

જર્મનીની આર્થિક રાજધાની ટેરની સાથે જ બર્લિન, કોલોન અને હેમ્બર્ગમાં પણ હિંસાની ઘટનાઓ બની છે. પોલીસનું કહેવું છે કે પ્રદર્શનકારીઓએ ઇમરજન્સી સર્વિસના કર્મચારીઓને નિશાન બનાવીને આતશબાજી કરી હતી, પથ્થરો અને બોટલો ફેંકી હતી. ત્યાર પછી લોકોને વિખેરવા માટે વૉટર ગનનો ઉપયોગ કરાયો હતો.

પહેલા દિવસે થયેલાં શાંતિપૂર્ણ પ્રદર્શનોમાં હજારો લોકો સામેલ થયા હતા. આ પ્રદર્શનોનું આયોજન 'જેન જી રેગેલ્ટ' નામના જૂથે કર્યું હતું, જેનો અર્થ થાય છે 'જેન જીએ કમાન સંભાળી.'

પ્રદર્શનકારીઓએ શાળાઓમાં ફંડિગ ન હોવું, જીવન જરૂરિયાતની ચીજોના ભાવ વધવા, સરકારી ખર્ચમાં કપાત અને સૈન્ય સેવાના વિરોધમાં દેખાવો કર્યા હતા.

કિમી એન્ટોનેલી બન્યા એફ-1ના સૌથી યુવા ચૅમ્પિયન, સેબેસ્ટિયન વેટેલનો રેકૉર્ડ તોડ્યો

કિમી એન્ટોનેલી બન્યા એફવનના સૌથી યુવા ચેમ્પિયન, સેબેસ્ટિયન વેટેલનો રેકૉર્ડ તોડ્યો
ઇમેજ કૅપ્શન, 20 વર્ષીય કિમી એન્ટોનેલીએ ઇતિહાસ સર્જ્યો છે.

ઇટાલીના કિમી એન્ટોનેલીએ મેક્સિકો સિટી ગ્રાં પ્રિક્સમાં ત્રીજું સ્થાન મેળવીને 2026 ફૉર્મ્યુલા વન વર્લ્ડ ચૅમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો છે.

મેક્સિકો સિટી ગ્રાં પ્રિક્સમાં મેક્સ વર્સ્ટાપેન પહેલા ક્રમે અને લુઇસ હેમિલ્ટન બીજા સ્થાને હતા, જ્યારે કિમી એન્ટોનેલી ત્રીજા ક્રમે રહ્યા હતા.

ત્રીજું સ્થાન મળવા સાથે 20 વર્ષીય કિમી એન્ટોનેલી ફૉર્મ્યુલા વનના ઇતિહાસમાં સૌથી યુવા વર્લ્ડ ચૅમ્પિયન બની ગયા છે. તેમણે સેબેસ્ટિન વેટેલનો રેકૉર્ડ તોડ્યો છે જેમણે 2010માં માત્ર 23 વર્ષની ઉંમરે આ ખિતાબ જીત્યો હતો.

તેઓ 1953 પછી ફૉર્મ્યુલા વન વર્લ્ડ ચૅમ્પિયનશિપ જીતનારા પ્રથમ ઇટાલિયન ડ્રાઇવર પણ બન્યા છે.

ખિતાબ જીત્યા પછી એન્ટોનેલી ભાવુક થઈ ગયા હતા. રેસ પૂરી થયા પછી સ્લોડાઉન લેપ દરમિયાન ટીમે તેમને વર્લ્ડ ચૅમ્પિયનશિપ જીત્યાની માહિતી આપી, ત્યારે તેઓ થોડો સમય સુધી રેડિયો પર કંઈ બોલી શક્યા ન હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન