You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટ્રમ્પની ઉપસ્થિતિમાં ડિનરમાં ગોળીબાર, તાત્કાલિક રાષ્ટ્રપતિને બહાર કાઢ્યા, જાણો શું થયું હતું? ઘટના બાદ ટ્રમ્પે શું કહ્યું?
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક હોટલમાં વ્હાઇટ હાઉસના પત્રકારો સાથે ડિનર કરી રહ્યા હતા, ત્યારે જ ફાયરિંગના અવાજો સંભળાયા. એ બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા.
ત્યાં હાજર સુરક્ષા અધિકારીઓ પ્રમાણે કાર્યક્રમમાં સાતથી આઠ ગોળીઓ ચાલી.
થોડી વાર બાદ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું, "શૂટર પકડાઈ ગયો છે, પરંતુ શો ચાલુ રહેવો જોઈએ."
આ ઘટના બાદ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે જાણકારી શૅર કરી, તેમણે હુમલાખોરને 'બીમાર' ગણાવ્યો.
ટ્રમ્પે કહ્યું કે આ સાંજ હવે પહેલાં જેવી નથી રહી, આ ડિનર ફરીથી આયોજિત કરવું પડશે.
ટ્રમ્પે કહ્યું - શૂટરને પકડી લેવાયો
આ ઘટના બાદ થોડી વારમાં ડોનાલ્ડ ટ્રમ્પે જાતે એ અંગે જાણકારી આપી. તેમણે ટ્રુથ સોશિયલ પર લખ્યું, "વૉશિંગ્ટન ડીસીમાં સાંજ ઘણી ઘટનાપૂર્ણ રહી. સિક્રેટ સર્વિસ અને લૉ એનફોર્સમેન્ટ એજન્સીઓએ શાનદાર કામ કર્યું. તેમણે ઝડપી અને બહાદુરીપૂર્વક કાર્યવાહી કરી."
તેમણે લખ્યું, "હુમલાખોરને પકડી લેવાયો છે, મેં ભલામણ કરી છે કે કાર્યક્રમ ચાલુ રાખવામાં આવે, પરંતુ બધો નિર્ણય કાયદા-વ્યવસ્થાની ટીમ કરશે. તેઓ ટૂંક સમયમાં જ નિર્ણય લેશે. ભલે નિર્ણય ગમે એ હોય, સાંજ હવે પહેલાં જેવી નહીં રહે."
ડોનાલ્ડ ટ્રમ્પની ડિનર પાર્ટીમાં અફરાતફરીનો માહોલ, જુઓ તસવીરો
ટ્રમ્પે હુમલાખોર વિશે શું જણાવ્યું?
આ ઘટના બાદ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે માહિતી શૅર કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "આ કાર્યક્રમ અભિવ્યકિતના સ્વાતંત્ર્યને સમર્પિત હતો અને તેનો હેતુ બધાને જોડવાનો હતો. પરંતુ એક વ્યક્તિ ઘણાં હથિયાર સાથે સિક્યૉરિટી ચેકપૉઇન્ટ પર હુમલો કરવા આવી. તેને સિક્રેટ સર્વિસના બહાદુર સભ્યોએ રોકી લીધો."
"હાલ સોશિયલ મીડિયા પર એ વ્યક્તિની ધરપકડ દરમિયાનની તસવીર અને સુરક્ષા કૅમેરાનાં ફૂટેજ શૅર કર્યાં છે, જેમાં ગોળીબારીની શરૂઆત દેખાય છે. શંકાસ્પદ વ્યક્તિ ખૂબ બીમાર છે."
ટ્રમ્પે એવું જણાવ્યું કે આ ઘટનામાં સિક્રેટ સર્વિસ અધિકારીને ખૂબ નિકટથી ગોળી વાગી, પરંતુ તેમના બુલેટ-પ્રૂફ જાકિટે તેમને બચાવી લીધા.
તેમણે કહ્યું, "મેં હાલ જ એ અધિકારી સાથે વાત કરી છે અને તેઓ બિલકુલ ઠીક છે. તેમનું મનોબળ ઊંચું છે. અમે તેમને કહ્યું કે અમે તેમને પ્રેમ કરીએ છીએ અને તેમનું સન્માન કરીએ છીએ."
ટ્રમ્પે 'જીવલેણ હુમલાની કોશિશ' અંગેના સવાલ પર આપ્યો આ જવાબ
વ્હાઇટ હાઉસના પત્રકારો સાથે યોજાયેલા ડિનર કાર્યક્રમ દરમિયાન થયેલા ફાયરિંગ પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સુરક્ષા વ્યવસ્થા અંગે નિવેદન આપ્યું છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે ડિનર કાર્યક્રમ પહેલાં તેમની ટીમને કોઈપણ પ્રકારનાં સુરક્ષા જોખમોની જાણકારી નહોતી.
પત્રકારો સાથે વાતચીત દરમિયાન જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું પહેલેથી કોઈ સંકેત મળ્યા હતા, ત્યારે તેમણે કહ્યું, "કોઈ માહિતી નહોતી."
તેમણે કહ્યું કે તેમને હુમલા પાછળના હેતુ વિશે જાણકારી નથી, પરંતુ સંદિગ્ધ વિશે તેમણે જણાવ્યું કે તે "ખૂબ જ ખતરનાક દેખાતો હતો."
રાષ્ટ્રપતિએ કહ્યું કે સંદિગ્ધ "આશરે 50 ગજ દૂરથી દોડતો આવ્યો" હતો, જેના પછી સુરક્ષા એજન્સીઓએ પોતાનાં હથિયારો બહાર કાઢ્યાં.
અધિકારીઓએ કૅલિફોર્નિયામાં સંદિગ્ધના ઍપાર્ટમેન્ટ પર પહોંચી કાર્યવાહી શરૂ કરી દીધી છે.
જ્યારે એક પત્રકારે ટ્રમ્પને પૂછ્યું કે 'તેમની હત્યાની કોશિશો' પાછળનું કારણ શું હોઈ શકે, ત્યારે ટ્રમ્પે કહ્યું કે તેમણે રાજકીય હત્યાઓ વિશે વાંચ્યું છે અને તેમનું માનવું છે કે લોકો એવી વ્યક્તિઓને નિશાન બનાવે છે જેમણે "સૌથી મોટો પ્રભાવ" પાડ્યો હોય.
તેમણે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનનો ઉલ્લેખ કર્યો, જેમની હત્યા કરવામાં આવી હતી.
છેલ્લાં વર્ષોમાં ટ્રમ્પ પર બે વખત જીવલેણ હુમલાની કોશિશ થઈ ચૂકી છે. પોલીસે હજુ સુધી હુમલાખોરના હેતુ અંગે કોઈ માહિતી આપી નથી.
જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે આજની ઘટના જુલાઈ 2024માં પેન્સિલવેનિયામાં યોજાયેલી રેલીથી કેવી રીતે અલગ હતી, જ્યાં એક વ્યક્તિએ તેમના પર ગોળી ચલાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે ટ્રમ્પે કહ્યું કે તેઓ આવી ઘટનાઓને લઈને સતત ચિંતિત રહી શકતા નથી, પરંતુ અગાઉની તુલનામાં આજ રાત્રે સુરક્ષા વ્યવસ્થા ઘણી વધુ સારી હતી.
તેમણે કહ્યું કે અગાઉના હુમલા વખતે પણ તેમની ટીમ પાસે એક સ્નાઇપર હતો, જેણે હુમલાખોરને તરત જ ઠાર માર્યો હતો.
ટ્રમ્પે કહ્યું કે આજ રાત્રે હુમલાખોર બૉલરૂમની નજીક પહોંચી શક્યો નહોતો, કારણ કે તે વિસ્તાર સંપૂર્ણ રીતે સીલ કરવામાં આવ્યો હતો.
ત્યાં હાજર પત્રકારોએ શું જણાવ્યું?
હકીકતમાં, ડોનાલ્ડ ટ્રમ્પ વૉશિંગ્ટન હિલ્ટનમાં વાતચીત કરતા નજરે પડતા હતા, ત્યારે અચાનક મેજ તરફ કોઈ હલચલ થતાં તેમની વાતચીત અટકી ગઈ.
જોરદાર ધડાકાઓ થયાનો અવાજ સંભળાયો. આ પછી સિક્રેટ સર્વિસના અનેક સભ્યોએ તેમને 'નીચે જ રહેવા'ની સૂચના આપી.
ડિનરમાં હાજર પત્રકાર ડૅનિયલ બુશે જણાવ્યું હતું કે ગોળીબારના અવાજો આવ્યા પછી લોકો ટેબલોની નીચે છુપાઈ ગયા. પહેલાં ટ્રમ્પને બહાર લઈ જવામાં આવ્યા અને થોડી જ વારમાં સંરક્ષણ મંત્રી પીટ હૅગ્સેથ સહિત વરિષ્ઠ પ્રશાસનિક અધિકારીઓને પણ તેમની સુરક્ષા ટીમ દ્વારા બહાર લઈ જવાયા.
થોડી અફરાતફરી ભરેલી ક્ષણો પછી મહેમાનો ટેબલોની નીચેથી બહાર નીકળ્યા અને પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કરવા લાગ્યા.
ડૅનિયલ કહે છે, "આ ડિનરમાં તાજેતરના સમયમાં થયેલી પહેલી સુરક્ષા ચૂક છે, કદાચ અત્યાર સુધીમાં પહેલી વખત. આ પણ પહેલી વખત હતું કે ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે આ કાર્યક્રમમાં ભાગ લીધો."
બીબીસી ના વ્હાઇટ હાઉસ સંવાદદાતા બર્ન્ડ ડિબશમૅન જુનિયરે જણાવ્યું કે એફબીઆઇ ડાયરેક્ટર કાશ પટેલ મારી બાજુમાં જ બેઠા હતા. એક એજન્ટ અનેક ટેબલ ઉપરથી પસાર થઈને તેમના સુધી પહોંચ્યો અને પછી તેમને ઝડપથી બહાર લઈ ગયો.
'દર વર્ષે ડિનર થાય છે, પરંતુ આવું પહેલી વાર બન્યું'
પત્રકાર ડૅનિયલ બુશ કહે છે કે આ ગોળીબારની ઘટનાને લઈને હજુ પણ મોટા સવાલો ઊભા છે.
વૉશિંગ્ટન હિલ્ટનમાં યોજાતા આ કાર્યક્રમમાં દર વર્ષે રાષ્ટ્રપતિ, અનેક કૅબિનેટ મંત્રીઓ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ હાજર રહે છે. આ ઉપરાંત સેંકડો પત્રકારો પણ ત્યાં હાજરી આપે છે.
મુખ્ય હૉલમાં પ્રવેશ મેળવવા માટે મહેમાનોને ઍરપૉર્ટ જેવી જ સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડે છે. હોટલની બહાર પણ કડક સુરક્ષા વ્યવસ્થા રહે છે.
આ કાર્યક્રમને વૉશિંગ્ટનના સૌથી સુરક્ષિત કાર્યક્રમોમાંનો એક માનવામાં આવે છે. અગાઉ ક્યારેય વ્હાઇટ હાઉસ પત્રકારોના ડિનરમાં આવી ઘટના બની નથી. પરંતુ આજે રાત્રે જે બન્યું, તે પછી આ કાર્યક્રમની સુરક્ષા પર વધુ કડક ધ્યાન આપવું પડશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન