You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરતમાં આમ આદમી પાર્ટીની બાજી કેમ બગડી, 27 બેઠકોમાંથી ચાર પર કેવી રીતે આવી ગઈ?
- લેેખક, અપૂર્વ અમીન
- પદ, બીબીસી ગુજરાતી માટે
- વાંચવાનો સમય: 6 મિનિટ
સુરતમાં આમ આદમી પાર્ટીએ 2021ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સારું પ્રદર્શન કર્યું હતું, ત્યારે ભાજપે બાજી મારી હતી પરંતુ સુરતમાં 'આમ આદમી પાર્ટી'એ પ્રભાવી પર્ફૉર્મન્સ કરીને 27 બેઠકો મેળવી લીધી હતી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2021 બાદ સુરતમાં આપને મુખ્ય વિપક્ષ તરીકેની ભૂમિકા મળી હતી.
ત્યારે આ વખતની 2026ની ચૂંટણીમાં 120 કુલ બેઠકોમાંથી 115 ભાજપ અને 4 બેઠકો આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસને એક બેઠક મળી છે.
તેથી આ વખતે આમ આદમી પાર્ટીએ ગઈ વખત કરતાં 23 બેઠકો ગુમાવી છે અને કૉંગ્રેસે 2021માં એક પણ સીટ જીતી શક્યું ન હતું તે આ વખતે એક સીટ જીતી ગયો છે.
સુરતમાં ભાજપનું અસરકારક પ્રદર્શન યથાવત રહ્યું છે, પણ આપની દશા બગડી હોય તેવું દેખાઈ રહ્યું છે.
ત્યારે આવું કેમ થયું તેને લઈને બીબીસી ગુજરાતીએ રાજકીય વિશ્લેષકો અને રાજકીય પક્ષો સાથે વાત કરી હતી.
2021માં આમ આદમી પાર્ટી કેવી રીતે જીતી હતી
ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ કોઈ પણ ચૂંટણીમાં સૌ પ્રથમ પોતાનું ખાતું સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં 27 બેઠકો જીતીને ખોલાવ્યું હતું. પછી 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા હતા. ત્યાર બાદ પેટાચૂંટણીમાં વીસાવદરથી ગોપાલ ઇટાલિયા ચૂંટાઈ આવ્યા હતા.
પરંતુ આગામી ગુજરાતી વિધાનસભા ચૂંટણીની સેમિફાઇનલ સમાન મનાતી 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરતમાં આમ આદમી પાર્ટીને ફટકો પડ્યો છે અને 27માંથી ચાર બેઠકો પર પાર્ટી સમેટાઈ ગઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુરતમાં આમ આદમી પાર્ટીના જંજાવતી પ્રચાર છતાં હારનો સામનો કરવો પડ્યો હતો.
રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય બીબીસી ગુજરાતીને જણાવે છે, "એક સમયે આમ આદમી પાર્ટીનું મુખ્ય કેન્દ્ર મથક સુરત હતું. તેનું કારણ હતું કે ત્યાં સૌરાષ્ટ્રના પાટીદાર લોકો વસતા હતા."
"હાર્દિકના આંદોલન સમયેથી સૌરાષ્ટ્રના પાટીદારોની ભાજપ વિરોધી લાગણી મહત્તમ સુરતમાં હતી."
"તેથી આમ આદમી પાર્ટીની સ્ટ્રેન્થ સુરત રહ્યું હતું, તેનું કારણ સૌરાષ્ટ્રના પાટીદાર હતા."
ત્યારે રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવીએ બીબીસીને જણાવે છે, "2021માં જ્યારે આમ આદમી પાર્ટી લડી ત્યારે સુરતમાં પાટીદાર સમાજનો જુવાળ હતો."
પ્રશાંત ગઢવી જણાવે છે, "ત્યારે અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયાની કૉંગ્રેસ સાથે વાટાઘાટો નિષ્ફળ ગઈ તેથી પાટીદાર સમાજે આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું હતું અને પરિણામે 27 જેટલી સીટ જીતી હતી."
રાજકીય વિશ્લેષક નરેશ વરિયા માને છે કે 2021ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપ જીતી તેની પાછળ ઘણા સંજોગો જવાબદાર હતા.
નરેશ વારિયા કહે છે કે, "એક તો કોરોનાકાળ હતો, તેથી લોકોમાં અસંતોષ હતો. બીજું, તક્ષશિલા અગ્નિ કાંડ જેવી બાબતોની અસર હતી."
આપની ઓળખ ભાજપના પર્યાય તરીકે ઊભી કરવાની કોશિશ હતી.
નરેશ વારિયા માને છે કે બીજું કારણ હતું કે, 2015માં પાટીદાર અનામત આંદોલન થયું, 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદારો કૉંગ્રેસ સાથે હતા, તેથી કૉંગ્રેસનું પ્રદર્શન સારું રહ્યું હતું.
પરંતુ 2021માં પાટીદારો સુરતમાં આમ આદમી પાર્ટીના સમર્થનમાં જોવા મળ્યા. જેનું પરિણામ સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળ્યું.
2021 પછી આમ આદમી પાર્ટીમાં શું થયું?
રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય કહે છે, પાર્ટીની આંતરિક ખેંચતાણ જેવાં પરિબળોને કારણે એક પછી એક ઘણા આપના નેતાઓએ આમ આદમી પાર્ટી છોડી હતી.
"આમ ઘણા આમ આદમી પાર્ટીના આક્રમક યુવાન નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા. એકંદરે આપની સંગઠન શક્તિ ઘટતી ગઈ."
જગદીશ આચાર્ય કહે છે, "છેલ્લે વીસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યા ત્યારે એવું લાગ્યું કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ફરી જીવંત થઈ ગઈ, પણ મારું માનવું છે કે, ગોપાલ ઇટાલિયા તેમની વ્યક્તિગત તાકાત પર વિજય પામ્યા હતા, ના કે, તેમની પાર્ટીના દમ પર."
"હવે આમ સમયાંતરે આમ આદમી પાર્ટીનું સંગઠન નબળું પડી ગયું છે, ગુજરાતને અપીલ કરી શકે તેવો એક પણ ચેહરો આપ પાસે નથી."
જોકે નરેશ વરિયા જણાવે છે, "પછી 2021માં જ્યારે ધાર્મિક માલવિયાની સાથે રહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના એક યુવા નેતાનાં પત્નીને ટિકિટ આપવાને લઈને કૉંગ્રેસમાં ખટરાગ થયો હતો."
"તેથી ધાર્મિક માલવિયા આપમાં ગયા તેથી પણ આમ આદમી પાર્ટીને ફાયદો થયો હતો."
જોકે 2022માં ગોપાલ ઇટાલિયા કતારગામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા. જેનાથી સુરતમાં 2021માં મળેલી સફળતાની પરિસ્થિતિ સ્પષ્ટ થઈ હતી.
આમ આદમી પાર્ટીનું પ્રદર્શન નબળું થવાનાં કારણો
જગદીશ આચાર્ય કહે છે, "આમ આદમી પાર્ટીના ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા છેલ્લા કેટલાય સમયથી નિવેદનો આપી રહ્યા છે."
તેઓ કહે છે કે દિલ્હીમાં આપની સરકાર ગઈ ત્યાર બાદ આપ એકંદરે કાગળનો વાઘ સાબિત થઈ છે. આમ આદમી પાર્ટીનું પર્ફોર્મન્સ દિવસેને દિવસે હજુ નબળું થવાનું છે.
જગદીશ આચાર્ય કહે છે, "ત્યારે કેન્દ્ર સ્તરે આમ આદમી પાર્ટીમાં થયેલી ઘટનાઓએ પણ લોકો પર અસર કરી છે."
તેમનું કહેવું છે, "આમ આદમી પાર્ટી પાસે ચોક્કસ વિસ્તારોને બાદ કરતાં સક્રિય કાર્યકરોનો અભાવ છે."
જગદીશ આચાર્ય કહે છે, "આમ આદમી પાર્ટીના મેયર પદના ઉમેદવાર તરીકે જેને જાહેર કર્યા તે મનોજ સોરઠિયાએ પણ હારનો સામનો કરવો પડ્યો."
"તે દર્શાવે છે, એકંદરે પાર્ટીની લોકોમાં જે છાપ છે તે ભુસાય છે. ગુજરાતને પ્રભાવિત કરે તેવી નેતાગીરીનો અભાવ છે."
2021માં સુરતમાં ચૂંટણીમાં ખાતું ખોલાવ્યા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાનો સિલસિલો શરૂ થયો હતો.
પ્રશાંત ગઢવી જણાવે છે, "સમયાંતરે આપના 15 જેટલા કૉર્પોરેટર ભાજપમાં ભળી ગયા હતા."
"આ વખતે વંટોળ બદલાયો કેમ કે, અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાયા અને તેમનાં પત્નીને વૉર્ડ નં.3 માંથી ટિકિટ મળી હતી."
"આ વખતે સુરતમાં તમામ પાટીદાર સમાજ આ વખતે ભાજપના સમર્થનમાં હતો. "
"એટલે આમ આદમી પાર્ટીને સફળતા નથી મળી, મનોજ સોરઠિયા પ્રદેશનો ચેહરો હતા તેમણે પ્રયત્ન કર્યો પણ તેઓ હારી ગયા હતા."
નરેશ વરિયા જણાવે છે, "આ વખતે ઉમેદવારોની પસંદગી અને ભાજપનું નેટવર્ક અને ભાજપની વ્યૂહરચના આપને નડી છે."
તેઓ કહે છે, "આમ આદમી પાર્ટીના લોકો પર એવી છાપ લાગી છે કે, તેમને ચૂંટી લાવીશું તો એ પાર્ટી બદલીને ચાલ્યા જાય છે."
"જે આપ ભ્રષ્ટાચારની વાત કરતી હતી તેમાં કેજરીવાલને જેલમાં ગયા પછી લોકોમાં છાપ બગડી હતી."
"આપમાં જાતીય સમીકરણની અસર દેખાય છે પણ પરિણામ પલટી નથી શકયું."
રાજકીય પક્ષોનું શું કહેવું છે?
આમ આદમી પાર્ટીના પ્રવક્તા કરણ બારોટ બીબીસી ગુજરાતીને જણાવે છે, આમ આદમી પાર્ટીએ 5240 જેટલા ઉમેદવારો ઉતાર્યા હતા.
"આમ આદમી પાર્ટીએ જે ઉમેદવારો ઉતાર્યા તે ઉમેદવારો ફૉર્મ જ ન ભરે અને ફૉર્મ ભરીને મેદાનમાં જ ના ઊતરી શકે, તેના ભરપૂર પ્રયાસ ભાજપ દ્વારા થયા હતા. ઉમેદવારોને ડરાવ્યા હતા."
"સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડી છે. અમુક જગ્યાએ વિચારેલું તે રીતનું પરિણામ નથી મળ્યું."
"ગુજરાતની જનતાને એવું લાગતું હતું કે, સુરતમાં આમ આદમી પાર્ટીનો જે માહોલ છે તે પ્રમાણે તે ત્યાં મેયર બનાવી શકે, પરંતુ પરિણામ વિપરીત આવ્યું છે."
કરણ બારોટ જણાવે છે, "અમે સમીક્ષા કરીશું કે, ક્યાં ઊણપ રહી ગઈ છે, તેણે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પૂરી કરવાનો પ્રયત્ન કરીશું."
"જે જગ્યા એ જીત્યા અને જનતાએ મોકો આપ્યો છે. તેમાં લોકોનાં કામ કરીને પાર્ટીને વધુ મજબૂત કરીશું"
ત્યારે સુરતમાં એક જ બેઠક મેળવનાર કૉંગ્રેસનો આરોપ છે કે આપ ભાજપની બી ટીમ છે અને પાર્ટીએ ભાજપ સામે જ નહીં સરકારી મશીનરી સામે પણ ચૂંટણી લડવી પડી છે.
સુરત કૉંગ્રેસના પ્રમુખ વિપુલ ઉધનાવાળાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "અમે ખૂબ તાકાતથી ચૂંટણી લડ્યા હતા, અમે બધી સીટ પર ચૂંટણી લડ્યા છીએ."
તેઓ કહે છે, "અમારી લડાઈ ભાજપ સાથે સાથે સરકારી મશીનરી સામે પણ હતી."
"ભાજપે ફૉર્મ ભરવાથી લઈને દરેક પ્રકારે સરકારી મશીનરી ખૂબ ઉપયોગ કરીને જીતવાનો પ્રયાસ કર્યો છે."
"સુરતમાં ઘણી સોસાયટીઓમાં ભાજપનો વિરોધ હતો. અને ખૂબ વિરોધ પછી પણ તેમને ખૂબ મત મળ્યા છે."
"અમારી ધારણા હતી, 40થી 45 સીટો જીતીશું, પણ અમે જે વિસ્તારમાં કામ કર્યું ત્યાં પણ અમને મત નથી મળ્યા."
વિપુલે આપ પર આરોપ લગાડતા કહ્યું, "આપ એ ભાજપની બી ટીમ હતી, જરૂર પ્રમાણે ભાજપે તેનો ઉપયોગ કર્યો છે, ભાજપ કૉંગ્રેસને હરાવવા અને કૉંગ્રેસના મત કાપવા માટે આપને ઊભી રાખે છે. "
સુરતના છેલ્લી ટર્મમાં મેયર રહેલા ભાજપના દક્ષેશ માવાણીએ બીબીસી સાથે વાત કરતા કહ્યું કે છેલ્લાં પાંચ વર્ષમાં અમે (ભાજપે) જે કામ કર્યું છે, તેથી આ રિઝલ્ટ મળવાનું જ હતું.
તેમણે કહ્યું કે, "અમે એવી કામગીરી કરી છે કે ભારત સરકારના 12 નૅશનલ એવૉર્ડ સુરત શહેરને પ્રાપ્ત થયા છે. સુરત મહાનગરપાલિકા તમામ પેરામીટરમાં ટોચ પર રહી છે."
"સ્વચ્છતા, પાણી, ડ્રેનેજ વગેરે સુવિધાઓમાં પાંચ વર્ષમાં કોઈ મહાનગરપાલિકાને નહીં મળ્યા હોય તેટલા એવૉર્ડ સુરતને મળ્યા છે."
તેમણે કહ્યું કે "સુરતમાં જે વૉર્ડમાં ભાજપના પ્રતિનિધિ ચૂંટાયા ન હતા, ત્યાં પણ દ્વેષભાવ રાખ્યા વગર અમે કામ કર્યું હતું."
"10 વર્ષથી જ્યાં અમારા જનપ્રતિનિધિ નથી ચૂંટાયા છતાં ત્યાં પણ અમે સિમેન્ટના રોડ બનાવ્યા છે."
આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા દક્ષેશ માવાણીએ જણાવ્યું કે "માત્ર વિરોધ કરવા ખાતર તેમણે પોતાની લાખો રૂપિયાની ગ્રાન્ટનો ઉપયોગ જ નથી કર્યો."
"તેઓ માત્ર સોશિયલ મીડિયાની રાજનીતિ કરતા હતા. જ્યારે અમે 100 ટકા ગ્રાન્ટ વાપરી હતી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન