ઇલા આરબ મહેતાના કથાસાહિત્યની સ્ત્રીનો અવાજ... 'ન દેવી, ન રાક્ષસી, અમને માત્ર સ્ત્રી રહેવા દો...'

ગુજરાતનાં જાણીતાં નવલકથાકાર, વાર્તાકાર ઇલા આરબ મહેતાનું 6 ઑક્ટોબર, 2026ના રોજ નિધન થયું છે
ઇમેજ કૅપ્શન, ગુજરાતનાં જાણીતાં નવલકથાકાર, વાર્તાકાર ઇલા આરબ મહેતાનું 6 ઑક્ટોબર, 2026ના રોજ નિધન થયું હતું.
    • લેેખક, ડૉ. શરીફા વીજળીવાળા
    • પદ, વિવેચક, અનુવાદક, સંપાદક, બીબીસી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

ઇલા આરબ મહેતા (16-6-1938થી 6-10-2026) અને વર્ષા અડાલજા બંને બહેનોએ પિતા ગુણવંતરાય આચાર્યનો સાહિત્યિક વારસો પોતપોતાની રીતે આગળ વધાર્યો.

વર્ષા અડાલજા નાનેથી નાટ્યપ્રવૃત્તિ બાજુ વળવાને કારણે બોલકણાં પણ ઇલાબહેન જેવાં સૌમ્ય એટલાં જ શાંત... જરૂર ન પડે બોલવાની તો ભાગ્યે જ બોલે. સ્ત્રી સ્વાતંત્ર્યની, સ્ત્રીના સ્વત્વની પોતાના કથાસાહિત્યમાં સતત વાત કરનાર ઇલાબહેને કાયમ પતિનું નામ પોતાની સાથે જોડી રાખ્યું. (અરબસ્તાનમાં જન્મેલા એટલે નામ આરબ (મહેતા) રાખ્યું હતું એટલી માહિતી દીપક મહેતાએ આપી).

ઇલા આરબ મહેતા વાંચીને કોઈને પણ મારી જેમ 'આરબ' નામ માટે કુતૂહલ થાય. સૌમ્ય નાગરી રૂપ ધરાવતાં ઇલાબહેને 14થી વધારે નવલકથાઓ અને 6 વાર્તાસંગ્રહમાં 100થી વધારે ટૂંકી વાર્તાઓ આપી છે. ગુજરાતી સાહિત્યમાં નારીવાદના ઢંઢેરા જેવી બોલકી 'સાત પગલાં આકાશમાં' નવલકથાને ભલે નારીવાદી કૃતિ તરીકે લોકપ્રિયતા મળી પણ હકીકતે 1982માં પ્રકાશિત ઇલા મહેતાની 'બત્રીસ પૂતળીની વેદના' સ્ત્રીના અવાજને, એના સ્વત્વને પામવાના પ્રયાસને વ્યક્ત કરતી આપણી પહેલી કલાત્મક નવલકથા છે.

નિવૃત્તિપર્યંત કૉલેજમાં ગુજરાતીનાં અધ્યાપક રહેનાર ઇલાબહેન શાસ્ત્રીય વિવેચન કે શાસ્ત્રીય વાચન સાથે ભાગ્યેજ સંકળાયાં. એમણે એમનો બધો સમય સર્જન પાછળ જ આપ્યો. એમની પ્રથમ નવલકથા 'ત્રિકોણની ત્રણ રેખાઓ (1969)' પછીથી 'થીજેલો આકાર (1970)', 'રાધા (1972)', 'એક હતા દીવાન બહાદુર (1976)', 'આવતી કાલનો સૂરજ (1979)', 'અને મૃત્યુ (1982)', 'બત્રીસ પૂતળીની વેદના (1982)', 'દરિયાનો માણસ (1985)', 'વસંત છલકે (1987)', 'પરપોટાની પાંખે (1988)', 'પાંચ પગલાં પૃથ્વી પર (1995)', 'ધ ન્યૂ લાઇફ (2004)', 'ઝીલી મેં કૂંપળ હથેળીમાં' (2007), 'વાડ' (2009) અને 'બત્રીસલક્ષણો' છે.

એમના વાર્તાસંગ્રહો: 'એક સિગારેટ, એક ધૂપસળી' (1981), 'વિયેના વુડ્સ' (1989), 'ભાગ્યરેખા' (1995), 'બળવો, બળવી, બળવું (1998), 'યોમ કિપુર' (2006) અને 'કાળી પરજ' (2014) એમ 6 વાર્તાસંગ્રહમાં સો ઉપર વાર્તાઓ એમની પાસેથી મળી છે.

એમની જાણીતી નારીવાદી નવલકથા 'બત્રીસ પૂતળીની વેદના' પરથી વર્ષા અડાલજાએ અમદાવાદ દૂરદર્શન માટે એક ટીવી શ્રેણી 'ઉંબરને પેલે પાર' લખી હતી. ઇલાબહેને પણ ગુજરાતી નવલકથા પરથી ટીવી શ્રેણી લખી છે.

એમની કર્ણની મા રાધાને વિષય બનાવતી 'રાધા', ડૉક્ટરના જ્ઞાનની સામે ભૂવા-ફકીર અને દોરાધાગામાં અટવાતી પ્રજા એક બત્રીસલક્ષણાનો ભોગ લે છે તેની વાત કે 'અને મૃત્યુ' કે 'ધ ન્યૂ લાઇફ'ની ચર્ચાઓ થવી જોઈતી હતી પણ ન થઈ. એમની 'બત્રીસ પૂતળીની વેદના' જેવી કૃતિનો અંગ્રેજી અનુવાદ થવો જોઈતો હતો પણ અફસોસ રીટા કોઠારીએ ઇલાબહેનની અતિશય નબળી નવલકથા 'વાડ'નો અંગ્રેજી અનુવાદ કર્યો! ઇલાબહેનના કથાસાહિત્યને રાષ્ટ્રીય પુરસ્કાર મળવા જોઈતા હતા પણ ન મળ્યા. કારણ કે પુરસ્કારો ખબર નહીં કઈ રીતે પોતાનો રસ્તો શોધતા હશે? એમને જ્યાં જવું હોય ત્યાં જ એ જાય છે.

આગવો રસ્તો શોધવા મથતી સ્ત્રીઓની વાતનું આલેખન

ઇલા આરબ મહેતા અને વર્ષા અડાલજા
ઇમેજ કૅપ્શન, ઇલા આરબ મહેતા અને વર્ષા અડાલજા

ઇલાબહેનની વાર્તા-નવલકથામાં રોજિંદી ઘટમાળમાં ફસાયેલી, પોતાની રીતે રસ્તો કરવા મથતી, શોષાતી સ્ત્રીઓની વાત વધારે થઈ છે.

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

શોષણના, મૂંઝવણના પ્રકારો બદલાતા રહ્યા છે. અહીં તૂટતાં ઘર-પરિવાર છે, વેશ્યાજીવનની વાત કરતી 'અપ્સરા' કે 'ધંધો' જેવી વાર્તા છે. લગ્નનાં તૂટવાં સાથે જિંદગીનો અંત આવે છે એવું એમની 'વિસ્તાર' નામની વાર્તાની નાયિકા નથી માનતી. ઘરની અંદરની સમસ્યાઓ ઉપરાંત ઘરનો ઉંબરો વળોટી બહાર પગ મૂકતી સ્ત્રીઓના પ્રશ્નો પણ એમણે આલેખ્યા છે.

હલકી મજાક-મશ્કરી, દ્વિઅર્થી ભાષા, તક મળ્યે હાથને કે ગમે તે અંગને અડી લેવું... આ પ્રકારના ત્રાસ નોકરી કરતી સ્ત્રીને રસ્તામાં, જાહેર વાહનમાં તથા ઑફિસોમાં વેઠવાના થાય છે. 'શમિક, તું શું કહેશે?' વાર્તાની યોગિની એના નવા બૉસની આવી હલકટ વાતો-વર્તનથી ત્રાસેલી છે. પતિને વાત કરવાથી બહુ ફાયદો થાય એવું નથી લાગતું. વાર્તાના અંતે યોગિની ઊંચી એડીના નવા ચપ્પલ ખરીદવાની વાત કરે છે. એ દર્શાવે છે કે વર્ષો સુધી વેઠતી આવેલી નારી હવે વધુ વેઠી લેવા તૈયાર નથી. એ પોતીકી ઢબે પ્રતિકાર કરશે, સ્વનિર્ભર બનીને. પત્નીની સુંદર કાયાથી બૉસને ખુશ કરવાની પતિની ઇચ્છાની વાત 'આજ સાંજે' વાર્તામાં થઈ છે.

એમની વાર્તાઓની જેમ એમની નવલકથાઓમાં પણ ખાસું વિષયવૈવિધ્ય છે. એ 'બત્રીસલક્ષણો' હોય, 'દરિયાનો માણસ' હોય, 'રાધા' હોય કે લંડનની ધરતી પર જ આત્મનિર્ભર બનતી ગુજરાતી સ્ત્રીની કથા 'ધ ન્યૂ લાઇફ' હોય. સાહિત્ય અને સમાજનો સંબંધ ભણાવતી યુનિવર્સિટીઓનું ધ્યાન કદી આ નવલકથાઓ પર કેમ નથી ગયું એવો પ્રશ્ન પણ થાય. જે ખરેખર મોટા પુરસ્કારને લાયક હતી એવી 'બત્રીસ પૂતળીની વેદના'ની વાત સાથે હું મારી વાત પૂરી કરીશ. અનુરાધા, છાયા, રેખા, વિભાવરી અને વિનોદિનીના જીવનનો ક્લોઝઅપ બતાવતાં સર્જક સમગ્ર સ્ત્રી જાતિની વેદનાઓને વાચા આપે છે આ નવલકથામાં.

'ન દેવી, ન રાક્ષસી, અમને માત્ર સ્ત્રી રહેવા દો...'

એમણે નિવેદનમાં લખ્યું છે: 'જે સમાજમાં પરાક્રમો ફક્ત પુરુષોનાં હોય, સિંહાસનો ફક્ત પુરુષો માટે હોય ને સ્ત્રીઓ જ્યાં કેવળ સિંહાસનની શોભા વધારનારી પૂતળીઓ હોય, જેનું કામ પુરુષોની ગુણગાથા ગાવાનું હોય, ત્યાં જો એ પૂતળીઓ પોતાની વેદનાને વાચા આપે તો સર્જાય છે 'બત્રીસ પૂતળીની વેદના'.

મુખ્ય પાત્ર અનુરાધા લખે છે તે એના પતિને નથી ગમતું. છાયાની નોકરીમાં પ્રગતિ થાય એ એનો લઘુતાગ્રંથિથી પીડાતો પતિ સહન નથી કરી શકતો એટલે છાયાના ચારિત્ર્ય અંગે આક્ષેપ કરે છે. પોતાને સારી ફિલ્મનું દિગ્દર્શન કરવા માટે મયંક એની અભિનેત્રી પત્ની વિભાવરીને ફિલ્મનિર્માતાને શરણે જવા કહે છે. વિભાવરી ન સ્વીકારે તો મયંક એને છોડીને બીજી સ્ત્રીને પકડે છે. રેખાના ધનિક પતિએ અતિશય દેખાવડી પણ ગરીબ ઘરની રેખા સાથે લગ્ન જ બધા વચ્ચે વટ મારવા કર્યાં છે. રેખાને એના ઘરે જવાની કે માંદી માને મળવાની પણ છૂટ નથી. વિનોદિનીને સંતાન નથી એટલે એ ઘરના તથા સમાજનાં મહેણાં-ટોણાં સાંભળીને થાકી ગઈ છે.

આ પાંચેય સ્ત્રી 'આર્યનારી હિતવર્ધક મંડળ'માં શાસ્ત્રીજીના કહેવાથી અનુરાધાએ લખેલું નાટક ભજવવા મંચ પર ઊતરી છે. નવલકથાનું છેલ્લું પ્રકરણ નાટકના મંચનરૂપ છે. સીતાના આદર્શના સંવાદો ભૂલીને અસલ જીવનના સંવાદો પર જઈ ચડતી આ સ્ત્રીઓના વિદ્રોહભરી પીડાની વાતો સાંભળી પ્રેક્ષકોથી માંડીને શાસ્ત્રીજી... સહુ સ્તબ્ધ છે. શાસ્ત્રીજી અનુરાધાને નાટક બચાવી લેવા માટે કહે છે પણ અનુરાધા મંચ પર લખેલી સ્ક્રીપ્ટનાં પાનાં ફાડીને બોલી ઊઠે છે: 'હવે આ નાટક બંધ કરી અમને અમારી જાત શોધવા દો. ન દેવી, ન રાક્ષસી, અમને માત્ર સ્ત્રી રહેવા દો...' નાટ્યગૃહની પ્રથમ હરોળમાં બેઠેલાં બડી અમ્મા બોલી ઊઠ્યાં 'બહુ વર્ષો પહેલાં આ ફાડી નાખવાની જરૂર હતી' સ્ત્રીઓની પીડા તારસ્વરે વ્યક્ત થઈ છે પણ નાટકમાં તો સંવાદો બોલકા જ હોયને? નવલકથામાં નાટક પ્રયોજવાની આ પ્રયુક્તિને કારણે આ નવલકથા પ્રતિબદ્ધ પણ બની અને કલાત્મકતાને પણ વરી.

ઇલા આરબ મહેતા, વર્ષા અડાલજા સાથે ખેવના દેસાઈ
ઇમેજ કૅપ્શન, વર્ષા અડાલજા, ઇલા આરબ મહેતા (વચ્ચે) સાથે ડૉ. ખેવના દેસાઈ

અહીં જાહેરાતોમાં – બ્લેડ, સિગારેટ કે ટાયર –માં સ્ત્રીઓનો થતો ઉપયોગ, વિધવાવિવાહ માટે શાસ્ત્રીજી સહિત સહુનાં બેવડાં ધોરણ, સ્ત્રી એટલે માત્ર દેહ, એની બુદ્ધિ કે આગવી પ્રતિભાની કોઈ કિંમત જ નહીં જેવા પ્રશ્નો ધારદાર રીતે ચર્ચાયા છે. સ્ત્રીનું સ્વત્વ જાગે એ સાથે પુરુષો અસ્વસ્થ થઈ જાય છે. પછી ભલેને તે શાસ્ત્રીજી હોય કે રસેશ.

પુત્ર માટેની ઘેલછા પાછળ લાખો દીકરીઓને ગર્ભમાં જ મારી નાખતા સમાજનું ચિત્ર એમણે 'ઝીલી મેં કૂંપળ હથેળીમાં' નવલકથામાં રજૂ કર્યું છે. સ્ત્રીનો દેહ એના માટે જે સમસ્યાઓ ઊભી કરે છે એની વાત કરતી આ નવલકથા સુખાંત છે. 'પાંચ પગલાં પૃથ્વી પર'માં સ્ત્રીની સ્વાતંત્ર્યની વાત કરતાં ઇલાબહેને 'ધ ન્યૂ લાઇફ'માં વિદેશની ધરતી પર ગુજરાતી સ્ત્રીની આત્મનિર્ભરતાની વાત કરી છે.

આટલું સરસ, આટલા મોટા પ્રમાણમાં લખનાર ઇલાબહેનની સાહિત્યિક કારકિર્દી એક ભાવુક ક્ષણના પરિણામે ઘડાઈ. લગ્ન પછી પોતાની જાતને કુટુંબ, સંતાનો અને નોકરી પૂરતી મર્યાદિત રાખનાર ઇલાબહેને 1965માં ગુણવંતરાય આચાર્યના આકસ્મિક મૃત્યુને કારણે અધૂરી રહી ગયેલી ધારાવાહિક નવલકથા આગળ વધારી પિતૃઋણ ચૂકવવાનું નક્કી કર્યું... અને એના પરિણામે એક પેઢીની સાહિત્યિક વિરાસત આગળની બીજી પેઢી દ્વારા આગળ વધી.

ઇલા આરબ મહેતાના સમગ્ર સર્જનમાંથી પસાર થઈએ ત્યારે એક પીડા ચોક્કસ થાય કે એમના કામ પર સંશોધનો ઘણાં થયાં, લોકોએ એમને વાંચ્યાં પણ ખરાં, પણ એમની સર્જનાત્મક પ્રતિભાને પોંખવામાં આપણે જરા મોળા પડ્યા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન