ઈરાને ઇઝરાયલ પર ફરી મિસાઇલો છોડી, ટ્રમ્પે કહ્યું- 'હવે બહુ થયું, વાતચીતના ટેબલ પર આવીએ'

ઇમેજ સ્રોત, Getty Images
રવિવારે ઈરાને ઇઝરાયલ પર અનેક મિસાઇલો છોડી છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સ (આઇઆરજીસી)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ હુમલાઓ ચેતવણીરૂપ હતા.
આઇઆરજીસીએ કહ્યું કે છે કે આ 'આખા અઠવાડિયા સુધી સતત હુમલાઓ'ની શરૂઆત છે.
રવિવારે સવારે ઇઝરાયલે લેબનોનની રાજધાની બૈરુત પર હુમલો કર્યા પછી ઈરાન દ્વારા આ બૉમ્બમારો કરવામાં આવ્યો હતો.
બૈરુત પરના હુમલાનો ઉલ્લેખ કરતાં, આઇઆરજીસીએ કહ્યું કે જો ઇઝરાયલ 'આક્રમક કાર્યવાહી'નું પુનરાવર્તન કરશે, તો પ્રતિક્રિયા હજુ મોટી હશે અને તેમાં આ ક્ષેત્રમાં આવેલા અમેરિકાના અને ઇઝરાયલનાં તમામ ઠેકાણાંનો પણ સમાવેશ સમાવેશ થઈ શકે છે.
આઇઆરજીસીએ કહ્યું છે કે તેણે હાઇફાના દક્ષિણ-પૂર્વમાં સ્થિત રામત ડેવિડ ઍરબેઝ પર હુમલો કરવા માટે બૅલેસ્ટિક મિસાઇલોનો ઉપયોગ કર્યો છે.
ઈરાને અમેરિકા અને ઇઝરાયલની સરકારો પર યુદ્ધવિરામ હેઠળ તેમણે કરેલા વાયદાઓ પૂરા ન કરવાનો આરોપ પણ મૂક્યો છે. આના પર આ બંને દેશો સાથે ઈરાને પણ હસ્તાક્ષર કર્યા હતા અને એપ્રિલની શરૂઆતમાં એ લાગુ થયો હતો.
ઈરાનના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે તેની સેનાએ કબજાવાળા પેલિસ્ટિનિયન ઠેકાણાંના ઉત્તરમાં આવેલાં અનેક સૈન્ય ઠેકાણાં પર હુમલો કર્યો છે.
મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે આ હુમલાઓ અમેરિકા, ઈરાન અને ઇઝરાયલની વચ્ચે એપ્રિલમાં થયેલા યુદ્ધવિરામના વારંવાર ઉલ્લંઘન પછી કરવામાં આવ્યા છે. આ ઉલ્લંઘનોમાં દેશના દક્ષિણમાં ઈરાની જહાજો અને વિસ્તારો પર અમેરિકાએ કરેલા હુમલા પણ સામેલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બંને પક્ષો વચ્ચે 17 એપ્રિલથી યુદ્ધવિરામ અમલમાં છે, પરંતુ તે ફક્ત નામ પૂરતું જ અમલમાં છે. ઇઝરાયલ અને ઈરાન બંનેએ વારંવાર તેનું ઉલ્લંઘન કર્યું છે.
અમેરિકાએ ગત અઠવાડિયે કહ્યું હતું કે તેણે સપ્તાહના અંતે ઈરાની લશ્કરી ઠેકાણાં પર હુમલો કર્યો હતો, જ્યારે ઈરાને કહ્યું હતું કે તેણે જવાબમાં એક અમેરિકન બેઝને નિશાન બનાવ્યો હતો.
ઈરાનના વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે દેશ તેની સુરક્ષા અને રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરી રહ્યો છે, અને ચેતવણી આપી હતી કે જો ઇઝરાયલ લેબનોન અથવા ઈરાન પર હુમલો કરશે, તો તેને 'જોરદાર, મોટો જવાબ' મળશે.
આ દરમિયાન બૈરુતના દક્ષિણ વિસ્તારો પર ઇઝરાયલી હુમલાઓ પછી લોકોએ તહેરાનમાં સરકારના સમર્થનમાં પ્રદર્શન કર્યું છે.
તસવીરોમાં જોવા મળે છે કે અને પ્રદર્શનકર્તાઓના હાથમાં ઈરાન અને હિઝબુલ્લાહના ઝંડા છે. હિઝબુલ્લાહ લેબનોનનું એક રાજકીય અને સૈન્ય સંગઠન છે જેને ઈરાનનું સમર્થન હાંસલ છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે શું અપીલ કરી?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ હુમલાઓ પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને વાટાઘાટના ટેબલ પર પાછા ફરવા કહ્યું છે.
ફોક્સ ન્યૂઝના એક સંવાદદાતાના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, "તેઓ પહેલેથી જ તેમની મિસાઇલો છોડી ચૂક્યા છે, બસ હવે બસ. ચાલો વાટાઘાટના ટેબલ પર પાછા આવીએ અને એક કરાર પર પહોંચીએ."
ઈરાનના મિસાઇલ હુમલા પછી ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા અમેરિકી અને આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાઓ સાથે વાત કરી છે.
ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરતા પહેલાં ટ્રમ્પે અમેરિકાના મીડિયા આઉટલેટ ઍક્સિઓસને જણાવ્યું હતું કે તેઓ નેતન્યાહૂને ઈરાનના હુમલાનો બદલો ન લેવા વિનંતી કરવાની યોજના ધરાવે છે.
'ટાઇમ્સ ઑફ ઇઝરાયલ' અનુસાર, ટ્રમ્પે ઇઝરાયલની 'ચૅનલ-12' ને પણ આવી જ પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે તેઓ આજે રાત્રે કોઈ વધુ હુમલાઓ જોવા માગતા નથી.
ટ્રમ્પે કહ્યું, "ઈરાનના હુમલાઓથી કોઈને નુકસાન થયું નથી. બંને પક્ષોએ પોતપોતાનું કામ કર્યું. ઇઝરાયલે હુમલો કર્યો અને ઈરાને પણ હુમલો કર્યો. હવે આપણને વધુ હુમલાઓની જરૂર નથી."
તેમણે વધુમાં કહ્યું કે તેઓ નેતન્યાહૂને 'હમણાં' ફોન કરશે અને 'જવાબમાં હુમલો ન કરવા' કહેવાના છે.
અગાઉ, ફાઇનાન્સિયલ ટાઇમ્સ સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યું હતું કે નેતન્યાહૂ પાસે ઈરાન સાથેના સોદાને સ્વીકારવા સિવાય 'કોઈ વિકલ્પ નહીં હોય'.
ઇઝરાયલમાં હાલની સુરક્ષા પરિસ્થિતિને કારણે સોમવારે જેરુસલેમમાં અમેરિકી દૂતાવાસ બંધ રહેશે.
દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે તમામ યુએસ સરકારી કર્મચારીઓને સ્થળ પર રહેવા અને સલામત સ્થળે સ્થળાંતર કરવા માટે તૈયાર રહેવા સૂચના આપી છે.
ઇઝરાયલ શું કરી રહ્યું છે?

ઇમેજ સ્રોત, Reuters
ટેલિગ્રામ પરની એક પોસ્ટમાં ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (આઇડીએફ)એ જણાવ્યું હતું કે તેના ચીફ ઑફ જનરલ સ્ટાફ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે.
ઇઝરાયલી સૈન્યે જણાવ્યું હતું કે લેફ્ટનન્ટ જનરલ ઇયાલ ઝમીરે કહ્યું હતું કે દેશ 'આદેશ મળતાંની સાથે જ સંપૂર્ણ દૃઢતાથી દુશ્મન પર હુમલો કરશે.'
આઇડીએફ પ્રવક્તા બ્રિગેડિયર જનરલ એફી ડેફ્રિને હિબ્રૂ ભાષામાં કરેલા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે ઇઝરાયલી સૈન્ય ઈરાનને નાગરિકો પર 'સતત હુમલા' નહીં કરવા દે.
તેમણે કહ્યું કે ઇઝરાયલ 'વધુ હુમલાઓની શક્યતા માટે તૈયાર છે.'
ડેફ્રિને વધુમાં જણાવ્યું હતું કે દેશભરમાં ઍર ડિફેન્સ સિસ્ટમ તહેનાત કરવામાં આવી છે અને આઇડીએફ ચીફ ઑફ જનરલ સ્ટાફ હુમલાઓ પછી 'પરિસ્થિતિનું મૂલ્યાંકન' કરી રહ્યા છે.
તેમણે કહ્યું, "આઇડીએફ સમગ્ર લેબનોનમાં તેની કાર્યવાહી ચાલુ રાખશે અને હિઝબુલ્લાહ આતંકવાદી સંગઠન પર વધુ ગંભીર પ્રહારો કરશે."
દરમિયાન, સોમવારે સવારે આજે એશિયાના દેશોમાં ઑઇલના ભાવમાં વધારો થયો છે. વધતા સંઘર્ષનો ભય દેખાઈ રહ્યો છે.
ગ્લૉબલ બેન્ચમાર્ક બ્રેન્ટની કિંમત 2.6% વધીને 95.50 અમેરિકી ડૉલર પ્રતિ બૅરલ થઈ છે, જ્યારે યુએસ-ટ્રેડેડ ક્રૂડઑઇલની કિંમત 2.5% વધીને 92.75 અમેરિકી ડૉલર થઈ છે.
એપ્રિલમાં યુદ્ધવિરામ પર સંમતિ થઈ એ પછીથી ઊર્જા ક્ષેત્રના ભાવમાં ભારે વધઘટ જોવા મળી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























