You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકાની આ વાતથી નારાજ થઈ ઈરાને યુદ્ધવિરામ તોડવાની ધમકી આપી – ન્યૂઝ અપડેટ
ઈરાનના ખાતમ અલ અનબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરના કમાન્ડર મેજર જનરલ અલી અબ્દુલ્લાહીએ કહ્યું છે, "જો અમેરિકા તેની નાકાબંધી ચાલુ રાખશે અને ઈરાનનાં વેપારી જહાજો કે ઑઇલ ટૅન્કરો માટે જોખમ ઊભું કરશે, તો તે યુદ્ધવિરામ તોડવાની શરૂઆત હશે."
અલી અબ્દુલ્લાહીએ કહ્યું, "જો અમેરિકા આવું કરશે, તો ઈરાનની સેના પર્શિયન ખાડી, ઓમાન સાગર તથા રાતા સમુદ્રમાં કોઈ પણ જાતની અવરજવર નહીં થવા દે."
ભારતીય સમય મુજબ સોમવારની સાંજથી અમેરિકાની નાકાબંધીનો અમલ શરૂ થયો હતો. અમેરિકાની સેનાનું કહેવું છે કે પ્રારંભિક 24 કલાકમાં કોઈ જહાજ નાકાબંધી પાર નથી કરી શક્યું. ઓમાનની ખાડીમાં છ જહાજોએ પરત ફરવું પડ્યું હતું.
સાથે જ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સ્વીકાર્યું છે કે પાકિસ્તાન સાથે સંદેશાની આપ-લે ચાલી રહી છે અને હજુ પણ પાકિસ્તાન મધ્યસ્થ તરીકેની ભૂમિકા ભજવી રહ્યું છે, જેના ભાગરૂપે પાકિસ્તાનનું એક પ્રતિનિધિમંડળ ઈરાન પહોંચશે.
અમેરિકાના અખબાર 'વૉશિંગ્ટન પોસ્ટ' દ્વારા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકાએ આગામી દિવસોમાં મધ્યપૂર્વ એશિયામાં હજારો સૈનિક મોકલવાની તજવીજ હાથ ધરી છે.
સૂત્રોને ટાંકતા અખબાર લખે છે કે ઈરાનની ઉપર દબાણ વધારવા તથા તેને કરાર માટે તૈયાર કરવા માટે આમ કરવામાં આવ્યું હોઈ શકે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ફોક્સ ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું, "મને રિપોર્ટ મળ્યા હતા કે ચીન દ્વારા ઈરાનને હથિયાર પૂરા પાડવામાં આવી રહ્યા છે. એટલે મેં રાષ્ટ્રપતિ શી જિનપિંગને પત્ર લખીને એમ નહીં કરવા કહ્યું."
ટ્રમ્પનું કહેવું છે કે જિનપિંગે વળતો પત્ર લખીને કહ્યું કે ચીન આવું કંઈ નથી કરી રહ્યું. સાથે જ તેમણે વર્ષ 2015માં ઈરાન સાથે થયેલા પરમાણુ કરારની પણ ટીકા કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજી બાજુ, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને બુધવારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું, "કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં ચીન દ્વારા ઈરાનને સૈન્ય સહાય કરવામાં આવતી હોવાના આરોપ મૂકવામાં આવ્યા છે, પરંતુ તે સંપૂર્ણપણે ખોટા છે."
ઉલ્લેખનીય છે કે આ પહેલાં ટ્રમ્પે જાહેરાત કરી હતી કે 'જે કોઈ દેશ' ઈરાનને સૈન્ય સહાય કરશે, તેની ઉપર 50 ટકાનો ટેરિફ નાખવામાં આવશે.
અમેરિકા સાથે બીજા તબક્કાની વાતચીતની શક્યતા વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિએ આ વાત કહી
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને કહ્યું છે કે ઈરાનને નમાવી દેવાના અમેરિકા અને ઇઝરાયલના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે.
મસૂદ પેઝેશ્કિયાને બુધવારે તહેરાન ખાતે ઇમર્જન્સી સર્વિસિઝના અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
પેઝેશ્કિયાને બેઠક દરમિયાન જણાવ્યું, "ઈરાનની જનતા ક્યારેય અમેરિકા અને ઇઝરાયલનો સ્વીકાર નહીં કરે. ઈરાને હંમેશાં અલગ-અલગ દેશો સાથે સારા સંબંધોની જરૂરિયાત પર ભાર મૂક્યો છે."
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે બીજા તબક્કાની વાટાઘાટની શક્યતા વ્યક્ત કરી છે, એવામાં આ બાબતને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
ઈરાનના અધિકારીઓ કે નેતાઓએ પ્રત્યક્ષ રીતે આના વિશે કોઈ ટિપ્પણી નથી કરી. જોકે, ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી આઇઆરએનએ કૂટનીતિક સૂત્રોના હવાલાથી જણાવ્યું હતું કે આગામી વાટાઘાટ અંગે ઈરાન પાસે "કોઈ જાણકારી નથી."
બીજી બાજુ, પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ તુર્કી, સાઉદી અરેબિયા અને કતારની મુલાકાતે જવાના છે. ચાર દિવસના આ પ્રવાસ દરમિયાન 'દ્વિપક્ષીય વાટાઘાટ' થશે, એમ જણાવવામાં આવ્યું છે.
ટ્રમ્પે કહ્યું હતું કે આગામી બે દિવસમાં ઇસ્લામાબાદમાં કંઈક થઈ શકે છે, જેના પગલે શરીફની આ બેઠકને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
બિહારના નવા સીએમ તરીકે સમ્રાટ ચૌધરીએ શપથ લીધા, નીતિશકુમારે શું કહ્યું?
બિહારના નવા મુખ્યમંત્રી તરીકે સમ્રાટ ચૌધરીએ શપથ લીધા બાદ, રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી નીતિશકુમારે સમ્રાટ ચૌધરીને અભિનંદન પાઠવ્યા છે .
નીતિશકુમારના રાજીનામાથી સમ્રાટ ચૌધરીને મુખ્ય મંત્રી બનવાનો માર્ગ મોકળો થયો હતો. નીતિશ કુમારે તાજેતરમાં રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા.
બિહારના પૂર્વ મુખ્ય મંત્રી નીતિશકુમારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું , "આજે બિહારના નવા મુખ્ય મંત્રી તરીકે શપથ લેવા બદલ સમ્રાટ ચૌધરીજીને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ."
તેમણે લખ્યું, "મને વિશ્વાસ છે કે તમારા નેતૃત્વમાં બિહાર વધુ ઝડપથી વિકાસ કરશે અને દેશના સૌથી વિકસિત રાજ્યોની શ્રેણીમાં સામેલ થશે."
હિંદ મહાસાગરમાં પ્રવાસીઓને લઈ જતી બોટ પલટી, 250 લોકો લાપતા
સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી અને પ્રવાસન એજન્સીઓ અનુસાર, આંદામાન સમુદ્રમાં બોટ પલટી જવાની ઘટના લગભગ 250 રોહિંગ્યા અને બાંગ્લાદેશી લોકો ગુમ છે, જેમાં બાળકો પણ સામેલ છે.
ટ્રૉલર (માછીમારી બોટ) બાંગ્લાદેશથી મલેશિયા જઈ રહી હતી. એજન્સીઓનું કહેવું છે કે ભારે પવન, ખરાબ સમુદ્રી પરિસ્થિતિઓ અને નાવમાં વધુ ભીડ હોવાને કારણે તે ડૂબી ગઈ.
બાંગ્લાદેશ કોસ્ટ ગાર્ડે એએફપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, તેમના એક જહાજે 9 એપ્રિલે આ બોટમાંથી નવ લોકોને બચાવ્યા હતા. જોકે, બોટ ક્યારે પલટી ગઈ, તે હજુ સ્પષ્ટ નથી.
મ્યાનમારનો લઘુમતી સમુદાય, રોહિંગ્યા 2017માં થયેલી હિંસા બાદ મોટી સંખ્યામાં બાંગ્લાદેશ ભાગી ગયા હતા.
મ્યાનમારમાં, જ્યાં મોટાભાગની વસ્તી બૌદ્ધ છે, રોહિંગ્યા મુસ્લિમોને નાગરિકતા આપવામાં આવતી નથી.
બાંગ્લાદેશની ખરાબ પરિસ્થિતિને કારણે, ઘણા રોહિંગ્યા મલેશિયા પહોંચવા માટે જોખમી દરિયાઈ મુસાફરી કરવાનો પ્રયાસ કરે છે, જેને તેઓ સલામત સ્થળ માને છે.
બચી ગયેલા લોકોમાંથી એક, રફીકુલ ઇસ્લામે જણાવ્યું હતું કે બચાવી લેવામાં આવ્યા તે પહેલાં તેઓ લગભગ 36 કલાક સુધી દરિયામાં તરતા રહ્યા હતા. તેમણે કહ્યું કે તેઓ બોટમાંથી છલકાતા તેલથી પણ બળી ગયા હતા.
40 વર્ષીય રફીકુલ ઇસ્લામે કહ્યું કે, મલેશિયામાં નોકરી મળશે તેને કારણે આ મુસાફરી કરવાનો નિર્ણય લીધો હતો.
તહેરાનમાં વિસ્ફોટોનો અવાજ સંભળાયો: ઈરાની મીડિયા
બીબીસી ઉર્દુ અનુસાર , ઈરાની મીડિયાનું કહેવું છે કે, તહેરાનમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો છે.
ઈરાનની રાજધાની તહેરાનના ડિસ્ટ્રિક્ટ 10માં રિવૉલ્યુશનરી ગાર્ડ્સના કમાન્ડર મોહમ્મદ બલિદેહે એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે "દેશદ્રોહી તત્વો" એ "સામાન્ય વિસ્ફોટ" કર્યો છે. જોકે, તેમણે વિસ્ફોટ પાછળ કોણ હતું તે સ્પષ્ટ કર્યું નથી.
તેમનું કહેવું છે કે શહેરની પરિસ્થિતિ 'નિયંત્રણમાં' છે.
વીડિયો સંદેશ પછી, રિવૉલ્યુશનરી ગાર્ડ્સ સાથે સંકળાયેલ ફાર્સ ન્યૂઝ એજન્સીએ એક અલગ અહેવાલમાં જણાવ્યું હતું કે, વિસ્ફોટ 'લિક્વિફાઇડ ગેસથી બનેલા બે વિસ્ફોટકો' દ્વારા થયો હતો.
અહેવાલો અનુસાર, વિસ્ફોટમાં ત્રણ લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી, જ્યારે ત્રણ ઘરોની બારીઓ તૂટી ગઈ હતી અને બે વાહનોને થોડું નુકસાન થયું હતું.
1993 પછી ઇઝરાયલ-લેબનોન વચ્ચે પહેલીવાર સીધી વાટાઘાટો
ત્રણ દાયકાથી પણ વધુ સમય બાદ પ્રથમ વખત લેબનોન અને ઇઝરાયલ વચ્ચે સીધી વ્યૂહાત્મક વાટાઘાટો થઈ છે.
આ પહેલ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય ઇઝરાયલ અને ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવાનો છે.
વાટાઘાટોમાં મધ્યસ્થી કરનાર અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ તેને "ઐતિહાસિક તક" ગણાવી અને કહ્યું કે, તે હિઝબુલ્લાહના પ્રભાવને સમાપ્ત કરવા તરફ એક પગલું હોઈ શકે છે.
અમેરિકાના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બંને પક્ષો સીધી વાટાઘાટો માટે સંમત થયા છે, જોકે સમય અને સ્થળ હજુ નક્કી થયું નથી. ઇઝરાયલે હિઝબુલ્લાહ તરફ ઇશારો કરતાં જણાવ્યું હતું કે તે તમામ બિન-સરકારી સશસ્ત્ર સમૂહોને નિઃશસ્ત્ર કરવા માંગે છે.
આ દરમિયાન, લેબનોને દેશમાં વધતા જતા માનવીય સંકટને પહોંચી વળવા માટે યુદ્ધવિરામ માટે નક્કર પગલાં લેવાની માંગ કરી છે. બંને દેશો વચ્ચે ઔપચારિક કૂટનૈતિક સંબંધો નથી, અને આ સ્તરે છેલ્લે વાટાઘાટો 1993માં થઈ હતી.
2 માર્ચે લેબનોનમાં ઇઝરાયલી સૈન્ય કાર્યવાહી શરૂ થઈ ત્યારથી 2,000થી વધુ લોકો માર્યા ગયા હતા. આ કાર્યવાહી અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર હુમલાના થોડા દિવસો પછી શરૂ થઈ હતી.
મંગળવારે, જ્યારે બંને પક્ષો વૉશિંગ્ટનમાં વાટાઘાટો કરી રહ્યા હતા, ત્યારે હિઝબુલ્લાહે ઇઝરાયલ અને લેબનોનમાં તહેનાત ઇઝરાયલી સૈનિકો પર ઓછામાં ઓછા 24 હુમલાઓની જવાબદારી સ્વીકારી.
ઇઝરાયલનું કહેવું છે કે, તેનું આ અભિયાન હિઝબુલ્લાહને નબળું પાડવા અને તેને ખતમ કરવા માટે છે, જે અગાઉ 2023 અને 2024માં ગાઝા યુદ્ધ દરમિયાન એકબીજા સાથે સંઘર્ષમાં ઉતર્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન