ભૂતિયાં સિમ શું હોય? તમારા નામે કોઈએ કાર્ડ લીધું હોય તો આ રીતે જાણો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, શેખ અન્સારી
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
હૈદરાબાદ શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચે નકલી સિમ કાર્ડના નેટવર્કને નિશાન બનાવીને ઑપરેશન ઑક્ટોપસ 3.0 શરૂ કર્યું હતું.
હૈદરાબાદના પોલીસ કમિશનર સજ્જનારે એક પત્રકારપરિષદમાં જણાવ્યું હતું કે ઑપરેશન ઑક્ટોપસ 3.0 સાયબર ક્રાઇમ માટે ઉપયોગમાં લેવામાં આવતા નકલી સિમ કાર્ડ્સ સામે કાર્યવાહી કરવા માટે હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં 75 કેસમાં 1,194 નકલી સિમ કાર્ડ્સ ઓળખી કાઢવામાં આવ્યાં હતાં. 13 રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને 66 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ કમિશનર સજ્જનારે ખુલાસો કર્યો હતો કે એ લોકો પૈકીના 44 નકલી સિમ કાર્ડના વપરાશકારો હતા. 20 પૉઇન્ટ-ઑફ-સેલ એજન્ટ્સ અથવા ટેલિકૉમ પ્રમોટર્સ હતા તથા બે સિમ કાર્ડ સપ્લાયર હતા.
પોલીસે 554 સિમ કાર્ડ્સ જપ્ત કર્યાં હોવાનું જણાવ્યું છે.
સવાલ એ છે કે નકલી (ભૂતિયાં) સિમ કાર્ડ શું છે અને ગુનેગારો તે કેવી રીતે મેળવતાં હોય છે?
ભૂતિયાં સિમ કાર્ડ શું હોય છે?
હૈદરાબાદ સાયબર ક્રાઇમના ડીસીપી અરવિંદ બાબુએ બીબીસીને કહ્યું હતું કે "કોઈ વ્યક્તિના નામે રજિસ્ટર્ડ સિમ કાર્ડનો ઉપયોગ કોઈ બીજી વ્યક્તિ અપરાધી ગતિવિધિ માટે કરતી હોય તો તેને ભૂતિયાં સિમ કહેવામાં આવે છે."
સાયબર ક્રાઇમનો શિકાર બનતી વ્યક્તિએ શું કરવું જોઈએ, ક્યાં ફરિયાદ કરવી જોઈએ અને ગુનેગારોનો શિકાર થવાથી બચવા માટે શું કરવું જોઈએ, એ બાબતે તેમણે વિગતવાર માહિતી આપી હતી.
આપણી જાણ વિના તે આવું કેવી રીતે કરી શકે?

ઇમેજ સ્રોત, V.C. Sajjanar,IPS/X.com
ડીસીપી અરવિંદ બાબુએ કહ્યું હતું કે "વપરાશકાર નવું સિમ કાર્ડ લેવા આવે અથવા તેનું મોબાઇલ પોર્ટેબિલિટી કેવાયસી કરાવવા આવે ત્યારે તેને જાણ કર્યા વગર વધારાનું એક સિમ કાર્ડ ઍક્ટિવ કરવામાં આવે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વપરાશકાર પાસેથી બાયોમેટ્રિક્સ લેતી વખતે તેઓ એવું કહીને બે-ત્રણ વખત બાયોમેટ્રિક્સ લે છે કે નેટવર્ક યોગ્ય રીતે કામ કરતું નથી, સર્વર ડાઉન છે અથવા ફિંગરપ્રિન્ટ યોગ્ય રીતે કૅપ્ચર થતી નથી.
સુદૂર ગામડાં અને આદિવાસી વિસ્તારોમાં કૅમ્પ લગાવવામાં આવે છે. તેનો હેતુ અત્યંત ગરીબ અને અભણ લોકોને નિશાન બનાવવાનો, તેમના આધાર કાર્ડ તથા બાયોમેટ્રિક્સની માહિતી મેળવવાનો તેમજ તેમના નામે બે સિમ કાર્ડ ઇસ્યૂ કરવાનો હોય છે.
હૈદરાબાદના પોલીસ કમિશનર સજ્જનારે ખુલાસો કર્યો હતો કે "મફતમાં ઇન્ટરનેટ ઉપલબ્ધ કરાવવાની લાલચ આપીને નિર્દોષ લોકોના નામે સિમ કાર્ડ બનાવવામાં આવતા હોવાનું પણ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે."
ગુનેગારોને ભૂતિયાં સિમ મળી જાય પછી શું થાય?

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે ઉમેર્યું હતું કે "સાયબર અપરાધીઓ સામાન્ય સિમ કાર્ડ ઍક્ટિવ થતાંની સાથે જ તેને આધુનિક ટૅક્નૉલૉજીની મદદ વડે ઇ-સિમમાં પરિવર્તિત કરે છે. તેથી તેમણે ગેરકાયદેસર ઍક્ટિવ સિમ કાર્ડ્સ ભૌતિક રીતે વિદેશ લઈ જવાની જરૂર પડતી નથી."
આવી સામગ્રી વિદેશમાં સ્થિત મોખરાની સાયબર ગૅંગ્સને થોડી સેકન્ડ્સમાં જ પહોંચી જાય છે.
"પરિણામે, એ દેશોમાંની ટોળકીઓ કોઈ ફિઝિકલ સિમ કાર્ડ વિના તેમના ફોન પર આપણા દેશના મોબાઇલ નંબરોનો બેધડક ઉપયોગ કરી રહી છે," એવું પોલીસ કમિશનર સજ્જનારે કહ્યું હતું.
ઇ-સિમ વડે કેવા-કેવા ગુના આચરવામાં આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
પોલીસ કમિશનરના કહેવા મુજબ, "પરદેશમાં સક્રિય અપરાધી ટોળકીઓ ભારતીય નંબર્સ વડે વૉટ્સઍપ તથા ટેલિગ્રામ એકાઉન્ટ્સ ઓપન કરે છે. એ ઉપરાંત વૈવાહિક વેબસાઇટ્સ તથા લોકપ્રિય ડેટિંગ ઍપ્સ પર બનાવટી પ્રોફાઇલ બનાવીને ભોળા લોકોને સાયબર જાળમાં ફસાવે છે. તેમની પાસેથી લાખો-કરોડો રૂપિયા પડાવે છે."
કેટલાક કિસ્સાઓમાં આવા નંબર્સનો ઉપયોગ "સેક્સટોર્શન" ટોળકીઓ દ્વારા પણ કરવામાં આવે છે. આવી ટોળકી નગ્ન વીડિયો કૉલ કરીને લોકોને બ્લૅકમેઇલ કરે છે. "ડિજિટલ અરેસ્ટ" ટોળકીઓ પણ આવા નંબર્સનો ઉપયોગ કરે છે. આ ટોળકીઓ પોતે સીબીઆઇ, પોલીસ હોવાનું નાટક કરીને લોકોને ધમકાવે છે અને પૈસા પડાવે છે.
સજ્જનારે કહ્યું હતું કે "પીડિત લોકો આવા નંબરો પર આસાનીથી વિશ્વાસ કરી લે છે, કારણ કે તે આપણા દેશના હોય છે."
આ બધું એક સુનિયોજિત વ્યૂહરચના દ્વારા કરવામાં આવે છે, એવું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે હજારો સિમ કાર્ડ્સના ઍક્ટિવેશનની પ્રક્રિયા લક્ષ્ય અનુસાર પૂર્ણ થઈ જાય એટલે સિમ કાર્ડ ઇસ્યૂ કરતા સ્થાનિક એજન્ટ્સ રાતોરાત તેમની દુકાનો બંધ કરી દે છે અને પાટિયાં ફેરવી નાખે છે.
સાયબર અપરાધના શિકાર થાઓ તો શું કરશો?

ઇમેજ સ્રોત, Getty Images
તમે સાયબર અપરાધના શિકાર થાઓ તો તમારે વહેલામાં વહેલી તકે 1930 પર ફોન કરવો જોઈએ અથવા cybercrime.gov.in વેબસાઈટ પર ફરિયાદ નોંધાવવી જોઈએ.
પીડિત એક કલાકમાં ફરિયાદ દાખલ કરે તો તેમને તેમના પૈસા પાછા મળવાની શક્યતા વધારે હોય છે.
સજ્જનારે કહ્યુ હતું કે "બધા લોકો સાયબર ક્રાઇમ વિશે જાગૃત થાય એવું હું ઇચ્છું છું."
તેમના જણાવ્યા મુજબ, બનાવટી સિમ કાર્ડ નેટવર્કના મુદ્દે તેઓ ગંભીર છે અને એરટેલ, જિયો તથા વોડાફોન આઇડિયા જેવા ટેલિકૉમ સર્વિસ પ્રોવાઇડર્સના ટોચના અધિકારીઓને મળવાનો નિર્ણય તેમણે કર્યો છે. નિયમોમાં જે ખામીઓ છે તેને દૂર કરવા માટે તેમજ કેવાયસી પ્રક્રિયાને વધારે આકરી બનાવવા માટે પરિવહન વિભાગ અને ટીઆરએઆઇ જેવી કેન્દ્રીય સરકારી એજન્સીઓ સાથે પણ તેઓ ચર્ચા કરશે.
કઈ-કઈ સાવચેતી રાખવી જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આવા સાયબર અપરાધથી બચવા માટે શું-શું કરવું જોઈએ, તે સાયબર વિભાગના ડીસીપી અરવિંદ બાબુએ બીબીસીને જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે "લોકજાગૃતિ મહત્ત્વપૂર્ણ છે. સંચારસાથી પોર્ટલ પર જઈને તમારે જાણવું જોઈએ કે તમારે નામે કેટલાં સિમ કાર્ડ્સ છે. તમારી જાણકારી વિના અન્ય સિમ કાર્ડ્સ તમારા નામ પર હોય તેવી ખબર પડે તો તેને તત્કાળ ડિસ્કનેક્ટ કરાવવા જોઈએ."
સિમ કાર્ડ ખરીદતી વખતે કે એક નેટવર્ક પરથી બીજા નેટવર્ક પર સ્વિચ કરતી વખતે સાવચેતી રાખવી જોઈએ. તેમાં વધારાનું એક સિમ કાર્ડ જનરેટ થવાનું જોખમ હોય છે.
સર્વિસ પ્રોવાઇડર તમને બીજી વખત બાયોમેટ્રિક્સ આપવાનું કહે તો તમારે તેને સવાલ કરવો જોઈએ.
"નહીં તો તમારા સિમ કાર્ડનો દુરુપયોગ થવાની શક્યતા હોય છે. તેથી તમારે બહુ સાવધ રહેવું પડશે," એમ તેમણે કહ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે "આ મફત ઑફર છે, તમે ઓછું રોકાણ કરીને વધારે પૈસા કમાઈ શકો છો કે તમને લૉટરી લાગી છે, એવું કોઈ વ્યક્તિ તમને ફોન કે એસએમએસ કરીને જણાવે તો તેનો વિશ્વાસ ન કરવો જોઈએ."
સોશિયલ મીડિયા પર અનેક જાહેરાતો આવતી હોય છે. તમારે તેનાથી પણ સાવધ રહેવું જોઈએ.
એ ઉપરાંત, કોઈ તમને ફોન કરીને જણાવે કે તમારી ડિજિટલ ધરપકડ કરવામાં આવી છે તો ગભરાવાનું નહીં અને તત્કાળ સ્થાનિક પોલીસનો સંપર્ક કરવાનો.
"આવું કરીને તમે સાયબર અપરાધીઓના શિકાર થવાથી બચી શકો છો," એવું અરવિંદ બાબુએ કહ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















